Team Chabuk-Special Desk: ગઈકાલે દેશ માટે એક માઠા સમાચાર આવ્યા. બજાજ ગ્રૂપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન થયું. 50 વર્ષ સુધી બજાજ ગ્રુપની બાગડોર સંભાળી તેને ટોચ પર પહોંચાડનારા અને પદ્મશ્રીથી સન્માનિત ઉદ્યોગપતિએ પુણેના પોતાના નિવાસસ્થાન ખાતે અંતિમ શ્વાસ લીધા. છેલ્લા કેટલાય સમયથી તેઓ કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. મારવાડી પરિવારમાં જન્મેલા ઉદ્યોગપતિએ પોતાની મહેનત અને લગનથી બજાજ ગ્રુપને દેશના ટોપ ગ્રુપમાં સ્થાન અપાવ્યું હતું. તેમના નિધનથી વેપારી જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
10 જૂન 1938માં બંગાળ પ્રેસીડન્સીમાં તેમનો જન્મ થયો. રાજસ્થાનના મારવાડી ખાનદાનમાં પેદા થયેલા રાહુલનો સંબંધ રાજસ્થાનના સીકર જિલ્લાના કાશીકાબાસથી છે. તેમની પ્રાથમિક શિક્ષા કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન શાળામાં પૂર્ણ થઈ હતી. જ્યારે દિલ્હી વિશ્વવિદ્યાલયના સેન્ટ સ્ટીફેન્સ કોલેજથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી અને બોમ્બે વિશ્વવિદ્યાલયમાંથી કાયદામાં સ્નાતક થયા હતા. રાહુલે હાર્વડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ પૂર્ણ કર્યું હતું. બજાજનો પાયો તેમના દાદા જમનાલાલ બજાજે નાખ્યો હતો. જેને રાહુલ બજાજે પોતાના અથાગ પરિશ્રમના બળે ઊંચાઈ પર પહોંચાડી દીધો.
દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજે ગત વર્ષે 29 એપ્રિલ 2021ના રોજ બજાજ ઓટોના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે વય વધી રહી હોય આ પદનો ત્યાગ કર્યો હતો. 1972થી તેઓ આ સમૂહના ચેરમેન પદ પર કાર્યરત હતા. રિપોર્ટ અનુસાર, રાહુલ બજાજે વર્ષ 1965માં બજાજ સમૂહમાં પોતાની જવાબદારીની શરૂઆત કરી હતી. એ પછી તેમણે અવિરત પ્રયાસ કરી બજાજને અડચણોના ટ્રાફિક જામ વચ્ચેથી આગળ વધારી.
બજાજ ચેતકના નામથી અસંખ્ય લોકો પરિચિત હશે. આ ચેતક પણ રાહુલની જ ભેટ છે. રાહુલના નેતૃત્વમાં બજાજ ચેતક સ્કૂટર અસ્તિત્વમાં આવ્યું હતું. જોતજોતામાં બજાજ ચેતક ભારતનું સૌથી પસંદગીનું દ્વિચક્રિય વાહન બની ગયું. રાહુલ એ બજાજ સમૂહના અધ્યક્ષ હતા. ચેતકની લોકપ્રિયતા એટલી હતી કે એ સમયે બજાજ સમૂહને ભારતનું હ્રદય કહી બોલાવવામાં આવતી હતી. 1980ના સમયમાં બજાજ ચેતક નિર્માણ બાબતે અવ્વલ હતું.
વર્ષ 2001માં ભારત સરકારે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રમાં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહ્યા. રાહુલ બજાજને ફ્રાંસના સર્વોચ્ચ નાગરિક સન્માન નાઈટ ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ લીઝન ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રાહુલ બજાજ એ વેપારીમાંથી એક છે જેમણે ઉદારીકરણની નીતિનો વિરોધ કર્યો હતો. તેમને આઈઆઈટી રૂડકી સહિતની સાત વિશ્વવિદ્યાલય દ્વારા ડોક્ટરેટની માનદ પદવી આપવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત