Homeવિશેષસિંહાસન બત્રીસી : વૈદહીની સ્વર્ગની યાત્રાની વાર્તા

સિંહાસન બત્રીસી : વૈદહીની સ્વર્ગની યાત્રાની વાર્તા

Team Chabuk : એક વખત રાજા વિક્રમાદિત્ય પોતાના શયનકક્ષમાં ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યા હતા. તેમણે એક સ્વપ્ન જોયું. એક સોનાનો મહેલ જેમાં હીરા, રત્ન અને માણેક હતા. મહેલમાં મોટા મોટા કક્ષ હતા. જેમાં સજાવટની અલૌકિક વસ્તુઓ હતી. મહેલની ચારેબાજુ ઉદ્યાન હતા અને ઉદ્યાનમાં હજ્જારો પ્રકારનાં સુન્દર સુન્દર ફુલો હતા. એ ફુલ પર વિવિધ પ્રકારના પતંગિયા ઉડી રહ્યા હતા. ભમરાનું ગુંજન સમગ્ર ઉદ્યાનમાં વ્યાપ્ત હતું. ફૂલોની સુગન્ધ ચારે બાજુ પ્રસરેલી હતી અને સમગ્ર દૃશ્ય મનોરમ હતું. સ્વચ્છ અને શીતળ હવા વહી રહી હતી. મહેલની થોડે દૂર એક યોગી સાધનામાં લીન હતા. યોગીનો ચહેરો ધ્યાનથી જોવા પર વિક્રમને ત્યાં પોતાનો ચહેરો જ દેખાયો. આ બધું જોતા જોતા વિક્રમની આંખો ખુલી ગઈ. એ સમજી ગયા કે એ કોઈ સપનું જોઈ રહ્યા હતા.

જાગી ગયા છતાં સપનામાં જોયેલી દરેક વસ્તુ તેમને સ્પષ્ટ યાદ હતી. તેમને પોતાના સપનાનો અર્થ સમજમાં ન આવ્યો. તમામ દૃશ્ય અલૌકીક અવશ્ય હતું પણ મનની ઉપજ ન માની શકાય. રાજાએ ખૂબ વિચાર્યું પણ તેમને યાદ ન આવ્યું કે જીવનમાં કોઈ દિવસ આવું દૃશ્ય એમણે ક્યારેય જોયું. આ પ્રકારના મહેલની તેમણે કોઈ દિવસ કલ્પના સુદ્ધા નહોતી કરી.

તેમણે પંડિતો અને જ્યોતિષીઓની સાથે પોતાના સપનાની ચર્ચા કરી અને તેમને આની વ્યાખ્યા કરવા માટે કહ્યું. તમામ વિદ્રાન અને પંડિત એ પરિણામ પર પહોંચ્યા કે મહારાજાધિરાજે સપનામાં સ્વર્ગના દર્શન કર્યા છે અને સપનાનો અલૌકિક મહેલ એ બીજો કોઈ નહિ પણ ઈન્દ્રનો મહેલ હતો. દેવતાઓએ કદાચ તેમને સપનામાં આ મહેલ બતાવીને સશરીર સ્વર્ગમાં આવવાનું નિમંત્રણ પાઠવ્યું છે.

વિક્રમ તો આ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેમણે કોઈ દિવસ નહોતું વિચાર્યું કે તેમને સ્વર્ગમાં આવવાનું આ રીતે આમંત્રણ મળશે.

એ પંડિતોને પૂછવા લાગ્યા કે સ્વર્ગ જવાનો કયો માર્ગ હશે અને સ્વર્ગ યાત્રા માટે શું શું આવશ્યકતા હોઈ શકે? ઘણા વિચાર વિમર્શ બાદ તમામ વિદ્રાનોએ તેમને એ દિશા બતાવી જ્યાંથી સ્વર્ગારોહણ થઈ શકે અને તેમને જણાવ્યું કે કોઈ પુણ્યાત્મા જે સતત ભગવાનનું સ્મરણ કરતો હોય અને ધર્મના પથ પર વિચલિત ન થાય એ જ સ્વર્ગમાં જવાનો અધિકારી છે.

આ વિષય પર રાજાએ જણાવ્યું કે, રાજપાટ ચલાવવા માટે જાણી જોઈને નહિ તો ભૂલથી અવશ્ય કોઈ ધર્મ વિરૂદ્ધનું આચરણ તેમનાથી થયું હશે. આ સિવાય કોઈ કોઈ વાર રાજ્યની સમસ્યામાં એટલા ગુંચવાય જાય છે કે ભગવાનનું નામ લેવાનું પણ તેમને યાદ નથી રહેતું.

આ વિષય પર તમામે એક જ સ્વરે કહ્યું – જો તમે આ યોગ્ય નહોત મહારાજ તો તમને સ્વર્ગના દર્શન થાત જ નહિં. તમામની સલાહ પર તેમણે રાજપુરોહિતને પોતાની સાથે લીધો અને સ્વર્ગની યાત્રા પર નીકળી પડ્યા. પંડિતોના કથન અનુસાર તેમને યાત્રા દરમિયાન બે પુણ્યકર્મ કરવાના હતા. આ યાત્રા લાંબી અને આકરી હતી. વિક્રમે પોતાનો રાજાશાહી પોશાક ત્યાગી દીધો. અને અત્યંત સાધારણ કપડાં ધારણ કરી લીધા.

રસ્તામાં એક નગરમાં વિશ્રામ કરવા માટે રોકાઈ ગયા. જ્યાં રોકાયા ત્યાં તેમને એક વૃદ્ધ સ્ત્રી રડતી મળી. તેના માથા પર ચિંતાની રેખાઓ ઊભરેલી હતી. ગળું રડી રડીને રૂંધાઈ ગયું હતું. એ ડૂસકુ પણ માંડ મૂકી શકતી હતી. વિક્રમે દ્વવિત થઈને તેને તેની ચિંતાનું કારણ પૂછ્યું.

વૃદ્ધાએ કહ્યું, ‘મારો એક માત્ર જુવાન દીકરો સવારમાં જંગલમાં ગયો હતો. રાત પડી ગઈ પણ હજુ સુધી તે પાછો નથી ફર્યો.’

વિક્રમે પૂછ્યું, ‘એ જંગલમાં શા માટે ગયો હતો ?’

વૃદ્ધ સ્ત્રીએ જણાવ્યું, ‘રોજ સવારે એ સુકાયેલી લાકડીઓ લેવા માટે જાય છે. લાકડીઓ વીણી નગરમાં વેચે છે અને જે ધન મળે છે તેનાથી અમે ગુજરાન ચલાવીએ છીએ.’

વિક્રમે યુવાન આવી જશે તેવું વૃદ્ધાને આશ્વાસન આપ્યું પણ વૃદ્ધાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું, ‘જંગલ ગીચ છે. નરભક્ષી જાનવરો ત્યાં રહે છે. મને તો લાગે છે કે કોઈ જાનવરે તેને મારી નાખ્યો હશે. કંઈ કેટલાય લોકોને હું વિનંતી કરી ચૂકી છું કે મારા દીકરાને શોધી લાવે પણ કોઈ તૈયાર નથી. હું તો વૃદ્ધ છું. નિર્બળ છું. એટલે ખૂદ જઈને ઓળખ ન કરી શકું.’

વૃદ્ધાને રડતાં રોકી વિક્રમે કહ્યું, ‘હું આપના પુત્રને શોધવા જઈશ.’

વિક્રમે વિશ્રામનો વિચાર ત્યાગી દીધો અને તુરંત જંગલની બાજુ ચાલ્યા ગયા. થોડા સમય પછી તેમણે જંગલમાં પ્રવેશ કર્યો. જંગલ સાચેક ગીચ હતું, જંગલની અંદર સુધી જતાં એમણે જોયું તો એક વૃક્ષ પર યુવાન બેઠો છે અને નીચે સિંહ તેના પર ઘાત લગાવતો શિકાર પર મીટ માંડીને જોઈ રહ્યો છે. વિક્રમે સિંહને પોતાની વીરતાથી ભગાવી દીધો. યુવાનને લઈ તેઓ નગરમાં આવ્યા. વૃદ્ધાએ તેમને આશીર્વાદ આપ્યા. આ સાથે જ વિક્રમનું એક પુણ્યકાર્ય સમાપ્ત થઈ ગયું.

રાતે વિશ્રામ કર્યા પછી તેમણે સવારે પોતાની યાત્રા શરૂ કરી દીધી. ચાલતા ચાલતા તેઓ સમુદ્રતટ પર આવ્યા. અહીં પણ તેમણે એક સ્ત્રીને રડતી જોઈ. સ્ત્રીની નજીક આવતા તેમણે જોયું તો એક માલવાહક જહાજ ઊભું હતું. તેમાં કેટલાક લોકો સામાન લાદી રહ્યા હતા.

તેમણે એ સ્ત્રીને તેના રડવા પાછળનું કારણ પૂછ્યું. સ્ત્રીએ વિક્રમને જવાબ આપ્યો, ‘ત્રણ મહિના પહેલા મારા વિવાહ થયા. હું ગર્ભવતી છું. મારો પતિ આ જહાજનો કર્મચારી છે અને જહાજનો માલ સામાન લઈને દૂર દેશ જઈ રહ્યો છે.’

વિક્રમે કહ્યું, ‘એમાં ચિંતાની ક્યાં વાત છે ? થોડા સમયની જ તો વાર છે. પતિ માલ સામાન અહીંથી ત્યાં મુકી પાછો આવી જશે.’

જોકે સ્ત્રીએ તો ચિંતાનું કારણ કંઈક બીજું જ જણાવ્યું, ‘ગઈકાલ મેં સપનું જોયું. જેમાં એક માલવાહક જહાજ મધદરિયે તોફાનમાં ફસાઈ ગયું. એ તોફાન એવું હતું કે જહાજના ટૂકડે ટૂકડે થઈ ગયા હતા અને તેના પર સવાર તમામ લોકો સમુદ્રમાં ડૂબી ગયા. હું વિચારું છું કે જો આ સ્વપ્ન સત્ય નીકળ્યું તો ? હું પોતે તો ગમે તેમ કરીને જીવી જઈશ પણ મારા પુત્રની સાર સંભાળ રાખનારું કોણ ?’

વિક્રમને તેના પર દયા આવી ગઈ. તેમણે સમુદ્ર દેવતા દ્વારા આપવામાં આવેલો શંખ તેને આપતા કહ્યું, ‘આ શંખ તું તારા પતિને આપી દે. જો તારું સ્વપ્ન સાચું જ પડે છે તો આ શંખ એ ફૂંકશે અને તેનો આપત્તીમાંથી છૂટકારો થઈ જશે. જો તોફાન નથી આવતું તો કોઈ આવશ્યકતા નથી.’

સ્ત્રીને તો તેના પર વિશ્વાસ જ ન આવ્યો. એ વિક્રમાદિત્યને શંકાની દૃષ્ટીથી જોવા લાગી. વિક્રમાદિત્યને સ્ત્રીના ચહેરાના ભાવથી આખી વાતની ખબર પડી ગઈ. વિક્રમાદિત્યએ શંખને ફૂંકતા સમુદ્રનું પાણી દૂર ચાલ્યું ગયું. સ્ત્રી અને જહાજમાં બેસેલા લોકો આ જોઈ ચકિત્ત થઈ ગયા. વિક્રમે બીજી વખત શંખ ફૂંક્યો તો સમુદ્રનું પાણી ફરી તેના સ્થાને આવી ગયું. સ્ત્રીને વિક્રમ પર વિશ્વાસ આવી ગયો. તેણે શંખ લીધો અને આભાર માન્યો.

વિક્રમ એ સ્ત્રીને શંખ આપી પોતાની યાત્રા પર નીકળી પડ્યા. થોડે દૂર ચાલ્યા પછી તેમને એક જગ્યાએ રોકાવું પડ્યું. આકાશ કાળુંડિબાંગ થઈ ગયું. વિજળીનો ચમકારો થવા લાગ્યો. વાદળ ગર્જવા લાગ્યા. આ વચ્ચે વિક્રમે એક સફેદ કલરનાં ઘોડાને ધરતીમાં ઉતરતો જોયો. ઘોડાની સાથે જ આકાશવાણી થઈ.

‘‘મહારાજા વિક્રમાદિત્ય તારા જેવો પુણ્યાત્મા કદાચિત્ જ કોઈ હશે. તે રસ્તામાં બે પુણ્યનાં કાર્ય કર્યા. એક વૃદ્ધ સ્ત્રીને ચિંતામુક્ત કરી અને એક સ્ત્રીને ફક્ત શંકા દૂર કરવા માટે એ અનમોલ શંખ આપી દીધો. સમુદ્રદેવે તારી સાધનાથી પ્રસન્ન થઈને આ ભેટ તને આપી છે. તને લાવવા માટે એક ઘોડો મોકલે છે. જે તને ઈન્દ્રના મહેલ સુધી પહોંચાડી દેશે.’’

વિક્રમે કહ્યું, ‘હું એકલો નથી. મારી સાથે રાજપુરોહિત પણ છે. એમના માટે પણ કોઈ વ્યવસ્થા કરો.’

આટલું જ સાંભળવાનું હતું ત્યાં રાજપુરોહિતે કહ્યું, ‘રાજન્ મને ક્ષમા કરો. સશરીર સ્વર્ગ જતા તો હું ડરું છું. તમારું સાનિધ્ય રહ્યું તો મૃત્યુ પશ્ચાત હું સ્વર્ગમાં જઈશ અને ખૂદને ધન્ય સમજીશ.’

ઘોડા પર વિક્રમાદિત્ય સવાર થયા. ઘોડો વાયુવેગે ઉડ્યો. પહેલા જંગલમાંથી ગયો અને સપાટ જમીન આવતાની સાથે જ ઉડવા લાગ્યો. વિક્રમ માટે આ ઉડાન આકરી હતી કારણ કે તેણે કોઈ દિવસ આ પ્રકારની ઉડાન નહોતી ભરી. ઘોડો વિક્રમાદિત્યને ઈન્દ્રપુરીમાં લાવ્યો.

ઈન્દ્રપુરીમાં વિક્રમને એ જ બધું દેખાયું જે તેણે સપનામાં જોયું હતું. એ ઈન્દ્રસભામાં પહોંચી ગયો. તમામ દેવાતઓ ત્યાં હાજર હતા. અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. ઈન્દ્રની પત્ની સિંહાસન પર હાજર હતી. એક માનવને સશરીર ઈન્દ્રલોકમાં આવેલો જોઈ એ બધા વિસ્મય પામ્યા. વિક્રમને જોઈને ઈન્દ્ર ખૂદ તેમની આગેવાની કરવા માટે આગળ આવી ગયા અને તેમને આસન પર બિરાજમાન થવાનું કહ્યું.

વિક્રમે આ વાત પર જણાવ્યું, ‘ઈન્દ્રદેવ હું આ યોગ્ય નથી.’

ઈન્દ્ર તેમની નમ્રતા અને સરળતા જોઈને પ્રસન્ન થયા. વિક્રમાદિત્યએ અચૂક સપનામાં એક યોગીને મહેલમાં જોયો હશે. તેમના જેવો જ દેખાતો એ યોગી બીજો કોઈ નહિ પણ સ્વયં વિક્રમ જ છે. તેમણે આટલું પુણ્ય કમાઈ લીધું છે. હવે તને ઈન્દ્રલોકમાં સ્થાયી સ્થાન મળી ચૂક્યું છે. ઈન્દ્રએ વિક્રમાદિત્યને એક મુગટ આપ્યું. થોડા દિવસ ઈન્દ્રલોકમાં પસાર કરીને વિક્રમાદિત્ય ફરી મુગટ સાથે મૃત્યુલોકમાં આવી ગયા.

(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments