Team Chabuk-Special Desk: દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ આજીવન શિક્ષક અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક દિને પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. શિક્ષક દિને વાત કરવી છે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા,કર્મઠ અને નિષ્ઠાવાન એવા વડોદરા જિલ્લાના સાધલી પ્રાથમિક શાળાના આચાર્ય અશોક પ્રજાપતિની.
ચાણક્યના સૂત્ર “‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા”ને સાર્થક કરતા અશોક પ્રજાપતિએ પોતાની શિક્ષણ સાધના સાથે શાળાના શિક્ષકોના સહયોગથી સાધલી પ્રાથમિક શાળાની આખે આખી કાયાપલટ કરી નાખી છે.કેવી રીતે આવો જાણીએ. સપ્ટેમ્બર – ૨૦૧૨ માં સાધલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે જોડાયેલા અશોક પ્રજાપતિની સાથે ૧૨ શિક્ષકો ફરજ બજાવતા હતા. શાળામાં કુલ-૨૨ ઓરડાઓ પૈકી તમામ જર્જરીત હાલતમાં હતા.ચોમાસામાં તમામ ઓરડામાં પાણી ટપકતું, વરસાદ ચાલુ હોય ત્યારે બાળકોની હાજરી પણ ખૂબ જ ઓછી થઈ જતી હતી. શાળાની ભૌતિક પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક હતી. એટલે સૌ પ્રથમ તો નાના મોટા પ્રયાસો કરી વર્ગખંડોમાં પાણી પડતું અટકાવવાના પ્રયાસો કર્યા પરંતુ શાળાનું મકાન ૧૦૦ વર્ષથી વધુ જુનું હતું. શાળાના નવા મકાનની જરૂર હતી. શાળાને વિકસાવવા માટે શાળા પાસે વિશાળ મેદાન તો હતું જ જરૂર માત્ર યોગ્ય આયોજનની હતી.
તત્કાલીન ગ્રામ પંચાયત સરપંચ, તલાટી અને શાળા વ્યવસ્થાપન સમિતિના સહયોગથી શાળાના નવા મકાન માટે સરકારમાં દરખાસ્ત કરી અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળા માટે નવું મકાન મંજુર કરવામાં આવ્યું અને માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં નવા મકાનમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું જેનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરજણ ખાતેથી કરવામાં આવ્યું હતું.
શાળાનું નવું મકાન બનતાં શિક્ષકોમાં કામ કરવાનો ઉત્સાહ જાગ્યો. શાળામાં બાળકોની સંખ્યા ૩૦૦ થી વધીને ૪૦૦ થઈ એટલુ જ નહી ખાનગી શાળાઓમાંથી પણ બાળકોને વાલીઓએ પ્રવેશ અપાવ્યો. ડ્રોપઆઉટ રેટ જે પાંચ ટકા હતો તે ઘટીને શૂન્ય થયો. સાધલી પ્રાથમિક શાળામાં શરૂઆતમાં બાળકોને પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ અંતર્ગત શાળાને સ્માર્ટ ક્લાસ (જ્ઞાનકુંજ) રૂમ મળ્યા જ્યાં ધો. ૬ થી ૮ ના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં બાળ લાયબ્રેરી દ્વારા બાળકોને દર અઠવાડિયે પુસ્તક વાંચવા માટે આપવામાં આવે છે. એટલુ જ નહિ શાળામાં વિજ્ઞાન લેબ થકી બાળકોને નાના મોટા પ્રયોગો કરાવવામાં આવે છે.શાળા દ્વારા દર વર્ષે વિજ્ઞાનમેળા અને ઈનોવેશન ફેરમાં જિલ્લા કક્ષા સુધી ભાગ લે છે. શાળામાં NMMS,PSE અને નવોદય જેવી બાહ્ય પરીક્ષાઓ માટે શિક્ષકો દ્વારા વિશેષ કોચીંગ આપવામાં આવે છે. જેના પરિણામે ગત વર્ષે શાળાની વિદ્યાર્થીની NMMS પરીક્ષામાં મેરીટમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી.
શાળા કેમ્પસમાં શિક્ષકો માટે બનાવવામાં આવેલા શિક્ષક ક્વાર્ટસમાં ૧૨ શિક્ષકો રહે છે. શાળામાં દિવ્યાંગ બાળકો પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, શાળાની દીવાલો ઉપર શૈક્ષણિક ચિત્રો દોરવામાં આવ્યા છે, જેથી બાળકો હરતાં ફરતાં શિક્ષણ મેળવે છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં શાળા અપગ્રેડેશન પ્રોજેક્ટ હેઠળ શાળા મકાનને નવી રોનક મળી શાળાના મકાનને નવેસરથી કલરકામ, શાળામાં પથ-વે, એમ્પીથિયેટર, બાળકોને જમવા માટેનો મોટો શેડનું બાંધકામ કરવામાં આવ્યું છે. સાધલી ગ્રામ પંચાયતના સહયોગથી શાળાને સીસીટીવીથી સજજ કરવામાં આવી છે .
સાધલી ગામમાં અન્ય બે ખાનગી શાળાઓ અને એક નોન ગ્રાન્ટેડ શાળા હોવા છતાં શાળામાં હાલમાં ૪૦૦ થી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. લોકડાઉન અને કોરોના જેવી મહામારીમાં પણ શાળા દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું. શાળામાં બાળકોના વાલીઓનું ધોરણવાર વોટસએપ ગૃપ દ્વારા બાળકોને લગતી શૈક્ષણિક સૂચનાઓ, શૈક્ષણિક માહિતી ઓનલાઇન શૈક્ષણિક કાર્યક્રમની લિંક પૂરી પાડવામાં આવે છે. સાધલી પ્રાથમિક શાળાને વર્ષ ૨૦૧૮-૧૯ માં જિલ્લા કક્ષાનો શાળા સ્વચ્છતા એવોર્ડ મળ્યો છે. આચાર્ય અશોકભાઈ પ્રજાપતિને વર્ષ ૨૦૧૮ માં તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
શાળાના આચાર્ય અશોક પ્રજાપતિએ પોતાના શિક્ષણ કર્મયોગ સાથે સાથે શાળાની પણ કાયાપલટ નાખી ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ ના ચાણક્યના સૂત્રને ખરેખર સાર્થક કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષક દિવસની ઉજવણી આવા કર્મનિષ્ઠ શિક્ષકોથી સાર્થક થાય છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા