લેખક – ખલીલ જિબ્રાન
અનુવાદ – Team Chabuk
પોત પોતાની મિલકત
શહેરના ચાર રસ્તા પર એક ગરીબ કવિ અને ધનિક મુર્ખની મુલાકાત થઈ ગઈ. તે અંદરોઅંદર વાતચીત કરવા લાગ્યા. તેમની વાતોથી એ સ્પષ્ટ હતું કે તેઓ પોત પોતાના કામથી સંતુષ્ટ નથી અને એકબીજાની ઉપલબ્ધિઓને અત્યંત મહત્વપૂર્ણ સમજતા હતા.
એટલામાં ત્યાંથી પસાર થતા દેવદૂતે તેમના ખભા પર ધીમેથી હાથ રાખી દીધો. એવું કરતાં જ વિચિત્ર વાત બની. બંને વ્યક્તિઓની અત્યાર સુધીની ઉપલબ્ધિઓની અદલાબદલી થઈ ગઈ. એ બંને પોત પોતાના રસ્તે ચાલવા લાગ્યા.
આશ્ચર્યની વાત એ હતી કે કવિને અનુભૂતિ થઈ રહી હતી કે તેના હાથમાંથી સમયની લસરતી રેત સિવાય કશું નથી. બીજી બાજુ મુર્ખે આંખ બંધ કરી અનુભવ કર્યો કે તેના હ્રદયમાં ઘુમતા વાદળો સિવાય કંઈ નથી.
જાગતા
એ માણસે એક સ્વપ્ન જોયું. જાગતા જ તે સીધો ભવિષ્યવેત્તા પાસે ગયો અને એ સપનાનો અર્થ તેને પૂછ્યો. જ્યોતિષીએ તે માણસને કહ્યું, ‘જાગૃત અવસ્થામાં જોયેલા સપનાની વાત લઈ મારી પાસે આવ, તો હું તને બતાવી શકું. તારા ઉંઘમાં જોવાયેલા સપના એ મારી બુદ્ધિ અને તારી કલ્પનાથી ઉપરવટની વસ્તુ છે.’
આદત
મારા પિતાના બાગમાં બે પિંજરા હતા. એકમાં સિંહ છે જેને મારા પિતાના ગુલામો નાતિવાના રણ વિસ્તારમાંથી પકડીને લાવ્યા હતા અને બીજામાં એક ચકલી છે. રોજ સવારે ચકલી સિંહને કહે છે, ‘કેદી ભાઈ. શુભ પ્રભાત.’
જમાકર્તા
એક માણસ પાસે સોઈનો ખૂબ મોટો ભંડાર હતો. એક દિવસ પાડોશની એક મહિલાએ તેની પાસે આવીને કહ્યું, ‘ભાઈ! મારા દીકરાના કપડાં ફાટી ગયા છે. તેના મંદિર જતા પહેલા હું કપડાં સીવી દેવા માગુ છું. શું તું મને થોડા સમય માટે સોઈ આપીશ.’
એ વ્યક્તિએ મહિલાને સોઈ તો ન આપી પણ લેવા દેવાને લઈને મોટું ભાષણ આપી દીધું. અને છેલ્લે છેલ્લે મહિલાને કહ્યું, ‘મંદિર જતા પહેલા તારા દીકરાને પણ આ ભાષણ સંભળાવી દેજે.’
આરોહી
(એક)
અમે બધા એ પવિત્ર પર્વતની ટોચ પર પહોંચવા માગીએ છીએ. શું આપણો માર્ગ નાનો નહીં થઈ જાય જો આપણે આપણા ભૂતકાળને માર્ગદર્શક ન માનીને એક માનચિત્ર સમજીએ ?
(બે)
અમે બધા અમારા હ્રદયમાં છુપાયેલી અસીમ ઈચ્છાઓના શિખર પર ચડી રહ્યા છીએ. એવામાં કોઈ સહયાત્રી અમારી પીઠ પર લદાયેલા સામાનમાંથી કેટલીક વસ્તુઓ ચોરી લે તો આપણે તેના પર દયા ખાવી જોઈએ, કારણ કે તેનાથી આપણો ભાર ઓછો જ થશે.
જ્યારે આ ચોરીથી તેની ચડાઈ વધારે મુશ્કેલ અને રસ્તો વધારે લાંબો થઈ જશે. જો તમે તેને ખૂબ ખરાબ રીતે હાંફતા જુઓ તો તેની ચડાઈમાં થોડી અમથી મદદ કરો. જેનાથી તમારી ચાલમાં વધારે ઝડપ આવી જશે.
મુશ્કેલી
એક વખત મેં એક ગટરની સામે સમુદ્રની વાત કરી હતી. ગટરે મને અતિવાદી અને ગપ્પેબાજ સમજ્યો.
અને એક દિવસ મેં સમુદ્ર સામે ગટરની વાતનો ઉલ્લેખ કર્યો તો તેણે મને નિંદા કરનારો અને નીચ સમજ્યો.
ઊંડાઈ
જ્યારે ઈશ્વરે મને એક કાંકરીના રૂપે સંસારરુપી આ અદભુત ઝરણામાં ફેંક્યો તો મેં અસંખ્ય લહેરોની શાંત સપાટીને અસ્ત વ્યસ્ત કરી નાખી. પણ જ્યારે હું તેની ઊંડાઈમાં ઉતર્યો તો હું એકદમ શાંત થઈ ગયો.
પાંખ
કેટલા કુંઠિત છો તમે. ન જાણે કેટલા લોકો તમારી આપેલી પાંખોના કારણે ઉડે છે અને માંગવા પર તમે તેને પીછું પણ નથી આપતા.
સારાપણું
એક નિર્જન પહાડ પર બે સાધુ રહેતા હતા. એ બંને ઈશ્વરની પૂજા કરતા અને એકબીજાને પ્રેમ કરતા હતા. તેમની પાસે માટીનો એક વાટકો હતો અને એ જ તેમની મિલકત હતી.
એક દિવસ વૃદ્ધ સાધુના મનમાં કંઈક આવ્યું અને એ નાના સાધુની પાસે જઈ બોલ્યો, ‘આપણે બંનેને સાથે સાથે રહીને ખૂબ સમય થઈ ગયો છે. હવે આપણે અલગ થઈ જવું જોઈએ. આપણે આપણી મિલકતમાં ભાગ પાડી લઈએ અને પોત પોતાના રસ્તે ઉપડીએ.’
એ સાંભળીને નાનો સાધુ ઉદાસ થઈ ગયો. તેણે કહ્યું, ‘તમારા જવાની વાત સાંભળીને જ મને તો દુ:ખ થઈ રહ્યું છે. છતાં તમારું જવું જો જરૂરી હોય તો કંઈ વાંધો નહીં.’ આટલું કહીને તે માટીનો વાટકો ઉઠાવી લાવ્યો અને મોટા સાધુને આપતા બોલ્યો, ‘ભાઈ, આપણે આના ભાગ ન પાડી શકીએ. આને તમારી જ પાસે રાખો.’
મોટા સાધુએ કહ્યું, ‘મને ભીખ નથી જોઈતી. હું તો ફક્ત મારા ભાગનું જ લઈશ. આના ભાગ કરો.’
નાનો સાધુ બોલ્યો, ‘હું પણ એ જ લઈશ જે ન્યાયપૂર્વક મારા ભાગમાં આવે છે. હું એ નથી ઈચ્છતો કે ન્યાયને ભાગ્યના ભરોસે છોડી દઈએ. આ વાટકાના ભાગ જ થવા જોઈએ.’
થોડી વાર પછી નાના સાધુએ વાટકાને જોતા કહ્યું, ‘જો તમને કોઈ વિકલ્પ મંજૂર ન હોય તો ઝઘડાની જડ એવા માટીના વાટકાને તોડી જ નાખીએ.’
આ સાંભળીને મોટો સાધુ ગુસ્સે થઈ ગયો, ‘એ નામર્દ! કાયર! તું મારી સાથે લડતો કેમ નથી?’
ક્રમશ:
(એક)
વર્ષો પહેલા હું એક માણસને જાણતો હતો જેના કાન જરૂર કરતા વધારે તેજ હતા, પણ એ મૂંગો હતો. હકીકતે તેની જીભ એક યુદ્ધમાં કાપી નાખવામાં આવી હતી.
હવે મને ખબર પડી કે એ મહત્વના મૌન પહેલા એ માણસે કેવા કેવા યુદ્ધ લડ્યા. મને આનંદ છે કે એ મરી ગયો છે. અમારા બંનેના માટે આ સંસાર કેટલો નાનો છે.
(બે)
વર્ષો પહેલા એક માણસને વધારે લોકપ્રિય હોવાના કારણે ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યો હતો. વિસ્મયની વાત એ છે કે કાલ હું તેને ત્રણ વખત મળ્યો. પહેલી વખત એ એક વેશ્યાને જેલ ન લઈ જવાની વાત પર પોલીસવાળા સાથે લડી પડ્યો. બીજી વખત એ એક અછૂત વ્યક્તિ સાથે મદીરાપાન કરી રહ્યો હતો. ત્રીજી વખત એ ધર્મસ્થળમાં એક સમાજસુધારક સાથે બે બે હાથ કરવા તૈયાર થઈ ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત