Homeસાહિત્યસુન્દરમની ‘માને ખોળે’ અને જામનગરનું હાડપિંજર

સુન્દરમની ‘માને ખોળે’ અને જામનગરનું હાડપિંજર

Team Chabuk-Literature Desk: હવે આ ઢસરડા કરવા માટે વિષયો ક્યાંય ખોળવા જવાની જરૂર રહેતી નથી. આજુબાજુ નજર કરીએ છીએ તો વિષયો મગરની જેમ મોં ફાડીને ઊભા જ હોય છે. હમણાં એક સમાચાર વાંચવામાં આવ્યા. જામનગરમાં એક મહિલાની કોઈએ હત્યા કરી નાખી હતી. દિવસો સુધી એ મહિલા કોઈને દેખાય જ નહીં અને જ્યારે એક વ્યક્તિને જંગલમાં એ મહિલાની લાશ દેખાય ત્યારે તેની માથે સાડી હતી અને લાશે દેહમાંથી હાડપિંજરનું સ્વરૂપ ધરી લીધું હતું. પોલીસ ફરિયાદ થઈ અને પછી સાત જ દિવસમાં કોઈ મહિલા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી. આ બેઉં આરોપીઓએ મહિલા તાબે ન થતાં તેને મારી નાખેલી. આ એક સામાન્ય વિષય છે પણ તેની અંદર જે બે ઘટનાઓ બની છે એ અમને સાહિત્યકાર સુન્દરમની યાદ અપાવી ગઈ.

સુન્દરમની વાર્તા માને ખોળેમાં ઘરેથી એક સ્ત્રી અને બે પુરુષો નીકળે છે. આ ઘટનામાં પણ બે પુરુષો અને એક સ્ત્રી હોય છે. વાર્તામાં પણ સાડીથી ગળું ટૂંપીને નાયિકાને યમધામ પહોંચાડી દેવામાં આવે છે અને અહીં પણ ખૂન સાડી દ્વારા ગળું ટૂપીને જ થયું છે. સમાચાર જ્યારે વાંચ્યા ત્યારે માને ખોળે વાંચ્યાનાં સંસ્મરણો જીવંત થઈ ગયા. ફરી ચાબુકની ઓફિસનો કબાટ ખોલ્યો. કબાટમાંથી રમણલાલ જોશીએ સંપાદિત કરેલ સુન્દરમની પ્રતિનિધિ વાર્તાઓ બહાર કાઢી અને એક નજર ફેરવી લેવાની ઈચ્છા તરવરી ઉઠી. ટેરવાઓનાં સ્પર્શથી ફરી ભૂતકાળના સંસ્મરણો ચોમાસામાં જમીનમાંથી નીકળતા મકોડાની જેમ જીવંત થઈ ગયા. મકોડાનાં રાત થતાં પીંછા ખરી જાય અને ઠાઠડી નીકળે એ પહેલા જ ફરી એ મલકને માણી લઈએ!

આ વાર્તા વાંચો અને એ પહેલા જો કાલિદાસની શાકુન્તલ વાંચી હોય તો તુલના કરી શકશો. શાકુન્તલમાં નાયિકાને જ્યારે વળાવવામાં આવે છે ત્યારે પ્રકૃતિનું જે વર્ણન કાલિદાસે કર્યું છે એવું જ શબૂની વિદાય વેળાએ સુન્દરમે કર્યું છે. કાલિદાસનું વર્ણન આનંદનું છે અને અહીં શોકનું છે.

આ વાર્તાનો આરંભ નાસ્તિકતાથી થાય છે. સુન્દરમ અહીં વાર્તાને બિહામણી બનાવતા બિલાડીને આડી ઉતારે છે અને શબૂને વિદાય આપનારાઓનાં જીવ તાળવે ચોંટાડી દે છે. અંધશ્રદ્ધાળુ લોકો એકસાથે વિચારવા લાગે છે કે કાંઈક અપશુકન થાશે. અપશુકન તો થાય જ છે. થવા કાળ જ છે. પણ બિલાડીનાં ગયા બાદ લોકો કહે છે કે, ‘અંબા મા સારુ કરશે!’ તો અહીં ભગવાન કંઈ સારું કરતો જ નથી. ઈશ્વરના અસ્તિત્વ પર સુન્દરમ સવાલ ઊભો કરે છે અને પછી ખરી વાર્તાનો આરંભ થાય છે.

જૂનવાણી ફિલ્મોમાં કોઈને વિલન ચીતરવો હોય તો દિગ્દર્શક કાં તેનો કાળો પડછાયો દેખાડે કાં તો તેને ધુમ્રપાન કરતો દેખાડે. દેવ આનંદની CID ફિલ્મનાં આરંભમાં આવું દૃશ્ય છે. લેખક તો શરૂઆતમાં જ વિલનની ઝાંખી આપણને કરાવી દે છે. સમજદાર હોય તો ઈશારો કાફી બાકી ફરી ફરી વાંચીને આપણે તે વિગતને સમજવાની છે. શબૂ જ્યારે કોતરમાંથી ઉતરી પડે છે ત્યારે બાપ અને દીકરો ચૂંગી પીતા હોય છે. આ દૃશ્ય ખલનાયકનું છે.

શબૂના ચરિત્રમાં આપણને શરૂઆતમાં કોઈ શેડ દેખાતો નથી. એ એક મસ્તમિજાજી અને ધ્રુવ ભટ્ટની નવલકથાઓમાં આવતી રમતિયાળ નાયિકા જેવી લાગે છે. વાર્તાની થોડી ક્ષણોમાં જ શબૂનાં ચરિત્રમાં આવતું પરિવર્તન નીહાળી શકશો. ધીમે ધીમે એનો ભૂતકાળ સાંપ કાંચળી ઉતારે તેમ ઉતારીને સામે આવી જાય છે. છપ્પનની છાતીવાળો બાપ અને લાચાર માતા. એ હઠાગ્રહી છે. એનાં બાપ ઉપર ગઈ છે. એની હિંમતને પણ દાદ દેવી પડે એમ છે. ધણીને પણ પાટું મારી ભોં ચાટતો કરી શકે છે.

‘અનુરી પર અનુરાં હજુ કાંચા હતા. એ તો ઘેર પાકશે.’ જ્યારે આકસ્મિક મરણની આપણને ખબર જ ન હોય એ પહેલા આપણે કંઈક વધારે ખુશ રહેતા હોઈશું? શબૂ આનંદમાં છે. એનો વર એને બોલાવે છે ત્યાં એ ચોંકી જાય છે. અચાનક કાને પડેલા શબ્દોથી તેને કંથારનો કાંટો લાગે છે. સુન્દરમ વાર્તામાં શબૂનાં માધ્યમ થકી વાંચકને બીજી વખત ચેતવણી આપે છે કે કંઈક અજુગતુ થવાનું છે. શબૂનું ચોંકી જવું એ વાતનું પ્રમાણ છે કે એ એના ધણીના અવાજથી ડરી રહી છે. પાછી ક્રોધિત પણ છે. બીજી વખત અવાજ નાખે છે ત્યારે તો ચણોઠી લીધા વિના નહીં જવાની હઠ પકડે છે.

રસ્તામાં એક પોદળો આવે છે અને નાયિકાને પોતાના જૂના દિવસોનું સ્મરણ થાય છે.  એ તેના પર અધિકાર જમાવ્યા વિના નથી રહી શકતી. પોદળાને બોટી લે છે. થોડું ચાલે છે ત્યારે એને થાય છે કે, ‘મેં ફોગટનો પોદળો બોટ્યો. કોકનેય કામ આવેત.’ આ પોદળો પ્રતીક્ષાનું પ્રતીક છે. હું પાછી આવીશ એનું. શું ત્યાં સુધી કોઈ રાહ જોશે કે પછી પોદળાને લઈ ચાલ્યું જશે? અથવા તો પોદળો પ્રતિક્ષામાં ને પ્રતિક્ષામાં માણસનાં દેહની જેમ માટી બનીને ધરતીમાં સમાઈ જશે?

વાર્તા આગળ પહોંચે છે અને નાયિકા મહિસાગરનાં પાણીમાંથી ખોબો લઈ માથે ધરે છે ત્યારે જ વાચક તરીકે આપણને થાય છે કે શબૂને ખબર હતી કે કાંઈનું કાંઈ થવાનું છે. એના મુખે સુન્દરમે સંવાદ મૂક્યો છે, ‘મહીસાગર મા! સારું કરજે, મારી માડી!’ એ પછી તેને ક્યાંકથી મરવાના વિચારો આવવા લાગે છે. એ ખૂદને તેમાંથી બહાર કાઢવા મથે છે. મરણ નજીક હોય ત્યારે માણસને ભનક આવી જાય. એ શું સુન્દરમે લખ્યું એવું જ હશે? અગાઉ સુન્દરમની વાર્તામાં અકસ્માતે મરણ હોય ત્યારે વ્યક્તિ આનંદમાં ગળાડૂબ હોવાનું કહેલ, પણ પછી એ જ માણસને તેનું મરણ નજીક હોય એનો અંદેશો આવી જ જતો હશે.

વાર્તામાં ચાર વખત શબૂને શા માટે તેના સાસરિયાં નથી ગમતાં અને હજુ પણ તે જવા કેમ નથી ઈચ્છતી તેનું છૂટુછવાયું વર્ણન છે.

1) કેટલે વરસે પોતે સાસરે જાય છે.

2) એ ઘરનાં લોક જ એવા છે, કાયટિયાં!

3) અને પેલા બાપદીકરો! એ તો જમ જેવા લાગે છે!

4) બાકી સસરો તે કેવો! સાવ રાખસ જેવો! માણસને મારી નાખતાં એને વાર ન લાગે!

સુન્દરમની શબૂ માણસ પારખું છે. વાર્તાનો અંત થાય ત્યાં સુધીમાં ઉપરના ચારેચાર વાક્યો સાચા ઠરે છે. ત્રિભુવનદાસ યુવા સર્જકોને એ ભણી ઈશારો કરે છે કે, ‘ભીંતે બંદૂક ટાંગો તો ફોડોય ખરા.’ વાર્તામાં કોઈ વાત નકામી નથી કરવાની. નકામી વાતો કરવા માટે બીજું ઘણું બધું પડ્યું છે.

એનાં પિતાએ એને સાસરિયાંના ત્રાસમાંથી બચાવી લીધી હતી. મોટા દીકરાની વહુ પણ કમોતે મરી ગયેલી. કોઈને ખબર નહોતી કે કેવી રીતે મરી ગઈ હતી, પણ વાર્તાનાં અંતમાં જ્યારે સસરો અને ધણી શબૂને મારી નાખવા માટે ગળા પર જળોની જેમ ચોંટી ગયા હોય છે ત્યારે સુન્દરમ શબૂના સસરા માટે આવા શબ્દો વાપરે છે, ‘‘અને એક અનુભવની દૃઢતાથી સ્વસ્થતાથી તેણે દીકરાની વહુના મોં પર તેની ચૂંદડી વીંટી દીધી.’’ અનુભવ-એટલે ડોસાએ જ અગાઉની કન્યાને પણ મારીને પાણીમાં પધરાવી દીધેલી.

કેટલાક શબ્દો સુન્દરમે વાર્તામાં એવા મુક્યા છે કે જેના માટે શબ્દકોશની આવશ્યકતા પડે. દાખલા તરીકે વાર્તાના અંતમાં આવતો ‘હમેલ’ શબ્દ. હમેલનો અર્થ થાય છે સગર્ભા સ્ત્રી. એ રીતે સસરો માત્ર પુત્રવધુનું નહીં પણ તેની અંદર ઉછરી રહેલી એક જીવની પણ હત્યા કરી નાખે છે. આ વાતની તેને ખબર પણ હોય છે.

વાર્તા સાહિત્યમાં આપણે ઘણાને વાંચ્યા છે અને વાંચતા રહીશું. જોકે સુન્દરમની કક્ષાનો સ્ત્રી પાત્ર પ્રવેશ અન્ય સર્જકોમાં દેખાતો નથી. ઘણા સર્જકોએ સ્ત્રી પાત્રને પ્રોટોગોનિસ્ટ બનાવી પહેલા પુરુષ એકવચનમાં કથા કહી છે. એમાં શિરમોર સુન્દરમ છે. ખોલકી, નાગરિકા, માના ખોળે….. આ ત્રણ વાર્તાઓ તેનાં મોટા ઉદાહરણો છે. એમની નાયિકા પરણિત હોય છે. સુખની શોધમાં હોય છે. સામેનું પુરુષ પાત્ર સ્ત્રીને તો ઠીક પુરુષને જ ન ગમે એવું હોય છે. પુરુષો સ્ત્રીઓને કેટલો અન્યાય કરે છે એ સુન્દરમની વાર્તામાં દેખાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments