અશોક સરિયા : આપણા અંગત જીવનમા આપણા અંગત સંબંધો પણ હોય છે. જે દરેક સ્થિતિમાં આપણી સાથે સતત જોડાયેલા રહે છે. આ સંબંધો આપણા પારિવારિક સંબંધો હોય કે આપણા મિત્રતાના સંબંધો હોય. એ સંબંધોમાં અવાર નવાર ચર્ચા અને સંવાદો થતા રહે છે. ઘણી વખત તો આ સંવાદ વાદ-વિવાદમાં પરિણમીને ઉગ્ર સ્વરૂપ પણ લઇ લે છે. ત્યારે કોણ શું બોલે છે એનું પણ મહદઅંશે તેઓને કોઇ ભાન રહેતું નથી. આવી સ્થિતિમાં વ્યક્તિ એવું ઇચ્છવા લાગે છે કે સામે વાળી વ્યક્તિ આડાઅવળા જવાબો આપીને ઉશ્કેરણી થાય એવી ભાષાનો પ્રયોગ કરે છે, જેના લીધે બળતામાં ઘી હોમાય છે અને પછી અગનજ્વાળાઓ ઉઠે છે.
આવી સ્થિતિમાં વ્યક્તિ હંમેશાં સામે વાળાને સમજાવવાના જ પ્રયત્નો કરતો હોય છે. અને સામેનો વ્યક્તિ પણ એ જ કરે છે. એટલે સામ સામે સ્થિતિ સમાન થતા જેમ વિદ્યુતના સમાન ધ્રુવોના તાર જોડાતા તણખા ઝરે છે એમ અહીં પણ તણખાઓનું તાંડવ સર્જાય છે.
ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે સામેવાળાને સમજાવવા કે સમજવા માટે નહીં પરંતુ આપણી જ વાત ખરી અને યોગ્ય છે એવા ભાવ સાથે આપણી રજૂઆતો કરતા હોઇએ છીએ. અને એવી અપેક્ષા રાખતા હોઇએ છીએ કે એ આ વાતને સમજે. પરંતુ એક તથ્ય એ પણ હોય છે. કે જેમ આપણા વિચારથી આપણી જ વાત કે વિચાર આપણને સાચો અને યોગ્ય લાગતો હોય તેમ સામેના એ વ્યક્તિનો વિચાર અને વાત પણ તેને એટલી જ સાચી અને યોગ્ય લાગતી હોય. આ વાત આપણે વિસરી જઇએ છીએ.
સંબંધોમાં ક્યારેક સંઘર્ષ સર્જાય ત્યારે આપણી ઇચ્છા હોય છે કે મારી રજૂઆત ભલે ગમે તેવી હોય પણ સામેની વ્યક્તિએ તો સંયમ જાળવીને યોગ્ય ઉત્તર આપવો જોઇએ ને !! પરંતુ આ એવી વાત થઇ કે આપણે કોઇ બોલને સામેની દિવાલમાં જોરથી ફેંકીએ અને એવી આશા કરીએ કે એ બોલ પાછા આવતી વખતે ધીમેથી અને હળવેથી સીધો આપણા હાથમાં આવી જાય !! આવું થવું શક્ય છે ?
આપણે વિચારવું જોઇ કે જેમ બોલને જેટલા બળ સાથે આપણે સામે ફેંકીએ છીએ એટલા જ બળથી તે આપણી સામે પણ આવે છે. તો આપણે બોલ ફેંકતી વખતે જ તૈયાર રહેવું પડે છે કે એ બોલ એટલી જ તાકાતથી પાછો આવશે અને એને પકડવા માટે એટલા જ સતર્ક રહેવું પડશે. પરંતુ સંબંધોના સંઘર્ષમા જ્યારે આવું થાય ત્યારે આપણે આવી કોઇ તૈયારી રાખતા નથી ! ઉત્તરો અને પ્રતિઉત્તરોમાં આપણે ગમે તેવા પ્રતિકુળ બનીએ પણ સામેથી તો આપણને અનુકૂળ પ્રત્યુત્તર જ મળવો જોઇએ એવું માનીએ છીએ.
જો આપણને સામેથી સારો ઉત્તર જોઇતો હોય તો આપણે પણ આપણી રજુઆત સ્પષ્ટ રીતે કરવી જોઇએ. અને એ વાતને હંમેશા યાદ રાખવી જોઇએ કે સામેથી આવેલો ઉત્તર આપણી રજુઆતને સુસંગત જ હશે. એટલે જ્યારે આપણને કોઇ અણગમતો ઉત્તર મળે ત્યારે આપણે એકવાર તો વિચાર કરવો જ જોઇએ કે આવા ઉત્તર પાછળ ક્યાંક આપણી રજુઆત તો એવી નહોતી ને ?
આપણી કોઇ વાત સામેની વ્યક્તિ સમજે એ માટે આપણે રજુઆત કરતા હોઇએ ત્યારે એ જોવું જોઇએ કે આપણી રજુઆતનો ભાવ એ વ્યક્તિ સમજે એવો હોવો જોઇએ નહીં કે આપણી વાત એ માને એવો. જો આપણી રજુઆતનો ભાવ તેને સમજાવવા માટેનો હશે તો સામેની વ્યક્તિ તેને સમજવાનો પ્રયત્ન એક વાર તો કરશે જ, પરંતુ જો એ ભાવ તે આપણી વાત માને એવો હશે તો એ માટે એનો પણ પોતાનો કોઇ દ્રષ્ટિકોણ હશે અને એ એની પોતાની વાત આપણે માનીએ એવો પ્રતિઉત્તર આપશે. અહીં વાતને સમજવાની વાત એક બાજુ પર જતી રહેશે અને એક બીજા એક બીજાની વાત માને એ મુદ્દો મહત્વનો બની જશે. પરિણામે સામ સામે સરખી સ્થિતિ સર્જાતા તે સંઘર્ષમાં પરિણમશે. એટલે જ્યારે પણ કોઇ ચર્ચા કે વિવાદ જેવી વાત ઉઠે ત્યારે એવું સમજીને આપણી રજૂઆત કરીએ કે આપણે જેવી રજુઆત કરીશું એવો જ પ્રતિસાદ મળશે. જેવું આપીશું તેવું જ પામીશું. એટલે સતર્ક રહી સમજણપૂર્વકની ચર્ચા અને એક બીજાને સમજવાનો ભાવ કેળવીશું તો સમસ્યા ચાહે કોઇ પણ હોય તેનું સમાધાન ચોક્કસ મળી આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત