Homeવિશેષઅણધારી આફતોમાંથી ઉભા થવાની આદત

અણધારી આફતોમાંથી ઉભા થવાની આદત

અશોક સરિયા: સતત બે વર્ષથી આપણે કોરોના મહામારીનો ભોગ બનેલા છીએ અને હજુ તેમાંથી ક્યારે મુક્ત થશું તેનો પણ કોઇ અંદાજો લગાવી શકાતો નથી. અત્યાર સુધીમાં કોરોનાની બે લહેર આવી ચુકી છે અને નિષ્ણાતોના મત મુજબ હજુ ત્રીજી લહેર આવવાની પણ અટકળો સેવાઇ રહી છે. હજુ આટલું પુરતુ ન હોય તેમ મે મહિનાના મધ્યભાગમાં તૌકતે વાવાઝોડાએ પણ આપણને ચકરાવે ચડાવ્યા.

કોરોનાએ વિશ્વની સાથે આપણા દેશમાં પણ અસંખ્ય મૃત્યુ નિપજાવ્યા. તો તૌકતેએ પણ તબાહી મચાવી દીધી. દરીયા ઉપરથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતામાંથી પસાર થયેલા આ વાવાઝોડાએ પણ ભારે નુકસાની વહોરાવી. કેટલાય લોકોના કાચા મકાનોને ઉજ્જડ બનાવી દીધા. તો બાગાયતી પાકોના બગીચાઓને જમીનદોસ્ત કરી દીધા. ખેતીના ઉનાળુ પાકને પણ ભારે નુકસાની કરી છે. કેટલાય વિસ્તારોમાં તો વિજળીના આખા તંત્રને ખોરવી નાખી દિવસોના દિવસો સુધી વિજળી વિહોણા બનાવી દીધા અને સંપૂર્ણ અંધારપટ છવાઇ ગયો. કોરોના મહામારી અને તૌકતેનો ભોગ બનેલા અસરગ્રસ્ત વિસ્તારો હજુ ક્યારે સ્થિતિસ્થાપક થશે તેનો અંદાજ પણ આપણે લગાવી શકીએ એમ નથી.

ભૂતકાળમાં પણ આપણે આવી અનેક આફતો અને મહામારીઓનો સામનો કરી ચૂક્યા છીએ. એ પછી મોરબીની પૂર હોનારત, કચ્છનો ભૂકંપ, બગસરાની અતીવૃષ્ટિની બેહાલ સ્થિતિ કે અવારનવાર આ રીતે આવતા વાવાઝોડા કે વરસાદની અનિચ્છનિય સ્થિતિ, અતિવૃષ્ટિ કે દૂકાળની સ્થિતિનો આપણે વારંવાર સામનો કરવો પડી રહ્યો છે. છતાં પણ આપણો એક આગવો જુસ્સો રહ્યો છે કે આપણે આવી દરેક આફતોનો સામનો કરી તેમાંથી આગળ ઉપર ઉઠવાનો એકધારો અને અથાગ પ્રયત્ન કરીને દરેક વખતે તેમાંથી ઊભા થવાનો પ્રયાસ કરતા રહીએ છીએ.

આવી કુદરતી કે કૃત્રિમ આફતોએ પહોંચાડેલી હાનીની ભરપાઇ થઇ શકે એવી હોતી નથી. છતાં પણ તેમાં જે કંઇ બચ્યુ-વધ્યું હોય તેને સમેટીને નવસર્જનની રાહ પર કદમ માંડી આપણે આગળ વધવા ટેવાયેલા છીએ. જે કંઇ પણ ઘટી ગયું છે તેનું દુઃખ હોય પણ ત્યાં ને ત્યાં અટકી ન રહેતા ત્યાંથી આગળ વધવામાં આપણે હંમેશાં સમજદારી દેખાડી છે અને આપણે આવી દરેક આફતોમાંથી ઊભા થયા છીએ અને દોડતા પણ થયા છીએ. વર્તમાનમાં ભલે ગમે તેવો કપરો કાળ ચાલતો હોય છતાં પણ આ સમય પણ વિતિ જશે અને સારો સમય આવશે એવી આશા સાથે આપણે આપણાં કર્મના પંથે પ્રયાણ કરતા જ રહેવું પડે છે.

હવે તો આફતોની કેટલીક આગમચેતી પણ મળી શકે છે અને તેના આધારે બચાવના પગલા પણ લઇ શકાય છે છતાંય આફતોની આંટીમાં આપણે અટવાવું જ પડે છે. પણ આપણી આવી આફતોમાંથી ઉભા થવાની આદતને કારણે આપણે દર વખતે સંયમપૂર્વક સંતુલિત થવાનું સાહસ કરીએ છીએ અને તેમાં સફળ પણ થઇએ છીએ. એટલે એક વાત પર ચોક્કસપણે વિશ્વાસ કરી શકાય છે કે આ પ્રકારની આફતો આવે તો પણ આપણે તેનાથી આગળ ઉઠીને સમયની સાથે સ્થિતિસ્થાપક થઇ જઇશું.

હા, આફતોમાં થયેલી તૃટીનો કોઇ વિકલ્પ નથી પણ ત્યાંથી આગળ વધવાનું સાહસ આપણામાં પડેલું જ હોય છે. બસ આપણે તેને આત્મસાત કરી આપણામાં ઉગવા દેવાનું છે. એટલે એક દિવસ એ વધી વિકસીને તેની શીતળ છાંયાનો સંતોષ આપણને અચુકપણે આપશે. તો પડતા આખડતા, લડતા ઝઝુમતા, ઉગતા વિકસતા આપણે આગળ વધતા રહીએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments