Homeવિશેષસિંહાસન બત્રીસી : પ્રભાવતીની વિક્રમાદિત્ય અને રાજકુમારીના વિવાહની વાર્તા

સિંહાસન બત્રીસી : પ્રભાવતીની વિક્રમાદિત્ય અને રાજકુમારીના વિવાહની વાર્તા

Team Chabuk : દસમી પુતળી પ્રભાવતીએ રાજાભોજને જે કથા સંભળાવી તે આ પ્રમાણે છે.

એક વખત રાજા વિક્રમાદિત્ય શિકારની શોધમાં ને શોધમાં પોતાની સૈનિક ટૂકડીથી ઘણા આગળ નીકળી ગયા અને જંગલમાં ખોવાઈ ગયા. તેમણે ચારે દિશામાં શોધ કરી પણ સૈનિકો તેમને મળ્યા નહિ. એવામાં તેમણે એક વૃક્ષ જોયું. વૃક્ષ પર એક યુવાન હતો. તેણે વૃક્ષની એક ડાળખી સાથે દોરડું બાંધ્યું. રાજા તો હજુ એ શું કરે એ જુએ ત્યાં તો તેણે દોરડાનો ફંદો બનાવ્યો અને ગળામાં પહેરી લટકવા જઈ રહ્યો હતો.

વિક્રમે બૂમ પાડી, ‘એ યુવક ઊભો રહે.’

એ યુવક વિક્રમાદિત્યને જોઈ ફટાફટ ફંદો ગળામાં પહેરી રહ્યો હતો, પણ વિક્રમ ત્યાં પહોંચી ગયો. એ અધમરો થઈ લટકી રહ્યો હતો. શ્વાસ ચાલી રહ્યા હતા. વિક્રમે તેને નીચે ઉતાર્યો.

એ થોડો ભાનમાં આવ્યો કે વિક્રમ ક્રોધમાં આવી ગયા, ‘આત્મહત્યા કરવી એ સૌથી મોટું પાપ છે. પાપ જ નહિ સૌથી મોટી કાયરતા છે. તું સમજે છે કે નહિ ? હું રાજા છું. રાજા હોવાના નાતે હું તને આ અપરાધ બદલ દંડિત પણ કરી શકું છું.’

યુવક તો વિક્રમાદિત્યનો ઊંચો અને ભરાવદાર અવાજ સાંભળીને જ ભયભીત થઈ ગયો. રાજાએ તેની ગરદન પકડી અને ધીમે ધીમે હલાવી તેને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો.

રાજાએ તેને કહ્યું, ‘તું એક બળશાળી યુવક છો તો પછી જીવનથી નિરાશ કેમ થઈ ગયો ? તારી મહેનતના બળે આજીવિકાની શોધ કરી શકે છો.’  

યુવકે રાજાને કહ્યું, ‘મારી નિરાશાનું કારણ આજીવિકા ઉપાર્જન નથી. અને હું વિફળ હોવાથી આત્મહત્યાનો પ્રયાસ નથી કરી રહ્યો.’

‘તો પછી શું કારણ છે ? એવું વળી કયુ દુ:ખ તારી માથે તૂટી પડ્યું કે તારે આત્મહત્યા કરવાની નોબત આવી પડી ?’ રાજાએ પૂછ્યું.

યુવકે આખી વાત રાજાને કહી, ‘મારું નામ વસુ છે. હું કલિંગનો રહેવાસી છું. એક દિવસ હું જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો તો મારી નજર એક સુંદર યુવતી પર પડી. હું તેના રૂપ પર મોહિત થઈ ગયો. એ સમયે જ મેં પ્રેમનો પ્રસ્તાવ તેની સામે રાખી દીધો. મારા પ્રસ્તાવ પર એ છોકરી હસવા લાગી. તેણે કહ્યું હું કોઈની સાથે વિવાહ નથી કરી શકતી. મહારાજા વિક્રમાદિત્ય એ કન્યા એક એવા નક્ષત્રમાં પેદા થઈ છે કે તેનો પિતા જ તેને નથી જોઈ શકતો. જો તેનો પિતા તેને જુએ તો તેની મોત થઈ જશે. તેના જન્મતા જ તેના પિતાએ તેને નગરથી દૂર એક ઝૂંપડીમાં મોકલી દીધી અને ત્યાં જ તેનું પાલન પોષણ થયું. તેનો વિવાહ પણ એ જ યુવક સાથે સંભવ છે જે અસંભવને સંભવ કરી શકે. એ યુવકને ઉકળતા તેલમાં કૂદીને જીવંત બહાર આવવું પડશે.’

રાજા વાત જાણીને વિચારમાં પડી ગયો. યુવકે પોરો ખાઈ વાતને આગળ ચલાવી, ‘મહારાજા હું તેની ઝૂંપડી પાસે ગયો હતો. ત્યાં અસંખ્ય મનુષ્યનાં હાડપિંજર હતા. મને સમજતા વાર ન લાગી કે આ બધા કન્યાને પામવાના મોહમાં મોક્ષ પામેલા નસીબના પાંગળા લોકો છે. ઉકળતા તેલમાં પડીને તેમણે પોતાનો જીવ ખોઈ દીધો છે. મારી તો હિંમત જ જવાબ આપી ગઈ. હું નિરાશ થઈ ઘરે પરત આવી ગયો. મેં તેને ભૂલાવવાના લાખેક પ્રયત્ન કર્યા પણ હરેક સમયે તેનું સૌંદર્ય તેનું મુખ મારી આંખ સન્મુખ આવી જાય છે. મારી ઊંઘ ઉડી ગઈ છે. મને ખાવા પીવાનું ભાવતું નથી. હવે પ્રાણ ત્યાગવા સિવાય મારી પાસે કોઈ ઉપાય નથી.’

વિક્રમે તેને સમજાવ્યું, ‘વસુ મારી વાત સાંભળ. એ યુવતીને ભૂલી જા. ઉકળતા તેલમાં પડવું અને જીવિત બહાર આવવું એ તો અસંભવ છે. અને આ રીતે તો બિલકુલ અસંભવ છે કે તું તેની સાથે જીવન વ્યતિત કરે. એક કામ કર કોઈ બીજી જીવન સંગીની શોધી લે.’

રાજાએ તેને ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહિ. એ એકધારો જામી પડ્યો, ‘તમે વચ્ચે આવી મને મૃત્યુમાર્ગે જતા કેમ રોક્યો ? આ તમારી ભૂલ છે.’

વિક્રમે તેને ફરી સમજાવ્યો, ‘હું હવે રાજા તરીકે નહીં પણ એક મિત્ર તરીકે કહું છું કે આત્મહત્યા એ પાપ છે. અને હું રાજા જ હોવાના કારણે આ પાપ મારી સામે તો થતું ન જ જોઈ શકું.’ વિક્રમ ઘડીવાર માટે અટક્યા અને પછી બોલ્યા, ‘તો ઠીક છે. તારી ખુશી માટે હું એ રાજકુમારી સાથે તારા વિવાહ કરાવવાની હરેક સંભવ કોશિશ કરીશ.’

રાજાએ હાથ જોડી બેઉં વેતાલનું સ્મરણ કર્યું. વેતાલ સામે આવતા જ રાજાએ તેમને ઝૂંપડી તરફ લઈ જવાનું કહ્યું. વેતાલ તુરંત રાજાને ઝૂંપડી પાસે લઈ ગયા. રાજાએ જોયું તો અહીં રાજકુમારી માટે તમામ સુવિધાઓ હતી. નોકર હતા. ચાકર હતા. રાજકુમારીનું મન લાગી રહે આ માટે બહેનપણીઓ હતી.

ત્યાં હાજર તપસ્વી સાથે મુલાકાત કરી અને રાજાએ તેની પાસેથી રાજકુમારીનો હાથ માગ્યો. તપસ્વીએ કહ્યું, ‘ઉકળતા તેલમાં કૂદવું પડશે અને રાજકુમારી તમારી.’

રાજાએ પૂછ્યું, ‘જો હું કોઈ બીજા માટે રાજકુમારી લઈ જવા સાહસ કરું તો ?’

‘કોઈ પણ માટે લઈ જાવ શર્ત પૂર્ણ થવી જોઈએ.’ તપસ્વીએ રાજાની વાતનું સમાધાન લાવી દીધું.

રાજાએ તપસ્વીને કહ્યું, ‘હું એક યુવક માટે ઉકળતા તેલમાં કૂદી પડવા માટે તૈયાર છું.’

રાજાની વાત સાંભળીને તપસ્વી વિસ્મિત થઈ ગયો. એટલામાં ત્યાં રાજકુમારી આવી. તેની સુંદરતા અપ્રિતમ અને અપરંપાર હતી. કોઈ પણ યુવક તેના પ્રેમમાં પડ્યા વિના ન રહે. ઉકળતા તેલમાં તેની સાથે વિવાહ ઈચ્છુક યુવકોએ જીવ ગુમાવ્યા તો કંઈ ખોટું નથી! રાજા વિચારોમાં ખોવાઈ ગયો.

વિક્રમે તપસ્વીને કહી મોટા ટોપમાં તેલ ભરવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. તેલ ઉકળ્યા બાદ વિક્રમે માતા કાલિનું સ્મરણ કર્યું અને તેલમાં કૂદી પડ્યો. ઉકળતા તેલમાં પડતા જ તેના શરીરનું હાડપિંજર દેખાવા લાગ્યું. ચામડી સૂકાઈ ગઈ. તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું.

માતા કાલિને તેમના પર દયા આવી. એમણે તુરંત બંને વેતાલને આજ્ઞા કરી કે વિક્રમને પુન:જીવિત કરો. વેતાલે અમૃતના ટીપા તેમના દાઝેલા મોમાં નાખ્યા અને તે ફરી સજીવન થઈ ગયા. વસુ સાથેના વિવાહ માટે તેમણે રાજકુમારીનો હાથ માગ્યો. રાજકુમારીના પિતાને જાણ કરી દેવામાં આવી. વસુ અને રાજકુમારીના વિવાહ ધામધૂમપૂર્વક થયા.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments