Homeસિનેમાવાદધ સ્ટેનલી ક્યુબ્રિક : પરફેક્ટ શોટ માટે ટોમ ક્રૂઝને દરવાજામાંથી 97 વખત...

ધ સ્ટેનલી ક્યુબ્રિક : પરફેક્ટ શોટ માટે ટોમ ક્રૂઝને દરવાજામાંથી 97 વખત પસાર કર્યો

ઝાલાવાડી જલજીરા : વિયેતનામ યુદ્ધ પહેલાની આ વાત છે. આર્મીની એક નવી બેન્ચ આવી છે. બધાને તૈયાર કરી શીખવવાની જવાબદારી એક ખડૂસ સિનીયર આર્મી ઓફિસરના હાથમાં છે. એનું મોઢું કોઈને જોવું ગમે તેવું નથી. એ બંદૂકને કેવી રીતે ચલાવવી તેનું પ્રશિક્ષણ ગટરછાપ રીતે આપે છે. પુરુષોએ પોત પોતાનું લિંગ પકડવું અને તેની સાથે જે રીતે રમે છે બસ તેવી જ રીતે ગનની સાથે રમવું. રોજ પ્રશિક્ષણ ચાલુ રહે છે.

આખી બટાલીયનમાં એક જાડીયો છે. એ જાડીયો બીજાઓની જેમ દોડી નથી શકતો. કૂદી નથી શકતો. ઊંચે ચડી નથી શકતો. હવે આર્મીના નિયમની તો આપ સૌને ખબર જ છે કે બટાલીયનમાંથી કોઈ એકની ભૂલ થાય તો બધાને સજા ભોગવવાની અને બરાબરની ભોગવવાની. આ જાડીયાના કારણે બીજાઓને ભોગવવાનો વારો પણ આવે છે અને એ જાડીયો હવે ભૂલ ન કરે એટલે રાતના બટાલીયનના બીજા સભ્યો દ્વારા કાવતરૂ ઘડવામાં આવે છે. પોત પોતાના સાબુને મોજામાં નાખી. ઊંઘી રહેલા એ જાડીયાનું મોઢું દબાવી મારવામાં આવે છે. ત્યાં સુધી કે આખી બેન્ચમાં તેનો એક માત્ર પાક્કો મિત્ર રહેલો છે તેને પણ આવું કરવું પડે છે. એ બધા તેના પેટથી લઈ છાતીના ભાગે જોર જોરથી સાબુ મારે છે જેથી આવતી કાલ તે ભૂલ ન કરે.

હવે યુવાનથી ભૂલ નથી થતી. એ સુધરી જાય છે. સાહેબ પણ ખુશ છે અને તેનો બેન્ચમેન્ટ પણ… પણ અચાનક એક દિવસ એ જાડીયો બાથરૂમમાં રાઈફલ લઈને ચાલ્યો જાય છે. તેના મિત્રોને તે પતાવી દેવાનો હોય છે. ત્યાં પેલો ખડૂસ સાહેબ આવી જાય છે. એ તેને રાઈફલ નીચે રાખી દેવાની સલાહ આપે છે. પણ તે રાખતો નથી. હવે તેની આંખોમાં દેખાય છે કે તે પહેલા જેવો ભોળો નથી. તેની આંખોમાં કંઈક વિશિષ્ટ તત્વ સમાઈ ગયું છે. એ પાગલ થઈ ગયો છે. તેની રાઈફલમાંથી બુલેટ છૂટે છે અને ભલે ખડૂસ હોય પણ અમેરિકન આર્મીના ઓફિસરની છાતી વીંધી નાખે છે. એ મરી જાય છે. બીજી બુલેટ પણ છૂટે છે. એ પોતાના જ મોઢામાં બંદૂકનું નાળચુ નાખી ધડાંગ કરે છે. આખી બટાલીયન સ્તબ્ધ થઈ જાય છે. જોનારાઓની આંખો વિસ્ફારીત થઈ જાય છે.

*******

આ એક સારી વાર્તા છે જેના પરથી સારી ફિલ્મ બની છે. ફિલ્મનું નામ છે ફુલ મેટલ જેકેટ અને ડાયરેક્ટરનું નામ છે નનધર ધેન સ્ટેનલી ક્યુબ્રિક. 1968ની સાલમાં તેમણે બનાવેલી અને ક્લાસિક વિશે ગમે તે વેબસાઈટ કે મેગેઝિન સર્વે કરી લીસ્ટ બનાવે તેમાં ફિટ થવા જ સર્જાયેલી 2001 અ સ્પેસ ઓડિસીનો મંજાયેલો અને કસાયેલો ડાયરેક્ટર. સ્ટીફન કિંગની કથાઓ પરથી તો અગણિત હોરર ફિલ્મો અને સિરીઝો બની છે પણ જે કરામત સ્ટેનલીએ શાઈનિંગમાં કરી બતાવી તે કોઈ ન કરી શક્યું. આ શાઈનિંગની ખાસિયત શું છે ? તેમાં પ્રોટોગોનિસ્ટ પાગલ થાય છે અને પછી હિંસક થઈ જાય છે. ઉપરની વાર્તા કરી તેની ખાસિયત શું છે ? તેમાં પણ એક પાત્ર ગાંડુ થાય છે. ક્લોકવર્ક ઓરેન્જ જેવી ફિલ્મ જુઓ તો ખ્યાલ આવે કે તેમાં તો હિંસા જ હિંસા છે. એ જ નામેરી નવલકથાએ ગામના ચોરે બઘડાટી બોલાવેલી અને તેના પરથી જ સ્ટેનલી ક્યુબ્રિકે ફિલ્મ બનાવી.

સ્ટેનલી વિવાદિત વસ્તુઓને પહેલા પકડે છે. તેમની કેટલીક ફિલ્મોમાં તેમનો નાયક સેક્સના વિચારોમાં ગળાડૂબ થઈ ગયો છે. તેમણે રશિયન-અમેરિકન નોવેલિસ્ટ વ્લાદિમિર નાબોકોવની નવલકથા લોલિતા પરથી ફિલ્મ બનાવી હતી. જેમાં એક ઢાંગાના બાર વર્ષની કન્યા સાથે સંબંધ હોય છે. એ સંબંધ બનાવવા તલપાડ થયો છે. લોલિતાનો હિન્દી સિનેમામાં તમને સંદર્ભ ક્યાં મળશે ખ્યાલ છે ? અનુરાગ કશ્યપ, જોયા અખ્તર, દિબાકર બેનર્જી અને કરન જોહરની ફિલ્મ લસ્ટ સ્ટોરીમાંથી. કરન જોહરે જે કિયારા અડવાણીવાળી સ્ટોરી બનાવી છે તેમાં એક છોકરી લોલિતા વાંચતી હોય છે. એની ઢગી માં આચાર્યને આની ફરિયાદ કરવા આવે છે.

સ્ટેનલીની ફિલ્મોની મહાખાસિયત તેમનું કેમેરાવર્ક છે. જોઈએ છીએ કે સ્ટેનલીનો કેમેરો ધીમે ધીમે ભાગે છે અને ફિલ્મને લાંબી ખેચે છે તેવું બીજા કોઈ દિગ્દર્શકના કિસ્સામાં નથી થતું. એ આલ્ફ્રેડ હિચકોકની સ્ટાઈલ છે. હિચકોકે સાઈકો ફિલ્મમાં અભિનેત્રી કિલરનો દરવાજો ખટખટાવે પછી કેમેરો તેના ગળા પાસેથી મૂવ કરાવી નીચે સીડીઓ સુધી ધીમે ધીમે મુવમેન્ટ કરાવી હતી. સ્ટેનલીની ફિલ્મો જોતી વખતે લાગે કે કોઈ સંગ્રહાલયની વસ્તુઓ જોઈ રહ્યા છીએ. ધીમે ધીમે એક એક વસ્તુ કેમેરો દર્શાવતો હોય અને પસાર થતો હોય.

અહીં આપણે સ્ટેનલી ક્યુબ્રિકની ફિલ્મોના કેટલાક કિસ્સાની વાત કરીએ. સ્ટીફન કિંગે શાનિંગ જેવી અદભુત નવલકથા લખી, પણ તેમને ક્યુબ્રિકનું શાઈનિંગ વર્ઝન બિલકુલ નહોતું ગમતું. 1983માં પ્લેબોય મેગેઝિનને આપેલા ઈન્ટર્વ્યૂમાં તેમણે કહેલું કે, એ ફિલ્મનો અંત મને દીઠો નહોતો ગમતો. કિંગને તો ફિલ્મના લીડ અભિનેતા જેક નિકોલસન પર પણ ભરોસો નહોતો. જેકે પોતાનું છેલ્લુ હિટ પરફોર્મન્સ વન ફ્લૂ ઓવર ધ કૂકૂસ નેસ્ટમાં આપ્યું હતું. એ પછી તેનું ગાડુ ધીમે ધીમે ગબડતું જતું હતું, શાઈનિંગમાં તેને લેવો એ વાતને કિંગ મોટી ભૂલ ગણતા હતા, પણ આજે શાઈનિંગમાં નિકોલસન સિવાય બીજા કોઈની કલ્પના લોકો નથી કરતા.

ક્લોકવર્ક ઓરેન્જ ફિલ્મ બનાવી તો નાખી હતી પણ બનાવ્યા પછી આર્યલેન્ડમાંથી ક્યુબ્રિકને ધમકી મળી હતી કે તેને અને તેના પરિવારને મારી નાખવામાં આવશે. હિંસક અને બ્લેક હ્યુમરથી ભરપૂર ફિલ્મ બનાવનારની આવી પણ વલે થઈ શકે.

પોતાની કરિયરમાં સ્ટેનલી ક્યુબ્રિકે કુલ 13 ફિલ્મો બનાવી. એ 13 ફિલ્મો બનાવતા તેને 46 વર્ષનો સમયગાળો લાગ્યો હતો. સ્ટેનલી ક્યુબ્રિકે પોતાના કરિયરની શરૂઆત એક ફોટોગ્રાફર તરીકે કરી હતી. લુક મેગેઝિનમાં તે પોતાની તસવીરો આપતો હતો. તેની યુવા અવસ્થાની કેટલીક તસવીરો જોવામાં આવે તો તેના હાથમાં કેમેરો જ દેખાશે. તેના સમયગાળાના ગજકાય ડાયરેક્ટરો કરતા તેનું કેમેરાવર્ક એટલે જ આટલું પાવરફુલ રહ્યું છે. અને વિશ્વભરની ફિલ્મ સંસ્થાઓમાં ભણાવવામાં પણ આવે છે.

તેના કાકાએ તેને પહેલી ફિલ્મ બનાવવા માટે 9000 ડોલર આપ્યા હતા. એ પણ એ કન્ડિશનમાં કે ફિલ્મ બની ગયા પછી તું તેમાં એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર તરીકે મારું નામ મૂકીશ. કાકાને તો ફિલ્મોમાં ભલીવારી પણ ખબર નહોતી પડતી. 1953માં ફિયર એન્ડ ડિઝાયર નામની તેમની પહેલી ફિલ્મ રિલીઝ થઈ. જોકે સ્ટેનલી ક્યુબ્રિકની ફિલ્મો ઓવર બજેટ માટે ચર્ચામાં રહી ચૂકી છે. નક્કી કરેલા બજેટ કરતા પણ છાપરું અને કપડાં ફાટી જાય એટલા રૂપિયાની પ્રોડ્યુસરે પહેલા જ તૈયારી રાખવી પડતી હતી. તેની ફિલ્મમાં રિચાર્ડ ડે રોચેમોન્ટ નામના પ્રોડ્યુસરે ઓવર બજેટ થઈ જતા નાણાકીય સહાય એટલા માટે કરી હતી કે સ્ટેનલી ક્યુબ્રિક તેને અબ્રાહમ લિંકન નામની પાંચ પાર્ટની સિરીઝ પૂર્ણ કરવામાં મદદ કરશે.

સ્ટેનલી ક્યુબ્રિક ક્રિટિક્સથી પણ પરેશાન રહ્યા. શાઈનિંગ રિલીઝ થઈ ત્યારે તેને રેઝ્ઝી એવોર્ડ માટે નોમિનેશન મળેલું. રેઝ્ઝી એવોર્ડમાં વર્ષની સૌથી ભંગાર ફિલ્મને નોમિનેશન મળે છે. અને 2021માં જુઓ, ક્લાસિક હોરરમાં શાઈનિંગનો સમાવેશ થાય છે.

તેમને અશ્લીલ ફિલ્મો બનાવવી હતી. એમની કેટલીક ફિલ્મોમાં પોર્ન અને વલ્ગારિટી જેવું કશું છે જ નહીં અને ક્લોકવર્ક ઓરેન્જ જેવી ફિલ્મો છે જેમાં એ બધીનું એકસાથે સાટુ વાળી નાખ્યું છે. જ્હોન બક્ષટરે કહેલું કે, ટેરી સાઉથનના કટાક્ષ કરતા પુસ્તક બ્લુ મુવી પરથી તેમને ફિલ્મ બનાવવી હતી. પણ પછી વાત બની નહીં. જોકે સ્ટેનલી વિના બ્લુ મુવી ફિલ્મ બની ગઈ.

એ ફિલ્મ પ્રત્યે અજીબ રીતે કનેક્ટ હતા. એમને શોટ બરાબર ન લાગે ત્યાં સુધી દિવસ અને રાત કામ કર્યા જ કરવાનું. આઈ વાઈડ શટ ફિલ્મનું શૂટિંગ ગીનીસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં એટલે જ છે. સતત 15 મહિના સુધી કોઈ પણ બ્રેક વિના શૂટિંગ. એ ફિલ્મમાં ટોમ ક્રૂઝને દરવાજામાંથી પસાર થવાનું હતું. એ 97 વખત પસાર થયો ત્યારે સ્ટેનલીએ તેને ઓકે કહ્યું.

આ માણસ ફિલ્મ બનાવતા બનાવતા ઘાતકી પણ બની જતો હતો. ક્લોકવર્ક ઓરેન્જ ફિલ્મમાં તેની પટકથાના પાત્ર એલેક્સને પરાણે મશીનથી આંખો પહોળી કરી ફિલ્મ જોવાની હોય છે. સ્ટેનલીએ પોતાના હીરોની સાથે આવું સાચેક કરાવેલું. હીરો મેકડોવેલની ડાબી આંખ પરાણે પહોળી કરવામાં ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી.

એ તેની શાઈનિંગની હીરોઈનને આઈસોલેટ કરાવી દેતો હતો. આઈસોલેટની આપણને 2020માં ખબર પડી. ચિંતામાં અને ચિંતામાં હીરોઈનના વાળ ખરવા લાગતા હતા. એ પાત્રમાં ઘુસી જતી હતી. ને પછી ડાયરેક્ટર તેના હાથમાં બેઝબોલનો ધોકો આપતા અને એ ધોકાનો શોટ 127 વખત ફિલ્માવેલો. એક અતિ ઉત્તમ ફિલ્મ ડાયરેક્ટર.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments