મયૂર ખાવડુ: સાંજના જગદીશ ઘેલાણીનો ફોન આવ્યો અને વાતુનો વંટોળીયો તાલાળા બાજુ ફંટાયો. એનો ખૂણે ખૂણો કેવો છે તે મેં બાપ દીકરીની તબિયત પૂછે એમ પૂછી લીધું. અમે હિરણથી હુડકો, નરસિંહ ટેકરીથી નગરપંચાયત સ્કૂલ, ગલિયાવડ રોડથી ગુંદરણ રોડ, મીલના મેદાનથી હુડકો, આ બધાનું સમુદ્રમંથન કરતાં કરતાં બાપુ ગાડીમાં આવતાં હતાં ને અનાયસે મારાથી સારણનું પૂછાઈ ગયું. હું ત્યાં સ્થિર થઈ ગયો. હવે વાતોના વડા સારણના થાય તો સારું એમ મારું મન મોર બની થનગનાટ કરી કહેવા લાગ્યું.
‘એ તો બૂરી નાખી.’ જગદીશના અવાજે મને થોડી વાર માટે ઝકઝોળી દીધો. અવાજ આવતો બંધ થઈ ગયો. સ્મૃતિની એક ચાદર મને વીંટળાઈ ગઈ. એક પટારો ખુલ્યો. એમાંથી ખજાનો નીકળ્યો. એ ખજાનામાં એક સારણ હતી. એમાં પાણી વહેતું હતું. હું તેમાં કૂદી ગયો. આપણે આપણા સંસ્મરણોમાં આમ જ કૂદકા મારતાં હોઈએ છીએ. એ ગન્ધથી છૂટવા વલખા મારતા હોઈએ છીએ, પણ સ્મરણની મ્યુનિસિપાલિટીનું કામ કાંઈક અલગ જ છે. આપણે જેવું જીવીએ છીએ એ દિશામાં જ એ પોતાનું કર્તવ્ય સિદ્ધ કરે છે.
સારણ અમારા તાલાળાની જીવાદોરી. કોઈક વખત બારેમાસ સહારાનાં રણની જેમ સુકાયેલી હોય. કોઈક વખત જ્યારે નીકળો ત્યારે એમાં માથોળા સુધીનું પાણી ભરાયેલું હોય. ખેડૂને પાણી પુગાડવા સાટુ થઈને સારણ ચાલુ કરતાં. કોક વખત હિરણમાં પૂરનો પ્રવાહ વધી જાય ત્યારે તે ઉગ્રવતીને શાંતવતિ બનાવવા માટે સારણ કામ આવતી. એની શરૂઆત હિરણ નદી બાજુથી થતી. મને ગૌશાળા બાજુ જતાં નાનો પુલ આવે ત્યાંથી દેખાવાની શરૂ થાય. એ સારણની નજીક મારા જ નામેરી મયૂર સોંદરવાનું ઘર. અમે સાતમું ધોરણ માનસ વિદ્યાલયમાં સાથે ભણતાં. એ ખણખોદિયાને સારણમાંથી એક વસ્તુ મળેલી અને તેણે કલ્પનાનાં ઘોડા દોડાવતા કહેલું કે, ‘આની પાસેથી જે માગો ઈ મળી જાય.’
અમે કેટલું બધું માગ્યું પણ કાંઈ ન મળ્યું. નાહકના મથી મથીને થાક્યા પછી એ આઠમી અજાયબીને એણે સારણમાં જ સ્વાહા કરી દીધેલી એવી વાત હરતી ફરતી મારા કાને પડી હતી. આજે ક્યાંકથી ઉડતી ઉડતી એ વસ્તુ મારા હાથમાં પાછી આવી જાય તો હું શૈશવના સ્મરણોને ફરી માણવા માટે તેની પાસે કાંઈક માગી લઉં. માગી લઉં કે મને ફરી એ જ દુનિયામાં લઈ જા અને એ સૃષ્ટીનો વારંવાર ભોગવટો કરવા દે. એ સૃષ્ટીમાંથી બહાર નીકળવાની મારી વય થાય કે મને પાછો ત્યાં ધકેલી દે. આવો દંડ ભોગવવા હું તૈયાર છું.
સારણમાં બારેમાસ પાણી હોય કે ન હોય કચરો તો હોય જ. તાલાળાની આજુબાજુના જેને જોવ ઈ મણ મણનો કચરો સારણમાં ઠલવવા આવી જાય. અજાણ્યા સાથે શરત બાંધો તો એ કહે, ‘આ તો ડમ્પિંગ સાઈટ છે.’ એની સુંદરતાને પહેલા બગાડે. લોખંડનો વારો માટીની અંદર અડધો ખૂપેલે હોય. એમાં કોઈ કચરો નાખે અને સારણનું હિરણ માથેથી સબડકા લેતું આવે એટલે કોથળી સીધેસીધી એ વારાની સાથે જોઈન્ટ થઈ જાય. એ ફૂટ ફૂટ ઉંડા પાણીમાંથી નીકળવા માટે બોવ જ મહેનત કરે પણ નીકળી ન શકે. ઘણી વખત તો એ માછલીની જેમ તરતી હોય.
હું અને સારણ આંબાના ઝાડની બાજુએથી જોડાઈ જઈએ. મેં માનસ સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે હરદાસભાઈનો નાનીયો દિલીપ જેને અમે દિલપો કહેતા એણે મને સારણ દેખાડેલી. હું કોઈ‘દિ સારણના પાણીમાં ગરકેલો નહીં. એ કેટલું ઊંડું એની એ વખતે મને ભાળ નહીં.
દિલપો મને સારણની બાજુ લાવ્યો તો હું તો બી ગ્યો. મારી અને દિલપાની સાથે જીવો હોય. જીવો મારી ભેગો માનસમાં જ ભણતો હતો. ભણવામાં એક નંબરનો ઢ. એના બાપા એને ડોબો કહેતા. ડોબા કહેતા એટલે ગુસ્સામાં લાલઘુમ થઈ જતો. ઘરની બહાર નીકળી ડેલી પછાડતો આવે એટલે અમે સમજી ગયા હોઈએ કે જીવાને ઘરેથી આજે સળી કરી છે.
આ હું, જીવો અને દિલપો અમે ત્રણે પહેલી વખત એક સાથે સારણમાં કૂદેલા. નિશાળે જવામાં મોડું થઈ ગયું હતું. ઉતાવળે પગલે અમે ત્રણે ચાલતાં હતાં. મોડું થ્યાનું જવાબદાર અને મૂળભૂત કારણ પણ અમારો જીવો જ હતો. એ મોડો સૂતો. પાછું એને નિશાળેથી આવી લેસન ન કરવાનું હોય પણ ભેંસ દોવાની હોય, નિરણ નાખવાના હોય અને એની બાને ભેંસુના મૂતર પાણી ને પોદરા કાઢવામાં બે હાથ લગાવવાના હોય. તોય ટાઈમ વધે તો જીવો સાંઢીયાગાડી લઈ આંઈથી ત્યાં ભાટક્યા કરે. સાવેય નવરો હોય તો હિરણ નદીમાં ધુબાકા મારતો હોય અને એના ડિલને ઘસી ઘસીને લૂછતો હોય.
નિશાળે જવાનું મોડું થયું એટલે ઉતાવળે ચાલતાં હતાં પણ પ્રાર્થના તો બોલાય જ ગઈ હશે એની ચિંતા અને માલદે સાહેબ માસ્તરનાં હાથની થપ્પડ અત્યારથી મગજમાં ચક્કર લઈ રહી હતી. રાઉન્ડ મારીને જઈએ તો તો મોડું થઈ જાય. દિલપાને વિચાર આવ્યો અને જીવો સહમત થયો એટલે પહેલી વખત સારણમાં પગ બોળી નાખ્યાં.
મારું તો પહેલી વખત હતું એટલે એક કોરથી દિલપાએ મારો હાથ પકડ્યો અને બીજી બાજુથી જીવો. સાથળ સુધી નિશાળનું બ્લૂ કલરનું પાટલુન ઊંચુ લીધું. સારણનું પાણી જોરમાં હતું. હિરણ આ વખતે જંગલમાંથી ઘણું બધું તાણી લાવી હતી. હું પહેલો… હું પહેલો… એમ કરી પાણી ધક્કા મુક્કી કરતું હતું. એક જ મિનિટમાં સારણ પાર કરી ગ્યા અને સીધા ઓલી બાજુ. દિલપો સૌની મોઈર દોડ્યો, હું દિલપાની પાછળ અને સૌથી પાછળ નવા નિશાળિયા તરીકે જીવો. હાંફતા હાંફતા નિશાળે પહોંચ્યા. હું અને જીવો માનસમાં અને નજીકની નવજીવનમાં દિલપો ભણે. અંદરથી પ્રાર્થનાનો અવાજ સંભળાતો હતો. છોકરીઓ ગવડાવતી હતી.
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
મેં પાપ કર્યાં છે એવાં, હું તો ભૂલ્યો તારી સેવા
મારી ભૂલોને ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી
સારણે અમને માલદે સાહેબની મારથી બચાવી લીધા. એ પછી તો સારણ સાથે પાક્કી મિત્રતા બાંધી લીધી. સીદીયુંના છોકરા તો ગજબના! સારણના આ છેડેથી ભૂસકો મારે અને સીધા ઓલા છેડે. આખેઆખું દસ ફૂટ આંખની પાંપણ ઝબકાવો એટલી વારમાં વાંદરાની જેમ ટપી જાય. અમે સારણ સાવ સુકાઈ ગઈ હોય ત્યારે એ રીતે ટપતા.
એ સારણની નજીક આંબો હતો. મારા પાક્કા ભેરુ સાકીરને એક વખત ઘુરી સુજી ગઈ. એણે સાઈકલને ઊભી રાખી અને નીચે લબડતી કેરીને પાડવાનો મનસૂબો મનમાં ઘડી લીધો. એ ઊંચાઈમાં બાઠીયો અને હું પણ એની લગોલગ જ એટલે કોઈકાળે મેળ પડે નહીં. સાકીરીયો શરીરમાં ઝાડીયો ખરો. મને કહે, ‘તું મારા ખભ્ભા ઉપર ચડી બે કેરી ખેંચી લે.’
હું સાકીરના ખભ્ભા ઉપર ચડી ગયો. અમને ખબર નહોતી કે આંબાની માલકણનું ઘર સારણના કાંઠે જ આવેલું છે અને એ મગર જેવી બાઈ ડેલીના નાના એવા વીંધામાંથી અમારી વાનરવૃતિ જુએ છે. જેવો હું સાકીરની માથે બેલેન્સ જાડવીને ચડ્યો એ ભેગી એ કાળમૂખી દરવાજો ધડાંગ કરતીક ખોલીને આવી ગઈ. મારો હાથ તાલાળાની કેસર કેરીને અડકવામાં જ હતો ને ત્યાં તો એણે આવીને સાકીરને લાફટ મારવાનું શરૂ કરી દીધું. સાકીરનું બેલેન્સ વીખાઈ ગયું અમે નીચે પડ્યા. સાકીરે સાઈકલ લીધી અને હું દોડીને આગળ નીકળી ગયો. ભાગે ઈ ભાઈડા! જોયું તો સાકીરનો ગાલ લાલચોળ થઈ ગયો હતો. એ બાઈ હજુય ઊભી ઊભી અમને ગાળો ભાંડતી હતી. એનામાં દયા નામનો છાંટો નહોતો.
બીજા દિવસે સવારના પહોરમાં સાકીરે એનાં દોસ્તારોની અવડચંડી ટૂકડીની મદદથી બાઈની મોટી મોટી કેરીઓ હનુમાનબાપાને ન્યાં મોરારીબાપુની, ‘‘રામા રામા રામ સીતા રામ રામ રામ… હરે રામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ….’’ ધૂન ચાલતી હતી ત્યારે સારણમાં ફેંકી દીધી. સારણે બદલો પૂરો કરવામાં મદદ કરી.
હું કેમ ભૂલું. એ સારણના કાંઠે મારા મિત્ર બિશોરીયા રવિનું મકાન. એની પાણીપુરીની રેકડી ત્યાં પડી હોય. સારણની બાજુમાં આવીને ઊભા રહી જાવ એટલે એ ઘર દેખાય. એમાં સિમેન્ટનું રંગરોગાન કરેલું નહોતું. ખાલી બેલા રાખ્યાં હતાં. બે બેલાને સિમેન્ટની મદદથી જોઈન્ટ કરેલા હતાં. એક નાનું એવું જંગલ કુંવારિકાની જેમ એનાં ઘરમાં ઊભું હોય. ફળ, ફૂલ, વૃક્ષો બધુંય ત્યાં જ. અંદર ગરકીએ એટલે એની નજર પવન તમારી બાજુ ફેરવી નાખે.
બિશોરિયા રવિના ઘર બાજુથી તો અમે સારણ ટપતાં જ હતાં પણ એની ઘરની પાછળની બાજુએથી પણ સારણ નીકળતી. એ ટપવાનો લ્હાવો પણ લીધો છે. એકવાર તો હું અને પ્રતીક સારણ કેટલી લાંબી છે એ જોવા માટે પગપાળાની જાત્રા આરંભી. ગીતો ગાતા જઈએ અને મલકતાં મલકતાં સારણનાં કાંઠે કાંઠે હાલતા જઈએ. મારો બેટો સારણનો છેડો આવે જ નહીં. છેલ્લે દિનુભાઈની નવી દુકાન સુધી ટાંટીયાતોડ કર્યા પછી પાછા ફરી ગયા. અમારી હિંમત જવાબ આપી ગઈ.
સારણની સૌથી મોટી વસ્તુ જે મારા કૂતુહલમાં વધારો કરતી એ એનાં માછલા. કાંઠે બેસીને જોવાની બઉં મજા આવતી. કોઈ પ્રિયતમાને તેનો આશિક જોયા જ કરે એ રીતે અમેય જોયા જ કરીએ. નજીક જાવ તો સારણના પ્રવાહમાં ભાગી છૂટે. સીદીના છોકરાઓ અને મુસ્લિમભાઈઓ જાળ નાખીને બેઠા હોય કે ક્યારે હાથમાં આવે. અવાજ કરીએ તો દે તાણીને ભાગી જાય.
‘નદીનાં માછલા મીઠા હોય…’ આમ કરી અમારી ભેગો ભણતો ખાલીફ સારણમાં કૂદેલો જ્યારે બહાર નીકળ્યો ત્યારે એના હાથમાં માછલી તરફડતી હતી. થોડીવાર પછી એ મુક્ત થઈ ગઈ. એ જીવ ક્યાં ગયો હશે? હિરણનો દરવાજો ખોલવામાં એક ટાણું મગર પણ સારણમાં ઘુસી ગયેલી. કોઈ પાણીની અંદર તો ન જાય પણ ગૌશાળા બાજુ આવેલા પુલ પાસે ચિક્કાર ભીડ અફવા ફેલાવે, ‘એ મને દેખાઈણી, જો રહી આંઈખ્યું…’ સારું બાપા ભેટો ન થઈ ગયો. બાકી આ લખવા જેવા ન રેવા દેત.
આવી વાતો હતી મારી સારણની… કો’કની નજરું લાગી ગઈ.
(નરસિંહ ટેકરીમાંથી)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત