Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ-25-યોગીનું રડવું અને હસવું

વિક્રમ અને વેતાલ : પ્રકરણ-25-યોગીનું રડવું અને હસવું

Team Chabuk : કલિંગ દેશમાં શોભાવતી નામનું એક નગર હતું. નગરમાં રાજા પ્રદ્યુમન રાજ કરતો હતો. એ નગરીમાં જ એક બ્રાહ્મણ રહેતો હતો. જેને દેવસોમ નામનો એક પુત્ર હતો. એક એવો પુત્ર જેની તમામ પિતાને મહત્વાકાંક્ષા હોય. તેના બ્રાહ્મણ પિતા તેને જે જે વિદ્યા શીખવાડી રહ્યા હતા તે એ તુરંત ગ્રહણ કરી રહ્યો હતો.

એક દિવસ ન બનવાનું બની ગયું. દેવસોમ સોળ વર્ષની આયુનો થયો. તમામ વિદ્યામાં તે પારંગત થઈ ચૂક્યો હતો. પિતા પણ હવે પુત્ર પર જવાબદારીનું વહન કરવા ઈચ્છતા હતા ત્યાં તે મૃત્યુ પામ્યો. પુત્રનું મોત પિતાને હચમચાવી ગયું.

વૃદ્ધ માતા પિતા દુ:ખી થઈ ગયા. ચારેબાજુ શોક છવાઈ ગયો. આસપાસના લોકો એકત્રિત થયા અને દેવસોમના અગ્નિસંસ્કારની તૈયારીમાં લાગી ગયા. તૈયારી પૂર્ણ થતા જ લોકોએ તેની ઠાઠડી ઉઠાવી અને સ્મશાન તરફ ચાલવા લાગ્યા.

સ્મશાને પહોંચ્યા તો ત્યાં એક યોગી હતો. તેની કુટીરમાં વિશ્વામ કરી રહ્યો હતો. હવે મૃત્યુ તેની નજીક જ હતું અને તેની વિદ્યાનો નાશ થવાનો હતો. રડવાનો અવાજ સાંભળી તે કુટીરમાંથી બહાર આવ્યો. બહાર આવીને જુએ છે તો એક મૃતદેહ. જુવાન મૃતદેહ. ફુટડો જુવાન અને એ પણ સોળ જ વર્ષનું આયુષ્ય. યોગી ધીમેકથી બણબણ્યો, ‘આ પણ કોઈ ઉંમર છે મરવાની?’

દેવસોમના મૃતદેહને જોઈને પહેલા તો તે ખૂબ જોરથી રડ્યો અને પછી ખૂબ જોરથી હસ્યો. એ પછી પોતાનું શરીર છોડી એ યુવકના શરીરમાં પ્રવેશી ગયો. છોકરાને સળગાવવા જ જતા હતા ત્યાં તે લાકડામાંથી ઊભો થઈ ગયો. મરી ગયેલાને ઊભો થતો જોતા ડાઘુઓ પણ ભાગવા લાગ્યા.

દેવસોમ જે હવે યોગી હતો એ ત્યાં જ તપશ્ચર્યા કરવા લાગ્યો. આટલું બોલી વેતાલે વિક્રમને પૂછ્યું, ‘તો રાજન્ બતાવ કે એ યોગી પહેલા રડ્યો કેમ ? પછી હસ્યો કેમ ? તને તો યાદ જ છે ને કે જો તું વાર્તાના પ્રશ્નનો ઉત્તર જાણતો હોવા છતાં મૌન રહ્યો, તો તારા માથાના ટુકડા ટુકડા થઈ જશે.’

વિક્રમે વેતાલને જવાબ આપ્યો, ‘સાંભળ વેતાલ, એમાં કોઈ મોટી વાત નથી. એ યોગી રડ્યો એટલા માટે કે જે શરીરનું પાલન પોષણ કરી તેના માતા પિતાએ મોટું કર્યું, જે શરીર મારફતે તેણે મોટી મોટી વિદ્યા પ્રાપ્ત કરી તેનો હવે તે ત્યાગ કરવાનો છે. અને હસ્યો એટલા માટે કે નવા શરીરમાં પ્રવેશ કરીને તે નવી નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે.’

રાજાનો આ જવાબ સાંભળતા જ વેતાલ વૃક્ષ પર જઈ લટકી ગયો. રાજાએ ફરી તેને સિદ્ધવડ પરથી ઉતાર્યો અને ખભા પર નાખ્યો. વેતાલે તેને વાર્તા કહેવાની શરૂઆત કરી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments