Homeવિશેષમોદી-શાહને મહેણું મારનારી માર્ટિના નવરાતિલોવાના લોહીમાં વિદ્રોહ વસવાટ કરે છે

મોદી-શાહને મહેણું મારનારી માર્ટિના નવરાતિલોવાના લોહીમાં વિદ્રોહ વસવાટ કરે છે

Team Chabuk-Special Desk: વિશ્વની સૌથી ખ્યાતનામ રમતમાં સ્થાન પામે છે લોન ટેનિસ. સિંગલ, ડબલ્સ અને મિક્સમાં પ્રતિયોગિતા રમાય છે. આજે પુરુષ વિભાગમાં નોવાક જોકોવિક, ફેડરર અને નાદાલનું એકહથ્થુ પ્રભુત્વ છે. મહિલા વિભાગમાં એ સમયે માર્ટિના નવરાતિલોવાનું આ પુરુષ ખેલાડીઓની માફક જ વર્ચસ્વ હતું. વિશ્વની ખ્યાતનામ ટેનિસ ખેલાડીઓમાં માર્ટિના નવરાતિલોવાનું નામ માનભેર લેવાય છે. આજની પેઢીને ખ્યાલ નહીં હોય પણ 80, 90 અને 2000ના દાયકામાં માર્ટિનાના નામના સિક્કા પડતા હતા. માર્ટિના વિશ્વની એક માત્ર એવી મહિલા ખેલાડી છે, જેણે 58 જેટલા ગ્રાન્ડસ્લેમ પ્રાપ્ત કર્યાં હોય.

46 વર્ષનું આયુષ્ય ધરાવતી માર્ટિના મેદાનમાં 20 વર્ષની છોકરીની માફક રમતી હતી. માર્ટિના વિશ્વની બેજોડ ખેલાડી હતી અને ભારત માટે ગૌરવની વાત એ છે કે ભારતના લેજન્ડરી ટેનિસ ખેલાડી લિએન્ડર પેસની સાથે તેણે મિક્સ ડબલ્સમાં જોડી બનાવી હતી. ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં તે લિએન્ડરની સાથે વિજય થઈ હતી. આ સિવાય વર્ષ 2003માં લિએન્ડરની સાથે જ મળીને વિમ્બલ્ડનનો ખિતાબ પણ મેળવ્યો હતો.

આ મહિનાની 18મી તારીખે માર્ટિનાનો જન્મદિવસ છે. 18 ઓક્ટોબર 1956ના રોજ પ્રાગમાં તેનો જન્મ થયો. મૂળ ચેકોસ્લોવેકિયાની આ ખેલાડી અમેરિકા તરફથી રમતી હતી. જ્યારે તેનો જન્મ થયો ત્યારે દેશમાં સામ્યવાદ તેની ચરમસીમાએ હતો. જીવન પર નિયંત્રણ શાસનનું હતું. નાની ઉંમરમાં તેના માતા પિતાના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડાના કારણે તેને અટક મળી ગઈ. માએ છૂટાછેડા લઈ બીજા પતિ મિરેક નવરાતિ સાથે લગ્ન કર્યા. એ પહેલા ટેનિસ કોચ હતા. પારકા પિતાની સાથે એનાં સંબંધો એટલા દૃઢ બન્યા કે તેણે પોતાની અટકને નવરાતિમાંથી નવરાતિલોવા કરી નાખી. આજે એ અટક વગર ટેનિસનો ઈતિહાસ અધૂરો ગણાય છે.

18 વર્ષની કિશોરી માર્ટિના નવરાતિલોવા ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમેરિકા ગઈ હતી. ત્યાં ગઈ અને ત્યાંની થઈને રહી ગઈ. ત્યાં તેણે રાજનીતિક આશરો લીધો. માર્ટિનાની રમત કરતા તેના સંબંધો ચર્ચાસ્પદ રહ્યા. વિરોધી ખેલાડીઓમાં માર્ટિના સમલૈંગિક હોવાની ઘુસુર-પુસુર થતી રહેતી હતી. મહાન ખેલાડી બિલી જીન કિંગની સાથેના તેના સંબંધો સપાટી પર રહ્યા. 1981ની સાલ, જ્યારે તેને અમેરિકાની નાગરિકતા મળી ગઈ. તેણે એક કોલમમાં કહ્યું કે, ‘પુરુષો પ્રત્યે જરા પણ આકર્ષણ નથી થતું. મને મહિલાઓ સાથે ઉત્કટ પ્રેમ છે.’

80ના દાયકામાં અમેરિકામાં સમલૈંગિકો માટે કોઈ કાયદા નહોતા. આવા લોકોને સારી નજરથી જોવામાં ન આવતા. ખુલ્લેઆમ પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રીના ચુંબનના બનાવો હત્યામાં પલટાય જતાં હતાં. માર્ટિનાએ સમલૈંગિક હોવાનો સ્વીકાર કરી લેતા હવે અમેરિકામાં ટેનિસ રમતી અન્ય યુવતીઓ અને કિશોરીઓને તેના માતા પિતા માર્ટિનાથી દૂર રહેવાની સલાહ આપતા હતા. આટલું બધું સોશિયલ ડિસ્ટન્સ રાખવાની વાતો મીડિયામાં પણ ઘણી ઉછળી અને માર્ટિનાને ન સાંભળવાનું સાંભળવું પડ્યું.

80ના દાયકામાં માર્ટિનાનું નામ નાગરિક અધિકાર આંદોલનમાં સક્રીય લેખિકા રીટા બ્રાઉનની સાથે જોડાયું. અહીંથી સમલૈંગિકતાનો સિલસિલો ચાલી પડ્યો. માર્ટિનાનું નામ રોજ એક બે છોકરી સાથે જોડાતું અને ગુફ્તેગુ થતી રહેતી. અમેરિકામાં પણ સમલૈંગિકતાને મંથર ગતિએ સ્વીકૃતિનો જભ્ભો પહેરાવવામાં આવી રહ્યો હતો. 1983ની સાલમાં માર્ટિનાના જીવનમાં જૂડી નેલ્સને પ્રવેશ કર્યો. મિસ ટેક્સાસ રહી ચૂકેલી જૂડીના બે બાળકો હતા. બેઉંએ નિર્ણય લીધો કે સાથે રહીશું. દુનિયાને જે કહેવું હોય એ કહે આપણે ઈશ્ક કરીશું. જૂડીએ પોતાના અને માર્ટિનાના સંબંધો પર લાંબું લચક શીર્ષક ધરાવતું પુસ્તક પણ લખ્યું છે, ‘ચ્વાઈસ માય જર્ની આફ્ટર લીવિંગ માઈ હસબન્ડ ફોર માર્ટિના એન્ડ અ લેસ્બિયન લાઈફ.’

આ સંબંધો સમય જતાં ખટપટમાં પરિણમ્યા. માર્ટિના સ્ટાર ટેનિસ ખેલાડી હતી. તેનું નામ આવા સંબંધોમાં ઉછળે તો મીડિયાને મજા આવી જાય. જૂડી અને માર્ટિના છૂટા પડ્યા પણ છૂટા પડવું થોડું અલગ હતું. જૂડીએ માર્ટિનાની પાસેથી ભરણપોષણના રૂપિયા માગ્યા. આ કેસ કોર્ટના દરવાજે પહોંચી ગયો. કોર્ટમાં જ્યારે માર્ટિના હાજર થઈ ત્યારે તેની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યા હતા. એક બાજુ તેની બદનામી થઈ રહી હતી બીજી બાજુ ટેનિસના બોલને ફટકારી ફટકારી એકઠી કરેલી સંપત્તિ પણ હાથમાંથી સરકી રહી હતી.

અંતે માર્ટિનાએ કોર્ટની બહાર જૂડીની સાથે સમજૂતી કરાર કરવાનું નક્કી કર્યું. જૂડી નેલ્સન બાદમાં લેખિકા બની ગઈ. તેણે માર્ટિના સાથેના પોતાના સંબંધોને લઈ વધુ એક પુસ્તક પણ લખ્યું, ‘લવ મેચ વર્સેસ નવરાતિલોવા.’ આ પુસ્તક ખૂબ વેચાયું. જૂડી અઢળક રૂપિયા કમાઈ. એક વાત તો સાફ હતી કે જૂડીને પૈસા અને પ્રસિદ્ધિ જોતી હતી, જે તેને માર્ટિના પાસેથી ખૂબ મળ્યા. જૂડી માર્ટિનાના જીવનમાં કંગના રનૌત બનીને આવી હતી!

2000ની સાલમાં માર્ટિના અને ટોની લેટનના ડેટિંગની ચર્ચા થઈ. ઈન્ટરનેટ નવું હતું અને આ પ્રેમ પણ ઈન્ટરનેટથી જ પાંગર્યો. અર્થાત્ ઈમેલથી. ગેરકાયદેસર રીતે લગ્ન થયા. બધાની સામે નહીં. સંબંધો વણસ્યા અને માર્ટિનાને ટોનીએ કોર્ટમાં ખસેડી. મીડિયાએ માર્ટિનાને લઈ ફરી ગોસીપ ચલાવી. 2014ની સાલમાં માર્ટિનાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર સ્પષ્ટ શબ્દોમાં પરિણીત હોવાનો એકરાર કર્યો હતો. પૂર્વ સોવિયત સંઘની બ્યૂટી ક્વીનને તેણે પોતાની વાગ્દતા જાહેર કરી હતી. લેમિગોવા પૂર્વ સોવિયત સંઘની કર્નલની દીકરી છે. મિસ સોવિયત રહી ચૂકી છે. પ્રથમ વેવિશાળથી તેને બે પુત્રી છે. તેનો પતિ ફ્રાન્સમાં બેંકર હતો. જેની હત્યા થઈ ગઈ. એ પછી તે માર્ટિનાની નજીક આવી. માર્ટિનાએ લેમિગોવાની બંને પુત્રીઓને પોતાની સંપત્તિની વારસદાર બનાવી છે. માર્ટિનાએ કહ્યું હતું કે, ‘હવે મને પસંદગીનું પાત્ર મળ્યું છે.’

માર્ટિનાની રમતની વાત કરવામાં આવે તો તેણે ત્રણ દાયકા સુધી ટેનિસ રમી બિલી જ્હોન્સના વીસથી વધારે વખત વિમ્બલ્ડન જીતવાના રેકોર્ડને તોડી નાખ્યો. માર્ટિનાએ એકલેહાથે 170, જોડીમાં 125 મેચ જીત્યા છે. 58 ગ્રાન્ડસ્લેમમાંથી 18 એકલા જ્યારે 31 મિશ્રિતમાં જીત્યા છે. સિંગલમાં માર્ટિનાએ ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં વર્ષ 1981, 1983, 1985, ફ્રેન્ચ ઓપનમાં 1982, 1984, અમેરિકન ઓપન 1983, 1984, 1986, 1987માં વિજય પ્રાપ્ત કર્યો છે. માર્ટિના સૌથી વધારે વખત ક્રિસ એવર્ટની સામે ટકરાઈ હતી. માર્ટિના તેની સામે એટલા જૂનૂનથી રમતી હતી કે તેણે ક્રિસ એવર્ટના તમામ રેકોર્ડ ભૂતકાળ બનાવીને રાખી દીધા. જૂનું લોહી જાય અને નવું આવે એમ માર્ટિનાને યુવા ખેલાડી સ્ટેફી ગ્રાફે જોરદાર પડકાર ફેંકયો હતો. સ્ટેફીના આગમન બાદ માર્ટિનાની પડતી થઈ. વધતી ઉંમર પોતાની ફરજ નિભાવી રહી હતી. ઉત્સાહ બરકરાર હતો પણ ઉંમર નહીં. સિંગલમાંથી તે હટી ગઈ પણ ઉંમર અને ઉત્સાહનું એકીકરણ કરી તેણે ડબલ્સમાં હાથ અજમાવ્યો અને ત્યાં પણ જીતની વણઝાર સ્થાપી દીધી. માર્ટિના આજે પણ ટેનિસ ઈતિહાસમાં માનભેર લેવાતું નામ છે.

આ માર્ટિનાએ દસ ઓક્ટોબરના રોજ એક ટ્વીટ કર્યું. જેના કારણે ભારતમાં બબાલ મચી ગયો. મોદી અને શાહના સમર્થકો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવા લાગ્યા. ભારતના કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈ સંસદ ટીવી પર ઈન્ટરવ્યૂ આપતા કહ્યું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ સરમુખત્યાર નથી. પણ તેમના જેવો લોકતાંત્રિક નેતા દેશમાં થયો જ નથી. પીએમ મોદી પોતાનો નિર્ણય સલાહ લીધા બાદ અને સૌને સાંભળ્યા પછી જ લે છે.’ અમિત શાહના આ નિવેદન પર માર્ટિનાએ ટ્વીટર પર લખ્યું છે, ‘અને આ છે મારો આગામી જોક્સ…’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments