ચિરાગ જાદવ : આજ સ્ત્રી વિશે સીધી અને સરળ વાત કરવાનો છું. સ્ત્રી વિશે ઘણાં લેખકોએ લેખ લખ્યાં અને ઘણાં વક્તાઓ બોલ્યા હશે. ખુશીની વાત તો એ છે કે લોકો સ્ત્રીનું મહત્વ સમજતાં થયાં છે. પણ પ્રશ્ન એ થાય છે કે કેમ સ્ત્રી વિશે જ લખવું પડે છે? કેમ સ્ત્રી વિશે જ મોટા મોટા વક્તવ્ય આપવા પડે છે? પુરુષો વિશે ક્યારેય લેખ લખાયો છે? શું પુરુષો વિશે ક્યારેય મોટા સેમિનારો યોજાયા છે? નથી લાગતું કે સ્ત્રીને સમજવામાં ક્યાંક તો આપણી ચૂક રહી જાય છે?
આપણે દર 8 માર્ચનાં દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ. મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ. મહિલાને પુરુષ સમોવડી ગણીએ છીએ. અને મહિલાઓના નામની કેટલીક તો સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પણ ઉજવણી એક દિવસ પૂરતી અને યોજનાઓ સરકારી ચોપડા પૂરતી મર્યાદિત રહી જાય છે.
મારુ એવું માનવું છે કે સ્ત્રીને પુરુષ સમોવડી બનવાની જરૂર છે જ નહીં, કારણ કે તે પહેલેથી જ પુરુષો કરતાં ચડિયાતી છે. બધા લોકો એમ કહેતા હોય છે કે પુરુષ કરી શકે એ કામ સ્ત્રી ના કરી શકે. પુરુષ માત્ર શારીરિક રીતે ભારે કામ કરી શકે છે પણ ઘર નથી સાંભળી શકતો. સ્ત્રી જે કરી શકે એ પુરુષો નથી કરી શકતાં. શું તમે સ્ત્રીની જેમ રોજ રસોઈ કરી શકો? શું તમે સ્ત્રીની જેમ રોજ વાસણ સાફ કરી શકો? તમે રોજ કપડાં ધોઈ શકો? એ કપડાંને સંકેલી શકો? કદાચ જોશમાં ને જોશમાં થોડા દિવસો કરી પણ શકો, પણ એમ કહેવામાં આવે કે તમારે આજીવન આજ કરવાનું છે તો શું તમે કરી શકવાના?
સ્ત્રી બાળકનું નાક પાંચ હજારની કીંમતી સાડીથી સાફ કરી નાખશે પણ આપણે વીસ રૂપિયાનો રૂમાલ પણ નહીં બગાડીએ. સ્ત્રી ઘરની આત્મા છે. બે ચાર દિવસ ઘરમાં મમ્મી, બહેન કે પત્ની ના હોય તો ઘરની હાલત શું થાય છે એનાથી આપણે બધા વાકેફ હોઈએ જ છીએ. જમવાની તકલીફો, કપડાં ધોવાની તકલીફો અને ઘરમાં નાની મોટી ચીજવસ્તુઓ તો મળે જ નહીં. આપણી પથારી પણ સવારથી સાંજ સુધી એમને એમ જ પડી હોય છે એ પણ ઉપાડતા નથી. રસોઈ બનાવવાવાળુ કોઈ ના હોય તો બહાર જમવા જતા રહીએ છીએ. ક્યારેક હાથે જમવાનું બનાવવાનો પ્રયત્ન તો કરી જુવો, કોન્ફિડન્સથી એક રોટલી પણ નહીં બનાવી શકો. પણ કયારેક રસોઈ ખારામોળી થઈ હોય તો આપણે ઘણું સંભળાવી દેતાં હોઈએ છીએ.
એક સ્ત્રીના મોઢે સાંભળેલી વાત કે સ્ત્રીનું ક્યાંય ઘર હોતું જ નથી. સાસરે ઝઘડો થાય તો કહે ઉપડ તારા ઘરે, પિયર જાય તો કહે સાચું ઘર તો તારું સાસરિયું જ છે. તો સ્ત્રીને જવું તો જવું ક્યાં? શું આપણે એવું ના કરી શકીએ કે ઘરની સ્ત્રીને ક્યારેય એવો અહેસાસ જ ના થાય કે આ આપણું ઘર નથી અને આપણે એને પોતાના ઘર જેવી સ્વતંત્રતા ના આપી શકીએ?
બધા કહે છે કે, ‘સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.’ બિલકુલ સાચી વાત છે. આપણાં સપનાઓ પૂરા કરવા પોતાના સપનાઓને નેવે મૂકી દે છે. પણ ક્યારેય આપણે સ્ત્રીના સપનાં પૂરા કરવાના પ્રયત્નો કર્યા ખરા? બધા ક્ષેત્રમાં પુરુષો જ આગળ હોય છે કારણ કે આપણે સ્ત્રીને આગળ આવવાનો મોકો જ નથી આપતાં. મોકો આપશો તો એ પણ કિરણ બેદી બનશે, એ પણ ઈન્દિરા ગાંધી બનશે, એ પણ કલ્પના ચાવલા બનશે. પોતાનું ઘર છોડીને તમારી સાથે આજીવન રહેવા માટે આવી જાય. તમારાં માતાપિતાને પોતાના માતાપિતા સમજીને સેવા કરે, પોતાની બહેનપણીઓ સાથેની મોજમસ્તીની ક્ષણો છોડી દે છે. પોતાનો અભ્યાસ પણ છોડી દે છે. પોતાની અટક પણ છોડીને તમારી અટક અપનાવી લે છે.
એ વ્યક્તિની આપણે સાચા હૃદયથી કદર જ નથી કરતાં. આપણને બીજાના ઘરે ઊંઘ પણ નથી આવતી કારણ કે આપણી સુવાની જગ્યા બદલી ગઈ હોય છે. આ તો પોતાનું જીવન બદલીને આખું જીવન તમને સમર્પિત કરવા આવી જાય છે. આટલું બલિદાન શું આપણે કરી શકીએ? અને સ્ત્રીઓએ પણ સમજવું જોઈએ કે પોતાનું આખું ઘર સોંપીને કમાવા માટે જતો પુરુષ તમારા પર મૂકેલા વિશ્વાસને ક્યારેય તૂટવા ના દેવો જોઈએ.
જીવનની દરેક પરિસ્થિતિમાં સાથ આપવો જોઈએ. શોખ અને જીદ ઘરની પરિસ્થિતિ જોઈને કરવી જોઈએ. ક્યારેક દેખાદેખીમાં આપણે આપણું જ ઘર સંસાર બરબાદ કરતાં હોઈએ છીએ. સમાજમાં નાના મોટા પ્રશ્નો થાય છે એનું એક કારણ આ પણ છે કે પહેલા સંબંધ વ્યક્તિના ગુણો જોઈને થતાં હતાં અને હવે મિલકત જોઈને થાય છે. સંબંધ બંધાતા પહેલા શરતો મૂકવામાં આવે છે. શરતો પર તમે ખરાં ના ઉતરો એટલે ઘરમાં ઝઘડાઓ થવા લાગે છે. શરતો ઘરની પરિસ્થિતિઓ જોઈને કરવી જોઈએ. શરતો પ્રમાણે કોઈ વસ્તુ ના મળે તો થોડો સમય ચલાવી લેવું, કારણ કે વસ્તુઓ તો ભવિષ્યમાં મળી રહેશે પણ એ વસ્તુઓ મેળવવાની જીદમાં તમારો સંબંધ જતો રહેશેને તો ક્યારેય નહીં મળે.
ભૌતિક સુખ સગવડતા તમને સુખી નહીં કરી શકે પણ અરસ પરસનો પ્રેમ હંમેશાં ખુશીની અનુભૂતિ કરાવતું રહેશે. મેં એવાં ઘણાં કિસ્સોઓ જોયા છે જેમાં સંપત્તિ તો અઢળક હોય છે પણ પતિ-પત્નીને એકબીજા સાથે બેસીને વાત કરવાનો સમય નથી હોતો. સુખ સગવડો તો મળી રહેશે પણ તમારું દુઃખ સાંભળવાવાળું કોઈ વ્યક્તિ નહીં હોય તો એ સંપત્તિ પણ નકામી લાગશે.
કોઈ વક્તાએ ખુબ સરસ વાત કરી હતી કે પાસે બેઠેલી વ્યક્તિ સાથે વાત નથી કરતાં પણ સોશિયલ મીડિયામાં નવા મિત્રો બનાવી સારા સંબંધો વિકસાવતા હોય છે. સોશિયલ મીડિયામાં ગ્રુપમાં અઢળક વાતો કરતાં હોઈએ છીએ પણ ઘરનાં વ્યક્તિઓ સાથે અબોલા હોય છે. આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ એ જ નથી સમજાતું. નાના મોટા ઝગડા બધાને થતાં જ હોય છે પણ એને સહજતાથી લેવું જોઈએ. અત્યારે સહનશક્તિનો અભાવ ખૂબ જોવા મળે છે. બધાને કહી દેવું હોય છે સાંભળવું કોઈને નથી. થોડા દિવસ પહેલાં કોઈએ સરસ પોસ્ટ કરી હતી કે, ‘વર પક્ષ દ્વારા દહેજ લેવાનું તો બંધ થઈ ગયું પણ છૂટાછેડાના નામે છોકરીઓ વાળા લાખો રૂપિયા પડાવતા થઈ ગયા છે.’
સમાજમાં આવા દુષણોને અટકાવવા ખૂબ જરૂરી છે કારણ કે ધીમે ધીમે આવા પ્રશ્નો વધતા જાય છે. ” સબંધ સાચવવા માટે સબંધમાં જતું કરવું ખૂબ જરૂરી છે, કારણકે જતું કરવાથી કોઈનું કંઈ જતું નથી, તમે જતું નહીં કરો તો તમારો સંબંધ ચોક્કસ જતો રહેશે”
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત