Homeતાપણુંરાજકોટ શહેરમાં ભાજપે તમામ નવા ચહેરા ઉતાર્યા, જ્યારે તાલુકાની બેઠકો પર જુના...

રાજકોટ શહેરમાં ભાજપે તમામ નવા ચહેરા ઉતાર્યા, જ્યારે તાલુકાની બેઠકો પર જુના જોગીને આપી ટિકિટ

Team Chabuk-Political Desk: રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાંથી આજે ભાજપ દ્વારા સાત વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમા કેટલાક નવા ચહેરાને ટિકિટ અપાઈ છે તો કેટલાકને રિપીટ કરવામાં આવ્યા છે. આજે ભાજપ દ્વારા જાહેર કરાયેલા રાજકોટ જિલ્લાની સાત બેઠકોના ઉમેદવારમાં ચાર ચહેરા નવા છે તો ત્રણ ચેહરા રિપીટ કરવામાં આવ્યા છે.

નવા ચહેરા

રાજકોટ જિલ્લાની સાત બેઠકોના ઉમેદવાર ભાજપે આજે જાહેર કર્યા છે. જેમાંથી રાજકોટ શહેરની ગણાતી ચારેય બેઠકો ઉપર ભાજપે નવા ચેહરા પસંદ કર્યા છે અને હાલના ધારાસભ્યોને ઘરે બેસાડ્યા છે. જેમાં રાજકોટ પૂર્વ બેઠક પર હાલના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીને ટિકિટ આપવામાં નથી આવી. રૈયાણીની જગ્યાએ ઉદય કાનગડને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપના સિનિયર ધારાસભ્ય એવા ગોવિંદ પટેલને પણ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપવામાં નથી આવી. ગોવિંદ પટેલની જગ્યાએ ભાજપે રાજકોટ દક્ષિણ બેઠક પરથી ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને મેદાને ઉતાર્યા છે. તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ રાજકોટ પશ્ચિમ બેઠક પર પડતાં મૂકાયા છે. વિજય રૂપાણીની જગ્યાએ રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહને ટિકિટ અપાઈ છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય બેઠક પર લાખા સાગઠિયાની જગ્યાએ ભાનુબેન બાબરિયાને ટિકિટ આપવામાં આવી છે.

રિપીટ ચહેરા

ભાજપે રાજકોટ તાલુકાની ત્રણ સિટ પર ઉમેદવારોને રિપીટ કર્યા છે. જેમાં જસદણ બેઠક પર સિનિયર નેતા કુંવરજી બાવળિયાને ફરીથી ટિકિટ અપાઈ છે. તો ગોંડલ બેઠક પર ભારે ખેંચતાણ બાદ હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે અને જેતપુર બેઠક પરથી પણ જયેશ રાદડિયાને ફરીથી ટિકિટ ભાજપે આપી છે.

મહત્વનું છે કે, રાજકોટ જિલ્લાની ધોરાજી બેઠક પરથી ભાજપે કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે ધોરાજી બેઠક પરથી નવો ચહેરો આવે છે કે પછી રિપીટ થાય છે તે આગામી યાદીમાં જાણી શકાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments