Team Chabuk-Special Desk: શિવરાજપુર અને જાંબુઘોડાની રેન્જમાં વિભાજિત જાંબુઘોડાનું જંગલ આમ તો ૧૩,૦૦૦થી વધુ હેક્ટરમાં પથરાયેલું અને ગીચ છે. વૃક્ષો, ફૂલો, પક્ષીઓ, વન્ય જીવોની ભારે વિવિધતા ધરાવે છે. આ પૈકી ધનપરીના જંગલમાં તમે ભોમિયા ગમીરભાઈ નાયક સાથે ફરો તો તમે આ જંગલની સાચી ઓળખ મેળવી શકો. કવિએ કીધું હતુ કે ભોમિયા વિના મારે ભમવા છે ડુંગરા. પણ જીવનમાં કોઈ ભોમિયો હોય તો જેમ જીવન જીવવા જેવું લાગે તે જ રીતે ગમીરભાઈ જેવો વન ભોમિયો મળી જાય તો જંગલ ફરવા જેવું લાગે.
આ હસમુખા માણસે ધનપરી અને સાદરાના જંગલો સાથે એટલું તો ગાઢ સગપણ કેળવ્યું છે કે એમને વન કેડીઓ, ડુંગરા, પાણીના સ્ત્રોત, વનસ્પતિ, વન્ય પ્રાણી અને પક્ષી વૈવિધ્યની સારી સમજણ અને ઊંડી જાણકારી છે. એટલે એમને સાથે લઈને આ જંગલમાં ફરો તો જંગલની રગેરગ ઓળખવાની મઝા પડે.
આ જંગલનો ભોમિયો ધનપરી ગામનો વતની છે અને આછી પાતળી ખેતી કરે છે. અગાઉ જંગલના ચોકિયાત તરીકે એમણે જંગલ સાથે પાકી કરેલી ઓળખાણે એમને ગાઈડ તરીકે ઘડ્યા છે. પ્રવાસીઓ સાથે જંગલમાં જવાનું તેડું આવે તો તેવો બધાં કામ પડતાં મૂકીને ધનપરી પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે પહોંચી જાય છે કારણ કે, તેમનું કહેવું છે કે જંગલમાં ફરવાની વાત આવે તો તેવો ખાવાપીવાનું ભૂલાય જાય એટલા ઘેલાં છે. પ્રવાસીઓનું કુતૂહલ સંતોષવામાં એમને આનંદ મળે છે. તેઓ વન વિભાગના કર્મચારી નથી એટલે આ કામ માટે કોઈ વેતન મળતું નથી. પણ આ નિજાનંદી માણસ કોઈ પ્રવાસી જૂથ બક્ષિશ આપે કે ના આપે, સદા મોજમાં રહે છે.
તેમનું કહેવું છે કે, મોટેભાગે શનિ-રવિની રજાઓમાં ગાઇડનું કામ મળી રહે છે અને ખુશ થયેલા પ્રવાસીઓ બક્ષિશ પણ આપે છે. તેઓ પ્રવાસીઓને જંગલના રસ્તાઓ, ભાત ભાતના વૃક્ષો અને ઔષધ તરીકે ઉપયોગિતા, અહીં જોવા મળતા પક્ષીઓ, તેમની માળા બનાવવા, ઈંડા મુકવા અને મોસમ પૂરી થતાં અન્ય પ્રદેશમાં જતાં રહેવાની ખાસિયતો, વિવિધ વન્ય જીવો અને તેમની જીવન શૈલી ઇત્યાદિની જાણકારી આપે છે. આ બધું તેઓ કોઈ વિશ્વવિદ્યાલયમાં ભણ્યા નથી કે કોઈ ચોપડી તેમણે વાંચી નથી. નિરીક્ષણના આધારે તેઓએ જંગલને ઓળખ્યું છે.
તેઓ કહે છે કે, પ્રવાસીઓને દીપડા જેવા વન્ય જીવો જોવાની ખૂબ તાલાવેલી હોય છે પરંતુ પ્રાણીઓ બહુધા દિવસે જોવા મળતાં જ નથી. ઉનાળામાં વહેલી સવારે કે સાંજના ઉતરતા અંધારે પાણી પીવાની જગ્યાઓ નજીક જંગલ જીવો નસીબદારને જોવા મળી જાય છે. તેઓ તેમની ગામઠી ભાષામાં કહે છે કે, પાઈ પૈસો મળે કે ના મળે, લોકોને જંગલ દર્શન કરાવવામાં તેમને મઝા આવે છે.
વડોદરા વન્ય જીવ વિભાગના કાર્યકારી મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલજી કહે છે કે, ગમીરભાઈ સાથે જંગલમાં ફરવાનો અલાયદો આનંદ છે. જંગલ તેમના રસનો વિષય છે, તેઓ સારું જાણે છે અને સ્વાર્થ વગર સેવા આપે છે. એટલે તમે જ્યારે ધનપરી કે કડા પ્રકૃતિ પ્રવાસન કેન્દ્રો ખાતે જાવ તો ગમીરભાઈને તેડું અવશ્ય મોકલજો. તમારો પ્રવાસ જંગલનું જ્ઞાન સત્ર બની જશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત