Homeતાપણુંઆ ઉમેદવારને મત આપશો તો ચંદ્ર પર 100 દિવસની રજા અને યુવાઓને...

આ ઉમેદવારને મત આપશો તો ચંદ્ર પર 100 દિવસની રજા અને યુવાઓને ધંધો કરવા એક કરોડ મળશે

Team Chabuk-Political Desk: ચૂંટણી જીતવા માટે વાયદા કરવા જરૂરી છે. મોટી પાર્ટી હોય તો લોકો આ વાયદાની જાળમાં ફસાઈ પણ જાય છે. જીત્યા પછી વાયદાનું જે થવું હોય એ થાય. જોકે ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં રાજ્યનો ચૂંટણી ઢંઢેરો સામે રાખતા કહી દીધું હતું કે અત્યાર સુધી સંકલ્પ પત્રો ખાલી કહેવા પૂરતા હતા, ભાજપની સરકાર આવી છે ત્યારથી સંકલ્પ પત્રો કામ કરતા થયા છે.

ચૂંટણી ઢંઢેરો જાહેર કરવો અતિ આવશ્યક છે. ભલે તે નાનો ઉમેદવાર હોય કે દેશની સૌથી મોટી પાર્ટી હોય. હવે જે વ્યક્તિ એ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, એ સાંભળ્યા પછી જો તે દેશની સૌથી મોટી પાર્ટી હોત, તો કેટલાક લોકો તેને જ મત આપી દે. પણ કમ્બખ્ત એવું છે નહીં.

તમિલનાડુના મદુરાઈમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે થુલમભાઈ ઊભા છે. તેમણે વાયદો કર્યો છે કે જો તેઓ જીત્યા તો તમામને આઈફોન અપાવશે. ત્રણ માળનું મકાન મળશે. અહીંથી નથી અટકતા. થુલમભાઈએ વાયદો કર્યો છે કે ચંદ્ર પર સો દિવસની રજા માણવાની સુવર્ણ તક પણ મળશે. થુલમભાઈ એક સામાજીક કાર્યકર્તા છે. ચૂંટણી જીતવા માટે એવા એવા વાયદાઓ કરી નાખ્યા છે કે કોઈને પણ ખબર પડી જાય કે આ વાયદાઓ માત્ર અને માત્ર ચૂંટણી જીતવા માટે જ કરવામાં આવ્યા છે. વાયદાઓની લિસ્ટ આપી દઈએ.

  • તમામને મફતમાં એપલ કંપનીનો આઈફોન મળશે.
  • ત્રણ માળનું મકાન એ પણ સ્વિમિંગ પુલની સાથે.
  • દરેક ઘરમાં વીસ લાખ રૂપિયા સુધીની એક કાર.
  • દરેક થનાર વધુને 800 ગ્રામ સોનું
  • કોઈ યુવાનને ધંધો કરવો છે તો મળશે એક કરોડ રૂપિયાની સહાય.
  • વિકલાંગોને દર મહિને દસ લાખ રૂપિયા
  • દરેક ઘરને એક નાનું હેલિકોપ્ટર, રોબોટ.
  • ચંદ્ર પર સો દિવસની રજા ગાળવા મળશે.

મજાની વાત હવે છે. ચંદ્ર પર રજાથી લઈ આઈફોન અને છેલ્લે છેલ્લે તો યુવાઓને ધંધો કરવા એક કરોડ રૂપિયા આપવાની ઢંઢેરામાં જાહેરાત કરી દેનાર થુલમભાઈનું ચૂંટણી ચિન્હ છે કચરાનો ડબ્બો. પણ શું એ જીતી ગયા અને લોકોએ આ બધી વસ્તુ માગી તો તે જનતાની માગ સંતોષી શકશે ? હવે સત્ય હકીકત શું છે એ એમની પાસેથી જ જાણી લો, એમણે કહ્યું છે કે, હું આ તમામ વાયદાઓ એ સમજાવવા માટે કહી રહ્યો છું કે અસલ ચૂંટણી મુદ્દાઓ હોય છે શું. હું લોકોને, ખાસ કરીને યુવાઓને જાગૃત કરવા ઈચ્છું છું, કે મફતમાં મળતી સુવિધાઓ એ ચૂંટણી મુદ્દા નથી હોતા.

તમિલનાડુમાં 6 એપ્રિલના રોજ ચૂંટણી છે. 2 મેનાં રોજ પરિણામ છે. તમિલનાડુની વિધાનસભામાં કુલ 234 સીટ છે. બહુમતિ માટે જોઈએ 118. 2016ની સાલમાં AIDMKને 136 સીટ મળી હતી. DMK પાસે 89 સીટ હતી. કોંગ્રેસ પાસે 8 સીટ હતી અને અન્યને એક સીટ મળી હતી. તમિલનાડુની આ ચૂંટણી ખાસ એટલા માટે પણ છે કે 2016ની સાલ બાદ નથી જયલલિતા કે નથી કરુણાનિધિ. એટલે કે કદાવર નેતાઓ વિનાની ચૂંટણી થઈ રહી છે. દરેક પાર્ટી અંદરથી જ ભાંગી પડી છે. ગત્ત વખતે ભારતીય જનતા પાર્ટીનો જબરદસ્ત રકાસ થયો હતો. આ વખતે તેઓ ગત વખત જેવી સ્થિતિ ન થાય એ આશા સાથે પ્રચાર કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments