Team Chabuk-Political Desk: પંજાબના મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ ચરણજીત સિંહ ચન્નીએ મોટું પરિવર્તન આણ્યું છે. તેમણે કેપ્ટનના નજીક હોય એવા અધિકારીઓને હટાવીને અન્ય અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપી કેપ્ટનના ઝાડની બાકી રહેલી ડાળખીઓને પણ કાપી નાખી છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર વરિષ્ઠ આઈએએસ અધિકારી હુસ્નલાલને મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી બાજુ આઈએએસ તેજવીર સિંહને તેમના પદ પરથી નિલંબિત કરી દેવામાં આવ્યા છે.
વિશેષ પ્રધાન સચિવના પદ પર રાહુલ તિવારીને જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની નજીકના ગણાતા ગુરકીત કૃપાલ સિંહને તેમના પદ પરથી પાણીચુ પકડાવી દેવામાં આવ્યું છે. પંજાબમાં આને સૌથી મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. સચિવાલયના સૂત્રોની જો માનવામાં આવે તો આ અઠવાડિયે જ અન્ય મહત્વના હોદ્દાઓ પર બેઠેલા કેટલાક અધિકારીઓને જ્યાંથી ત્યાં કરવામાં આવી શકે છે.
ચરણજીત સિંહ ચન્નીએ પદભાર સંભાળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તેમણે પંજાબના ખેડૂતોના તમામ બિલ માફ કરવાની ઘોષણા કરી દીધી હતી. ચન્નીએ કહ્યું હતું કે, જો ખેડૂતો અને અને ખેતી કરનારાઓ પર જરા પણ ઉની આંચ આવી તો હું મારી ગરદન આગળ કરી નાખીશ. પોતાને સામાન્ય માણસમાં ખપાવતા પંજાબ હાઈકમાન્ડનો પણ તેમણે આભાર માન્યો હતો. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, જેના ઘર ઉપર છત નહોતી એ આજે મુખ્યમંત્રી છે. કોંગ્રેસે એક ગરીબને આટલું મોટું પદ આપ્યું છે. રાહુલ ગાંધી ગરીબ લોકોની સાથે ઊભા છે. હું પંજાબના દરેક સામાન્ય માણસ તરફથી રાહુલ ગાંધી અને કોંગ્રેસનો આભાર માનું છું. તેઓ પોતે મુખ્યમંત્રી બન્યા તેને તેમણે ચમકૌર સાહિબની ધરતીની કૃપા ગણાવી હતી અને કહ્યું હતું કે, હું ગરીબો માટેનો નેતા છું. હવે પંજાબના લોકોને આગળ લઈને જવા છે. કોંગ્રેસને મજબૂત કરવાની છે.
ચન્નીએ ખેડૂતોને સંલગ્ન કહ્યું હતું કે, જો ખેતી તૂટે છે તો પંજાબ તૂટી જશે. ખેતી છે ત્યારે દેશ છે. પંજાબની સરકાર તમામ રીતે ખેડૂતોની સાથે ઊભી છે. અમે ખેડૂતોને તમામ વસ્તુઓ આપવા માટે તૈયાર છીએ. કોઈ પણ પ્રકારની લાલચ વિના અમે ખેડૂતોની સાથે ઊભા છીએ. ખેડૂત ડૂબ્યો તો ભારત ડૂબી જશે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત