Team Chabuk-Special Desk: લાંબા હોવાનો ફાયદો એ છે કે લોકોની નજર તમારા અપાદમસ્તક પરથી ક્ષણવાર માટે પણ હટતી નથી. ગેરફાયદો એ છે કે આપની સાઈઝનું કંઈ બજારમાં મળતું નથી. કપડાંથી લઈ બૂટ સુધી, ખાટલો પણ નહીં, અરે એક સમયે તો કાર પણ નહીં. આજે પણ દુનિયાની સૌથી લાંબી સ્ત્રી, પુરુષ, બોડી બિલ્ડર, ટીનએજર જીવંત છે, પણ તે એટલા ઉંચા નથી જેટલો રોબર્ટ વેડ્લો હતો.
આઠ ફૂટ અગિયાર ઈંચની તાડકાય ઉંચાઈ ધરાવતો આ વ્યક્તિ વિશ્વભરમાં અચંબાનું કારણ બન્યો હતો. અમેરિકાના એલ્ટોન ઈલિનોઈસમાં 22 ફેબ્રુઆરી 1918ના રોજ તેનો જન્મ થયો. ટીનએજ દરમ્યાન જ તેની ઉંચાઈમાં આશ્ચર્યજનક વૃદ્ધિ થવા લાગી હતી. જ્યારે છ વર્ષની આયુ હતી ત્યારે તે પાંચ ફૂટ સાત ઈંચની ઉંચાઈ ધરાવતો હતો જે ચિકિત્સકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. છ વર્ષ પછી તે પોતાના પિતાની ઉંચાઈ કરતા પણ બમણો પૂરવાર થયો.
આઠ ફૂટની ઉંચાઈને આશિર્વાદ કહો કે અભિશાપ તેને 16 વર્ષની ઉંમરમાં પ્રાપ્ત થઈ ગઈ હતી. એ જગતનો સૌથી લાંબો કિશોર હતો. 21મો જન્મદિવસ જ્યારે નજીક આવ્યો ત્યારે તેની ઉંચાઈ આઠ ફૂટ નવ ઈંચની થઈ ગઈ હતી. જે આગામી સમયમાં બે ઈંચ વધી સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરવાની હતી. માપવાની જરૂરિયાત નહોતી. રોબર્ટને જોતા વેત ખ્યાલ આવી જતો હતો કે તે દુનિયાનો સૌથી લાંબો મનુષ્ય છે. હજુ પણ કોઈ 8 ફૂટ 11 ઈંચની ઉંચાઈને ટપનારો બળિયો આ ધરતી પર પાછો પેદા નથી થયો.
ચીનની ઝેન્ગ જિનલિઅન યાદ આવી જાય છે. 26 જૂન 1964 તેની અવતરણ તારીખ. 13 ફેબ્રુઆરી 1982માં તેનું નિધન થયું. ઝેન્ગના ખાનદાનમાં તમામની ઉંચાઈ પાંચ ફૂટની હતી. સરેરાશ ચીનીઓની ઉંચાઈ એટલી જ હોય છે. ઝેન્ગ ભીંત ફાડીને પીપળો ઉગ્યો હોય એમ વધવા લાગી. એ દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધતી હતી. ઝેન્ગની ઉંચાઈ ક્રમશ: વધતા વધતા પહોંચી આઠ ફૂટ એક ઈંચ સુધી. આ વિશ્વની એક માત્ર એવી મહિલા છે જેણે આઠ ઈંચના આંકડાને પાર કર્યો હોય. આજે જીવંત હોય એવી વિશ્વની ઉંચી મહિલાનો કિર્તીમાન તુર્કીની રુમેયા ગેલ્ગીની પાસે છે. જે ચીનની ઝેન્ગી કરતા એક ફૂટ નાની છે. ઝેન્ગ ઉપરોક્ત વાત કરી, એ વિશ્વના ઈતિહાસના સૌથી લાંબા મહાપુરુષ રોબર્ટથી દસ ઈંચ નાની હતી.
કેટલાક લોકોને સવાલ ઉત્પન્ન થતો હશે કે લાંબા માણસની સંતાનો લાંબી જ હોય છે? દર વખતે એવું નથી હોતું, પણ ઈતિહાસમાં એક એવો રેકોર્ડ પણ નોંધાયો છે. કેનેડામાં વિશ્વની સૌથી લાંબી બેબીનો જન્મ થયો હતો. પતિ માર્ટિન અને પત્ની એન્ના બંનેની ઉંચાઈ 7 ફૂટ 11 ઈંચ છે. તેમના ઘરે જ્યારે પારણું બંધાયું તો એ બેબી જન્મતી વખતે જ 28 ઈંચનું હતું. ઉંચાઇમાં હોર્મોન્સ અને વિજ્ઞાનની વાતને બાજુ પર રાખીએ, તો વર્તમાન સમયે ધરતી પરના સૌથી લાંબા માણસની સાથે મુલાકાત કરવી હોય તો તમારે તુર્કી જવું પડશે.
અહીં સુલ્તાન કોસેન રહે છે. 10 ડિસેમ્બર 1982ના રોજ તેમનો જન્મ થયો. આઠ ફૂટ એક ઈંચનો સુલ્તાન વિશ્વનો સૌથી લાંબો જીવંત વ્યક્તિ છે. ગીનીસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડે આ પાછળનું એક તારણ પોતાના લેખમાં આપ્યું છે, ‘કોઈ સરેરાશ વ્યક્તિમાં, શરીરનું કેમિકલ હાડકાને સંદેશો પહોંચાડી દે છે કે હવે વૃદ્ધિ કરવાનું બંધ કરી દો. એટલે કે હાડકાઓને ના પાડે છે કે હવે શરીરને વધારે ખેંચવાનું નથી. સુલ્તાનના કિસ્સામાં એવું નથી બન્યું. તેના હોર્મોન્સ સતત કાર્યશીલ રહ્યા અને હાડકા વધતા રહ્યા. સુલ્તાનની સાથે જે બન્યું તેમાં પિટ્યૂટરી ગ્લેડનો પણ મોટો હાથ છે.’ જો સુલ્તાન આટલો લાંબો હોય અને તેને આટલી મહાકાય અડચણ પડી રહી હોય તો વિશ્વના ઈતિહાસના સૌથી લાંબા વ્યક્તિની સાથે શું શું થયું હશે? એ તો સુલ્તાન કરતા પણ લાંબો હતો. એવા જમાનામાં જીવતો હતો જ્યાં સુવિધાઓ નામ માત્રની હતી.
સમય જતા વિશ્વનો સૌથી લાંબો માણસ રોબર્ટ દુનિયાભરમાં લોકપ્રિય થઈ ગયો હતો. આ સમયે રોબર્ટની હાયપરટ્રોફિક ગ્રંથીનું ડોક્ટરો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ પરિવારજનોને સર્જરી કરવાની ના પાડી હતી, કારણ કે આમ કરવાથી મૃત્યુનો અનેકગણો ખતરો વધી જવાનું સંકટ રોબર્ટ પર તોળાવાનું હતું. લોકપ્રિયતાના પરિણામે રોબર્ટને ખૂણે ખૂણે પ્રવાસ કરવાનો રહેતો હતો. એક સમયે લાંબી ટૂર પર જવાનું થયું. પ્રમોશન ટૂર. રોબર્ટની તબિયત લથડી પડી. 1940માં તેણે મિશિગનનો પ્રવાસ કર્યો. તેને પગમાં પીડા ઉપડતા અનુભૂતિ થઈ કે તે વધારે ચાલી શકે તેમ નથી.
એણે પોતાની ઘૂંટી અને પગને ટેકો આપવા માટે મેટલ બ્રાસ પહેર્યા હતા. એ બ્રાસ તેના પગની સાથે ઘસાઈ રહ્યા હતા. ચામડીની સાથે વધારે પડતા ઘસાતા રોબર્ટને પણ ખ્યાલ ન રહ્યો કે તે ઈન્ફેક્શનનો ભોગ બની ગયો છે. પીડા વધારે ઉપડતા રોબર્ટને એક હોટલની રૂમમાં રાખવામાં આવ્યો અને ત્યાં કામચલાઉ ધોરણે હોસ્પિટલનું નિર્માણ કરી દેવામાં આવ્યું. અંતે 15 જુલાઈ 1940માં 22 વર્ષની વયે રોબર્ટનું નિધન થયું.
એંસી વર્ષ પહેલા રોબર્ટ એક સામાન્ય ચેપના કારણે મૃત્યુ પામ્યો. આજની તારીખે તો ડોક્ટર ફટાફટ સારવાર કરી દોડતા કરી દે. જોકે આજ જેવી આધુનિકતા એ સમયે નહોતી. ભલે અમેરિકા કેમ ન હોય. વર્તમાન સમયના લંબોદરોને રોબર્ટ જેવી તકલીફ નથી પડતી અને પડે છે તોપણ તેમને આધુનિક મેડિકલ સુવિધાનો ફાયદો મળી રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત