Homeવિશેષસિંહાસન બત્રીસી – રત્નમંજરી : વિક્રમનો જન્મ તથા સિંહાસન પ્રાપ્તિ

સિંહાસન બત્રીસી – રત્નમંજરી : વિક્રમનો જન્મ તથા સિંહાસન પ્રાપ્તિ

Team Chabuk : સિંહાસનમાંથી એક પુતળી બહાર આવી અને બોલી, ‘પ્રણામ મહારાજ મારું નામ રત્નમંજરી છે.’ પુતળીનું સિંહાસનમાંથી આમ બહાર આવવું રાજાને અજુગતુ લાગ્યું. આ કઈ વિમાસણમાં તે પડી ગયો હતો તે તેને સમજાતું ન હતું. ક્યાંક નાહકની સમસ્યા તો વહોરી નથી લીધી ને ? રાજાના મનમાં એકસામટા વિચારો આવવા લાગ્યા પણ એ બોલ્યો નહીં. રત્નમંજરીએ તેને રાજા વિક્રમનો જન્મ તથા સિંહાસન પ્રાપ્તીની વાર્તા કહેવા માંડી.

આર્યવર્તમાં અમ્બાવતી નામનું એક રાજ્ય હતું. ત્યાંના રાજાનું નામ ગંધર્વસેન. જેણે ચારે વર્ણોની સ્ત્રીઓ સાથે વિવાહ કર્યા હતા. બ્રાહ્મણીના પુત્રનું નામ બ્રહમણીત હતું. ક્ષત્રાણીના ત્રણ પુત્ર થયા શંખ, વિક્રમ અને ભર્તુહરિ. વૈશ્ય પત્નીએ ચન્દ્રક નામના પુત્રને જન્મ આપ્યો. શુદ્ર પત્નીએ ધન્વન્તરિ નામના પુત્રને જન્મ આપ્યો. બ્રહમણીતને ગંધર્વસેને પોતાનો દીવાન બનાવ્યો. બ્રહમણીત પોતાની જવાબદારી ન નિભાવી શક્યો અને રાજ્ય છોડી પલાયન થઈ ગયો. થોડા સમય રખડ્યા પછી ધારાનગરીમાં ઊંચો હોદ્દો મેળવ્યો પણ રાજા બનવાની તેનામાં મહત્વકાંક્ષા હતી. એ ત્યાંના રાજાનો વધ કરી ગાદી પર બેસી ગયો. બ્રહમણીત સુશાસન ચલાવી રહ્યો હતો અને એટલામાં તેને પોતાના ઘરની યાદ આવી ગઈ. પોતાના પિતા અને ભાઈઓનું તેને સ્મરણ થઈ આવ્યું. તે કક્ષમાં રડવા લાગ્યો અને નક્કી કર્યું કે તેણે કોઈને કહ્યા વિના પોતાના પિતાની ભેટ કરવા માટે જવું. એ કોઈને પણ કહ્યા વિના ઉજ્જૈન જઈ પહોંચ્યો, પણ ઉજ્જૈનમાં પગ મુકતા જ તેનું નિધન થઈ ગયું.

અમ્બાવતી રાજ્યમાં ક્ષત્રાણીના પુત્ર શંખને મનમાં શંકા ઉપજી. તેને થયું કે પિતા મારી જગ્યાએ વિક્રમને યોગ્ય સમજી ઉત્તરાધિકારી ઘોષિત કરી દેશે. શંખના મનમાં ઈર્ષ્યાનો કિડો સળવળ્યો. એને પણ ખ્યાલ હતો કે વિક્રમ તેનાથી અધિક યોગ્ય છે જ્યારે તે મુર્ખ છે. શંખે નક્કી કર્યું કે રસ્તા વચ્ચેના તમામ કાંટાઓને કાઢવા પડશે. તેણે રાતના ગાઢ નિંદ્રામાં રહેલા પિતાની હત્યા કરી નાખી અને સ્વયં રાજા બની બેઠો. શંખે ગાદી માટે પિતાની હત્યા કરી નાખી છે એ ખબરને મહેલમાં ફેલાતા વાર ન લાગી. તેના બીજા ભાઈઓ હત્યાના ડરથી ભયભીત થઈ ઉભી પૂંછડીએ ભાગી ગયા. રહ્યો તો ફક્ત વિક્રમ. તેને પણ ખબર પડી જતા તે પણ ભાગી છૂટ્યો. બીજા ભાઈઓ શંખના હાથમાં આવતા ગયા અને મોતને ઘાટ ઉતરતા ગયા. રાજ્યનો શંખ સિવાય કોઈ ઉત્તરાધિકારી ન રહેવો જોઈએ, મનમાં એવી ગાંઠ વાળી તે એક પછી એક ભાઈઓની હત્યા કરતો ગયો. હવે બાકી વિક્રમ રહ્યો હતો, પણ ચાલાક વિક્રમનો કોઈ જગ્યાએ પતો નહોતો લાગી રહ્યો.

શંખના ગુપ્તચરો અને સૈનિકોએ દિવસ-રાત એક કરી ત્યારે ખબર પડી કે ગાઢ જંગલમાં સરોવરની નજીક એક ઝુંપડી આવેલી છે. તેમાં વિક્રમ રહે છે અને કંદમૂળ ખાઈને ઘોર તપશ્ચર્યા કરી જીવન નિર્વાહ કરે છે. વિક્રમને મારવા માટે તેણે એક યોજના બનાવી. જંગલમાં કોઈને ખબર પણ ન પડે કે વિક્રમ મૃત્યુ પામ્યો છે અને તે પોતાના હાથે મર્યો છે આ માટે તાંત્રિકને ષડયંત્રનો ભાગ બનાવી લીધો.

તાંત્રિકે વિક્રમ સાથે ભેટ કરી અને તેનું જ્ઞાન માપ્યું. મીઠી મીઠી વાતો કરી વિક્રમને પોતાની જાળમાં ફસાવી લેતા તાંત્રિકે તેને ભગવતી આરાધનામાં સામેલ થવાનું કર્યું. વિક્રમે તેને હા તો પાડી દીધી પણ તાંત્રિકની આંખ પરથી તે વરતી ગયો હતો કે નક્કી દાળમાં કંઈક કાળુ છે.

વિધિ સમયે ત્યાં છુપાઈને શંખ પણ હાજર હતો. એ રાહ જોતો હતો કે ભગવતી આરાધનાના અંતિમ ચરણમાં વિક્રમ દેવીને નમન કરે અને હું તેની ગરદન મારી તલવારથી એક ઝાટકે કાપી નાખું. એ ખંધુ હસી રહ્યો હતો. સંયોગવશ તાંત્રિક અને જંગલમાં રહી રહીને વિક્રમના પણ વસ્ત્રો અને હાવભાવ એક જેવા જ થઈ ગયા હતા. બંનેને લાંબી જટા હતી. બંનેને લાંબી દાઢી હતી. અસ્તવ્યસ્ત કપડા પહેરેલા હતા. ગળામાં રુદ્રાક્ષની માળા હતી. જેથી કોણ વિક્રમ છે ? અને કોણ તાંત્રિક ? તેની ખરાઈ કરવી અઘરી હતી. શંખ જ્યાં છુપાયો હતો ત્યાંથી વારંવાર નજર કરવા નહોતી મળતી. એને તો ઘડી ઘડી વારે ધ્યાનથી જોવું પડતું હતું કે કોણ તાંત્રિક છે અને કોણ વિક્રમ ?

સમય આવતા જ તાંત્રિકે ભગવતીની આરાધના સમાપ્ત કરી વિક્રમને સાષ્ટાંગ દંડવત્ કરવાનું કહ્યું. વિક્રમે કહ્યું, ‘પ્રથમ આપ કરો એ પછી હું આપને અનુસરતા કરીશ.’

તાંત્રિક મૂર્ખ હતો. એ વિક્રમની વાતમાં સોઈમાં દોરો પરોવાય એમ પરોવાય ગયો. તે સાષ્ટાંગ દંવડત્ કરી બતાવવા નીચે નમ્યો. તેના નમતા જ શંખે તે વિક્રમ છે એમ સમજી તેની ગરદન કાપી નાખી. શંખ સૈનિકો વિના આવ્યો હતો તે તેની મોટી મૂર્ખતા હતી. વિક્રમે સાધુ વેશ ભલે ધારણ કર્યો હોય, પણ તે સિંહની જેમ શિકાર કરવાનું નહોતો ભૂલ્યો. તેણે શંખના હાથમાંથી તલવાર ઝપટી તેનું માથું પણ ધડથી અલગ કરી નાખ્યું.

શંખની મૃત્યુ બાદ વિક્રમ રાજા બન્યો. તેનો ધામધૂમથી રાજ્યાભિષેક થયો. એક દિવસ શિકાર કરવા માટે વિક્રમ જંગલમાં ગયો. એક હરણ તેને મળી ગયું. નક્કી કર્યું કે શિકાર આ હરણનો જ કરવો છે. હરણનો પીછો કરતા કરતા તે અરણ્યમાં ભટકી ગયો. વનમાં રખડતા રખડતા તેને એક મહેલ દેખાયો. ખબર પડી કે મહેલ તૂતવરણનો છે જે રાજા બાહુબલનો દીવાન છે. તૂતવરણ સાથેની ભેટ મિત્રતામાં પરિણમી. બંનેએ ખૂબ વાતો કરી અને વાતો વાતોમાં જ તૂતવરણે વિક્રમના કાને વાત નાખી, ‘હે વિક્રમ તું યશસ્વી રાજા બની શકે છે. જો રાજા બાહુબલ તેને તિલક કરે. અને હા..’

‘અને શું તૂતવરણ ? ’ વિક્રમે તેના ફફડતા અટકી ગયેલા હોઠને જોઈ આશ્ચર્યથી પૂછ્યું.

‘ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલું સ્વર્ણ સિંહાસન જો બાહુબલ વિક્રમને આપી દે તો વિક્રમ ચક્રવર્તી સમ્રાટ બની જશે.’

વાત બની ગઈ. બાહુબલે વિક્રમનો ન માત્ર રાજતિલક કર્યો પણ તેને રાજીખુશી એ સિંહાસન ભેટમાં આપી દીધું. સમય જતા વિક્રમાદિત્ય ચક્રવર્તી સમ્રાટ બની ગયો અને તેની કિર્તી ચારે દિશાઓમાં ફેલાવા લાગી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments