Team Chabuk-Literature Desk: શર્લી જેક્સનના નામને વાગોળતા અંગ્રેજી લેખકો ધરાતા નથી. ખાસ એ લેખકો જેમનો વ્યવસાય ભૂતકથાઓ લખવાનો છે. પ્રતિષ્ઠિત સામાયિકો અને સમાચાર સંસ્થાઓને સાક્ષાત્કાર આપી સન્માનનીય લેખકો સ્વીકારી ચૂક્યા છે કે શર્લી જેક્સનની નવલકથાઓએ અમને નવલકથા લખવા માટે પ્રેરિત કર્યાં. આ રીતે શરૂઆત કરતા કદાચ નહીં સમજો. શર્લી જેક્સને ધ હન્ટિંગ ઓફ હિલ હાઉસ નામની નવલકથા માટે ખ્યાતિ મેળવેલી. આ ખ્યાતિ તેમને ભારતીય દર્શકોમાં ત્યારે મળી જ્યારે નેટફ્લિક્સે તેમની કથા પરથી વેબ સિરીઝનું નિર્માણ કર્યું. શર્લી એવી ‘સફળ’ મહિલા લેખિકા છે જેમણે મકાનમાં ભૂત થાય તેવું ‘સફળ કથાનક’ વિશ્વને આપ્યું હતું. એ બાપડીને તો ખ્યાલ પણ નહોતો કે જે મકાનને ધ્યાનમાં રાખી તે લખી રહી છે એ તેના પરિવારે જ બનાવ્યું હતું!
સ્ટીફન કિંગે કહેલું કે, છેલ્લા સો વર્ષમાં કોઈ ક્લાસિક ભૂતકથા લખાઈ હોય તો એ શર્લી જેક્સનની ધ હન્ટિંગ ઓફ હિલ હાઉસ છે. શર્લીની પ્રતિભાને એવી રીતે પણ પોંખી શકાય કે તેણીએ ધ સનડાઈલ નામની નવલકથા લખેલી અને સ્ટીફન કિંગે આ નવલકથાને ધ્યાનમાં રાખી શાઈનિંગનું સર્જન કર્યું હતું. સ્ટીફન કિંગ જેવો અલમસ્ત લેખક પણ જેની પ્રશંસા કરતા ખૂદને રોકી ન શકતો હોય એ લેખિકા કેવી હશે? અંગ્રેજી કવિયત્રી સિલ્વિયા પાથ આ લેખિકાના લખાણના પ્રેમમાં એટલી ગળાડૂબ થઈ ગઈ હતી કે તે ઈન્ટર્નશીપ દરમિયાન તેનો ઈન્ટરવ્યૂ કરવા ઈચ્છતી હતી, પણ શર્લી જેક્સનનો ઈન્ટરવ્યૂ તેને મળ્યો નહીં. શર્લીનું વ્યક્તિત્વ ઘરઘૂંસિયું હતું.
2017માં રુથ ફ્રેન્કલિને શર્લી જેક્સનની આત્મકથા લખી. આત્મકથાનું નામ છે Shirley Jackson: A Rather Haunted Life. આ આત્મકથામાં શર્લીનું ગાંડપણ તેમણે વર્ણવ્યું છે. શર્લી ખૂદને ચૂડેલ માનતી હતી. માનવા લાગી હતી. એ પ્રેતવિદ્યાના પુસ્તકો વાંચતી હતી. તેણે જાદુટોનાનો આખો ઈતિહાસ કંઠસ્થ કરી લીધો હતો. આત્મકથામાં લખેલું છે કે આ તેની વાંચકોને લોભાવવા માટે પ્રચારની રણનીતિ હોઈ શકે છે. આલોચકો માને છે કે તેણે આવું કર્યું એટલે જ કદાચ તે આટલું સરસ લખી શકી. આત્મકથામાં એ પણ લખેલું છે, પોતાના જીવનકાળ દરમિયાન, તેણે જાદુમાં પોતાનો રસ દાખવીને વાચકો અને આલોચકોને ભરપૂર આકર્ષિત કર્યાં. તેની પ્રથમ નવલકથામાં તેના વિશે જે માહિતી આપવામાં આવી છે તેમાં તે પોતાને શોખથી ચૂડેલ તરીકે ઓળખાવે છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહેલું કે એ લખવા સિવાય કાળા જાદુમાં એટલી ઊંડી ઉતરી ગઈ હતી કે તેના પ્રકાશક આલ્ફ્રેડ.એ.નોફનો ટાંટીયો તોડવા માટે તેણે તંત્રવિદ્યાનો ઉપયોગ કરેલો. આ વિવાદમાં તેનો વિવેચક અને અદ્યાપક પતિ પણ સંડોવાયેલો હતો.
તેની અંગત લાઈબ્રેરીમાં 100 ઉપર પુસ્તકો માત્ર Witchcraftના (તંત્ર વિદ્યા)હતા. 1956માં તેણે બાળકો માટે Witchcraft of Salem Village પુસ્તક લખેલું. એમાં પણ વાત એ તંત્રવિદ્યાની જ લાવી હતી. નવલકથાઓ લખીને પ્રતષ્ઠિત બનેલી શર્લીની જ્યારે વાત નીકળે છે ત્યારે લોટરી નામની બાર પેજની ટૂંકી વાર્તાનું પણ અનાયાસે સ્મરણ થઈ જાય છે. આ વાર્તાને એન્ટોન ચેખોવની ક્લાસિક ટૂંકી વાર્તા અ લોટરી ટિકિટ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. જોકે વિવાદ સાથે છે.
1948માં ધ ન્યૂયોર્કર સામાયિકમાં પ્રસિદ્ધ થયેલી ધ લોટરી વાર્તા સાથે શર્લી જેક્સનનું નામ લખી ગૂગલ સર્ચ કરો છો ત્યારે અગણિત રિઝલ્ટ ખૂલે છે. જેમાંથી અડધા તો માત્ર અને માત્ર શર્લીની વાર્તાના વિવેચનના છે. દરેક વ્યક્તિ પોત પોતાની રીતે આ વાર્તાનું અર્થઘટન કરી એનો ભાવાર્થ રજૂ કરે છે. સમયે સમયે એની વાર્તા કંઈક ને કંઈક છણાવટ કરી રહી છે. દક્ષિણ આફ્રિકામાં લોટરી વાર્તા પર પ્રતિબંધ લગાવાયો ત્યારે નિરાશ થયા વગર શર્લીએ ઉત્તર આપ્યો હતો કે આ તો મારા માટે સૌથી મોટો પ્રતિભાવ છે. એવું નથી કે માત્ર આફ્રિકામાં પરંતુ તેના પોતાના વતન અમેરિકામાં પણ 26 જૂન 1948ના રોજ લોટરી વાર્તા પ્રગટ થઈ અને લોકો ન્યૂયોર્કર સામાયિકનું લવાજમ રદ્દ કરવા લાગ્યા હતા. એ સમયે પત્ર દ્વારા પ્રતિભાવ મળતા એ વાતથી તો આપ જ્ઞાત જ હશો. શર્લી અને ન્યૂયોર્કર સામાયિકને કુલ 300 એવા પત્રો મળ્યા હતા જેમાં શર્લીની વાર્તાને વખોળવામાં આવી હતી.
શર્લી જેક્સનનું લોટરી વાર્તા સાથે જે રીતે માનભેર નામ લેવાય છે તેવું જ ધ હન્ટિંગ ઓફ હિલ હાઉસ નામની નવલકથા માટે પણ લેવાય છે. શર્લી આ નવલકથા દ્વારા તેના વાચકોને એક સવાલ પૂછે છે. Can a house be born bad? નવલકથામાં કોઈ ભૂત હોય કે ન હોય પણ મકાન ડરાવે છે. તેની તસવીરો, તેની સીડીઓ, તેના ઓરડા, તેની છત, તેનું મોટું મેદાન… આખરે આ કથા આવી ક્યાંથી? 19મી સદીમાં સાઈકિક રિસર્ચર નામનું એક જૂથ હતું. જે પેરાનોર્મલ એક્ટિવિટી સાથે સંકળાયેલું હતું. શર્લી ખૂદ ભૂતકથાઓ પર સંશોધન કરતી અને વાંચતી હતી જેથી તેને આ કથાવસ્તુ પસંદ આવી ગયેલું. તેમની રિયલ પેરાનોર્મલ એક્ટિવિટી પરથી તેણે નવલકથા લખવાનું નક્કી કર્યું.
જેક્સનને એક એવા મકાનની શોધ હતી, જે તેની નવલકથા માટે પ્રેરણા બને અને નવલકથાનું શીર્ષક ધ હન્ટિંગ ઓફ હિલ હાઉસને સાર્થક કરી બતાવે. સામાયિકો અને ન્યૂઝપેપર્સને ફંફોસ્યા બાદ જેક્સનના હાથમાં એક મકાન આવ્યું. એ મકાન કેલિફોર્નિયામાં હતું અને સળગી ગયેલું હતું. જેક્સનને આ મકાનને નવલકથામાં ઉતારવું હતું જેથી તેણે તેની માતાને પૂછ્યું કે અહીં કોઈ રહે છે એનો ખ્યાલ છે?
જેક્સનની માતાએ શું જવાબ આપ્યો એ પહેલા જેક્સનનો ભૂતકાળ જાણી લઈએ. શર્લી જેક્સનનો પરિવાર વર્ષોથી આર્કિટેક્ટના વ્યવસાય સાથે જોડાયેલો હતો. 3-ઈડિયટમાં જેમ બચ્ચું જન્મે અને મારો પુત્ર એન્જિનિયર બનશે કહી દેવાય તેવું શર્લીના ખાનદાનનું હતું. આથી જ શર્લીના પરિવાર પાસે અઢળક સંપત્તિ હતી, કારણ કે પરિવાર મકાનો બનાવતો. જ્યારે તેણે માતાને કેલિફોર્નિયાના મકાન વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું : ‘એ મકાન તારા દાદાએ જ તો બનાવ્યું છે.’
સ્ટેનલી એડગર હાયમેન શર્લીના પતિ હતા. શર્લી જ્યારે પણ કંઈ લખતી તેનો પતિ તેની મેન્યુસ્ક્રિપ્ટ વાંચતો હતો. જ્યારે હન્ટિંગ ઓફ હિલ હાઉસનો કન્સેપ્ટ શર્લીએ તેને કહ્યો તો તેના વિવેચક પતિએ એ કથા આખી વાંચવાની ના પાડી દીધી. રુથ ફ્રેન્કલીને લખેલી શર્લીની આત્મકથામાં ટાંક્યું છે કે, ‘હન્ટિંગ ઓફ હિલ હાઉસની વાર્તા જ એટલી ભયાનક હતી કે તેનો પતિ સ્ટેનલી તેને અડકવા જ નહોતો ઈચ્છતો.’
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં