Team Chabuk-Gujarat Desk : ગુજરાતની 6 મહાનગરપાલિકા માટે ચૂંટણીનો જંગ જામ્યો છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. 1 કરોડ 14 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 60 લાખ 60 હજાર 435 પુરૂષો અને 54 લાખ 6 હજાર 538 મહિલા મતદારો છે.
6 મહાનગરપાલિકા માટે કુલ 144 વોર્ડમાં 575 બેઠકો માટે મતદારો મતદાન કરી રહ્યા છે. મતદાન માટે કુલ 11 હજાર 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી 2 હજાર 255 સંવેદનશીલ અને 1 હજાર 188 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે.
મતદાનની પ્રક્રિયાને સફળ બનાવવા માટે કુલ 63 હજાર 209 પોલિંગ સ્ટાફ મતદાન પ્રક્રિયામાં જોડાયો છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ મતદાન મથકો પર પોલીસ જવાનો ખડેપગે છે.
મતદાન માટે ખાસ વ્યવસ્થા
કોરોનાને ધ્યાને રાખીને તમામ મતદાન મથકો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મથકો બહાર રાઉન્ડ કરાયા છે જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. મતદારોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત છે. તો માસ્ક વગર કોઈ પણ મતદારને મતદાન બુથમાં પ્રવેશવા દેવાશે નહીં. મતદાન મથક પર પ્રથમ થર્મલ ગનથી ચેક કરીને જ મતદાતાને સેનિટાઈઝર વડે હાથ સાફ કરાવી અંદર બુથમાં જવા દેવાઈ રહ્યો છે. મતદાન મથક પર ગ્લોવ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદારને એક ગ્લોવ્સ આપવામાં આવી રહ્યું છે. જે હાથમાં ગ્લોવ્સ નથી તે હાથમાં કાળી સહીથી નિશાન કરવામાં આવી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસના નેતાઓ મતદાન મથકે પહોંચી મતદાન કરી રહ્યા છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓ પણ કરી શકશે મતદાન
કોરોનાગ્રસ્ત દર્દીઓ પણ મતદાન કરી શકશે. મતદાનની છેલ્લી કલાકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ મતદાન મથકે જઈ શકશે. કોરોનાગ્રસ્તદર્દી માટે PPE કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. પીપીઈ કીટ પહેરીને દર્દી મતદાન કરી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આજે પીપીઈ કીટ પહેરીને મતદાન કરશે.
યુવાનોમાં ઉત્સાહ
મતદાન માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફર્સ્ટટાઈમ વોટર એટલે કે જે યુવાનો પહેલીવાર મતદાન કરી રહ્યા છે તેઓ પણ મતદાન મથકે પહોંચી રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરી મતદાનની શરૂઆત થઈ ત્યારે જ વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં યુવક-યુવતીઓ પહોંચ્યા હતા.
મતદાતાએ શું કહ્યું ?
પહેલીવાર મતદાન કર્યું. મતાધિકારનો ઉપયોગ કર્યાનો ગૌરવ છે. યુવાનોને અપીલ છે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.
ઝંખના પટેલ, રાજકોટ
મતદારોને અપીલ છે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે જ. કોઈ પાર્ટીને મત ન આપવો હોય તો નોટાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. રાજ્યના દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
અર્શ ભાલિયા, વડોદરા
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત