Team Chabuk – Literature Desk : નિરંજન નરહરિ ભગત જેમને ગુજરાતી સાહિત્યમા નિરંજન ભગત તરીકે ઓળખવામાં આવે છે. કવિ, નિબંધકાર અને વિવેચક તરીકેની તેમની ઓળખ, પણ ધરતી પરથી વિદાય લેતા લેતા 2018ની સાલમાં તેમના કેટલાક પુસ્તકો પ્રકાશિત થયા. એ પુસ્તકોમાંથી એક પુસ્તક નરસિંહથી ન્હાનાલાલ. આ પુસ્તક કેવી રીતે પ્રકાશિત થયું તેની પણ વાત કરી દઈએ, જે નિરંજન ભગતે પુસ્તકમાં જ જણાવી છે.
એક દિવસ ગુજરાત સમાચારના તંત્રી શ્રેયાંસ શાહ સાથે તેમની મુલાકાત થઈ. તેમણે નિરંજન ભગતને પૂછ્યું, ‘તમે પરિષદની શતાબ્દિ નિમિત્તે લેખો લખવાનો વિચાર કર્યો છે ?’ નિરંજન ભગતે હા કહેતા શ્રેયાંસ શાહે કહ્યું, ‘તમારા લેખો માટે ગુજરાત સમાચારનાં પાનાં ખુલ્લાં છે.’ એ પછી ગુજરાત સમાચારની રવીપૂર્તિમાં આ લેખો છપાયા.
એ વખતે સોશિયલ મીડિયા અને વેબસાઈટો બિલાડીના ટોપની માફક ફુટી નહોતી નીકળી. આજે પણ સારી કોલમો વિશે ફેસબુક અને વેબસાઈટના માધ્યમો દ્વારા ઓછું લખાય છે. તેમના કાર્યને પોરસ ચડાવવાની વાત દૂર રહી પણ આના કરતા આને કોલમ મળવી જોઈએ એવી ઉપેક્ષા અને આલોચનાનું પ્રમાણ વધી ગયું છે. આ કારણે જ સોશિયલ મીડિયા હોવા છતાં કેટલાક સારા લેખો અન્ય વાચકો સુધી પહોંચતા નથી. હોવાપણા છતાં સૌથી મોટો ગેરફાયદો તો આને જ કહેવાય.
નરસિંહથી ન્હાનાલાલ પુસ્તકમાં કેટલાક કિસ્સાઓ છે. આ એ લેખકો છે જેમના જીવનચરિત્રને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આ ચરિત્રો વિશેની સૂક્ષ્મ માહિતી તો પાઠ્યપુસ્તકોમાંથી જ મળી રહે છે. હવે ખાલી ઈસવીસનવાળા આંકડાઓ નહીં પણ નિરંજન ભગતે તેમના વિશેની જે અજાણી માહિતી શોધી કાઢી છે તેમના પર સીધા જઈએ.
નરસિંહ
એક વખત નરસિંહ મહેતા માંગરોળમાં પરબતદાસ કાકાના ઘરે આવ્યા. ઘરમાં મૂર્તિપ્રતિષ્ઠાનનો પ્રસંગ હતો એટલે નરસિંહે રાતના ભજન-કીર્તન કર્યું અને વચમાં તરસ લાગી એટલે કોઈ રતનબાઈ ઝારીમાં પાણી આપવા આવી હતી. એ સ્ત્રીના મુખમાં નરસિંહ મહેતાને કૃષ્ણના મોહિનીરૂપના દર્શન થયા. એ પછી જે પદ લખાયું તે છે, ‘નરસૈંયાનો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.’
અખો
મીરાંને જેમ 5-7 વર્ષની વયે અને નરસિંહને જેમ 20-22 વર્ષની વયે પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેમ અખાને લગભગ 40-45 વર્ષની વયે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અખાને મન અંગત જીવનમાં અવસાનોની હારમાળા સર્જાતા અને જાહેરજીવનમાં સંબંધીઓ દ્વારા જ મુકાતા આક્ષેપોથી તેનું હ્રદય વીંધાય ગયું અને તેણે ગૃહ ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. આમ 1635માં 35 વર્ષની વયે તેણે ગૃહત્યાગ કર્યો હતો.
દલપતરામ
1 નવેમ્બર 1846ના રોજ સાબરમતીના પૂર્વતટ પર ચાંદાસૂરજના મહેલમાં એલેક્ઝાન્ડર ફોર્બ્સ અને દલપતરામની પ્રથમ મુલાકાત થઈ હતી. મુલાકાત વખતે દલપતરામ 28 વર્ષના હતા. તેમણે ફોર્બ્સની સામે વ્રજભાષામાં સ્વરચિત કાવ્યનું પઠન કર્યું હતું. ફોર્બ્સ અને દલપતરામ બંને ભેગા કેવી રીતે થયા એ પ્રશ્ન ઘણાના માનસપટ પર ઉદ્ધવતો હશે. કહી દઈએ કે, ફોર્બ્સ ઈતિહાસવિદ હતા. તેમને સંસ્કૃતિ અને ઈતિહાસ વિશે જાણવાની તાલાવેલી રહેતી હતી. ગુજરાતની ભૂમિ તેમને પસંદ આવી ગઈ હતી અને અહીં તેઓ સંશોધન કરવા માગતા હતા. તેમણે ભાટ-ચારણોના મુખેથી લોકગીતો અને લોકકથાઓ સાંભળી હતી અને ઈતિહાસની આવી અસંખ્ય સામગ્રીનું તેમને સંપાદન કરવું હતું. સંપાદન માટે કોઈ મળી જાય તો સારું. આ વિચારે તેઓ એક સહાયકની શોધમાં હતા. જે સ્થાનિક પણ હોય અને ગુજરાતી ભાષામાં પારંગત પણ હોય. આ માટે ફોર્બ્સના મિત્ર ભોળાનાથ સારાભાઈએ દલપતરામના નામનું સૂચન કર્યું. દલપતરામ વઢવાણથી અમદાવાદ પગે ચાલીને આવ્યા હતા. ને પછી એમની દોસ્તી જામી ગઈ. નોકરી પર રાખતા પહેલા ફોર્બ્સે તેમને પૂછ્યું , ‘પગાર શું લેશો ?’
દલપતરામે કહ્યું, ‘200 રૂપિયા.’
ફોર્બ્સ તો ચિંતાતુર થઈ ગયા. તેમને અંગત રકમમાંથી દલપતરામને પગાર આપવાનો હતો, કારણ કે તમારા શોખ પર સરકાર પૈસા નથી ખર્ચતી. દલપતરામનું જ્ઞાન ફોર્બ્સને ગમી ગયું હતું, પણ મહિને આટલા બધા રૂપિયા.
દલપતરામને ખબર પડી ગઈ કે ફોર્બ્સ મૂંઝવણમાં છે. એટલે તેમણે કહ્યું, ‘ફોર્બ્સ 200 રૂપિયા વર્ષે. મહિનાના 25 જ રૂપિયા.’
ફોર્બ્સને હવે સમજાયું. તેઓ હળવાફુલ થઈ ગયા.
નર્મદ
ગુજરાતી સાહિત્યમાં હવે તો નહીં પણ પહેલા એ મુદ્દો પતંગની જેમ ચગતો ચગતો સાહિત્યપ્રેમીઓની માથે કપાઈને પડતો કે નર્મદ શ્રેષ્ઠ કે દલપતરામ શ્રેષ્ઠ ? એ જે હોય તે પણ નર્મદે જો એકધારી કવિતાઓ ન લખી હોત તો તે શ્રેષ્ઠ નહોત, કારણ કે ઉંમરમાં પોતાનાથી મોટા દલપતરામને પછાડવા માટે કવિતાઓ પણ વધારે લખવી પડે. વધારે લખો અને તેમાંથી અલગ તારવવામાં આવે તો કેટલીક સારી રચનાઓ બહાર આવે. દલપતરામે 1845થી 1898ની સાલ સુધી એટલે કે અરધી સદી સુધી કવિતાઓની રચના કરી હતી. તેમની પાસે પુષ્કળ સમય હતો. નર્મદે 1855માં 22 વર્ષની વયે કવિતા લખવાની શરૂઆત કરી જેનો અંત 1867માં આવ્યો એટલે કે નર્મદને 12 જ વર્ષનો સમય મળ્યો.
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગોવર્ધનરામ ત્રિપાઠીના માતાનું નામ શિવકાશી હતું. એમની વય ચૌદ વર્ષની હતી ત્યારે નડિયાદના તળાવની પાળ પરથી કે ઝાડ પરથી કૂદકો લગાવતા હતા. પાણીમાં કૂદી સામે કાંઠે જતા. એ જ્યારે સગર્ભા થયા ત્યારે એમની જ જ્ઞાતિના એમના એક બહેનપણી કાશીગૌરી પણ પેટથી હતા. બંને બહેનપણીઓએ બોલબંધી કરી કે એકને ત્યાં પુત્ર કે પુત્રી જન્મે તો સામ સામે વિવાહ કરાવી દેવાના. સમય જતા સૌથી પહેલા કાશીગૌરીને ત્યાં દીકરી હરિલક્ષ્મી જન્મી અને થોડા સમય પછી શિવકાશીને ત્યાં દીકરા ગોવર્ધનરામનો જન્મ થયો. બોલબંધી રાખી અને વિવાહ કરાવી દીધા. 1847માં 19 વર્ષની વયે પુત્રી રાધાને જન્મ આપી હરિલક્ષ્મીનું નિધન થયું. થોડા સમય પછી પુત્રી રાધા પણ મૃત્યુ પામી. યુવાનીના પહેલા પગથિયે જ ગોવર્ધનરામને બે બે ઘા લાગ્યા.
નરસિંહરાવ દિવેટીયા
1923માં બલવન્તરાયે નરસિંહરાવને પૂછ્યું હતું કે, ‘તમે Diary લખો છો ? નિયમસર ? ક્યારથી ?’
નરસિંહરાવે જવાબ આપેલો, ‘1892થી.’
બલવન્તરાયે કહ્યું, ‘તો તમે ખતરનાક માણસ છો! આજે મળ્યા તે પણ નોંધશો કે ?’
નરસિંહ રાવે જવાબ આપ્યો, ‘નોંધાઈ ગયું.’
નરસિંહરાવે 43 વર્ષ સુધી ડાયરી લખી હતી. ગુજરાતી સાહિત્યનું આ કદાચ સૌથી લાંબુ ડાયરી સાહિત્ય હોય જો તેમનું લખેલું તમામ લખાણ છપાઈ તો.
ન્હાનાલાલ
ન્હાનાલાલ નાનપણમાં ખૂબ તોફાની હતા. તોફાન એમનો પ્રિય શબ્દ હતો. એ નિશાળે ન જતા. આખી બજાર ગજવી મુકતા હતા. નિશાળે પણ માર ખાતા અને ઘરમાં પણ માર ખાતા. પિતા ખીજાતા એટલે ત્રણ વખત ઘરેથી ભાગી ગયા હતા. કોણ કહે કે, ન્હાનાલાલ એ દલપતરામના પુત્ર હતા. દલપતરામ પણ કવિ અને બાદમાં ન્હાનાલાલ પણ કવિ જ થયા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત