Homeવિશેષસિંહાસન બત્રીસી : જયલક્ષ્મીની મૃગમાંથી મુક્તિની વાર્તા

સિંહાસન બત્રીસી : જયલક્ષ્મીની મૃગમાંથી મુક્તિની વાર્તા

Team Chabuk :રાજા વિક્રમાદિત્ય જેટલા મોટા રાજા હતા એટલા જ મોટા તપસ્વી હતા. તેમણે પોતાના તપથી જાણી લીધું કે હવે તેઓ વધુમાં વધુ છ મહિના જ જીવી શકશે. પોતાના મૃત્યુનાં સમયથી પરિચિત થતાં જ તેમણે જંગલમાં એક નાની એવી ઝૂંપડી બનાવી લીધી અને રાજ કાજમાંથી જે સમય બચતો હતો તેમાં સાધના કરવા લાગ્યા.

એક દિવસ રાજમહેલથી ઝૂંપડી તરફ જઈ રહ્યા હતા. તેમની નજર એક હરણ પર પડી. હરણ અદભુત હતું અને આવું હરણ તો તેમણે પહેલા જોયું જ નહોતું. તેમણે ધનુષ હાથમાં લીધું. પ્રત્યંચા તાણી એટલામાં હરણ રાજાની સામે આવી મનુષ્યની ભાષામાં બોલવા લાગ્યું અને પોતાના પ્રાણોની ભીખ માગવા લાગ્યું. માણસની જેમ બોલતા હરણને જોઈ વિક્રમનાં હાથ સ્થિર થઈ ગયા.

વિક્રમે પૂછ્યું, ‘એક હરણ થઈને તું માણસની જેમ કેવી રીતે બોલી શકે છે?’

હરણે કહ્યું, ‘આ બધો તો આપના જ દર્શનનો પ્રભાવ છે.’

વિક્રમની જિજ્ઞાસા વધી ગઈ. તેમણે એ હરણને પૂછ્યું, ‘શું થયું તારી સાથે?’

હું જન્મજાત હરણ નથી. મારો જન્મ માનવકુળમાં એક રાજાને ત્યાં થયો હતો. અન્ય રાજકુમારોની માફક મને પણ શિકાર કરવાનો ખૂબ જ શોખ હતો. શિકાર માટે હું મારા ઘોડા પર ખૂબ દૂર સુધી ચાલ્યો જતો હતો. એક દિવસ મને જંગલમાં હરણ હોવાનો ભાસ થયો. અવાજની દિશામાં મેં તીર ચલાવ્યું. હકીકતે એ સ્વર કોઈ સાધુનો હતો. જે ધીમેથી કોઈ મંત્ર ગણગણી રહ્યો હતો. તીર એમને તો ન લાગ્યું પણ તેમના કાન પાસેથી પુરા વેગ સાથે પસાર થઈને વૃક્ષમાં ઘુસી ગયું. મારા શિકારની ખોજમાં હું ત્યાં પહોંચ્યો તો મને ખબર પડી કે મારાથી મોટું અનિષ્ટ કાર્ય થઈ ગયું છે. યોગીની સાધનામાં વિઘ્ન પડ્યું હતું. જેથી તે અત્યંત ક્રોધિત થઈ ગયો. હું તેની સામે ઊભો એટલે તેને ખબર પડી ગઈ કે બાણ મેં જ ચલાવ્યું છે. તેણે લાલ આંખો કરી મારી સમક્ષ જોતા મને શ્રાપ આપ્યો, ‘હરણનો શિકાર પસંદ કરનારા મૂર્ખ યુવક, આજથી તું ખૂદ જ હરણ બની જા. હવેથી શિકારીઓ તારો શિકાર કરવા માટે આવશે અને તું જંગલમાં તારા પ્રાણોની રક્ષા કરવા માટે અહીંથી તહીં ભટક્યા કરીશ.’

એમણે શ્રાપ એટલી ત્વરિત મને આપી દીધો કે, મને સ્પષ્ટતા કરવાની એક પણ તક ન મળી. શ્રાપની કલ્પનાથી જ હું ધ્રૂજી ઉઠ્યો. હું યોગીના પગમાં પડી ગયો. પ્રાર્થના કરવા લાગ્યો. હું તેમની સામે ગળગળવા લાગ્યો કે,‘મારી ભૂલ થઈ ગઈ, મારો આવો કોઈ ઈરાદો નહોતો.’

મારી આંખમાં પશ્ચાતાપનાં આંસુ જોઈ યોગીને દયા આવી ગઈ, ‘હું શ્રાપને મીટાવી તો ન શકું પણ તેનો પ્રભાવ ઓછો અચૂક કરી શકું છું. આ શ્રાપ તારા પર કાયમી નહીં રહે. જ્યારે યશસ્વી રાજા વિક્રમ જંગલમાં આવશે ત્યારે તારી શ્રાપમાંથી મુક્તિ થશે. તું વિક્રમને જોઈશ એટલે હરણ હોવા છતાં બોલતો થઈ જઈશ.’

વિક્રમે તેની વાત સાંભળીને જિજ્ઞાસાવશ કહ્યું, ‘તું માણસોની માફક બોલી તો શકે છો, પણ હરણનાં શરીરમાંથી તને મુક્તિ કેવી રીતે મળશે ? તારું વાસ્તવિકરૂપ કેવી રીતે સામે આવશે ?’

શ્રાપિત રાજકુમાર બોલ્યો, ‘તેનાથી પણ મને ઝડપથી જ મુક્તિ મળી જશે. એ યોગીના કથન અનુસાર હું તમને મારી સાથે લઈને જઈશ તો મારું વાસ્તવિક સ્વરૂપ મને તાત્કાલિક પરત મળી જશે.’

વિક્રમ એ વાતથી ખુશ હતો કે તેનાથી શ્રાપગ્રસ્ત રાજકુમારની હત્યા નહોતી થઈ અન્યથા તેમને નિરપરાધ મનુષ્યની હત્યાનું પાપ લાગેત અને તેઓ ગ્લાનિ તથા પશ્ચાતાપની આગમાં સળગતા રહેત. તેમણે મૃગરૂપી રાજકુમારને પૂછ્યું, ‘શું તને એ યોગીના નિવાસસ્થાન વિશે કંઈ ખબર છે ? શું તું મને તેની પાસે લઈને જઈ શકે છો?’

રાજકુમારે કહ્યું, ‘હા, હું તમને તેની ઝૂંપડી સુધી હમણાં જ લઈ જઈ શકું છું. સંયોગથી એ યોગી હજુ પણ જંગલથી થોડી દૂર સાધના કરી રહ્યો છે.’

હરણ આગળ ચાલતું હતું અને રાજા વિક્રમ તેની પાછળ ચાલી રહ્યાં હતાં. થોડે દૂર જતાં એક વૃક્ષ પર તેમને ઉલટા થઈને સાધના કરતા યોગી દેખાયા. તેમની સમજમાં આવી ગયું કે રાજકુમાર આ જ યોગીની વાત કરી રહ્યા છે. નજીક આવતા જ યોગીએ તેમને જોયા અને વૃક્ષ પરથી ઉતરીને સીધા થઈ ગયા. તેણે વિક્રમનું અભિવાદન કર્યું.

વિક્રમ સમજી ગયા કે એ યોગી તેની જ રાહ જોઈ રહ્યો હતો. જોકે વિક્રમાદિત્યને જિજ્ઞાસા થઈ કે એ એમની પ્રતીક્ષા શા માટે કરી રહ્યો હતો. પૂછતા એમણે કહ્યું, ‘સપનામાં એક દિવસ ઈન્દ્ર દેવે મને દર્શન આપ્યા હતાં કે મહારાજા વિક્રમાદિત્યએ પોતાના કર્મોથી દેવતાઓ જેવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. એમના દર્શન કરનારને ઈન્દ્ર દેવ અને અન્ય દેવતાઓનાં દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. હું આટલી આકરી તપસ્યા આપના દર્શન હેતુ જ કરી રહ્યો હતો.’

વિક્રમે પૂછ્યું, ‘હવે તો તમે મારા દર્શન પ્રાપ્ત કરી લીધા છે. શું બીજું કંઈ જોઈએ છીએ ?’

તેના પર યોગીએ વિક્રમાદિત્યના ગળામાં રહેલી મૂંગાવાળી માળા માગી. રાજાએ ખુશી ખુશી એ માળા યોગીને આપી દીધી. યોગીએ એમનો આભાર પ્રગટ કર્યો તથા શ્રાપિત રાજકુમાર ફરી માનવ બની ગયો. તેણે પ્રથમ વિક્રમના એ પછી યોગીના પગે લાગી આશીર્વાદ લીધા.

રાજકુમારને લઈ વિક્રમ પોતાના મહેલે આવ્યો. બીજા દિવસે પોતાના રથમાં તેને બેસાડીને તેના રાજ્યમાં સકુશળ મોકલવા તૈયાર થયો. પણ તેમના રાજ્ય પ્રવેશ કરતા જ સૈનિકોની ટૂકડીએ એમને ચારેબાજુથી ઘેરી લીધા અને અંદર આવવાનું કારણ પૂછ્યું.

રાજકુમારે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, ‘મારો રથ રોકવાની તમે હિંમત કેમ કરી ?’

સૈનિકોએ કહ્યું, ‘આપના માતા પિતાને કેદી બનાવી કારાવાસમાં નાખી દીધા છે અને હવે અન્ય રાજાનું અહીં શાસન છે. જોકે આપની શોધ કરવા છતાં આપ હાથ નહોતો લાગ્યા. આપને શોધવા માટે ગુપ્તચરો પણ મોકલવામાં આવ્યા હતાં. હવે આપ આવતા શાસકનો માર્ગ મોકળો થઈ ગયો છે.’

રાજા વિક્રમાદિત્યએ પોતાનો પરિચય ન આપ્યો અને ખૂદ રાજકુમારના દૂતના રુપમાં રજૂ થતાં કહ્યું, ‘મારો એક સંદેશ નવા શાસક સુધી પહોંચાડી દો. નવા શાસક સામે બે વિકલ્પ છે. એ અસલી રાજા અને રાણીને તેમનું રાજ્ય સોંપી ચાલ્યો જાય અથવા તો યુદ્ધની તૈયારી કરે.’

એ સેના નાયકને ખૂબ જ અજીબ લાગ્યું. તેણે વિક્રમનો ઉપહાસ કરતા પૂછ્યું, ‘યુદ્ધ કોણ કરશે? શું તમે બે જ યુદ્ધ કરશો ? ક્યાં છે તમારી સેના ?’

વિક્રમાદિત્યને ગુસ્સો આવ્યો. તલવાર કાઢી એક જ ઝાટકે ઉપહાસ કરનારનું માથું ધડથી અલગ કરી નાખ્યું. સૈન્યમાં ભગદડ મચી ગઈ. નવા રાજાને વાત પહોંચાડતા એ સૈન્ય લઈ ધસી આવ્યો.

વિક્રમે તુરંત માતા કાલિ દ્વારા પ્રાપ્ત થયેલા વેતાલોનું સ્મરણ કર્યું. તેમના પ્રગટ થતાં રથને હવામાં ઉઠાવવાનું કહ્યું અને રથ હવામાં ઉડવા લાગ્યો. તેમણે એ તિલક લગાવ્યું જેનાથી અદૃશ્ય થઈ શકાય અને રથમાં રાજકુમારને એકલો બેસાડી કૂદી ગયા.

અદૃશ્ય થઈને તેમણે વિરોધીઓને ગાજર અને મૂળાની જેમ કાપી નાખ્યાં. સૈનિકો મરતાં રહ્યાં પણ મારનાર કોણ છે તે નજર નહોતો આવી રહ્યો. મોટાભાગના સૈનિકો અદૃશ્ય વિક્રમની આ કાપાકાપી જોઈ રણમેદાન છોડી નાઠ્યા. નવા શાસકનો ચહેરો જોવા જેવો હતો.

તેને હતભ્રત જોઈ વિક્રમે પોતાની તલવાર તેની ગરદન પર રાખી દીધી અને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવી ગયા. વિક્રમે કહ્યું, ‘યા તો આ ક્ષણે જ રાજ્ય છોડીને ચાલ્યો જા અન્યથા પ્રાણોની આહુતિ માટે તૈયાર થઈ જા.’

એ શાસક વિક્રમાદિત્યની શક્તિથી પરિચિત હતો. તેમનું શૌર્ય આંખોથી જોઈ ચૂક્યો હતો. એ જ ક્ષણે તે ભાગી ગયો.

વાસ્તવિક રાજા રાણીને તેમનું રાજ્ય પાછું અપાવીને રાજા વિક્રમાદિત્ય પોતાની ઉજ્જૈની નગરી તરફ રથ લઈને ચાલ્યા ગયા. રસ્તામાં એક જંગલ પડ્યું. ત્યાં એક હરણ તેમની સામે આવી ગયું. તેની પાછળ સિંહ પડ્યો હતો. સિંહથી બચવા તે વિક્રમાદિત્યની પાસે આવી ગયું. વિક્રમાદિત્યને ખબર પડતા વાર ન લાગી, કે હરણ પોતાના પ્રાણોની રક્ષા કરવા માગે છે અને આ માટે જ મારી પાસે આવ્યું છે.

મહારાજા વિક્રમાદિત્યએ તેની મદદ ન કરી, કારણ કે એ નિયમોની વિરૂદ્ધ હતું. ભગવાનનાં બનાવેલા નિયમોની વિરૂદ્ધ. સિંહ ભૂખ્યો હતો અને હરણથી જ તેના પેટને શાંતિ મળી શકતી હતી. મહારાજાએ હરણની રક્ષા ન કરી અને સિંહને શિકાર કરવા દીધો.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments