Team Chabuk : ઓગણીસમી પુતળી રૂપરેખાએ મહારાજા વિક્રમાદિત્યને બે તપસ્વીની વાર્તા કહી.
રાજા વિક્રમાદિત્યના દરબારમાં લોકો પોતાની સમસ્યાને લઈ ન્યાયની આશાએ આવતાં હતાં. કોઈ વખત તો એવા પ્રશ્નો લઈ દરબારમાં આવતા હતા કે તેનું સમાધાન શોધવું જ મોંઘુ થઈ પડતું હતું. વિક્રમ તો પણ ભારે જહેમત બાદ એ પ્રશ્નોનું એવું નિરાકરણ લાવતો હતો કે પ્રશ્નકર્તા પણ સંતુષ્ટ થઈ જતો હતો. એવા જ એક પ્રશ્નને લઈ બે તપસ્વી મહારાજા વિક્રમાદિત્યના દરબારમાં આવ્યા.
સાધુએ કહ્યું, ‘મહારાજા સાંભળ્યું છે કે તું ન્યાયપ્રિય છો. જગતના કોઈ પણ સવાલનું નિરાકરણ લાવી શકે છો. તો પછી અમારા સવાલના ઉત્તર આપ.’
વિક્રમાદિત્યએ હા પાડી દીધી. તેમાંથી એક તપસ્વીનું માનવું હતું કે મનુષ્યનું મન જ તમામ ક્રિયા-કલાપ પર નિયંત્રણ રાખે છે અને કોઈ કોઈ વખત મનુષ્ય પોતાના મનની વિરૂદ્ધ કંઈ પણ નથી કરી શકતો.
બીજો તપસ્વી તેમના મતથી સહમત નહોતો. એનું એમ માનવું હતું કે, મનુષ્યનું સમગ્ર જ્ઞાન તેના તમામ ક્રિયા-કલાપોને નિયંત્રિત કરે છે. મન જ જ્ઞાનનો સેવક છે અને એ પણ જ્ઞાન દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય છે.
રાજા વિક્રમાદિત્યએ તેમના વિવાદના વિષયને ધ્યાનથી સાંભળ્યો, પણ તુરંત એ વિષય પર નિર્ણય ન લીધો. તેમણે એ બંને તપસ્વીઓને થોડા સમય બાદ આવવાનું કહ્યું. એ ચાલ્યા ગયા પછી વિક્રમ તેમના સવાલના જવાબને શોધતા રહ્યા. ખરેખર ખૂબ મુશ્કેલ સવાલ હતો.
એક સમયે વિક્રમને લાગ્યું કે મનુષ્યનું મન સાચેક ચંચળ હોય છે અને તેની આગળ વશીભૂત થઈને મનુષ્ય સાંસારિક વાસનાને આધીન થઈ જાય છે. ત્યાં બીજી જ ક્ષણે તેમને જ્ઞાનની યાદ આવી ગઈ. તેમને લાગ્યું કે જ્ઞાન સાચેક મનુષ્યને મનનું કહેલું કરતાં પહેલાં વિચાર કરી લેવાનું કહે છે અને કોઈ નિર્ણય માટે પ્રેરિત કરે છે.
વિક્રમે આવા સવાલોનો જવાબ સામાન્ય લોકોના જીવનમાંથી શોધવાનું નક્કી કર્યું. તેમણે વેશપલટો કર્યો અને પોતાના રાજ્યમાં નીકળી પડ્યા. તેમને ઘણા સમય સુધી એવી કોઈ વાત કે વ્યક્તિ દેખાઈ જ નહિ. જેનું જીવન પ્રશ્નનું નિરાકરણ લાવવામાં મદદ કરે. તપસ્વીઓએ પૂછેલા સવાલના જવાબને શોધવા માટે તેઓ ખાસ્સા દૂર નીકળી પડ્યા.
એક દિવસ તેમની નજર એક એવા યુવાન પર પડી. જેના કપડાં અને ભાવમાં તેની ગરીબી છલકાતી દેખાતી હતી. એ એક વૃક્ષને ટેકે થાકીને આરામ ફરમાવી રહ્યો હતો. નજીક જ એક બળદગાડુ હતું જેને તે ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
રાજાએ તેની નજીક જઈ જોયું તો તે તેને ઓળખી ગયો. તે તેમના પ્રિય મિત્ર શેઠ ગોપાલ દાસનો નાનો દીકરો હતો. શેઠ ગોપાલ દાસ ખૂબ મોટા વેપારી હતા અને તેમણે વેપાર થકી ખૂબ જ ધન કમાયું હતું. તેમના પુત્રની આવી દુર્દશા જોઈને તેમની જિજ્ઞાસા વધી ગઈ. મહારાજા તેની દયનીય સ્થિતિ પાછળનું કારણ જાણવા ઉત્સુક થઈ ગયા.
મહારાજાએ પૂછ્યું, ‘તારી આવી દુર્દશા કેવી રીતે થઈ ? મરતાં પહેલા તો શેઠ ગોપાલદાસે તને અને તારા ભાઈને સમાનરૂપથી ધન આપ્યું હતું. મને ખ્યાલ છે કે એકનાં ભાગનું ધન એટલું હતું કે બે પેઢી તો આરામથી ઘરે બેસીને ખાઈ શકે. તારી આ સ્થિતિ છે તો તારો ભાઈ શું કરે છે?’
યુવકને નહોતી ખબર કે તે રાજા વિક્રમ છે. તેને એ વાતની તો ખબર પડી ગઈ કે પૂછનારો તેના પરિવાર વિશે બધી વાત જાણે છે. તેણે વિક્રમને પોતાના અને પોતાના ભાઈના વિશે તમામ વાત કહી, ‘જ્યારે મારા પિતાએ મારા અને મારા ભાઈ વચ્ચે ધન વહેંચી દીધું તો મારા ભાઈએ એ પૈસાનો સારી રીતે ઉપયોગ કર્યો. તેણે પોતાની જરૂરિયાતોને ઓછી કરી નાખી અને તમામ રૂપિયા વેપારમાં લગાવી દીધા. દિવસ-રાત મહેનત કરવા લાગ્યો અને પિતાના વેપારને ખૂબ જ વધારી દીધો. પોતાના બુદ્ધિમાન અને સંયમી ભાઈથી મેં કોઈ જાતની પ્રેરણા ન લીધી. મારા ભાગમાં જે ધન આવ્યું તેના કારણે તો હું ઘમંડી બની ગયો. હું વિચારવા લાગ્યો કે આ તો કોઈ દિવસ નહિ ખૂંટે. મદીરાપાન કરવા લાગ્યો. જુગાર રમવા લાગ્યો. તમામ ખરાબ આદતો મને લાગી ગઈ. તળિયા ઝાટક થતાં વાર ન લાગ્યા. મારા મોટાભાઈએ મને વારંવાર ચેતવણી આપી પણ હું ન માન્યો.’
તેણે રાજાની સામે જોયું અને થોડીવાર રોકાઈને આગળ ચલાવ્યું, ‘પ્રાપ્ત થયેલા ધનની ક્યારે પૂર્ણાહુતિ થઈ ગઈ ખબર જ ન પડી. આપ તો મારા પિતાને જાણો જ છો. એ કેટલા અમીર વેપારી હતા. અમને પણ અમીર બનાવતા ગયા. હું તેમના ધનનો યોગ્ય ઉપયોગ ન કરી શક્યો અને કંગાળ થઈ ગયો એટલે ગામના લોકો મારી મજાક ઉડાવવા લાગ્યાં. હું ભૂખે મરવા લાગ્યો. શરમ પણ આવતી હતી. કોઈ પરિચિત સામેથી આવે તો મોઢું ઢાંકી દેતો હતો. હવે આ રીતે કેટલુંક રહેવું. મારાથી તો ન રહી શકાયું એટલે હું નગરથી દૂર આવી ગયો. મહેનત-મજૂરી કરવા લાગ્યો અને ભવિષ્ય માટે પૈસા એકઠા કરવા લાગ્યો.’
તેની પાસે પૈસા હતા, પણ ત્યારે તે ઉડાવવામાં પાછો ન વળ્યો. તેનું મન ચંચલ હતું. પૈસા પૂરા થઈ ગયા પછી તેને સદબુદ્ધિ આવી. રાજાએ તેની વાત સાંભળી અને પૂછ્યું, ‘જો પાછું ધન મળી જાય તો નવેસરથી જિંદગી જીવવાની શરૂઆત કરીશ?’
‘અરે ભાઈ, જીવનની ઠોકરોએ મને બધું શીખવાડી દીધું છે. એક વખત પાછું ધન મળી જાય તો હું મારા ભાઈની માફક જ કામે લાગી જાઉં અને વેપારમાં જ ધ્યાન લગાવું. જેટલી ઠોકરો ખાધી એણે મને સાચું જ્ઞાન આપી દીધું છે. અને હવે એ જ્ઞાનના બળ પર હું મારા મનને વશમાં રાખી શકું છું.’
વાત સાંભળ્યા પછી વિક્રમે તેને પોતાનો પરિચય આપ્યો. એ તો આભો થઈ ગયો. વિક્રમાદિત્યએ તેને ઘણી સુવર્ણમુદ્રાઓ આપી અને તેને ફરી વેપાર કરવાની સલાહ આપી.
રાજાએ તેને વિશ્વાસ અપાવતા કહ્યું, ‘લગનથી કામ કરીશ તો પહેલા જેવી જ સમુદ્ધિ મળી જશે.’
રાજા ત્યાંથી પાછો ફર્યો. હવે તેને તપસ્વીના સવાલનો જવાબ આપવાનો હતો. તપસ્વીઓને સભામાં બોલાવવામાં આવ્યા. વિક્રમે તેમને જવાબ આપ્યો, ‘મનુષ્યના શરીર પર તેનું મન વારંવાર નિયંત્રણ કરવાની કોશિશ કરે છે, પણ જ્ઞાનના આધારે વિવેકશીલ મનુષ્ય મનને પોતાના પર હાવી થવા નથી દેતો. મન અને જ્ઞાનમાં અન્યોનાશ્રય સંબંધ છે અને બંનેનું પોત પોતાનું મહત્વ છે. જે સમગ્ર રીતે પોતાના મનના વશમાં થઈ જાય છે તેનો સર્વનાશ અવશ્ય છે. મન જો રથ છે તો જ્ઞાન એ સારથી છે. સારથી વગરનો રથ અધૂરો છે.’
તેમણે શેઠના પુત્રની સાથે જે બનેલું હતું તેને વિસ્તારપૂર્વક જણાવ્યું તો તપસ્વીઓના મનમાં કોઈ પ્રકારનો સંશય ન રહ્યો.
રાજાના જવાબથી ખુશ થઈ તપસ્વીઓએ મહારાજાને એક ખડીયો આપ્યો. જેનાથી જે પણ ચિત્ર બનાવવામાં આવે તે રાતના જીવંત થઈ જતું અને તેની સાથે વાર્તાલાપ પણ કરી શકાતો હતો.
તપસ્વીઓ ગયા એ રાત્રિએ વિક્રમાદિત્યએ ખડિયાની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. એક તસવીર બનાવી તે જીવંત થઈ ગઈ અને રાજા તેની સાથે વાતો કરવા લાગ્યો. હવે રાજા રાણીઓની સાથે નહિ ખડિયાથી બનાવેલા ચિત્રમાંથી જીવંત થયેલા વ્યક્તિઓ સાથે જ ચર્ચા કરતો હતો.
ઘણો સમય થઈ ગયો તો રાણીઓ રાજા પાસે ફરિયાદ લઈને આવી. રાજા તેમને સાંભળીને હસવા લાગ્યો અને બોલ્યો, ‘લો હું પણ મનને આધીન થઈ ગયો. મને ખબર જ ન રહી. મનેય આખરે જ્ઞાન થઈ જ ગયું.’
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત