Homeવિશેષસિંહાસન બત્રીસી : કામકંદલાની દાનવીરતા અને ત્યાગની ભાવનાની વાર્તા

સિંહાસન બત્રીસી : કામકંદલાની દાનવીરતા અને ત્યાગની ભાવનાની વાર્તા

Team Chabuk : ત્રીજી પૂતળીની વાર્તા પૂર્ણ થયા પછી કામકંદલા નામની ચોથી પુતળી સામે આવી. તેણે વિક્રમાદિત્યને દાનવીરતા અને ત્યાગની વાર્તા કહેવાની શરૂઆત કરી.

એક દિવસ રાજા વિક્રમાદિત્ય દરબારને સંબોધિત કરી રહ્યા હતા. પ્રજાની સુખાકારી માટે નવી યોજના બનાવી રહ્યા હતા એવામાં તેમને સૈનિકે આવીને કહ્યું કે કોઈ બ્રાહ્મણ આપની સાથે ભેટ કરવા અત્યંત આતુર છે. વિક્રમાદિત્યના રાજમાં કોઈને પણ આવવાની પરવાનગી હતી. તેમણે પોતાનો કિંમતી સમય કાઢી એ બ્રાહ્મણને આપ્યો અને તાત્કાલિક તેને દરબારમાં મોકલવાનું સૈનિકને કહ્યું.

વિક્રમે બ્રાહ્મણને દરબારમાં આવવા પાછળનું પ્રયોજન પૂછ્યું. બ્રાહ્મણે તેમને કહ્યું, ‘હું કોઈ દાનની ઈચ્છાથી નથી આવ્યો પણ તમને કશું કહેવા માટે અહીં સુધી લાંબો થયો છું.’

રાજા તેની સામે જોવા લાગ્યા. તેમની સાથે દરબારીઓની નજર પણ આ બ્રાહ્મણ પર હતી. બ્રાહ્મણે અધૂરી રહેલી વાતને પૂરી કરતા રાજાને કહ્યું, ‘માનસરોવરમાં સૂર્યોદય થતા જ એક થાંભલો પ્રકટ થાય છે. જે સૂર્યનો પ્રકાશ જેમ જેમ ફેલાય છે તેમ તેમ ઊંચો થતો જાય છે અને સૂર્યની ગરમી તેની પરાકાષ્ઠા પર હોય છે તો તેને સ્પર્શ કરી લે છે. સૂર્યની ગરમી ઘટે તેમ તેમ તેનું કદ ફરી નાનું થતું જાય છે. સૂર્યોદય થતા જ જળમાં વિલીન થઈ જાય છે.’

વિક્રમના મનમાં જિજ્ઞાસા થઈ કે બ્રાહ્મણનો આનાથી અભિપ્રાય શું છે ? તેના કહેવાનું તાત્પર્ય શું છે ? બ્રાહ્મણ રાજાને વિચારતો જોઈ તેની જિજ્ઞાસાને કળી ગયો અને જણાવ્યું, ‘મહારાજ વિક્રમાદિત્ય, હું ભગવાન ઈન્દ્રનો દુત બનીને આવ્યો છું. જેથી તેના આત્મવિશ્વાસની રક્ષા વિક્રમ કરી શકે. સૂર્ય દેવતાને ઘમંડ છે કે સમગ્ર બ્રહ્માંડમાં સમુદ્ર દેવતાને છોડી કોઈ તેની ગરમી સહન નથી કરી શકતું. દેવરાજ ઈન્દ્ર સૂર્ય દેવતાની આ વાત સાથે સહમત નથી. તેઓ માને છે કે તેમના ઘમંડને લલકારીને મૃત્યુલોકનો એક રાજા તેની સમીપ જઈ શકે છે. તેના ઘમંડને ચૂરચૂર કરી શકે છે.’

‘કોણ છે એ રાજા જે સૂર્યની આટલી નીકટ જઈ શકે છે ?’ વિક્રમાદિત્યએ કુતુહલવશ પૂછ્યું.

બ્રાહ્મણે કહ્યું, ‘તમે.’ દરબારીઓ એકબીજા સામે જોવા લાગ્યા.

રાજા વિક્રમાદિત્યને સમજતા વાર ન લાગી. તેમણે વિચાર્યું કે, ‘પ્રાણનો ત્યાગ કરીને એ ભગવાન સૂર્યની નજીક જશે અને તેમને નમસ્કાર કરશે. જેથી દેવરાજના આત્મવિશ્વાસની રક્ષા થાય અને સૂર્યદેવના અહંકારનો નાશ થાય. મૃત્યુ સિવાય તો સૂર્યની નજીક જવાનો કોઈ વિકલ્પ નહોતો.’

એમણે બ્રાહ્મણને દાન-દક્ષિણા આપી વિદાય કર્યો અને પોતાની આગામી યોજના વિશે વિચારવા લાગ્યા. એમને એ વાતનો આનંદ હતો કે દેવતાગણ પણ તેમનાથી પ્રભાવિત છે અને પ્રથમ તેમની જ પસંદગી કરી છે. બીજા દિવસે સૂર્યની પ્રથમ કિરણ ધરતી પર પડે એ પહેલા જ તેઓ પોતાનું રાજ્ય છોડી ચાલ્યા ગયા. એકાન્તમાં તેમણે માતા કાલી દ્વારા પ્રાપ્ત થયેલા બંને વેતાલોનું સ્મરણ કર્યું. બંને વેતાલ તત્ક્ષણ ઉપસ્થિત થઈ ગયા.

વિક્રમે તેમને બ્રાહ્મણે જે થાંભલા વિશે કહ્યું હતું તેની સમૂળગી વાત કહી.

બંને વેતાલે કહ્યું, ‘એ થાંભલાને અમે જાણીએ છીએ.’ આટલું બોલી બંને વેતાલ વિક્રમાદિત્યને માનસરોવરના તટ પર લઈ ગયા. રાત તેમણે એ જગ્યાએ જ પસાર કરી. હરિભરી ઘાસ ઉપર એ ઉંઘી ગયા. પ્રભાતમાં સૂર્ય દેવતાની પહેલી કિરણ પડતા જ એ ઉઠી ગયા. સૂર્યની કિરણો માનસરોવરને અડકી ગઈ અને થાંભલો આંખો સમક્ષ પ્રગટ થયો.

વિક્રમ દોડીને એ થાંભલા પર ચડી ગયો. સમુદ્રના પાણીમાં હલચલ થઈ. સમુદ્ર દેવતાને પણ ખબર પડી ગઈ કે કોઈ માનવ સૂર્યની નજદીક જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. દિવસ પસાર થતા થતા તો થાંભલો સૂર્ય દેવતાની સાવ નજીક પહોંચી ગયો. વિક્રમનું શરીર સળગી ગયું. સૂર્ય દેવતાને એક મનુષ્યને પોતાની આટલી નજીક જોતા જ્ઞાત થઈ ગયું કે આ નક્કી વીર વિક્રમ છે. ઈન્દ્રએ તેને મોકલ્યો છે અને ઈન્દ્રનો દાવો એકદમ સાચો છે. એ પોતાનો આત્મવિશ્વાસ પૂરવાર કરવા માગે છે.

થાંભલા સાથે ચોંટી ગયેલો અને સળગીને જેનાં હાડકાં જ બચ્યા હતા તે વિક્રમાદિત્યને સૂર્યએ અમૃતના ટીપા દ્વારા પુન: જીવિત કર્યો. તથા સુવર્ણકુંણ્ડલ ઉતારીને તેને ભેટ કરી દીધા. એ કુંણ્ડલની વિશેષતા એ હતી કે કોઈ પણ ઈચ્છિત વસ્તુ એ તુરંત પ્રદાન કરી દેતા હતા. સૂર્ય દેવતાએ પોતાનો રથ અસ્તાંચલની દિશામાં ફેરવ્યો અને થાંભલો ટૂંકો થવા લાગ્યો. સૂર્યાસ્ત થતા થતા તો થાંભલો ફરી નાનો થઈ ગયો. વિક્રમ પાણી પર તરવા લાગ્યો. સરોવરની નજીક આવી તેણે બંને વેતાલનું સ્મરણ કર્યું. બંને વેતાલ તેમને ફરી એ જ જગ્યાએ લાવ્યા જ્યાંથી તેઓ રાજાને સરોવર લઈ ગયા હતા. વિક્રમ પગે ચાલીને મહેલ તરફ નીકળી પડ્યો.  થોડે દૂર જતા જ એક બ્રાહ્મણ સાથે તેમની મુલાકાત થઈ ગઈ. એ બ્રાહ્મણે તેમની પાસેથી કુંણ્ડલ માંગી લીધા. વિક્રમાદિત્યએ રાજીખુશી એ કુંણ્ડલ બ્રાહ્મણને આપી દીધા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments