Team Chabuk-National Desk: દક્ષિણનું ફિલ્મ જગત નિરાળું છે. ધીમે ધીમે દક્ષિણના પંજામાં સમગ્ર ભારત આવી રહ્યું છે. જ્યાં હિન્દી ફિલ્મો ઉણી ઉતરી રહી છે ત્યાં દક્ષિણની ફિલ્મો મનોરંજન અને મેસેજના સમન્વય સાથેનું વર્તુંળ રચી ડબલ દૂધ આપતી ભેંસ બની રહી છે. અહીં જેટલું ઈશ્વરની પૂજાનું ચલણ છે એટલું જ મહાત્મ્ય ફિલ્મ અભિનેતાઓનું પણ છે. ફિલ્મ અભિનેતાઓ ત્યાં એટલા લોકપ્રિય છે કે અત્યાર સુધીમાં 6 તો ફિલ્મ અભિનેતાઓ જ દક્ષિણની રાજનીતિમાં કેન્દ્ર સ્થાને રહ્યા છે. ફક્ત રાજનીતિમાં રહ્યાં નથી મુખ્યમંત્રી પણ બની ચૂક્યા છે. હાલમાં કંગના રનૌતની ફિલ્મ જયલલિતા ચર્ચામાં છે. તો બીજી બાજુ આજે દક્ષિણના સુપરસ્ટાર અને જેના વિના દક્ષિણ ફિલ્મ જગતનું નામ સુદ્ધા ન લેવાય તેવા રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે.
ભાજપ ગમે તે ભોગે ત્યાં સત્તાનો નાનો એવો ટૂકડો મેળવવા માટે અધીરી બની છે. તેમના ઉમેદવારોનો સમૂહ નાનો છે. ગત વખતે જે રીતે ભાજપના તમિલનાડુની ચૂંટણીમાં ભૂંડા હાલ થયા હતા, એ જોતા દૂધનો દાઝ્યો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે, તેમ બીજેપી ધીમે ધીમે પોતાના દક્ષિણી મૂળિયા મજબૂત કરવાની દિશામાં આગળ ડગલાં માંડી રહી છે.
ભાજપ માટે જ વારંવાર ટ્વીટ કરતી અને તેમની ઓનલાઈન રક્ષા કરતી અભિનેત્રી કંગના રનૌતની જયલલિતા પરની ફિલ્મ ચર્ચામાં છે. જેમાં તે મશહૂર અભિનેત્રી જયલલિતાનું પાત્ર ભજવી રહી છે. જોકે કંગના તમિલનાડુની નથી એટલે કદાચ તમિલનાડુની જનતા તેનો અભિનય ઉત્કૃષ્ટ હોવા છતાં તેના પ્રેમમાં નહીં પડે. ફિલ્મનું ટ્રેલર તમિલનાડુની ચૂંટણી વખતે જ લોન્ચ કરવામાં આવ્યું અને કંગનાની વાહવાહી થઈ ગઈ. આ વાહવાહી કંગનાની તો નહોતી જ થતી. ઉપરથી હવે દાદા સાહેબ ફાળકે એવોર્ડ રજનીકાંતને.
ભાજપની સરકાર આવી છે ત્યારથી માધ્યમોમાં તે વધારે જ રૂચિ લઈ રહી છે. તેનું સોશિયલ મીડિયા પાવરફુલ બનાવી રહી છે. ચૂંટણી ટાણે તેને ખ્યાલ હોય છે કે કેવા પ્રકારની ફિલ્મો પ્રસ્તુત કરવી. કોંગ્રેસને પછાડવા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પરની ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મ હોય, કે પછી વિવેક ઓબરોયની નરેન્દ્ર મોદી પરની ફિલ્મ હોય. ઉપરથી વેબસાઈટ અને યુટ્યુબ પર પણ સરકાર નજર રાખવાની વાતો કરી રહી છે, કારણ કે સરકારની વાસ્તવિકતા નાના માધ્યમો દર્શાવી રહ્યા છે. ફરી રજનીકાંત પર ગાડી ચડાવીએ.
ભાજપને રજનીકાંત સાથે હસ્તધૂનન કરવાની ઈચ્છા તમિલનાડુની ચૂંટણીના ડંકા વાગ્યા એ પહેલાથી હતી. અવાર નવાર એ ધ્વનિ મીડિયાના માધ્યમથી સાંભળવા મળતો હતો કે રજનીકાંત ભાજપ સાથે આવી શકે છે. એવામાં રજનીકાંતે એ વાત પર પાણી ફેરવી દીધું. તેણે એ વાત કહી કે હું પાર્ટી બનાવીશ પણ મુખ્યમંત્રી નહીં બનું.
રજનીકાંતની નાદુરુસ્ત તબિયતના કારણે પણ આ નિર્ણય લેવાયો હોય, કારણ કે હજુ સુધી અભિનેતાની નવી ફિલ્મની જાહેરાત પણ નથી થઈ. રજનીકાંત સ્વતંત્ર પાર્ટી સાથે મેદાનમાં ઉતરે કે પછી કોઈની સાથે ગઠબંધન કરીને, તેના લોકપ્રિયતાના વંટોળને જોતા જીત તેની જ થવાની હતી. જોકે હાલમાં તમિલનાડુમાં રજનીકાંત સામ્રાજ્ય દૂર દૂર સુધી દેખાતું નથી.
એવામાં ભાજપે તમિલનાડુમાં એક મોટો ખિલ્લો ઠોકી દીધો છે. આ ખિલ્લાનું નામ છે રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ. તમિલનાડુની જનતા અભિનેતાઓ અને અભિનેતાના સન્માનની પ્યાસી છે. સિનેમા ક્ષેત્રે આ સન્માન દેશનું સૌથી મોટું સન્માન ગણવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી તમિલાનાડુના કોઈ અભિનેતાનું નામ આ સૂચિમાં નહોતું ત્યારે એક્શન અને ડાન્સ દ્વારા વર્ષોથી જનતાનું મનોરંજન કરતા રજનીકાંતનું નામ આવે તો ઘેર ઘેર જનતા આનંદ ભયો થવાની જ છે. ઉજાણી કરવાની જ છે. આ વાત અહીંથી અટકતી નથી. ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વીટર હેન્ડલ પરથી રજનીકાંતને શુભેચ્છાઓ આપવામાં આવી છે.
AIDMKની સાથે ભાજપ ભલે 20 જેટલી સીટ પર જ ઉતરવાની હોય, કોઈ મોટું નામ તેની સાથે ન હોય, પણ પોતાની અમીટ છાપ અત્યારથી જ છોડવા લાગી છે. કદાચ આ રજનીકાંતની એવી પ્રથમ ફિલ્મ હશે જેમાં તેની હાજરી ન હોવા છતાં મુખ્યભૂમિકા ભજવી રહ્યો છે. AIDMKને ભાજપની સરકાર ત્યાંથી તો મદદ નથી કરી શકતી પણ માધ્યમ અને એવોર્ડ દ્વારા મદદ કરી જ રહી છે.
બંગાળમાં પણ ચૂંટણી ઢંઢેરામાં માધ્યમલક્ષી બે જાહેરાત ભાજપે કરી છે. દંતકથા સમાન દિગ્દર્શક સત્યજીત રાયના નામ પર ઓસ્કર એવોર્ડ કક્ષાનો એવોર્ડ આપવામાં આવશે અને સાહિત્યમાં ટાગોરના નામ પર નોબલ કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવશે. માણસ પ્રસિદ્ધી અને ઈનામનો ભૂખ્યો હોય છે એ વાત બીજા કોઈ સંશોધન દ્વારા સાબિત કરે કે ન કરે, પણ ભાજપે સંશોધનના ખર્ચ વિના સાબિત કરી બતાવ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત