Team Chabuk-Politics Desk : રાજકારણમાં કોઈ પ્રવેશે એટલે પહેલાં કાર્યકરની જવાબદારી સંભાળે. પછી ધીમે ધીમે કાર્યકરમાંથી કોઈ જિલ્લા, તાલુકા કે ગ્રામ્યમાં પક્ષ તેને નાનો મોટો હોદ્દો આપે. આ હોદ્દો ધીમે ધીમે મોટો થતો જાય. અને એક સામાન્ય કાર્યકર ધારાસભ્ય, સાંસદ સભ્ય કે પછી મુખ્યમંત્રી અને વડાપ્રધાન પણ બની જાય. રાજકારણમાં હોદ્દા માટે પડાપડી થતી હોય. યોગ્ય હોદ્દો ન મળે તો નારાજ પણ થાય. ઊંચો હોદ્દો મેળવવા નેતાઓમાં ખેંચતાણ થતી હોય પરંતુ ગુજરાત કોંગ્રેસના એક નેતાએ ઊંચા હોદ્દામાંથી મુક્ત કરીને તેની જગ્યાએ નાનો હોદ્દો આપવાની વાત કરતાં રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં ચર્ચાઓ થવા લાગી છે.
આ નેતા એટલે ગુજરાત કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ. શક્તિસિંહ ગોહિલની આવડત અને રાજકીય સુઝબુઝના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડે તેઓને બિહાર જેવા મોટા અને મહત્વના રાજ્યના કોંગ્રેસ પ્રભારી બનાવ્યા છે. સંગઠનમાં પણ શક્તિસિંહ ગોહિલની પકડ મજબૂત છે. પરંતુ હવે શક્તિસિંહ ગોહિલ બિહાર કોંગ્રેસના પ્રભારી પદેથી છુટકારો મેળવવા માગે છે. એક મોટા રાજ્યના પ્રભારીના હોદ્દાએથી તેઓને હવે મુક્ત થવું છે. તેથી તેમણે જાતે જ પક્ષ સમક્ષ માગ કરી છે કે મને પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવે અને પક્ષમાં કોઈ નાનું પદ આપવામાં આવે.
નાનું પદ માગવાનું કારણ શું ?
પ્રભારીનું મોટું પદ છોડીને નાનું પદ માગવાની મુસિબત શક્તિસિંહને કેમ આવી, આ અંગે જો વાત કરીએ તો ખુદ શક્તિસિંહ ગોહિલે જ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘અંગત કારણોસર મેં કોંગ્રેસ હાઈકમાન્ડને વિનંતી કરી છે કે મને લાઈટ જવાબદારી એટલે કે સંગઠનમાં નાનો હોદ્દો આપવામાં આવે અને બિહારના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવે.’ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, તેઓને થોડા મહિનામાં ઝડપથી આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે.
निजी कारणो से मैंने कांग्रेस आलाकमान से गुज़ारिश कि है की मुजे लाइट जिम्मेवारी दी जाए और बिहार के प्रभार से मुक्त किया जाए। Due to personal reasons, I have requested our Party High Command to allocate me lighter work for next few months and to relieve me ASAP as #Bihar incharge🙏 pic.twitter.com/V9GZY0PsN5
— Shaktisinh Gohil (@shaktisinhgohil) January 4, 2021
બિહાર ચૂંટણીમાં કોંગ્રેસની હાર જવાબદાર ?
થોડા સમય પહેલા જ બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બિહારની ચૂંટણી વખતે કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ જ હતાં. પાર્ટી તેમના માર્ગદર્શન હેઠળ જ ચૂંટણી લડી રહી હતી. જો કે કોંગ્રેસ સારું પ્રદર્શન ન કરી શકી. શક્તિસિંહ ગોહિલ પાર્ટીને જીતાડવામાં સફળ ન રહ્યા તેથી કોંગ્રેસની અંદર ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે શક્તિસિંહ ગોહિલ પાસેથી પ્રભારી પદ છીનવી લેવામાં આવી શકે છે. જો કે આ ચર્ચાઓની વચ્ચે શક્તિસિંહ ગોહિલે સામેથી જ પ્રભારી પદની જવાબદારીમાંથી મુક્ત કરવાની માગ કરી દીધી છે. હાલ શક્તિસિંહ ગોહિલ બિહાર કોંગ્રેસના પ્રભારી ઉપરાંત ગુજરાતથી રાજ્યસભાના સાંસદ પણ છે. સાથે જ પાર્ટીમાં તેમની પકડ પણ મજબૂત છે.
2017માં ભાજપના સપના પર શક્તિસિંહે ફેરવ્યું હતું પાણી
રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર ગુજરાતમાં 2017માં ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી વખતે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો અને પોતાના સમર્થક કેટલાક ધારાસભ્યો સાથે પક્ષના વ્હીપનો અનાદર કરીને ભાજપના સમર્થનમાં મતદાન કર્યું હતું. ભાજપનો પ્લાન હતો કે અહેમદ પટેલને રાજ્યસભામાં જતા રોકવા. તેના માટે કોંગ્રેસના કેટલાક બળવાખોર ધારાસભ્યોએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું. પરંતુ છેલ્લી ઘડીએ શક્તિસિંહ ગોહિલે ટ્રમ્પ કાર્ડ વાપર્યું અને રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે પોતાનો મત બતાવીને અમિત શાહને આપ્યો હોવાની રજૂઆત ચૂંટણી પંચ સમક્ષ કરી. ચૂંટણી પંચે આ બન્ને મત રદ કર્યા અને તેથી અહેમદ પટેલ જીતી ગયા. આમ રાજ્યસભા ચૂંટણી વખતે શક્તિસિંહ ગોહિલ પાર્ટીના સંકટમોચક બનેલા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત