Homeવિશેષએક વ્યક્તિના જીવનમાં ‘ગુરુ’નું સ્થાન શું હોય શકે?

એક વ્યક્તિના જીવનમાં ‘ગુરુ’નું સ્થાન શું હોય શકે?

રૂપલ મહેતા: એક વ્યક્તિના જીવનમાં ‘ગુરુ’નું સ્થાન શું હોય શકે એ તો એ જ સમજી શકે જે વ્યક્તિને જીવનમાં ગુરુ મળ્યા હોય! ગુરુ મેળવવા શિષ્ય બનવું પડે છે. જેની પાસેથી જે શીખવા મળે, શીખવા તૈયાર રહેવું પડે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરા શ્રેષ્ઠ પરંપરાઓમાની એક છે. ‘જેમ ઈશ્વર બધે સંભાળ ના રાખી શકે માટે એને ‘મા’નું સર્જન કર્યું તેમજ ઈશ્વર બધાને સાચો રસ્તો ના દેખાડી શકે તેટલા માટે એણે ‘ગુરુનું’ સર્જન કર્યું.’

ગુરુ એ શિષ્ય માટે સર્વાંગી વિકાસનો એ પથદર્શક છે જે શિષ્યને દુર્ગુણોરૂપી અંધકારમાંથી સદગુણોરૂપી પ્રકાશ તરફ લઇ જાય છે. ગુરુ ચાણક્ય બની રાષ્ટ્ર નિર્માણ માટે ચંદ્રગુપ્ત જેવો શિષ્ય ઉભો કરી શકે તો કૃષ્ણ બની થાકેલા, હારેલા, નિરાશ થયેલા અર્જુનને પાનો ચડાવી અધર્મ, અન્યાય સામે લડવા તૈયાર પણ કરી શકે તો ક્યાંક ગુરુ એનીસુલીવાન બની બહેરી, મૂંગી અને આંધળી હેલનકેલરનાં જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી તેના જીવનને અન્ય દિવ્યાંગ માટે કે સંપૂર્ણ સ્વસ્થ માનવ માટે ઉદાહરણરૂપ પણ બનાવી શકે, તો વળી આચરેકર જેવા ગુરુ સચિન તેંડુલકરને ક્રિકેટની દુનિયાનો ભગવાન બનાવી શકે ને રામકૃષ્ણ જેવા ગુરુ નરેન્દ્ર જેવા યુવાનને ‘સ્વામી વિવેકાનંદ’ માં પરિવર્તિત કરી ભારત દેશને થનગનતા યુવાધનથી સભર પણ કરી શકે, ને કોઈ ગોપાલકૃષ્ણ ગોખલે જેવા ગુરુ ‘મોહનદાસ ગાંધી’ને રાજકારણમાં લાવી રાષ્ટ્રપિતા પણ બનાવી શકે. આ તો જુજ ઉદાહરણો છે, બાકી ગુરુ શું કરી શકે એની યાદી બનાવીએ તો વિશ્વભરનાં પુસ્તકાલયો તેના જ ગ્રંથોથી ભરાય જાય તેવું બને!

ગુરુના સ્વરૂપ બાબતે મૂંઝવણ ના ઉભી કરતા મિત્રો ગુરુ તો ગમે તે સ્વરૂપે આપની સમક્ષ, આપણા જીવનમાં આવી આપણા પથને ઉજાગર કરી શકે છે. ગુરુ ‘મા’ સ્વરૂપે પણ હોય, થોમસ આલ્વા એડીસનની ગુરુ તેની માતા હતી જ્યારે શાળાના તમામ શિક્ષકોએ ભણાવવાની ના પાડી તેઓની મા એ ઘરે ભણાવી તેઓને વૈજ્ઞાનિક બનાવ્યા, તો વિષ્ણુગુપ્તને ચાણક્ય બનાવનાર ગુરુ તેઓના જ પિતા ‘ચાણક’ જ હતા. પિતા એ જ તેઓને જિંદગીની મુશ્કેલીઓ સામે લડતા ને અન્યાયી રાજાનો વિરોધ કરતા શિખવેલ.

તો વળી દત્તાત્રેય ભગવાને કુતરા જેવા પ્રાણીને ગુરુપદ આપેલું, તો એકલવ્ય જેવા શિષ્યે ગુરુની મૂર્તિને ગુરુ બનાવી બાણવિદ્યામાં પારંગતતા હાંસિલ કરેલી. તો એ પણ ના ભૂલીએ કે ઘણાના જીવનમાં રામાયણ, મહાભારત, ભગવદ્-ગીતા જેવા ધાર્મિક ગ્રંથોએ પણ ગુરુની જેમ સાચી દિશા દેખાડવાનું કામ કર્યું છે. કલાના ક્ષેત્રમાં મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્રો પણ વ્યક્તિઓના ગુરુપદે આવી શકે કે પછી કુદરતના તત્વો જેમ કે દરિયો વિશાળતાનો, નદી વહેવાનો, ફૂલ કાંટા વચ્ચે રહીને પણ ખીલવાનું કે પછી પક્ષીઓ કલરવ કરી સુમધુર જીવન બનાવવાનું શીખવે જ છે ને? ને વૃક્ષો તો આપણા ‘મહાગુરુ’છે જેઓ આપણને પરોપકારના પાઠો શીખવતા રહે છે. એટલે જ તો ગુણવંત શાહ વૃક્ષને ‘સંતો’ જેવા કહે છે. તેથી જ તો કહ્યું છે ને કે જેની પાસેથી જે કંઈ પણ શીખવા મળે તેઓ સૌ આપણા ગુરુ જ છે ને? અરે ટી.વી., મોબાઈલ કે ઈન્ટરનેટ જેવા માધ્યમો પણ જો સારું ને સાચું શીખવે તો તેઓ પણ આપણા ગુરુ જ છે ને?

સમય જતા ગુરુનું સ્થાન બદલાયું છે કે નીચું ગયું છે, કે આપણી ‘ગુરુ-શિષ્ય’ પરંપરા લુપ્ત થતી જાય છે વગેરે, વગેરે, વાતો આપણે સાંભળતા રહીએ છીએ, પણ આ વાતો સાવ ખોટી છે. હકીકત તો એ છે કે મિત્રો જ્યાં સુધી આ વિશ્વમાં સત્ય, ધર્મ અને સારાઈનું અસ્તિત્વ રહેશે ગુરુના સ્થાનને કદી આંચ આવવાની નથી. માત્ર માધ્યમો બદલાવાથી કે અભિવ્યક્તિની રીતો બદલવાથી‘ગુરુ-શિષ્ય’ ની પરંપરાને કદી ઠેસ લાગવાની નથી.

આજે આપણે જે સ્થાન પર છીએ કોઈ ગુરુની ગુરુતાને લીધે જ છીએ. ગુરુ-શિષ્ય એ કોઈ પરંપરા કરતા પણ વિશેષ એક સંબંધ છે ને એ કદી તૂટવાનો નથી. આ સંબંધો તો આજની તારીખે પણ એટલા જ વંદનીય ને પૂજનીય છે જેટલા પેલાના સમયમાં હતા. ગુરુનું સ્થાન કદી બદલવાનું નથી ભલે તે આસન છોડી ખુરશી પર બેસી ભણાવે કે પછી આશ્રમ છોડી સ્કૂલના બિલ્ડીંગમાં ભણાવે તેની મહત્તા તો જળવાય જ રેવાની. ગુરુ કાલેય પથદર્શક હતા ને આજે પણ છે જ. આપણા ગુરુ-શિષ્ય સંબંધો એટલા નાજુક નથી કે બે-ચાર માધ્યમોના પ્રભાવથી એ તૂટી જાય કે ખંડિત થઇ જાય! વિશ્વ ગમે તેટલું બદલાય, ટેકનોલોજી ગમે તેટલી વિકસે કે પછી માણસ ગમે તેટલો આધુનિક બને પણ ગુરુનું સ્થાન જ્યાં હતું ત્યાં જ રહેવાનું છે. તે કદી વિખંડિત થવાનું નથી. ‘ગુરુની’ અતુટ પ્રતિમાને કાળનો કોઈ પ્રવાહ ક્યારેય વહાવી શકવાનો નથી. જ્યાં સુધી આ વિશ્વને સાચી રાહ દેખાડનારની જરૂર છે ,‘ગુરુ’ ધ્રુવના તારાની જેમ અવિચળ ચમકી સર્વને સાચો માર્ગ બતાવતા રહેશે. અમથું થોડું શિક્ષણ પરિવર્તનનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે !

 અત્યારે તો જિંદગી ખુદ ‘ગુરુ’ બની ઘણું બધું શીખવી અને સમજાવી રહી છે. અત્યારે જો આ ગુરુજી પાસેથી જીવતા શીખી લઈશું તો જીવન પ્રત્યે કોઈ ફરિયાદો નહિ રહે. સાચો ગુરુ એ જે આપણને પ્રયાસો તરફ લઇ જાય! આજના આ પાવન પ્રસંગે બધાને જીવનમાં ‘ગુરુ’ મળી રહે તેવી શુભેચ્છા. તમે તમારામાં રહેલા ગુરુત્વને ઓળખો તેવી શુભેચ્છા સહ સૌને ‘ગુરુપૂર્ણિમા’ નિમિતે પ્રણામ..

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments