Homeવિશેષસફળતા: દ્વારકાના આ યુવાને કેવી રીતે ૪૦૦ મણથી વધુ વાર્ષિક ઉત્પાદન અને...

સફળતા: દ્વારકાના આ યુવાને કેવી રીતે ૪૦૦ મણથી વધુ વાર્ષિક ઉત્પાદન અને રૂપિયા ૪.૫૦ લાખથી વધુની વાર્ષિક આવક ખેતી થકી મેળવી?

Team Chabuk-Gujarat Desk: આજે યુવાનો જોબ સિકર કરતા જોબ ગિવર બને તે જરૂરી છે. કોઇ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે રોજગારીનું સર્જન કરી આત્મનિર્ભર બનવું જરૂરી છે. ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવા છતાં પણ આજના યુવાનો કંપની કે સંસ્થાઓમાં નોકરી કરવા કરતા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃધ્ધિની દિશામાં આત્મનિર્ભર બની આગળ આવી રહ્યાં છે. આવા એક યુવાન એટલે દેવભૂમિ દ્વારકાના સિધ્ધપુર ગામના વતની દિનેશભાઈ પરમાર. જેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી મબલખ કમાણી કરી છે.

Farmer

ક્યાંથી આવ્યો વિચાર?

સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશ તરીકે જાણીતા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રયત્નો કરતા રાજકોટના ઉદ્યોગપતિ મનસુખભાઈ સુવાગીયા સાથે દિનેશભાઈના પિતા લાલજીભાઈની પંદરએક વર્ષ પહેલા મુલાકાત થઈ હતી. તે મુલાકાત તેમના માટે પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા બની જેના પરિણામે વર્ષ ૨૦૦૭થી જ તેમને પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું. BE Mechanical સુધીનો અભ્યાસ કરી અભ્યાસ અર્થે વિવિધ કંપનીઓની વિઝીટ કરતા દિનેશભાઈને પણ મશીન સાથે કામ કરવા કરતા પ્રકૃતિ સાથે જોડાઈ રહી આત્મનિર્ભર બની જીવનમાં સફળતા હાંસલ કરવાનો વિચાર આવ્યો અને તેમને પ્રાકૃતિક ખેતી અપનાવી એક નવા કૃષિ અધ્યાયનો પ્રારંભ કર્યો…

Farmer

કઈ રીતે કરી શરૂઆત?

પ્રાકૃતિક કૃષિના વિચારો અપનાવી દિનેશભાઈએ પોતાની પાસે રહેલી ૧૦ વિઘા જમીનમાં રાજ્ય સરકારના આત્મા અને બાગાયત વિભાગની ગાય આધારીત ખેતી માટેની યોજનાનો લાભ મેળવી ૫ ગાયો અને મંડપ ઉપર વેલાવાળા શાકભાજી તથા સાધન સહાય અંતર્ગત સબસીડી મેળવી ટ્રેક્ટરની ખરીદી કરી વર્ષ ૨૦૧૭માં જ પ્રાકૃતિક કૃષિ શરૂ કરી.

Farmer

ક્યાં ક્યાં પાકનું વાવેતર કરે છે?

દિનેશભાઈ જણાવે છે કે, તેઓ પોતાની જમીનમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનુસાર મગફળી, ચણા, અજમો, રાય, તલ, મગ, કલોંજી, સુર્યમૂખીનું વાવેતર કરે છે. જીવામૃત અને ઘનજીવામૃતમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર ઉપરાંત દોઢ-બે કિ.ગ્રા. ગોળ અને તેટલો જ કઠોળના લોટ તથા દસએક કડવી વનસ્પિતના પાવડરનો ઉપયોગ કરી જંતુનાશક દ્રાવણ બનાવી તેને પીયત સાથે મિશ્રણ કરે છે, જેના પરિણામે પાક રોગનો ભોગ બનતો નથી અને પાકમાં જીવાત પણ પડતી નથી. આમ વર્ષ ૨૦૧૭થી તેઓ સતત વાર્ષિક રૂપિયા ૪ લાખથી વધુની આવક મેળવે છે, અને અત્યાર સુધીમાં તેમને પ્રાકૃતિક ખેતી અપનાવી છેલ્લા પંદર વર્ષમાં રૂપિયા ૬૦ લાખથી વધુની આવક મેળવી છે.

Farmer

વિવિધ પાકોનો ઉત્પાદન

ચાલુ વર્ષે દિનેશભાઈ ૨૦૦ મણથી વધારે મગફળીનું ઉત્પાદન મેળવી ચૂક્યા છે, જ્યારે હાલમાં તેમના ખેતરમાં ૩ વિઘા જમીનમાં ચણા, ૩ વિઘામાં કલોંજી અને ૩ વિઘામાં અજમો અને એકાદ વિઘા જમીનમાં તેમણે સુર્યમૂખી અને રાયનું વાવેતર પણ કરેલું છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી તેઓ વિઘાદીઠ અંદાજીત ૨૦ મણથી વધારે ચણા, ૩૬થી વધારે કલોંજી અને ૩૦ મણથી વધારે અજમાનું ઉત્પાદન મળીને કુલ ૪૦૦ મણથી વધુ વાર્ષિક ઉત્પાદન અને રૂપિયા ૪.૫૦ લાખથી વધુની વાર્ષિક આવક મેળવશે જ્યારે ચાલુ વર્ષે તેમને ખેતી પાછળ અંદાજીત એકાદ લાખ જેટલો ખર્ચ થયેલ છે.

Farmer

મૂલ્યવર્ધનથી વધુ આવક

પ્રાકૃતિક ખેતી થકી મેળવેલ ઉત્પાદનમાંથી ૭૫ ટકા ઉત્પાદીત મગફળીનું સિંગતેલ, ૨૦ ટકા મગફળીના સિંગદાણાના પેકેટ અને ૫ ટકા મગફળીમાંથી પીનટ બટર બનાવીએ છીએ. આ ઉપરાંત ગીર ગાયના દેશી ઘી ના પેકેટ, ચણાદાળ, ચણાલોટ, અજમો અને રાયના પેકેટ બનાવી પોતાના નિશ્ચિત ગ્રાહકોને પોતાના ભાવે હોમ ડીલેવરી કરી વેચાણ કરીએ છીએ. પ્રાકૃતિક કૃષિ એ કૃષિની એક એવી પધ્ધતિ છે જેમાં ખેડુતને એક પૈસાનું પણ ઉત્પાદન બજારમાંથી ખરીદવું પડતું નથી કે રોકડ નાણાની પણ જરૂર પડતી નથી.

Farmer

અનેક એવોર્ડથી સન્માન

કૃષિ ક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના વિકાસમાં નાવિન્યતા લાવી ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરી અન્ય ખેડુતોને પણ પ્રેરણા આપનાર દેવભૂમિના આ યુવાન ખેડુત દિનેશભાઈના પિતા લાલજીભાઈને વર્ષ ૨૦૦૭, વર્ષ ૨૦૦૮ અને વર્ષ ૨૦૧૩માં જિલ્લાકક્ષાનો બેસ્ટ આત્મા એવોર્ડ, વર્ષ ૨૦૧૧માં ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેશન એજન્સીનું પ્રમાણપત્ર, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એનીમલ હસબન્ડ્રી, ઈનોવેશન ફાર્મર એવોર્ડ-૨૦૧૧ અને કૃષિ મહોત્સવ ૨૦૧૫માં રાજ્યકક્ષાનો એવોર્ડ તથા વર્ષ ૨૦૧૪-૧૫માં રાજ્યકક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. આમ, નહીવત ખર્ચે બમણી આવક મેળવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી આત્મનિર્ભર કૃષિ થકી વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બની રહ્યાં છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments