Homeતાપણુંસિદ્ધુનું લોહીનું પાણી કરી નાખે તેવા શક્તિપ્રદર્શન સામે શું કેપ્ટનનું ધીમે ધીમે...

સિદ્ધુનું લોહીનું પાણી કરી નાખે તેવા શક્તિપ્રદર્શન સામે શું કેપ્ટનનું ધીમે ધીમે ચિત્રવિલોપન થઈ રહ્યું છે?

Team Chabuk-Political Desk: પંજાબના રાજકારણમાં નવજોત સિંહ સિદ્ધુએ ગણતરીના દિવસોમાં કેપ્ટનની આખી બાજી પલટાવી નાખી છે. પ્રદેશ અધ્યક્ષ તરીકેની કમાન પોતાની પાસે રાખી, હવે કેપ્ટનના માનીતાઓને પોતાના કરવામાં લાગી ગયા છે. સોનિયા ગાંધીના કોંગ્રેસ મોવડીમંડળ સહિત હવે પ્રિયંકા ગાંધીનો પણ તેમને સાથ છે. કેપ્ટન આ રાજકીય લડાઈમાં એકલા પડી ગયા હોય એવું લાગી રહ્યું છે. પંજાબના રાજકારણમાં સૌથી મોટો પલટો તો એને જ કહી શકાય કે કેપ્ટનની સાથે અત્યાર સુધી જેઓ હસતાં ખેલતાં હતાં તેઓ સિદ્ધુના ખેમામાં ચાલ્યા ગયા છે.

બુધવારના રોજ સિદ્ધુએ શક્તિપ્રદર્શન કરી કેપ્ટન સામે પોતાનો મહાબલી અવતાર પ્રદર્શિત કર્યો હતો. અમૃતસરના આવાસમાં સિદ્ધુએ 70 ધારાસભ્યો આવશે તેવો દાવો કર્યો હતો, જોકે ધારાસભ્યોની સંખ્યા 62 જોવા મળી હતી. 62 એ પણ કંઈ ઓછા તો નથી. આ સંખ્યાબળે અમરિંદર સિંહની વર્તમાન રાજકીય સ્થિતિ પર સંકટના વાદળો ઘેરાવાના શરૂ કરી દીધા છે. ભવિષ્યમાં કોંગ્રેસ ફરી પંજાબમાં જીતે, તો સિદ્ધુ આ ધારાસભ્યોના સંખ્યાબળના આધારે ખુરશી માટે પોતાની મનમાની ચલાવી શકે છે.

હવે કેપ્ટનના રાજકીય કદને લઈ ચર્ચાઓ થવા લાગી છે. પંજાબમાં કોંગ્રેસને ઊભી કરવી અને જીતાડવી એ વાતે કેપ્ટનને પંજાબના રાજકારણના બાહુબલી બનાવ્યા હતા. સિદ્ધુની એન્ટ્રીથી કેપ્ટનના પારોઠના પગલાં થઈ ગયા છે. હાઈકમાન્ડ દ્વારા સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવામાં આવતા જે નેતાઓ થોડા દિવસ પહેલા કેપ્ટનની સાથે તાળી મારતા હતા એ આજે સિદ્ધુની દિશામાં ગમન કરી ચૂક્યા છે. હાઈકમાન્ડે આપેલ સાથનો સિદ્ધુ કેટલો ફાયદો ઉઠાવી શકે છે તે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં જ ખ્યાલ આવશે.

કેપ્ટનના નેતૃત્વમાં 2022ની વિધાનસભા ચૂંટણી લડવાની હોવાની વાત હાઈકમાન્ડ કરી ચૂક્યું છે. હવે જ્યારે પાર્ટી અધ્યક્ષ જ બદલી ગયા છે ત્યારે નવો હીરો કોણ હશે? એ સવાલો ઉઠી રહ્યા છે. જો આગામી સમયમાં કોંગ્રેસ કેપ્ટનની જગ્યાએ સિદ્ધુને ચૂંટણીની બાગડોર સોંપે છે તો સાફ છે કે મુખ્યમંત્રીનો ચહેરો પણ બદલી જશે, સિદ્ધુનું વધી રહેલું કદ એ વાતની સાબિતી આપે છે કે કેપ્ટનની સન્માનજનક સ્થિતિ ક્યાંક ખોવાઈ ગઈ છે.

પંજાબનું રાજકારણ હટાવો અને આવોનું રહ્યું છે. કેપ્ટન ખૂદ પ્રતાપ સિંહ બાજવાને કિનારા પર લાવી મધદરિયે મોજ કરવા આવી ગયા હતા. કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસને જીતાવી હતી અને પોતાનું કદ વધારી દીધું હતું. તાકાત એટલી વધી ગઈ કે મુખ્યમંત્રીનું પદ પણ તેમને મળી ગયું. વર્તમાનમાં નવજોત સિંહ સિદ્ધુ પ્રદેશ અધ્યક્ષ છે. હટાવવામાં ભલે સુનીલ જાખડ આવ્યા હોય, પણ સાઈડલાઈન તો અમરિંદર સિંહ થયા હોય એવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

23 જુલાઈથી સિદ્ધુ વિધિવત રીતે પદ સંભાળશે. એ દિવસ સુધીમાં સિદ્ધુ અને કેપ્ટન મીઠાઈ ખવડાવી એક સાથે આવી ગયા તો કોંગ્રેસ પાર્ટીની પંજાબમાં તાકાત વધી જશે અને જો આવું નથી થતું તો પંજાબ કોંગ્રેસનું ભવિષ્ય સંકટમાં છે. વિપક્ષી રાગ કરતા આંતરિક રાગ ખતરનાક હોય છે! જો સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે હસ્તમેળાપ નથી થતો તો હવે પછી કેપ્ટન પાસેથી વિધાયકદળના નેતાનું પદ લેવાના પ્રયત્નો શરૂ થશે. જોકે સિદ્ધુએ એ ન ભૂલવું જોઈએ કે ક્રિકેટર કે સ્ટાર જેમ પોતાના ક્ષેત્રમાં મોટી ઈનિંગ રમી શકે છે, તેમ રાજકારણમાં નથી રમી શકતો. અમરિન્દર મંજાયેલા ખેલાડી છે. એ મૌન છે એનો અર્થ એ નથી કે એ હારી ગયા છે. સમય આવતા એ પોતાનો પાસો ફેંકી વિરોધીઓની કમરના મણકા ભાંગવાની તાકાત રાખી શકે છે. એમની નસોમાં કપૂરથલાનું લોહી વહે છે. જેણે મહારાજા બની આજીવન રાજ અને રાજકારણ સિવાય કંઈ નથી કર્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments