HomeવિશેષSunday Motivation: વાત એ વ્યક્તિની જે નાનપણથી અંધ હતો અને નવ વર્ષ...

Sunday Motivation: વાત એ વ્યક્તિની જે નાનપણથી અંધ હતો અને નવ વર્ષ સતત મહેનત કર્યા બાદ કલેક્ટર બની ગયો

કલેક્ટર બાલા નાગેન્દ્રન: મેં કોઈ દિવસ નેત્રહિનતાને પડકારરૂપે સ્વીકાર નથી કરી. વ્યક્તિગત રીતે તો હું અંધાપાને શક્તિશાળી સાધન તરીકે જ માનું છું. જેણે મને આંતરિક દૃષ્ટીનું મહત્વ સમજાવ્યું. તેની અનુભૂતિ કરાવી. મારી જોવાની ઉણપે જ મને લોકોને શ્રેષ્ઠ રીતે જાણવામાં મદદ કરી. હું તો બાળપણથી જ અંધ હતો, છતાં મેં મારું જીવન માત્ર અને માત્ર સકારાત્મક રીતે જ જીવ્યું છે. 2011થી હું UPSCની પરીક્ષામાં દિવસ-રાત મચી પડ્યો હતો. નવ વર્ષ બાદ મને સફળતા હાથ લાગી હતી. મેં દરેક પડકારનો હસીને સામનો કર્યો છે. મેં આ લક્ષ્ય મારી કઠોર મહેનત અને નિષ્ઠાનાં કારણે પ્રાપ્ત કર્યું છે.

મેં શાળાકીય શિક્ષણ લિટિલ ફ્લાવર કોન્વેટ અને રામા કૃષ્ણા મિશન સ્કૂલમાંથી લીધું હતું. શાળાકીય કાળ પૂર્ણ થયા પછી ચૈન્નઈની લોયલા કોલેજમાંથી મેં બીકોમમાં ડિગ્રી પ્રાપ્ત કરી. મારા પિતા ભારતીય આર્મીમાં હતા. નિવૃત થયા પછી તેમણે ટેક્સી ડ્રાઈવિંગનું કામ શરૂ કર્યું હતું. મારી માતા ઘર સંભાળતી હતી. હું નાનપણથી જ ભણવામાં હોશિયાર હતો એટલે મારા શિક્ષકે જ મને IAS બનવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.

તેમની વાત માની અને મેં તૈયારી શરૂ કરી દીધી. વર્ષ 2011ની સાલમાં UPSC સિવિલ સેવા પરીક્ષાની તૈયારીઓ મેં શરૂ કરી. થયું એવું કે પુસ્તકો બ્રેલ ભાષામાં નહોતા. મારે વાંચવું કેવી રીતે? પુસ્તકોને બ્રેલભાષામાં કન્વર્ટ કરતાં મને ખૂબ વાર લાગી. સમય પણ વીતતો જતો હતો. ચાર વખત મેં UPSCની પરીક્ષા આપી. હું ચારે વખત નિષ્ફળ ગયો, છતાં હું હાર નહોતો માન્યો. મેં આત્મવિશ્વાસની સાથે ફરી તૈયારી શરૂ કરી. હું તો મારા પ્રજ્ઞાચક્ષુપણાને કોઈ દિવસ સંકટ માનતો જ નહોતો, કારણ કે આ તો મને બાળપણથી જ મળ્યું હતું. મેં તેનો સ્વીકાર કરી લીધો.

હવે જે વાત કહું છું એ ચાર વર્ષ પહેલાની છે. 2016ની સાલની. મેં પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. 927મો રેન્ક પ્રાપ્ત થયો. મને ગ્રુપ-Aની સેવાઓ માટે પસંદ કરવામાં આવ્યો. મેં એ સેવાઓ જોઈન ન કરી, કારણ કે મારો ટાર્ગેટ તો UPSCમાં IAS ઓફિસર બનવાનો હતો. 2017માં મેં ફરી પ્રયત્ન કર્યો. હું એક જ પોંઈન્ટથી ચૂકી ગયો.

મારી અંદર આત્મવિશ્વાસ હતો પણ ક્ષમતા નહોતી. મેં 9 વર્ષમાં એક પણ વખત હાર નથી માની. દરેક વખતે પ્રયત્ન કરતો અને મહેનત કરવામાં જ્યાં સમસ્યા રહી જાય તેને સુધારી નાખતો હતો. આખરે 9 વર્ષની મહેનત બાદ મેં UPSC ક્રેક કરી નાખી. મને 659મો રેન્ક પ્રાપ્ત થયો.

હું તમિલનાડુના મુખ્યમંત્રી કે કામરાજ અને આઈએએસ અધિકારી આર્મસ્ટ્રોંગ પમેને મારો પ્રેરણાનો સ્ત્રોત માનું છું. આઈએએસ આર્મસ્ટ્રોંગ મણિપુર અને નાગાલેન્ડને જોડનાર 100 કિલોમીટરનો રસ્તો બનાવવા માટે લોકપ્રિય બન્યા હતા. તેમણે આ રસ્તો સરકારની સહાયતા વગર બનાવ્યો હતો.

મેં નક્કી કર્યું કે આઈએએસ ઓફિસર બન્યા બાદ હું બાળકોની સાથે થઈ રહેલા શોષણ અને અપરાધને રોકવા માટે કામ કરું. ગરીબી, બેરોજગારી અને અન્ય તમામ સામાજીક વિટંબણાઓને નેસ્તાનાબુદ કરવા માટે શિક્ષા જ એક માત્ર ઉપાય છે. હું એ જ વિભાગમાં વધારે કામ કરવા માટે ઉસ્તુક રહું છું જ્યાં શિક્ષણ હોય. હું સ્પષ્ટ રીતે માનું છું કે વ્યક્તિ પોતાના ધનથી નહીં પણ જ્ઞાનથી મોટો બને છે. કોઈ પણ લક્ષ્ય એટલું મોટું નથી હોતું જેને મહેનત અને આત્મવિશ્વાસથી પ્રાપ્ત ન કરી શકાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments