લેખક – શરદ જોશી
અનુવાદક – Team Chabuk
મંત્રી હતા ત્યાર તેમના ઘર આંગણે કાર બાંધેલી રહેતી હતી. આજકાલ કવાર્ટરમાં રહે છે અને દરવાજા પર ભેંસ બાંધેલી હોય છે. હું જ્યારે તેમને ત્યાં પહોંચ્યો એ છોકરાને દૂધ દોહતા શીખવાડી રહ્યા હતા અને અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા કે નવી પેઢી કેવી આવી ગઈ છે કોઈને ભેંસ દોહતા નથી આવડતું.
મને જોયો તો બોલ્યા, ‘ભળથું થઈ ગયું છે તેના પર મીઠું નાખવા આવ્યો છો.’
‘મીઠું એટલું સસ્તુ નથી કે આ રીતે નષ્ટ કરી શકાય. કોંગ્રેસ રાજમાં મીઠું પણ આટલું સસ્તુ નથી રહ્યું.’
‘કોંગ્રેસને શું કામે દોષ આપો છો. અમે તો મીઠાનું આંદોલન ચલાવ્યું હતું.’ ફરી બોલવા લાગ્યા, ‘જે આવે છે કોંગ્રેસને દોષ આપે છે, તમે પણ શું વિરોધી દળમાંથી છો ?’
‘આજકાલ તો કોંગ્રેસ જ વિરોધી દળ છે.’
એ ચૂપ રહ્યા અને પછી બોલ્યા, ‘કોંગ્રેસ વિરોધી દળ હોઈ જ ન શકે. એ તો રાજ કરશે. અંગ્રેજ અમને રાજ સોંપી ગયા છે. વીસ વર્ષથી ચલાવી રહ્યા છીએ અને બધા જાણે છે. વિરોધીઓને શું આવડે છે, ફાઈલ પણ બરાબર નથી કરી શકતા. અમે હતા તો ઓફિસરોને ખીજાતા હતા. જેવું ઈચ્છીએ એવું કરાવી લેતા હતા. હિંમતથી કામ કરતા હતા. સંબંધીઓને નોકરીઓ અપાવી અને પોતાના હતા તેમને વસ્તુઓ અપાવી. ઓફિસરોની તો એક ન ચાલવા દીધી. કરીને બતાવે વિરોધી દળ. એક જમાનો હતો કે ઓફિસરો ખૂદ લાંચ લેતા હતા અને ખાઈ જતા હતા. અમે સવાલ ઊભો કર્યો, અમારું શું થશે ? પાર્ટીનું શું થશે ? અમે ઓફિસરોને લાંચ લેતા રોક્યા અને પોતે લીધી. કોંગ્રેસને પૈસા અપાવ્યા, અમારી બરાબરી આ શું કરશે ?’
‘પણ તમારી નીતિઓ ખોટી હતી એટલે જનતા તમારી વિરૂદ્ધ થઈ ગઈ.’
‘કોંગ્રેસને આ ફરિયાદ તમે કરી જ ન શકો. અમે જે પણ નીતિઓ બનાવી તેની વિરૂદ્ધમાં કામ કર્યું છે. એ પછી કઈ વાતની ફરિયાદ? જે એ નીતિને પસંદ કરતા હતા, એ અમારા સમર્થક હતા, અને જે એ નીતિની વિરૂદ્ધ હતા એ પણ અમારા સમર્થક હતા, કારણ કે અમે તો એ નીતિ પર ચાલતા જ નહોતા.’
હું પ્રશ્નવિહોણો થઈ ગયો.
‘તમને આશા છે કે કોંગ્રેસ આ રાજ્યમાં ફરી વિજય થશે ?’
‘શા માટે નહીં ? આશા પર તો દરેક પાર્ટી ઊભેલી હોય છે. જ્યારે વિરોધી દળ અસફળ થશે અને બેકાર સાબિત થશે, જ્યારે બે ખોટા અને અસફળ દળમાંથી જ ચૂંટણી કરવાની હશે, તો કોંગ્રેસ શું કામ ખોટી છે ? બસ ત્યારે અમે ફરી પાવરમાં આવી જશું. આ વિરોધી દળ એ જ રસ્તા પર જઈ રહ્યા છે. જેના પર અમે ચાલતા હતા અને તેમનું નિશ્ચિત પતન થશે.ֹ’
‘જેવી રીતે તમારું થયું.’
‘બિલકુલ.’
‘જ્યારથી મંત્રી પદ છોડ્યું તમારા શું હાલ છે ?’
‘એ જ રીતે મસ્ત છીએ. જેવી રીતે પહેલા હતા. અમને કોઈ ફર્ક નથી પડતો. અમે તો પહેલાથી જ ચાલુ કરીને બધુ જમાવીને રાખી દીધું હતું. મકાન, જમીન, બંગલા બધું કરી લીધું. ભાડુ આવે છે. છોકરાને ભેંસ દોહતા આવડી જાય, તો ડેરી ખોલીશું અને દૂધ વેચીશું, રાજનીતિમાં પણ રહીશું અને વેપાર પણ કરીશું. અમે તો નહેરૂ-ગાંધીના શિષ્ય છીએ.’
‘નહેરૂજીની જેમ પણ રહી શકો છો અને ગાંધીજીની જેમ ઝૂંપડીમાં પણ રહી શકો છો. છોડો ઝૂંપડીનો તો સવાલ જ નથી ઉઠતો. દેશના ભવિષ્યનું વિચારતા હતા. તો શું અમે પોતાના ભવિષ્યનું ન વિચારત. નાના ભાઈને ટ્રક અપાવી દીધો. ટ્રકનું નામ રાખ્યું છે દેશ-સેવક. પરિવહનની સમસ્યાનું નિરાકરણ કરશે.’
‘કૃષિ મંત્રી હતો ત્યારે જે ખૂદનું ફાર્મ બનાવ્યું હતું, એ હવે સારો પાક આપે છે. જ્યાં સુધી મંત્રી રહ્યો એક મિનિટ પણ ખાલી ન બેઠો. મહેનત કરી. એ કારણે જ આજ ખુશ અને સંતુષ્ટ છું. અમે તો કર્મમાં વિશ્વાસ રાખીએ છીએ. ધંધો કોઈ દિવસ ન છોડ્યો. મંત્રી હતા ત્યારે પણ કર્યો.’
‘તમે આગામી ચૂંટણી લડશો?’
‘શું કામે ન લડીએ. હંમેશાં લડીએ છીએ. આ વખતે પણ લડીશું. કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો સ્વતંત્ર લડીશું.’
‘પણ એ તો કોંગ્રેસની વિરૂદ્ધમાં હશે.’
‘અમે કોંગ્રેસના છીએ અને કોંગ્રેસ અમારી છે. કોંગ્રેસે અમને મંત્રી બનવાનું કહ્યું તો બન્યા. સેવા કરી. અમને ટિકિટ આપવી પડશે. નહીં આપે તો એનો અર્થ કે કોંગ્રેસ અમને પોતાના નથી માનતી. ન માને. પહેલા પ્રેમ અને અહિંસાથી કામ કરીશું. ન ચાલ્યું તો અસહયોગ આંદોલન ચલાવીશું. બીજી પાર્ટીથી ઊભા રહી જઈશું.’
‘જ્યારે તમે મંત્રી હતા ત્યારે સંબંધીઓને ખૂબ ફાયદો પહોંચાડ્યો.’
‘એનો પણ ભાઈ ઈતિહાસ છે. જ્યારે હું કોંગ્રેસમાં આવ્યો અને મારા વિશે વાત ઉડી કે હું હરિજનોની સાથે ઉઠું છું બેસુ છું અને એક જ થાળીમાં ખાઉં છું. જાતિવાળાઓએ મને અલગ કરી દીધો અને અમારી સાથે સંબંધ ન રાખ્યા. અમે પણ જાતિવાદની વિરૂદ્ધમાં રહ્યા અને જ્યારે મંત્રી બન્યા તો શરુ શરુમાં જાતિવાદને ભરી ભરીને ગાળો ભાંડી.’
‘છે એવું કે અમે અમારા પહેલાના મંત્રીમંડળને જાતિવાદના નામથી ઉખાડી દીધો હતો. તો શરૂઆતમાં તો હું જાતિવાદની વિરૂદ્ધમાં રહ્યો. પણ પછી જ્યારે જાતિવાળાઓને પોતાની ભૂલની ખબર પડી તો અમારા બંગલાના ચક્કર લગાવવા લાગ્યા. જાતિની સભા થઈ અને અમને માનપત્ર આપવામાં આવ્યું અને અમને જાતિ કુલભૂષણની ઉપાધિ આપવામાં આવી. અમે વિચાર્યું કે ચાલો સવારે ભૂલી ગયા હતા પણ સાંજે તો ઘરે આવ્યા. જ્યારે જાતિના લોકો અમને પ્રેમ કરે છે, તો કેટલીક અમારી પણ ફરજ હોય છે. અમે પણ જાતિના છોકરાઓને નોકરીઓ અપાવવા, બદલી રોકાવવા, લોન અપાવવાની મદદ કરીએ છીએ. આ રીતે જાતિની ઉન્નતિ અને વિકાસમાં યોગદાન આપીએ છીએ. હવે અમારી જાતિના લોકો મોટા મોટા પદ પર બેઠા છે અને અમારા આભારી છે કે અમે તેમને દેશસેવાની તક આપી. મેં છોકરાઓને કહી દીધું છે કે એમ.એ કરી લો ભલે થર્ડ ક્લાસ હોય. બધાને લેક્ચરર બનાવી દઈશ. આપણી જાતિ બુદ્ધિમાન વ્યક્તિઓની હોવી જોઈએ. અને ભાઈ અમારા ચૂંટણી ક્ષેત્રમાં તો જાતિના ઘર સૌથી વધારે છે. બધા સોલિડ વોટ છે. તો ધ્યાન રાખવું પડે છે. દુનિયા જાણે છે કે અમે જાતિવાદની વિરૂદ્ધ છીએ. જ્યાં સુધી અમે રહ્યા મંત્રીમંડળમાં રાજપૂત અને હરિજનોની સંખ્યા વધવા જ ન દીધી. અમે જાતિવાદથી સંઘર્ષ કરીએ છીએ. અને આ કારણે જ આપણી જાતિની હંમેશાં બહુમતિ રહી.’
છોકરો ભેંસ દોહી ચૂક્યો હતો અને અંદર જઈ રહ્યો હતો. ભૂતપૂર્વ મંત્રી મહોદયે તેના હાથમાંથી દૂધનું બોઘડુ લઈ લીધું.
‘હજુ બે કિલો દૂધ વધારે થશે શ્રીમાન. આખી દોહી નથી તે. આપ હું દોઉં.’
એ પછી મારી સામે જોઈ બોલ્યા, ‘એક બાજુ દેશના છોકરાઓને દૂધ નથી મળી રહ્યું અને બીજી બાજુ ભેંસ પૂરેપૂરી દોહવામાં નથી આવી રહી. અને જ્યાં સુધી તમે તમારા સ્ત્રોતોનું પૂરી રીતે દોહન નથી કરી શકતા, દેશનો વિકાસ અસંભવ છે.’
એ પોતાના સ્ત્રોતનું દોહન કરવા લાગ્યા. છોકરો અંદર જઈને સંગીત વગાડવા લાગ્યો અને ચા… ચા… ચા.. ચા.. નું સંગીત આ આદર્શવાદી વાતાવરણમાં ગુંજી ઉઠ્યું. મેં નમસ્કાર કર્યા અને ચાલ્યો ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત