Homeતાપણુંઉત્તરપ્રદેશ: ચૂંટણીમાં 93 વખત હારી ચૂકેલા ઉમેદવારે 94મી વખત ફોર્મ ભર્યું, રાષ્ટ્રપતિ...

ઉત્તરપ્રદેશ: ચૂંટણીમાં 93 વખત હારી ચૂકેલા ઉમેદવારે 94મી વખત ફોર્મ ભર્યું, રાષ્ટ્રપતિ પદ માટે પણ નામાંકન કરી ચૂક્યા છે

Team Chabuk-Political Desk: આમ તો આપણે ત્યાં પરાજયનો મહિમા ગવાય છે. હાર પછી જીત છે. દુ:ખ પછી સુખ છે. નિષ્ફળતા પછી સફળતા છે. આવી ગળચટ્ટીવાણીઓ મોટીવેશનલ સ્પીકરના મુખમાંથી ‘વૈખરી’ બની નીકળતી હોય છે. પણ સતત પરાજય થાય તો શું કરવું ? ઉત્તર પ્રદેશ ચૂંટણીના પ્રથમ ચરણ માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકો જીતવા માટે ચૂંટણી લડતા હોય છે પણ આગ્રાના ઉમેદવાર હારવા માટે ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારની એષણા પણ 100 વખત હારીને હારનો કિર્તીમાન રચવાની છે. ઉમેદવારનું નામ છે હસનૂરામ અંબેડકરી.

ખેરાગઢના નગલા દુલ્હેના રહેવાસી 75 વર્ષીય હસનૂરામ અંબેડકરી 94મી વખત અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન નોંધવી રહ્યા છે. શુક્રવારના રોજ તેઓ કલેક્ટ્રેટમાં પર્ચો લેવા માટે પહોંચ્યા હતા. નામાંકનના પ્રથમ દિવસે 37 પર્ચાનું વિતરણ થયું. જેમાં એક કિન્નર, બે મહિલા અને 34 પુરુષોનો સમાવેશ થાય છે. જેમાં એક નામ છે હસનૂરામ અંબેડકરીનું અને એમનો ચૂંટણીનો ભૂતકાળ પણ ગજબનો છે. વિવિધ ચૂંટણીમાં તેઓ 93 વખત ભયંકર પરાજય વહોરી ચૂક્યા છે અને 94મી વખત હારવા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

હસનૂરામ અંબેડકરીએ જણાવ્યું હતું કે વર્ષ 1985થી તેઓ અલગ અલગ 93 ચૂંટણીઓ લડી ચૂક્યા છે. 100 વખત હારવાનો કિર્તીમાન રચવા ઈચ્છે છે. તેઓએ એ પણ જણાવ્યું કે મેં એક પણ ચૂંટણીમાં એક પાઈ સુદ્ધાં ખર્ચ નથી કરી. એમણે તો એક વખત રાષ્ટ્રપતિ પદ માટે પણ નામાંકન કર્યું હતું પણ તે નિરસ્ત થઈ ગયું.

હસનૂરામ અંબેડકરીએ જણાવ્યું હતું કે, 1984માં તેમણે એક પાર્ટી પાસેથી ટિકિટની માગણી કરી હતી પણ ટિકિટ આપવાની જગ્યાએ પાર્ટીએ હસનૂરામ અંબેડકરીનો મજાક ઉડાવ્યો. એમણે મજાક ઉડાવતા કહ્યું કે, તને તો કોઈ તારા ઘરમાં પણ વોટ નહીં આપે. ત્યારથી હસનૂરામ અંબેડકરીના મનમાં ચૂંટણી લડવાની ધૂન સવાર છે. ત્યારથી તેઓ 93 વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને 93એ 93 વખત હારી ચૂક્યા છે. હવે આ વર્ષે ખેરાગઢથી શ્રીમાન હસનૂરામ અંબેડકરી જીત મેળવે છે કે 100નો કિર્તીમાન રચવાની નજીક પહોંચે છે તે જોવાનું છે. પણ હસનૂરામ અંબેડકરીની ચૂંટણી કારકિર્દી પરથી એક વાત તો સાબિત થાય છે કે પૈસો ખર્ચ કર્યાં વિના કંઈ નથી થતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments