Homeવિશેષધ ઓટો શંકર : માણસોને સળગાવી સમુદ્રમાં નાખવાનો જેને શોખ હતો

ધ ઓટો શંકર : માણસોને સળગાવી સમુદ્રમાં નાખવાનો જેને શોખ હતો

Team Chabuk-Special Desk : 21 જાન્યુઆરી 1955 વેલ્લોર તમિલનાડુ. આજે ફક્ત સુપરસ્ટાર સુશાંત સિંહ રાજપૂતનો નહીં પણ ભયંકર-ખૂંખાર-ભયજનક-દૈત્ય ઓટો શંકરનો પણ જન્મદિવસ છે. વાત છે મદ્રાસની. અત્યારનું ચૈન્નઈ. મદ્રાસમાં લોકોની ભીડ ઉમટવા માંડેલી હતી. ભીડ ઉમટવાનું કારણ ત્યાં સપના હતા. સુપરસ્ટાર બની શકાતું હતું. શંકર પણ પેન્ટિંગ અને ડાન્સનો શોખીન હતો. રોજ ફિલ્મો જોતો હતો. ફિલ્મ જોતો અને કલ્પનાની ધૂમ્રસેર પર હીરો બની જતો હતો. તેને મદ્રાસ જવું હતું, સુપરસ્ટાર બનવા માટે. રજનીકાંત કે કમલહસન બનવા માટે. હીરો કરતા તેને વિલન બનવાનો વધારે શોખ હતો. તેને ખબર હતી કે તેના જેવા કાળીયા મોઢારા સાઉથમાં વિલન તરીકે ચાલે જ છે. હીરો કે વિલન બનતા પહેલા એ મદ્રાસના પેરિયાર નગરમાં ગયો અને પેન્ટિંગનું કામ કરવા લાગ્યો. એ વખતે મદ્રાસ ફુલ્યુ ફાલ્યું અને વિકસ્યું ન હતું.

તિરૂવનમયૂરથી લઈને મહાબલીપુરમ સુધી માછીમારોની વસતિ હતી. ચારેબાજુ તાડ અને નાળિયેરીના ઝાડના ખડકલા હતા. સવાર પડતી અને નાળિયેર પાણી પીનારાઓ ઉમટી પડતા હતા. એ વિસ્તાર ઘણો શાંત હતો. પોલીસની ચહેલપહેલ નહોતી રહેતી. પોલીસને પણ કોઈ સમસ્યા નહોતી. એ ત્યાં રાઉન્ડ મારવા આવતી જ ઓછી હતી.

ધરતી પર એકદમ શાંતિ હોય તો સમજી જવું કે હમણાં તોફાન આવવાનું છે અને એવું જ થયું. 80ના દાયકાની શરૂઆત હતી. ઈન્દિરા ગાંધીનો યુગ અસ્ત થવાને થોડા વર્ષોની જ વાર હતી. રાજીવ ગાંધી વડાપ્રધાન બનવાના હતા. આ વખતે તમિલનાડુની સરકારને શું ઘુરી સુજી કોઈને ખબર ન પડી. તમિલનાડુની સરકારે ગુજરાત સરકારની માફક દારૂ ઉપર પહેલા પ્રતિબંધ લાદી દીધો અને પછી પ્રતિબંધ ફટ કરતો ઉઠાવી લીધો. કોઈને સમજમાં આવતું જ નહોતું કે સરકાર આવું કરી શું કામે રહી છે. પ્રતિબંધ આટલી જલદીથી હટાવી જ લેવો હતો તો પછી નાખ્યો શું કામે ? બસ, આ જ ભૂલ હતી. એક હૈવાનનો દારૂના કારણે જન્મ થઈ ગયો.

મદ્રાસના વિસ્તારો તાડીઓથી સમૃદ્ધ છે. એ વખતે તો મદ્રાસમાં તાડીઓનું જંગલ હતું. એટલું ગીચ કે કોઈ આવવાની હિંમત ન કરે. એ ગીચ જંગલમાં દેશી દારૂના અડ્ડા જો ખોલવામાં આવે તો મજા જ મજા. ધનવર્ષા થઈ જાય. લોકોએ ધંધામાં જંપ લાવ્યું.

શંકરે પેન્ટિંગ બનાવવાનું કામ છોડી ઓટો ચલાવવાનું શરૂ કરી દીધું. દારૂને મોકલવા અને લાવવા માટે રીક્ષાનો ભારે માત્રામાં ઉપયોગ કરવામાં આવતો હતો. તમે કનેક્ટ તો કરી શકો છો ને ? રીક્ષા આરામથી રસ્તાઓ પરથી પસાર થઈ જતી અને કોઈ હેરાન પરેશાન પણ નહોતું કરતું. ગૌરી શંકર મદ્રાસ સરકારે દારૂ પર જે નજીવો પ્રતિબંધ લાદી દીધો એમાં જ તસ્કર બની ગયો. એ દારૂની હેરાફેરી કરવા લાગ્યો. જેની ડિમાન્ડ હોય અને તેના પર પ્રતિબંધ લાદવામાં આવે તો તેની કિંમત બજારમાં ડબલ થઈ જાય છે. એ પછી ઓટો શંકર ઊભો ન રહ્યો. તેણે સ્મગલિંગની સાથે સાથે એ જ રીક્ષામાં વેશ્યાઓને લઈ જવા અને મૂકી જવાનો ધંધો શરૂ કર્યો. અંડરવર્લ્ડની દુનિયામાં તેનું નામ કાળા અક્ષરે લખાઈ ગયું.

તેની સાથે ત્રણ લોકો જોડાયા. નાનો ભાઈ મોહન જે તેનો રાઈટ હેન્ડ હતો. એલ્ડિન અને શિવાજી. એ સિવાયના પાંચ લોકો સાથે મળી તિરુવનમયૂર પર રાજ કરવાની શરૂઆત કરી દીધી, સેક્સનો ધંધો ચાલી ગયો. તેની બ્રાન્ચ પણ બની. સાઉથ મદ્રાસમાં એલબી રોડની લોજ પર તેની યુવતીઓનાં શરીર વેચવાની દુકાન ધમધોકાર ચાલતી હતી. ધંધો આટલો ધિકતો ચાલતો હોય તો પછી વાતો તો થવાની જ છે કે પોલીસના બે હાથ હોય તો જ કોઈ કોલર ઊંચો કરી આટલો ઊંચો ચાલે. શંકર પર પોલીસના બેઉં હાથ હતા. ધીમે ધીમે તેણે કેટલાક મિનિસ્ટરોને પણ કમનીય વેશ્યાઓ વેચવાની શરૂ કરી દીધી. અહીંથી અટકી જાત તો પણ વાંધો નહોતો. હવે આગળ તબાહી મચાવાની હતી.

1988ના તિરુવનમયૂરમાં 9 છોકરીઓ ગાયબ થઈ ગઈ. પરિવારના દબાણને વશ થઈ પોલીસે તપાસ કરવી પડી પણ શંકરની ગેંગ કહેતી હતી કે તે સામેથી વેશ્યાના ધંધામાં જોડાઈ હતી. અમે કોઈએ ફોર્સ નહોતો કર્યો. પોલીસે ખૂબ તપાસ કરી પણ એ 9 છોકરીઓનો કોઈ પત્તો ન લાગ્યો. જોકે પાપનો ઘડો હવે છલકાવાનો જ હતો. શંકરની ગેંગમાં એક છોકરી હતી. નામ હતું લલિતા. લલિતાને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો અને હવે રાજીખુશીથી પોતાનું જીવન વિતાવવા માગતી હતી. શંકર એમ કરવા ન દેત કારણ કે લલિતા ખાટલો ગરમ કરે તો જ શંકરનું ખિસ્સુ ગરમ થાય. એમાં એ પ્રેમી સાથે રફુચક્કર થઈ જાય તો હતું ન હતું થઈ જાય. લલિતા એ નર્કનો કેડો છોડવા માટે પ્રેમી સાથે ભાગી ગઈ. શંકરનું મગજ ફાટી ગયું. પેરિયાર નગરથી લલિતા અને તેના આશિકને તે પકડી લાવ્યો. આશિકને મારી મારી અધમુઓ કરી નાખ્યો અને પછી સળગાવી તેની લાશ દરિયામાં ફેંકાવી દીધી. લલિતાની હવે તેને કોઈ જરૂર નહોતી તેણે લલિતાને મારી મારી અધમરી કરી નાખી. લલિતાની કોહવાયેલી લાશ દોઢ વર્ષ પછી મળી.

સાઉથ મદ્રાસના એલ.બી રોડ પર પણ ન બનવાનું બન્યું. ત્રણ છોકરા ધમસમતા આવ્યા અને એક છોકરી ગમી જતા તેનો હાથ પકડી પરાણે બહાર લઈ જવા લાગ્યા. શંકરના વૈશ્યાલયના પણ કેટલાક નિયમ હતા કે છોકરી હોટલની બહાર ન જવી જોઈએ. તેને લલિતાવાળી થવાની બીક લાગતી હતી. શંકર એ ત્રણે છોકરાની હરકત જોઈ ગુસ્સામાં આગ બબુલા થઈ ગયો. શંકર તેમને શાંત રહેવાનું કહેતો હતો પણ તે શાંત નહોતા રહી રહ્યા. સામાન્ય એવી બોલાચાલીમાં શરૂ થયેલી આ માથાકૂટ હત્યા સુધી પહોંચી ગઈ. શંકરે તેમને માર્યા અને મારીને પેરિયાર નગરમાં જ દાટી દીધા. હવે પેરિયાર નગર એક કબ્રસ્તાનમાં જ તબ્દિલ થઈ રહ્યું હતું.

1988ની સાલ. એક છોકરી ચાલીને જતી હતી. નજીકમાંથી આટલો સુંદર ફટકો નીકળતા શંકરથી રહેવાયું નહીં. ગુંડાઓએ તેને કિડનેપ કરવાનો પ્રયત્ન કર્યો પણ છોકરી ચબરાક નીકળી. એ ભાગીને પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. પોલીસને એ વિસ્તારના ઉપદ્રવની પહેલાથી ખબર હતી. હવે રોજ રોજનું થઈ રહ્યું હતું. પોલીસ અંડરકવર બની ગઈ અને છોકરીની પાછળ ભાગનારા ગુંડાઓના બોસનું નામ શું છે તેની તપાસ કરવા લાગી. ઓટો શંકર નામ સામે આવતા પોલીસ પણ હલબલી ગઈ. આસપાસના લોકોએ પણ નામ ન દેવાની શરતે પોલીસને કહ્યું કે, ઓટો શંકર એટલે એ વ્યક્તિ જેને માણસોને સળગાવી સમુદ્રમાં નાખવા ખૂબ ગમે છે.

27 જૂન 1988ની તારીખે સમગ્ર ભારતને એ વાતની ખબર પડી કે ઓટો શંકર નામનો દૈત્ય ભારતની ભૂમિ પર રહે છે. શંકરનો પાવર ઉપર સુધી હતો. શંકર છૂટી ગયો. એવામાં ઓટો શંકર ઉપર મુસીબત આવી પડી. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.જી.રામચંદ્રનનું નિધન થઈ ગયું. હવે સત્તા રાજ્યપાલ પીસી એલેક્ઝાન્ડરના હાથમાં હતી. ગાયબ થયેલી છોકરીઓના પરિવારના લોકોએ ફરિયાદ કરી. પાણી હવે માથા ઉપરથી જઈ રહ્યું છે એવું લાગી આવતા તિરૂવનમયૂરની લોકલ પોલીસની જગ્યાએ રાજ્યપાલે સ્પેશિયલ ટીમ બનાવી જેમાં લીડ આરી નામનો પોલીસ ઈન્સપેક્ટર કરતો હતો. હવે ગેંગના એક એક સભ્યને પોલીસ ઉઠાવી જતી અને ટાંટિયા ભાંગી જાય એવી રિમાન્ડ લેતી. શંકરનો નજીકનો મેમ્બર એલ્ડિન હાથમાં આવી ગયો. પોલીસે તેને એવો ભાંગ્યો કે એ ભાંગી પડ્યો અને તમામ ગુના કબૂલ કરી લીધા. શંકરની અસલિયતને પોલીસ સામે રાખી નાગો કરી દીધો. સાથે જ સરકારી ગવાહ પણ બની ગયો.

તપાસની શરૂઆત તેની પ્રોપર્ટીથી કરવામાં આવી. જ્યાંથી એક ડાયરી હાથમાં લાગી. ડાયરીમાં કેટલાક પોલીસો સાથેના શંકરના સંબંધો ઉજાગર થયા. ને પછી સસ્પેન્ડનો દોર શરૂ થયો. શંકરની જ્યારે અદાલતમાં ધરપકડ કરવામાં આવી તો તેણે સિનેમાને દોષિત ઠેરવ્યું. એને સિનેમામાં આવતા વિલનો જેવું બનવું હતું. સાઉથના વિલનોથી તો આપ સૌ પરિચિત જ છો. બસ એવું જ વિલન શંકરને બનવું હતું અને રોલા જમાવવા હતા. પોલીસને પોતાનામાં સામેલ કરી દેવાય એ પણ તે ફિલ્મોમાંથી જ શીખ્યો, ત્યાં સુધી કે સમય આવ્યે ખૂન કરવાનું પણ. તેણે ઘણી જગ્યાએ એ કબુલ કર્યું કે, ‘મેં સુદર છોકરીઓ મારા ધંધા માટે નહિ પણ રાજકારણીઓ માટે કિડનેપ કરી હતી. એ નેતાઓ છોકરીઓનો રેપ કરતા હતા અને પછી હું તેમને મારીને સમુદ્રમાં નાખી દેતો હતો.’

એ જેલમાં હતો ત્યારે પલ્લાવરમ પોલીસ સ્ટેશનથી ભાગી ગયો. ભાગવામાં તેની મદદ ત્રણ જેલ વોર્ડને કરી હતી. પોલીસે ભારે મહેનત પછી તેને ઓરિસ્સાના રાઉરકેલામાંથી પકડ્યો. ત્રણ જેલ વોર્ડન જેમણે તેની ભાગવામાં મદદ કરી હતી, તેમને 6-6 મહિનાની સજા થઈ. તેની દયા અરજી પણ નકારી કાઢવામાં આવી. જેલમાં પણ તેની મૌજ મજામાં કંઈ ફર્ક ન પડ્યો. તેને દારૂથી લઈને સિગરેટ સુધી બધું મળી જતું હતું. તારીખ 27 એપ્રિલ 1995ના રોજ સાલેમ જેલમાં ગૌરી શંકર ઉર્ફ ઓટો શંકરને જલ્લાદે ફાંસીએ લટકાવી દીધો. એ દૈત્યનો જન્મ આજની તારીખે જ થયો હતો. દક્ષિણની ફિલ્મો માણસના મસ્તિષ્ક પર આટલી અસર કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments