Team Chabuk-Special Desk: ડાયનાસોરે આ દુનિયા પર લાંબા સમય સુધી રાજ કર્યું હતું. વિશાળકાય, રાક્ષસી દેખાતા આ ડાયનાસોર માત્ર માંસાહારી જ નહીં પરંતુ શાકાહારી પણ હતા. ચાલો તો આપણે એવા ડાયનાસોરની દુનિયામાં લટાર મારીએ જે ખતરનાક હતા, માંસાહારી હતા તો કેટલાક શાંતિપ્રિય હતા. કેટલાક ડાયનાસોર તો ડાયનાસોરનો જ શિકાર હતા.
ટાયરેનોસોરસ ( અત્યાચારી ગોધા )
ડાયનાસોરની આ પ્રજાતિ બધા ડાયનાસોર પૈકી ખુબ જાણીતી બની હતી. ટાયરેનોસોરસ વિકરાળ માંસભક્ષી પ્રાણી હતું. તે અંતિમક્રિટેસિયસ સમયમાં શિકારની શોધમાં ત્રિકોણપ્રદેશોમાં, પૂરના મેદાનોમાં, જંગલોમાં પંકપ્રદેશોમાં વિચરતું રહેતું હતું. તે ખુબ વિકરાળ હતું. તેની લંબાઈ 13 મીટર એટલે કે 40 ફૂટ જેટલી હતી અને તેનું વજન 5થી 7 ટન જેટલું હતું. તેનું માથુ જ 4 ફૂટ જેટલું લાંબુ હતું. તે દળદાર માથું, શક્તિશાળી જડબા, ખાંચાખૂંચીવાળા મોટા કદાના દાંત અને નહોરવાળા પગ ધરાવતું હોવાથી તેના સમયમાં માંસભક્ષી પ્રાણીઓ પૈકી તે ભયંકર ગણાતું હતું. તેના નામના અર્થ પ્રમાણે તે એટલું અત્યાચારી હતું કે તેના સમકાલિન અન્ય ડાયનાસોર તેની નજીક જવાનું ટાળતા હતા. બીજા કોઈ પણ ડાયનાસોર કરતાં તેના દાંત મોટા હતા. એટલું જ નહીં તેના દાંત એટલા તીક્ષ્ણ, જાડા અને મજબૂત હતા કે હાડકાને આરામથી કચડી નાખતાં. દેખાવમાં પક્ષી જેવા લાગતા આ ડાયનાસોરના પગ રાક્ષસી હતા. બંને પગના ત્રણ ત્રણ આંગળાને મજબૂત નહોર હતા. તેના દળદાર પગની તુલનામાં તેના બે આંગળાવાળા હાથ સહિતની બાહુઓની લંબાઈ માત્ર માનવીય હાથની લંબાઈ જેવડી જ હતી. તેના લાંબા પગ તેને ઝડપથી દોડવામાં મદદરૂપ થતા. તેની પૂંછડી વજનદાર અને સ્નાયુઓથી ભરાવદાર હતી તે કદાચ તેના મોટા માથા સાથે સમતુલા જાળવી રાખવાનું કામ કરતી. આ પ્રાણી ખૂબ જ સક્રિય હતું. તેના 30થી વધુ નમુના મળી આવેલા હોવાથી તે ખૂબ જાણીતું બનેલું.

બ્રોન્ટોસોરસ ( ગર્જતી ગોધા )
બ્રોન્ટોસોરસ આજ સુધીની શોધમાં મોટામાં મોટા સરીસૃપો પૈકીનું એક ગણાય છે. જેનું વજન 35થી 35 ટન એટલે કે લગભગ 30થી 35 હજાર કિલોગ્રામ હતું અને તેની ઉંચાઈ 26 ફૂટ તેમજ લંબાઈ 75 ફૂટ જેટલી હતી. તે ખોરાકમાં ઝાડના પાંદડા અને હંસરાજ જેવી વનસ્પતી લેતું હતું. 1878માં ડો.ઓ.સી.માર્શ દ્વારા અપાયેલું આવું નામ તેના વિશાળ કદ અને શક્તિશાળી શારીરિક બાંધાના કારણે છે. બ્રોન્ટિસ એ ગ્રીક ધર્મશાસ્ત્રનું રાક્ષસનું નામ છે. આ ડાયનાસોરના સર્વપ્રથમ અવશેષો યુ.એસ.એના કોલોરાડોમાંથી શોધી કાઢવામાં આવેલા. ત્યારે ડૉ. ઓ.સી.માર્શે એપોટોસોરસ (છેતરામણું સરીસૃપ) નામ આપેલું. 1879માં આવા જ બીજા બે સોરોપોડ હાડપિંજર મળી આવેલા. તે એપોટોરસની વિશાળ પ્રતિકૃતિ જેવા દેખાતાં હતા, પરંતુ તેના નિતંબો નજીક ત્રણને બદલે ચાર મણકા હતા આથી આ પ્રાણી બ્રોન્ટોસોરસ અથવા ગર્જતી ઘો કહેવાયું. આના થોડા સમય બાદ માલુમ પડ્યું કે એપેટોસોરસને જન્મ સમયે ત્રણ મણકા હતા. જેમ જેમ તે મોટું થતું તેમ તેને ચોથો મણકો વિકસતો. આ હકીકત એલ્મરરિગ્ઝે 1903માં બહાર પાડી હતી. તેથી સમજાયું કે બ્રોન્ટોસોરસ અને એપેટોરસ વાસ્તવમાં એક જ પ્રાણી હતા પરંતુ તેનું બ્રોન્ટોસોરસ નામ એટલું બધું જાણીતું બની ગયું કે તે આજે પણ બ્રોન્ટોસોરસ નામથી જ ઓળખાય છે. આ જાતિ માટે એપેટોરસ નામ અપાયેલું તે આમ તો વૈજ્ઞાનિક રીતે ખરું છે. જ્યારે તે પછી નવું તે પછી નવું પર્યાયવાચી બ્રોન્ટોસોરસ નામ માત્ર વધુ ખ્યાતિ પામ્યું હોવાથી તે જ ટક્યું. આ ડાયનાસોરની લંબાઈ 70થી 75 ફૂટ અને વજન 30 ટન જેટલું રહ્યુ હશે. તેને નીચુ ઢળતું માથું અને પેન્સિલ જેવા દાંત હતા.

મેગાલોસોરસ ( રાક્ષસી ગરોળી )
1676માં જેની શોધ થયેલી અને ડાયનાસોરના સૌપ્રથમ અસ્થિ પ્રાપ્ત થયાની જેની નોંધ લેવાઈ તે કદાચ આ મેગાલોસરસ જ હતું. મેગાલોસોરસ, ઈગ્વાનોડોન અને હાયાલોસોરસ પૈકીનું એક હતું. જેમાંથી રિચાર્ડ ઓવેને 1842માં ભયંકર ગરોળીના અર્થમાં લેવાતો ડાયનાસોરિયા અર્થ પ્રયોજેલો. ક્રિટેસિયસ કાળ દરમિયાન અસ્તિત્વ ધરાવતું મેગાલોસોસર એ એક માંસભક્ષી વિશાળકાય ડાયનાસોર હતું. મેગાલોસોરસ બે શક્તિશાળી પગ પર ચાલતું તથા તેને વિશાળ મસ્તક અને કરવતી તીક્ષ્ણ દાંત હતા. મેગાલોસોરસ એ એક એવું પ્રથમ ડાયનાસોર હતું જેનું વૈજ્ઞાનિક વર્ણન કરવામાં આવેલું છે તથા વિલિયમબકલેન્ડ દ્વારા 1824માં તેને નામ અપાયું. તેને દળદાર પૂંછડી, ભારે દેહ અને તીક્ષ્ણ નહોરવાળા આંગળા હતા. વળી તેને વજનદાર હડકાં હતા. તેના બાહું ટૂંકા હતા. મેગાલોસોરસના શરીરની લંબાઈ 7 મીટર, પૂંછડી 3 મીટર અને વજન એક ટનથી વધુ હતું. તે મહાકાય, બિહામણું, માંસભક્ષી શિકારી પ્રાણી હતું. વિશાળ કદવાળા અન્ય સરીસૃપોને પણ તે મારી શકતું હતું. મજબૂત, વાળી શકાય તેવી ડોક હતી જે તેને વધુ ભયાવહ બનાવતી હતી.

રાજાસોરસ નર્મદેન્સીસ
રાજાસોરસ નર્મદેન્સીસના અવશેષો માત્ર ભારતના પશ્ચિમ પ્રદેશમાંથી જ મળ્યા હોવાથી આ પ્રજાતિ આપણા માટે ખૂબ અગત્યની બની રહે છે. આ ડાયનાસોરના અસ્મિભૂત અસ્થિઓ મધ્યપ્રદેશના જબલપુરથી ગુજરાતમાં નર્મદાનના કાંઠે તેમજ મધ્યગુજરાતના ખેડા જિલ્લામાં જોવા મળ્યા છે. જેથી ડાયનાસોરનું નામ રાજાસોરસ નર્મદેન્સીસ, નર્મદાનો શાહી સરિસૃપ પડ્યું છે. આ ડાયનાસોરના માથા પર સંખ જેવા આકારનો મુગટ જોવા મળે છે. તેનું કદ ભરાવદાર અને થોડું જમીનને સમાંતર હોય છે. આ ડાયનાસોર માંસાહારી હતા જે અન્ય ડાયનાસોરનું ભક્ષણ કરતાં.
ઈગ્વાનોડોન ( ઈગ્વાના દાંત )
ઈગ્વાનોડોન ઘણી મોટી સંખ્યામાં સમૃદ્ધિ પામેલું વિશાળકાય વજનદાર ઓર્નિથોપોડ હતું. તેનું નામ તેની ઉંચાઈ, ઉપસેલા માથાવાળી દાઢો પરથી પડેલું છે. આવા દાંત ઈગ્વાના ગરોડીમાં જોવા મળે છે તફાવત માત્ર નાના-મોટા કદનો જ ગણાય. આ પ્રાણીને દાંતવિહીન શૃંગી ચાંચ પણ હતી. તે ચરવાના ઉપયોગમાં લેવાતી હતી. તેને પાંચ આંગળાવાળા હાથ હતા. આ પ્રાણી તેના પાછલા પગ પર કે ચારેય પગ પર ચાલી શકતું હતું. તે સંભવતઃ શાંતિપ્રિય તૃણભક્ષી હતું. જ્યારે તે તેના હાથ ઉંચા કરતું ત્યારે કાંડુ ભ્રમણ કરી શકતું અને પાંચમી આંગળી પંજા તરફ અંદર આવી જતી. શંકુ આકાર તીક્ષ્ણ અંગુઠો વળી શકતો ન હતો. ઈગ્વાનોડોનની પૂંછડીના ઉપરના ભાગમાં મણકાઓ માથે નિતંબના મણકા ઉપર તથા પીઠમાં આડા અવડા અસ્થિયુક્ત દાંતાં હતા. આ દાંતા કરોડરજ્જુના ભાગને મજબૂતાઈ આપતા હતા. એટલું જ નહીં પૂંછડીને કડક બનાવતા હતા. આ પ્રાણી દોડવામાં ઝડપી હતું અને ટોળામાં વિચરતું હતું. આ પ્રાણી વિશે એક નવી સમજ અપાઈ છે અને કહેવાયું છે કે, ઈગ્વાનાડોનની પીઠનો ભાગ સમતળ હતો, તેનું માંથુ આગળ તરફ અણિયાળું હતું તથાં નીચે તરફ ઢળતું રહેતું હતું. આવી ગોઠવથી તેનું શરીર લાંબી, કડક, ભારે પૂંછડીના કારણે સમતોલ રહી શકતું હતું. 1825માં ઈગ્વાનોડોન તેનું આ વૈજ્ઞાનિક નામ મેળવવામાં બીજા ક્રમે હતું. ગીનીઓન મેન્ટેલએ તેની શોધ કરી હતી. 5 હજાર કિલોગ્રામ વજન ધરાવતા આ પ્રાણીની લંબાઈ 30 ફૂટ અને ઉંચાઈ 16 ફૂટ જેટલી હતી.

ટ્રાયસીરેટોપ્સ ( ત્રિશૃંગી ચહેરા )
ઓથનિયેલ ચાર્લ્સ માર્શને આ પ્રજાતિના ખોજક માનવામાં આવે છે. જેનું વજન 6થી 12 ટન એટલે કે 6 હજારથી 12 હજાર કિલોગ્રામ જેટલું હતું. જેની લંબાઈ 30 ફૂટ અને ઉંચાઈ 10 ફૂટ જેટલી હતી. તેને શક્તિશાળી જડબા, અણિયાળી પૂંછડી, ભારે શરીર અને ખરી જેવા નહોર સાથેના થાંભલા જેવા પગ હતા. આ પ્રાણી પણ તૃણભક્ષી હતું. ગુજરાતમાં કચ્છમાં તેના અવશેષો મળ્યા છે. ટ્રાયસિરેટોપ્સ પ્રમાણમાં ધીમું ડાયનાસોર હોવાથી ટ્રાયનેસોરસ-રેક્સ તેમનો શિકાર કરીને ખાઈ જતાં. 1889માં ઓથનિયેલ માર્શને યુ.એસ.એમાંથી આ જીવાવશેષ મળી આવેલું જેને માથે ત્રણ શિંગડા હોવાથી માર્શે ટ્રાયસીરેટોપ્સ નામ આપ્યું. આ ડાયનાસોરની ખોપરી અને આંશિક હાડપિંજર ભાગોના આશરે 50 જેટલા અવશેષો મળ્યા છે.

(સોર્સ- ઈન્દ્રોડા પાર્ક, ગાંધીનગર )
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત