Homeવિશેષસિંહાસન બત્રીસી : ચિત્રલેખાની વાર્તા

સિંહાસન બત્રીસી : ચિત્રલેખાની વાર્તા

Team Chabuk : રત્નમંજરી પછી બીજી પુતળી ચિત્રલેખાએ પોતાની વાતની શરુઆત કરી. રાજા ગંભીર મુખમુદ્રા સાથે તેની વાતને સાંભળવામાં તલ્લીન થઈ ગયો.

એક દિવસ રાજા વિક્રમાદિત્ય શિકારની શોધમાં ને શોધમાં એક ઊંચા પહાડ પર જઈ પહોંચ્યા. ત્યાં એમણે જોયું કે એક સાધુ તપશ્ચર્યા કરી રહ્યો છે. સાધુની તપશ્ચર્યામાં વિઘ્ન ન પડવું જોઈએ આમ વિચારીને તેને પ્રમાણ કરી ત્યાંથી નીકળી ગયો. પીઠ ફેરવીને રાજા જતો જ હતો ત્યાં સાધુએ અવાજ કર્યો, ‘બચ્ચા.’

વિક્રમાદિત્ય ઊભા રહી ગયા. લાંબા સફેદ વાળ. પવનની થપાટથી પશ્ચિમ દિશામાં ઉડતી ઘેઘૂર દાઢી. કંઈ કેટલીય સિદ્ધિઓની પ્રાપ્તિ દ્વારા ચમકતું લલાટ. હાથ જોડી રાજા સાધુ પાસે આવ્યો. સાધુએ તેને એક ફળ આપતા કહ્યું, ‘જે સ્ત્રી કે પુરુષ આ ફળ ખાઈ સંભોગ કરશે તેમાંની સ્ત્રીને નવ મહિના પશ્ચાત તેજસ્વી અને યશસ્વી પુત્રની પ્રાપ્તિ થશે.’ રાજાએ ખુશી ખુશી ફળ હાથમાં લીધું અને પોતાના રસ્તે પડ્યો. રસ્તામાં તેને એક તીવ્ર ગતિએ ભાગતી મહિલા નજર આવી. દોડતા દોડતા તે એક કૂવાની પાસે આવી અને છલાંગ લગાવી જીવ ટૂંકાવવાની જ હતી ત્યાં વિક્રમે તેનું બાવડું ઝાલી ખેંચી લીધી.

મહિલા કૂવામાં ખાબકવા માટે ધમપછાડા મારી રહી હતી. વિક્રમે તેને શાંત કરી અને કૂવામાં પડવાનું કારણ પૂછ્યું. મહિલાએ રડતા રડતા કહ્યું, ‘મારી ઘણી છોકરીઓ છે પણ પુત્ર એક પણ નથી. દરેક વખતે પુત્રી જ મારી કોખેથી પેદા થાય છે. મારો પતિ મને રોજ મારે છે. મને પાપણી કહે છે. હું હવે તેના મહેણા સહન નથી કરી શકતી.’

વિક્રમાદિત્યને સાધુએ આપેલું ફળ તેને આપી દીધું અને કહ્યું, ‘જો આ વખતે તારો પતિ આ ફળ ખાશે તો તમને પુત્ર પ્રાપ્તિ જ થશે.’  થોડા દિવસો પસાર થઈ ગયા. એક દિવસ એક બ્રાહ્મણ વિક્રમની પાસે આવ્યો. તેણે વિક્રમને એ જ ફળ આપ્યું જે તેણે મહિલાને આપ્યું હતું. વિક્રમ તો સ્ત્રીની ચરિત્રહીનતા પર દુ:ખી દુ:ખી થઈ ગયો. એક વખત તો તેને વિચાર આવી ગયો કે શું જગતની તમામ સ્ત્રીઓ ચરિત્રહીન છે?

ફળ લઈને તે પોતાની પત્નીની પાસે આવ્યો અને તેને તે ફળ આપી દીધું. વિક્રમની પત્ની પણ ચરિત્રહીન હતી. એ નગરના સૈનિક સાથે પ્રેમ કરતી હતી. તેણે એ ફળ નગરના સૈનિકને આપી દીધું. નગરનો સૈનિક એક વેશ્યાના પ્રેમમાં પાગલ હતો. તેણે રાણી તરફથી મળેલું ફળ તેને આપી દીધું. વેશ્યા વિચારતી હતી કે વેશ્યાનો પુત્ર લાખ યશસ્વી થાય છતાં તેને પ્રતિષ્ઠા તો નથી જ મળવાની. તેણે ફરી વિચાર કરી એ ફળ તેના સાચા અધિકારી રાજા વિક્રમાદિત્યને આપી દીધું. તેણે વિચાર્યું હતું કે મહારાજા વિક્રમાદિત્યનો પુત્ર એમની જ માફક બુદ્ધિશાળી અને ચતુર પેદા થાય તો પ્રજાની સારસંભાળ સારી રીતે રાખી શકે.

ફળને પુન: પોતાની પાસે જોતા વિક્રમાદિત્ય મૂંઝવણમાં મુકાયા. ગુપ્તચરોને માહિતી લાવવાનું કામ સોંપ્યું તો ખબર પડી કે નગરના સૈનિક અને તેની પત્ની વચ્ચે અવૈધ સંબંધ છે. એ એટલા દુ:ખી થઈ ગયા કે રાજ્યને હતું એમનું એમ જ છોડી જંગલમાં તપશ્ચર્યા કરવા માટે નીકળી ગયા.

વિક્રમાદિત્ય તો દેવતાઓ અને મનુષ્યો સૌમાં સમાનરૂપથી પ્રિય હતા. દેવરાજ ઈન્દ્રને ખ્યાલ આવી ગયો કે રાજાએ સિંહાસનનો ત્યાગ કર્યો છે. તેમણે રાજ્યની રક્ષા માટે એક શક્તિશાળી દેવને મોકલી દીધો. એ દેવ નૃપહીન રાજ્યની ચોકીદારી કરતો હતો. તેણે ફરજમાં કોઈ કસર ન છોડી.

જંગલમાં રહેતા રાજાને લાગ્યું કે મારે હવે મારી પ્રજા પાસે પરત જવું જોઈએ. જ્યારે તેણે પોતાના રાજ્યમાં પરત ફરવાનું નક્કી કર્યું તો તેના માર્ગની આડે વિક્રમાદિત્યના રાજ્યની સુરક્ષા કરતો દેવ આવી ગયો. એ વિક્રમને જ તેની વાસ્તવિક ઓળખ પૂછતો હતો.

વિક્રમે તેને કહ્યું, ‘હું રાજાઓનો રાજા વીર વિક્રમાદિત્ય છું.’

દેવે તેની વાત કાને ન લીધી ગરદન હલાવી કહ્યું, ‘ન હોય શકે. વિક્રમ અને આવી સ્થિતિમાં. તેના વાળ તો કોઈ જંગલી જેવા છે. દાઢી વધી ગયેલી છે અને વસ્ત્રો….’

વિક્રમ લજ્જીત થયો. તેણે દેવને યુદ્ધ કરવા માટે પડકાર ફેંક્યો. મલ્લયુદ્ધ શરૂ થયું અને જ્યારે યુદ્ધ પૂર્ણ થયું ત્યારે દેવ પરાજીત થઈ ગયા હતા.

પરાજીત દેવે સ્વીકારી લીધું કે તેને હરાવનાર બીજું કોઈ નહીં પણ વીર, પ્રતાપી અને ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્ય છે. રાજા વિક્રમના સાહસથી પ્રસન્ન થઈ તેણે કહ્યું, ‘હે રાજા વિક્રમ, તું ધ્યાન રાખજે. તારો ગત્ત જન્મનો એક દુશ્મન તને હણવા માટે આવી પહોંચ્યો છે. એ પણ તારી જેટલો જ બુદ્ધિશાળી છે. એ પણ તારી જેટલો જ યોગ્ય છે. એ તને મારવાનો હરેક સંભવ પ્રયાસ કરશે. જો તું તેને મારી નાખીશ તો કોઈ પણ વિઘ્ન વિના રાજ્ય પર રાજ કરી શકીશ.’

એ શત્રુ વિશે માહિતી આપી દેવતાએ ત્યાંથી વિદાય લીધી. વિક્રમની ચરિત્રહીન પત્ની ત્યાં સુધીમાં વિષપાન કરી જીવન ટૂંકાવી ચૂકી હતી. વિક્રમે આવી રાજપાટ સંભાળી લીધું અને નગરીમાં બધું પુન: સુરાચુપૂર્વક ચાલવા લાગ્યું.

થોડા દિવસો પછી તેના દરબારમાં એક યોગી આવી પહોંચ્યો. એ વિક્રમને રોજ એક ફળ આપતો હતો. વિક્રમ એ ફળ ખાવાની જગ્યાએ પોતાના સૈનિકને આપી ખાસ જગ્યાએ રખાવી દેતો હતો. આમ ને આમ ફળની સંખ્યા વધતી ગઈ. એક દિવસ યોગી મહારાજ ફરી આવ્યા. રાજા વિક્રમ તબેલામાં હતો. યોગીએ તેને ફળ આપ્યું. વિક્રમ એ ફળ લેવા જાય ત્યાં વૃક્ષ પર બેસેલા વાંદરાએ તે ઝૂંટવી લીધું. એ વાંદરાએ ફળને તોડ્યું. અંદરથી હીરા નીકળ્યા. વાંદરાના એ શું કામના ? તેણે તેનો ફરી ઘા કર્યો અને એક ઝાડથી બીજા ઝાડ પર ચાલ્યો ગયો.

આ જોઈ રાજા વિક્રમે પોતાના સૈનિક પાસેથી એ તમામ ફળો માગ્યા જે યોગી મહારાજે આપ્યા હતા. એક બાદ એક ફળ કાપતા તેમાંથી હીરા નીકળ્યા. રાજાએ પોતાના હીરા પારખુ વેપારી પાસે તેનું મૂલ્ય કરાવતા ખ્યાલ આવ્યો કે તે પોતાના રાજ્ય કરતા પણ અધિક કિંમતી છે.

રાજાએ યોગી સામે જોઈ કહ્યું, ‘તમારું આ ઋણ તો હું કોઈ દિવસ નહીં ચૂકવી શકું. પણ આ રીતે દાન તો કોઈ સ્વાર્થ ખાતર જ કરી શકે. શું તમારો પણ કોઈ મોટો સ્વાર્થ આ કિંમતી હિરાઓની પાછળ છુપાયેલો છે?’

‘સ્વાર્થ? અરે મોટો સ્વાર્થ છે. આજે તું નદી કિનારે આવેલા સ્મશાને આવી જજે. હું તને એક કાર્ય સોંપીશ. તું બસ મને એક રાત માટે જોઈએ છે. એક રાત માટે તારી વીરતા મારે ઉધાર જોઈએ છે. હું પણ જોઉં રાજા કેટલો પરાક્રમી છે.’ યોગી હસવા લાગ્યો.

રાજાએ યોગીની વાતનું પાલન કર્યું અને તેના ભૂતાવળ સ્મશાને જઈ પહોંચ્યા. યોગીએ રાજાને કહ્યું, ‘સાંભળ વીર વિક્રમાદિત્ય. સિદ્ધવડ પર એક વેતાળ લટકે છે. મને એ વેતાળ જોઈએ છે. તું એ વેતાળને સિદ્ધવડ પરથી ઉતારી મારી પાસે લાવ બસ તું ઋણ મુક્ત થઈ જઈશ.’

વિક્રમ સિદ્ધવડ પર ગયો અને વેતાલને વારંવાર ઉતારી લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. વિક્રમ તેને જ્યારે પણ ઉતારીને લાવે ત્યારે તે વાર્તા સંભળાવે. વાર્તાની વચ્ચે રાજાએ બોલવાનું નહીં. જો બોલે તો વેતાલ ઉડી ફરી સિદ્ધવડ પર લટકી જાય. જો કે વાર્તા પૂર્ણ થતા જ વેતાલ વિક્રમને સવાલ પૂછે. જો વિક્રમ જવાબ ન આપે તો તેના માથાના હજ્જારો ટૂકડા થઈ જાય. આવું ચોવીસ વખત થયું. પચ્ચીસમી વાર્તાના સમયે રાજાએ મનોમન પ્રણ લીધું કે જે થવાનું હોય તે થાય હું વેતાલના પ્રશ્નનો ઉત્તર નહીં આપું. છેલ્લી વાર્તાનો વેતાલે પ્રશ્ન પૂછ્યો પણ રાજાએ ઉત્તર ન આપ્યો.

વેતાલે તેને પોતાનો ભૂતકાળ કહ્યો અને યોગી મારી જ નહીં તારી પણ બલિ ચડાવવાનો છે એ સત્ય હકીકતથી અવગત કરી દીધો. વિક્રમને એવે જ વખતે ઈન્દ્રના દેવગણે આપેલી ચેતવણીનું સ્મરણ થઈ ગયું. રસ્તામાં જ વિક્રમ અને વેતાલે યોગીને મારવાની યોજના બનાવી લીધી. સ્મશાને પહોંચી રાજાએ મડદાને એક ખૂણામાં રાખી દીધું. યોગીએ વિક્રમની બલિ લેવા માટે દેવી સમક્ષ શીશ નમાવવાનું કહ્યું. વિક્રમે યોગીને કહ્યું, ‘પહેલા આપ કરો બાદમાં હું પણ આપને અનુસરું. મેં આ વિધિ કોઈ દિવસ નથી કરી.’

યોગીએ વિક્રમ માટે દેવી સમક્ષ શીશ નમાવ્યું અને વિક્રમે તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું. દેવી પ્રસન્ન થઈ અને તેણે રાજા વિક્રમને બે વેતાલ તેની સેવા માટે આપ્યા અને કહ્યું, ‘તું જ્યારે પણ આ બંને વેતાલનું સ્મરણ કરીશ ત્યારે આ બંને તારી સમક્ષ તારી સેવામાં હાજર થઈ જશે.’

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments