Harsh Trivedi : હિમાચલ પ્રદેશની એક આગવી વિશેષતા છે. એ વિશેષતાને શબ્દોમાં મઢી નથી શકાતી. પ્રવાસ લેખન કરનારાઓ તેના પર ખૂબ લખે છે, પણ જેટલું લખો એટલું ઓછું છે. લખનાર લખ્યા પછી એ જગ્યાની ફરી મુલાકાત લે તો પણ કુદરતે ઘણું બદલી નાખ્યું હોય છે. લેખકના મનમાં એક વસવસો રહી જાય છે. હિમાચલને ઓછા શબ્દોમાં ન મઢી શકવાનું કારણ એ પણ છે કે હિમાચલ પ્રદેશનો પ્રવાસ કરવો પડે. અહીં પગના પ્રવાસનો મહિમા રહેલો છે. કુદરતી સૌંદર્યને માણવા માટે અને નજીકથી જાણવા માટે દર વર્ષે લોકોની ચીક્કાર ભીડ ઉમટે છે. સાહસનું બીજું નામ હિમાચલ પ્રદેશ છે. કોરોનાના સમયે હવે બહાર રખડનારાઓની સંખ્યા તો ઓછી થઈ છે, પણ આ વિકટ સમયમાંથી મુક્તિ મળશે એટલે હિમાચલ તરફ દોટ લગાવનારાઓની સંખ્યા ગણી ન શકો એટલી હશે. આજે તસવીર-એ-બયાંમાં હિમાચલ પ્રદેશની કેટલીક તસવીરોને માણીએ અને આનંદ લઈએ.

આ કોઈ ડેસ્કટોપ પર રાખવા જેવો ફોટો છે. મઢીને ઘરમાં રાખો તો ઘરની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય. મહેમાન આવીને પૂછે પણ ખરાં કે કઈ દુકાનેથી લીધો. જાણે કુદરતી દૂધની નદી હોય.

કામ કર્યા પછી જરાય થાક ન લાગે અને લાગે તો થાક વર્તાવા ન દે…. રૂમસુ નામનું એક ગામડું છે. આ તસવીર અને આ બેન પણ ત્યાંના જ વતની છે.

ઓહો આ તો સરકારી થઈ ગયું. વિજળી પણ ચાલુ છે અને બાજુમાં વાંચી લો મરોડદાર અક્ષરોમાં શું લખેલું છે ?

હિમાચલ પ્રદેશની એક ખાસિયત તેની ઊંચાઈ છે. જ્યાં પણ જવું પડે ઊંચું જવું પડે. આ વૃક્ષ પણ ઊંચું જ હતું. હવે તેનો સમય આવી ગયો છે. એ પડી ગયું છે. જોકે કોઈ કરતબ બાજે પસાર થવું હોય તો ઉપરથી થઈ શકે.

હિમાચલ અને કાશ્મીરને તસવીરમાં જુઓ તો કંઈ ફર્ક ન લાગે. માની લો આ તસવીરને એમ કહી મેં તમારી સામે રજૂ કરી હોત કે આ તો કાશ્મીરનો ફોટો આવી ગયો તો ઘણા માની પણ લેત.

જે હોય તે પણ થોડી ક્ષણો માટે બરકત અલી વિરાણીની પંક્તિ યાદ આવ્યા વિના નથી રહેતી, એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના…. સાથી વિના, સંગી વિના, એકલાં જવાના…. એકલાં જવાના….

તસવીરમાં ઉપર દેખાય છે તે છે સારપાસ. ગૂગલ કરો તો પણ આ તસવીર જ બતાવશે એટલી ફેમસ જગ્યા છે. પ્રેમ અને સુંદરતાનું બેજોડ મિલન.

એક પ્રશ્ન પૂછવા માગુ છું ? સવારમાં તમારી આંખ ઉઘડે અને તમે આ જગ્યાએ હો તો પહેલા શું કરો ? મને ખબર છે પોલીસ સ્ટેશને જ જાવ! આ હું ક્યાં આવી ગયો છું? આટલી સરસ જગ્યા જોઈને એમ તો ન કહો Wow…!!

ધંધાની જગ્યામાં પણ પગરખું તો ન જ આવવું જોઈએ. પગરખા બહાર છે. આજકાલ તો આવા પગરખા પણ નથી મળતા અને દાદા તો મને થોડી ઘણી પાટણની યાદ અપાવી ગયા. એક કુશળ વાર્તાકારને દાદાના ગંભીર ચહેરા અને આસપાસની વસ્તુમાંથી લખવા માટેની સામગ્રી મળી જાય.

આ છે ધર્મશાળા. આ તસવીર માટે શબ્દ છે દોન ધ્રૂવ. બે ધ્રૂવો બેઠા છે. એક સાધુ છે અને એક સુંદરતા છે. થઈ જાય કે આટ આટલી કુદરતી સંપત્તિને રોજ રોજ માણતા કંટાળો નહીં આવતો હોય ? મને નથી લાગતું, પણ હા, જો એમને આ જગ્યાથી વિખૂટા પાડવામાં આવે તો કદાચ જીરવી ન શકે.

પહાડીની મનલુભાવી દેતી આ સુંદરતાને જોતા જોતા એક ક્ષણે તો એવું લાગી જશે કે ક્યાંક આ ભાઈ માછલી તો નથી પકડી રહ્યા ને? ધ્યાનથી જુઓ તેની આગળની લાકડી. જે તેણે હાથમાં પણ નથી પકડી. અખંડ શાંતિ ભવ:

ટ્રાયોલોજી. ખુરસીની પાછળ બેઠેલા માણસની નજર તેની આગળની ખુરશી પર, તેની આગળની ખુરસીવાળા ભાઈની નજર મારી તરફ. આ તસવીરની ખાસિયત એ ગણી શકાય કે નેચર પોઝ જાનવરો સરસ આપી શકે છે. માણસ કરતાં પણ વધારે! કારણ કે તેમનામાં કુદરતી અભિનયની કળા હોય છે.

કુલુ મનાલી તરફ જતા લાકડીને ટેકો આપીને ઊભેલા એક કાકા. હિમાચલ પ્રદેશની મોટી સંપત્તિ કુદરત છે. જો વૃક્ષ વાવ્યા હશે તો વૃદ્ધત્વમાં એ લાકડી તરીકે ટેકો બની સહારો આપશે.

આ કોઈ નિર્જન ઘર નથી. કોઈ પરિકથાઓમાં આવતી ઝુંપડી નથી. છોટા ભીમમાં આવતી ડાયનનું નિવાસસ્થાન નથી. સ્પેશિયલ ઈફેક્ટ નથી. એનિમેશન ફિલ્મોમાં આવે એવું ચોકલેટથી બનાવેલું ઘર પણ નથી. આ ઘરની અંદર લોટ દળવાની ચક્કી છે. જે પાણીના ફોર્સથી ચાલે છે. સરપાસ ટ્રેકિંગ સમયે આ તસવીર કેમેરામાં કંડારવામાં આવી છે.

સરપાસથી પરત ફરતી વેળાએ તુલગા નામનું ગામ આવે છે. આ ગામની ખાસિયત એ છે કે ત્યાં બધા કામ સ્ત્રીઓ જ કરે છે. કુટુંબ સંભાળે, બાળકોને ઉછેરે, ઘરડાઓની સેવા કરે. આટ આટલું કામ કરવા છતાં તેમના ચહેરા પરનું હાસ્ય જુઓ. તેમના ચહેરા પરથી જરા પણ એવું લાગે છે કે કામનો કેટલો બધો ભાર હશે? કામ જેની પાસે ન હોય તેને જ બધી ચિંતા અને માથાકૂટ હોય છે. કામ હોય છે તેને તો આવો વિચારવાનો સમય પણ નથી મળતો. ઝાંસીની રાણી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત