Team Chabuk : પંદરમી પુતળી સુંદરવતીએ કંઈક આ રીતે વિક્રમાદિત્યની વાર્તા સંભળાવી
રાજા વિક્રમાદિત્યના શાસન કાળમાં ઉજ્જેન રાજ્યની સમૃદ્ધિ આકાશને આંબવા લાગી હતી. વેપારીઓનો વેપાર પોતાના દેશ સુધી જ સિમિત નહોતો. દૂર દેશો સુધી ફેલાયેલો હતો. એ દિવસોમાં પન્નાલાલ નામનો શેઠ હતો. એ ખૂબ જ દયાળુ અને પરોપકારી હતો. ચારે બાજુ તેનો યશ ફેલાયેલો હતો. એ ગરીબો અને દુ:ખીઓની સહાયતા માટે તૈયાર જ રહેતો હતો.
તેના પુત્રનું નામ હીરાલાલ હતું. જે પિતાની માફક જ સારા ગુણો ધરાવતો હતો. એ જ્યારે વિવાહ યોગ્ય થયો તો પન્નાલાલ તેના માટે કન્યા શોધવા લાગ્યો. એક દિવસ એક બ્રાહ્મણે તેને જણાવ્યું કે સમુદ્ર પાર એક ખૂબ જ નામચીન વેપારી છે. જેની કન્યા ખૂબ જ સુશીલ અને ગુણવતી છે.
પન્નાલાલે તુરંત તેને આવવા જવાનો ખર્ચ આપીને કન્યા પક્ષવાળાઓને ત્યાં નક્કી કરવા માટે મોકલ્યો. કન્યાના પિતાને પણ આ સંબંધ પસંદ આવ્યો અને લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા. જ્યારે વિવાહનો દિવસ નજીક આવ્યો ત્યારે મૂશળધાર વરસાદ વરસવા લાગ્યો. નદી નાળા જળથી ભરાઈ ગયા અને દ્રીપ સુધી પહોંચવાનો માર્ગ રોકાઈ ગયો.
એક બીજો ખૂબ મોટો માર્ગ હતો પણ એ માર્ગ પર ચાલીને વિવાહ સ્થાને સમયસર પહોંચી શકાય તેમ નહોતું. શેઠ પન્નાલાલ તો નિરાશ થઈ ગયા. આવી સ્થિતિ આવી પડશે અને તેનામાંથી ‘આભ’ આ રીતે તૂટી પડશે તેની તો તેમને સ્વપ્ને પણ ખબર નહોતી. તેને લાગ્યું કે લગ્નની બધી તૈયારીઓ ક્ન્યાપક્ષના લોકો કરી લેશે અને અહીંથી મારી જાન ન પહોંચી તો તેમને ખરી ખોટી સાંભળવી પડશે.
કોઈ નિરાકરણ નહોતું નીકળી રહ્યું. એટલામાં કોઈએ કહ્યું, ‘આ સમસ્યાનું સમાધાન તો મહારાજા વિક્રમાદિત્ય પાસેથી જ નીકળશે.’
‘હા…. હા…’ એક બીજી વ્યક્તિએ કહ્યું, ‘તેમના તબેલામાં પવન વેગથી દોડનારો રથ છે અને તેમાં ઘોડા પણ છે. તેમાં આઠ દસ લોકો બેસીને જઈ શકશે અને વિવાહનું કાર્ય શરૂ થઈ શકશે.’
વાત સાંભળી આ સમસ્યાના તાળાની ચાવી મળી જાય આ માટે રાજા પન્નાલાલ તુરંત રાજા પાસે ગયા અને પોતાની સમસ્યા સામે રાખતા કહ્યું, ‘મહારાજા, જો આપ રથ આપીને અમારી મદદ કરો તો…’
વિક્રમે હસતાં હસતાં કહ્યું, ‘રાજાની દરેક ચીજ પર રાજા જેટલો જ પ્રજાનો અધિકાર હોય છે. પ્રજાની સુખાકારીમાં જ રાજાની સુખાકારી રહેલી છે.’
તબેલાના પ્રબંધકને કહેવડાવી તેમણે તુરંત જ ઘોડા સહિત તેમના રથને બોલાવી લીધો.
પ્રસન્નતાથી ભરાઈ ચૂકેલા પન્નાલાલને તો ખબર જ નહોતી પડતી કે એ વિક્રમનો આભાર કેવી રીતે માને. જ્યારે તે રથ અને ઘોડા સાથે ચાલ્યો ગયો તો રાજાના મનમાં વિચાર આવ્યો કે, ‘જે કામ માટે શેઠે રથ લીધો છે. ક્યાંક એ કાર્ય ભારે વરસાદના કારણે અટકાઈ પડ્યું તો શું થશે ? ભારે વરસાદ છે અને રથ પવનની ભારે થપાટથી નહિ ઝીલી શકે ?’
વિક્રમાદિત્યએ હાથ જોડી માતા કાલિ દ્વારા અપાયેલા બે વેતાલોનું સ્મરણ કર્યું અને કહ્યું, ‘વરને વિવાહ સ્થળ સુધી સુરક્ષિત લઈ જાવ અને વિવાહ રાજી ખુશીથી પૂર્ણ કરાવો.’
જ્યારે વરનો રથ પવન વેગથી દોડવા માટે તૈયાર થયો ત્યારે બંને વેતાલ પડછાયાની માફક રથની સાથે ઉડવા લાગ્યા. મુસાફરી કરતાં કરતાં શેઠે જોયું કે આકાશમાંથી માર્ગ તો ક્યાંય દેખાય જ નથી રહ્યો. ચારે બાજુ પાણી જ પાણી છે. તેમની ચિંતામાં વધારો થઈ ગયો. તેમને તો સમજાતું જ નહોતું આવતું કે શું કરવું જોઈએ. ત્યાં જ અવિશ્વસનીય ઘટના બની. ઘોડા સહિત રથ જમીનની ઉપર ઉડવા લાગ્યો.
રથ જમીનની ઉપર ઉડતો ઉડતો નિશ્ચિત રૂપથી આગળની દિશામાં વધી રહ્યો હતો. હકીકતે વેતાલોએ તેને પકડી રાખ્યો હતો અને તેના સ્થાને ઉડાવીને લઈ જઈ રહ્યા હતા. નિશ્ચિત મુહૂર્તમાં શેઠના દીકરાના વિવાહ પૂર્ણ થયા. કન્યાને સાથે લઈને જ્યારે શેઠ પન્નાલાલ ઉજ્જૈન પરત ફર્યો તો ઘરના બદલે સીધો રાજદરબારમાં ગયો. વિક્રમાદિત્યએ વર-વધુને આશીર્વાદ આપ્યા. શેઠ પન્નાલાલ તો ઘોડા અને રથની પ્રશંસા કરવામાંથી જ ઊંચા નહોતા આવી રહ્યા. રાજા વિક્રમાદિત્ય તેમનો આશય સમજી ગયા અને અશ્વ તથા રથ તેમને ભેટમાં આપી દીધા.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત