Team Chabuk-Political Desk: પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ રસપ્રદ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસની ચવાઈ ગયેલી રાજનીતિથી ત્રસ્ત જનતાએ અંતે અરવિંદ કેજરીવાલના હાથમાં સત્તા આપી દીધી છે. ગત વર્ષે કોંગ્રેસ પાર્ટીએ જેટલી સીટો પર જીત પ્રાપ્ત કરી હતી તેનાથી વધારે સીટો પર આ વખતે આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. કોંગ્રેસની સ્થિતિ 1997ની ચૂંટણી જેવી છે. જ્યારે તેને પંજાબમાં સૌથી ઓછી 14 સીટો મળી હતી. આમ આદમી પાર્ટીની આ જીતે ચોંકાવી દીધા છે.
પંજાબમાં અત્યાર સુધી જે રિઝલ્ટ આવ્યું તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે જનતાએ આમ આદમી પાર્ટી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. બરાબર પાંચ વર્ષ પહેલાની વાત છે જ્યારે આમ આદમી પાર્ટીના 25 ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી નહોતા શક્યા. 2017માં આમ આદમી પાર્ટીને રાજ્ય બહારની પાર્ટી કહેવામાં આવતી હતી. તેની સાથે ઓરમાયું વર્તન થયું હતું. પાર્ટીએ 117 સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા. ખૂબ મહેનત કરી પણ હાથમાં કંઈ ન આવ્યું. 2017માં પાર્ટી પાસે કોઈ ચહેરો નહોતો. જેના આધાર પર પાર્ટી કેટલીક સીટો જ મેળવી શકે.
આ વખતે પાર્ટીએ બોધપાઠ હાંસિલ કર્યો. ચૂંટણી જંગની શરૂઆત પહેલા જ ભગવંત માનને પંજાબ રાજ્યના સીએમ ઉમેદવાર બનાવી દીધા. ભગવંત માન એ વ્યક્તિ છે જેણે પહેલાથી જ પોતાની પ્રતિભામાં હાસ્યથી ચાર ચાંદ લગાવી દીધા હતા. પંજાબમાં એ એક મોટું નામ હતું. લોકસભા ચૂંટણીમાં ભાજપની લહેર અને પંજાબમાં કોંગ્રેસના ઉત્કૃષ્ટ પ્રદર્શન છતાં ભૂતકાળમાં ભગવંત માને સતત બે વખત સંગરુર સીટ પર કબ્જો જમાવી પોતાની તાકાતનો પરચો કરાવ્યો હતો.
આમ આદમી પાર્ટીએ તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવીને સૌ પ્રથમ પંજાબની જનતાને એ કહ્યું કે પંજાબને પંજાબી નેતૃત્વ જ મળશે. કોઈ દિલ્હીથી આવી અહીંનું નેતૃત્વ નહીં કરે. ભગવત માનની સાધારણ છબી પંજાબના જન માનસમાં કંડારાયેલી હતી. કેટલીય રેલીઓમાં પોતે ભાડાના મકાનમાં રહેતા હતા તેવી વાત કરી લોકોમાં લાગણીનો તાર છંછેડ્યો હતો. રાજકારણી બની ગયા પછી સંપત્તિમાં ઉછાળો આવતો હોય છે, ભગવત માનની સંપત્તિમાં ચૂંટણી દર ચૂંટણી ઘટાડો આવતો ગયો.
પંજાબમાં છેલ્લા સિત્તેર વર્ષનો રાજનીતિક ઈતિહાસ તપાસવામાં આવે તો અહીં સત્તા બે પાર્ટીઓની પાસે જ રહી છે. કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ. 24 વર્ષ સુધી શિરોમણી અકાલી દળે ભાજપની સાથે ગઠબંધનનો ધર્મ નિભાવ્યો. ત્રણ વખત સત્તા પ્રાપ્ત થઈ. 2002 અને 2017માં પંજાબ કોંગ્રેસના હાથમાં આવ્યું. ચૂંટણીઓ નારાથી જીતી શકાય છે. આમ આદમી પાર્ટીનો નારો હતો – ‘इस बार न खावंगे धोखा, भगवंत मान ते केजरीवाल नु देवांगे मौका।’
જનતાને આમ આદમી પાર્ટીના દિલ્હીના મોડલ પર ભરોસો હતો. પંજાબમાં જઈ અરવિંદ કેજરીવાલે દિલ્હીના પોતાના કામનો હિસાબ આપ્યો. પાણી, શિક્ષા, વીજળી સહિતની વાતો એક એક કરી ગણાવી. શિક્ષા, પાણી અને વીજળી સહિતની તમામ સમસ્યાઓમાં ભાવ વધારાથી પંજાબની જનતા પરેશાન હતી. એમણે આપને તક આપી દીધી.
કોંગ્રેસમાં નવજોત સિંહ સિદ્ધુના કારણે બળવાના સૂર ઉઠ્યા હતા. એ બળવાના સૂરનું શાંતિથી શમન કરવાની જગ્યાએ કોંગ્રેસે દેકારો બોલાવ્યો. આ દેકારો એવો હતો કે કોઈ પણ વિપક્ષી પાર્ટીને તેમાંથી લાડવો મળી જાય. સ્પષ્ટ હતું કે ભાજપના હાથમાં એ લાડવો ન આવે. આમ આદમી પાર્ટી લાભ ઉઠાવી ગઈ. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં પણ કેજરીવાલે પંજાબના શીખભાઈઓને ટેકો આપ્યો હતો. દિલ્હીમાં સમસ્યા છતાં કેજરીવાલે ભાવીના ધબકારા સાંભળી લીધા હોય એમ ડગલે અને પગલે ખેડૂતોની પડખે રહ્યા હતા અને મોદી સરકારની આલોચના કરી હતી. જ્યારે કોંગ્રેસની પાર્ટીએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવું અને હિંસાત્મક વલણ દાખવશો તો ખરાબ પરિણામ આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ખેડૂતો પ્રત્યેનું આ વલણ પણ પંજાબની ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસની આડે કાંટો બન્યું.
આમ આદમી પાર્ટીને પંજાબનો આંતરિક કલહ ફાયદાકારક સાબિત થયો હતો. જે સમયે કોંગ્રેસમાં કેપ્ટન અને સિદ્ધુ એકબીજાને શિંગડા ભરાવી રહ્યા હતા, એ સમયે પ્રદેશમાં આમ આદમી પાર્ટી ઘરે ઘરે જઈ જોરદાર પ્રચારમાં વ્યસ્ત હતી. કોંગ્રેસે કેપ્ટન અમરિન્દર સિંહને પાર્ટીમાંથી પાણીચું પકડાવવાનું નક્કી કર્યું. જેની અસર પંજાબની કોંગ્રેસને ચૂંટણીમાં પડી જ છે. કેપ્ટનનું એક સમયનું વફાદાર વોટ બેંક આમ આદમી પાર્ટી તરફ ચાલ્યું ગયું. ઉપરથી સિદ્ધુની ‘હું કહું એમ જ થાય’ની નીતિએ પણ કોંગ્રેસના ભરેલા માટલાની નીચે કાણું પાડી નાખ્યું હતું. પંજાબમાં છેલ્લા આઠેક મહિનાથી સિદ્ધુની છાપ એક અવસરવાદી નેતા તરીકેની બની ગઈ હતી. જેની પંજાબની જનતાને ભનક પણ લાગી ગઈ. સત્તા માટે સિદ્ધુએ મચાવેલા રમખાણનું આજે એ ફળ આવ્યું છે કે પંજાબમાંથી કોંગ્રેસ પાર્ટીનું કાસળ નીકળી ગયું છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ