Homeસિનેમાવાદસાહિત્યની વાતો કરતાં કરતાં ગુલઝારે કોઈની પટકથા કહી દીધી અને રાજેશ ખન્ના...

સાહિત્યની વાતો કરતાં કરતાં ગુલઝારે કોઈની પટકથા કહી દીધી અને રાજેશ ખન્ના દોડવા લાગ્યા

Team Chabuk-Entertainment Desk: આજે લોકોના દિલમાં વસી ગયેલા અભિનેતા રાજેશ ખન્નાની પુણ્યતિથી છે. ચાહકો તેમને શ્રદ્ધાજલિ પાઠવી રહ્યા છે. ત્યારે આજે આપણે પણ રાજેશ ખન્નાને યાદ કરવા પડે. આજે વાત કરીએ રાજેશ ખન્નાની ફિલ્મ આનંદની.

આનંદ ફિલ્મની વાતો વર્ષમાં ત્રણ વખત થાય. આનંદ ફિલ્મની રિલીઝનું નવું વર્ષ આવે ત્યારે અને રાજેશ ખન્નાનો જન્મદિવસ કે મૃત્યુ દિવસ આવે ત્યારે. પણ આપણે તો આડેધડ ફટકાબાજી કરીએ. જે હાથમાં આવ્યું મનને ગમ્યું એ ઠોકી બેસાડવાનું. હા, જે વિષય હાથમાં લઈએ તેમાં બાંધછોડ નહીં કરવાની. આજે વાત ઋષિકેશ મુખર્જીની ક્લાસિક અને IMDB જેને હિન્દી સિનેમાની બેસ્ટ ફિલ્મ માને છે તેવી આનંદની.

દ્રશ્ય પહેલું. હાથી મેરે સાથી ફિલ્મનો સેટ. નવરાશના સમયમાં ફિલ્મના લેખક સલીમ-જાવેદ, ફિલ્મના હિરો રાજેશ ખન્ના અને ગુલઝાર કુંડાળું વાળી બેઠા હતા. વિશ્વ સાહિત્યની ચર્ચા કરતાં વધારે ચિંતા કરતાં હતા. એકાએક ગુલઝારના મોઢામાંથી નીકળી ગયું. તેમણે આનંદ ફિલ્મની સ્ટોરી ત્યાં બેઠેલા તમામ લોકોને કહી દીધી. સલીમ-જાવેદ ને તો કંઈ નહીં, કારણ કે લખાયેલી પટકથાઓ તેમના શું કામની ? પણ હા, વિષય સરસ હતો તેવું તેમણે કહ્યું. અભિનય તો કરતાં નહોતા. બાજુમાં બેસેલા રાજેશ ખન્નાને મઝા આવી ગઈ ને તેમણે ગમે તે ભોગે ફિલ્મમાં કામ કરવાનું મન બનાવી લીધું.

દ્રશ્ય બીજું. એક સાથે બે ફિલ્મોની શૂટિંગ કરી રહેલા ઋષિકેશ મુખર્જી. જેઓ સંકલનકર્તામાંથી ફિલ્મ ડાયરેક્ટર બન્યા હતા. તેઓ હજુ હિરોની શોધમાં હતાં. બે ફિલ્મોનું શૂટિંગ તો પતવા આવ્યું હતું, હવે ત્રીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું હતું. પણ હિરોના ફાંફા પડી રહ્યાં હતા. હવે બે વાયકાઓ છે. એક કે રાજ કપૂરને તેઓ લેવા માંગતા હતા, પણ તેઓ હવે ઉંમર લાયક થઈ ગયા હતા. જેથી તેમના પર પૂર્ણવિરામ મુકી દેવામાં આવ્યું. બીજું એ વખતે તેઓ ખાટલે હતા. બીમાર અવસ્થામાં રહેલા રાજ કપૂર પર ક્યાંક કેન્સરગ્રસ્ત આનંદના પાત્રની અસર પડે તો ? ઉડી બાબા….. ઋષિદાએ મગજને ઘસીને ના પાડી દીધી કે તેમના નામનું રટણ નહીં કરવાનું.

દ્રશ્ય ત્રીજું. ઋષિદાએ રાજ કપૂર પછી અન્ય કલાકારો જોડે વાતો કરવાનું શરું કર્યું. એકથી એક ચડિયાતા કલાકારો. શશી કપૂરથી લઈને બંગાળના ઉત્તમ કુમાર. જે અભિનયમાં પણ ઉત્તમ હતાં, પણ કોઈ સાથે ફિલ્મને લઈ મેળ નહોતો પડતો. આખરે તેમના મગજમાં કિશોર કુમારનું નામ આવ્યું. એ દિવસે કિશોર કુમાર એક બંગાળી સાથે ઝઘડો કરીને આવ્યા હતા. ઘરે પરત ફર્યા તો ચોકીદારને કહ્યું, ‘એક બંગાળી આવશે ગાળો દઈ ભગાડી દે જે. ઘરમાં ઘુસવા ન દેતો.’ સંજોગાવશાત્ત એ વખતે ઋષિદા જ ફિલ્મની પટકથા સંભળાવવા આવ્યા. સિક્યોરિટીએ માલિકની આજ્ઞાનું પાલન કરતાં ઋષિદાને તગેડી મુક્યા. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ઋષિદાએ આ વાત કિશોર કુમારને કહી. કિશોર કુમારે ગુસ્સામાં આવી સિક્યોરિટીને નોકરીમાંથી પાણીચુ પકડાવી દીધું.

દ્રશ્ય ચોથું. ઋષિદાની ફિલ્મો હવે આટોપાવાની જ હતી. નવી ફિલ્મ આનંદ શરુ કરવી હતી પણ કોઈ કલાકાર હાથવગો નહોતો. અચાનક રાજેશ ખન્ના તેમની ઓફિસે આવી પહોંચ્યા. ઋષિદાને તો તેમના ચરણો ઓફિસમાં પડેલા જોઈ આશ્ચર્ય થયું. આરાધના ફિલ્મથી સુપરસ્ટાર બની ચૂકેલા રાજેશનું અહીં શું કામ ? આ વિચારે તેમને કિંકર્તવ્યમૂંઢ બનાવી દીધા. રાજેશ ખન્નાએ સામેથી આનંદ ફિલ્મમાં રોલ માગ્યો. આ વાતથી ઋષિદા હેરાન થઈ ગયા. રાજેશ સામેથી રોલ માગે એવું તેમણે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું. એમણે રાજેશ ખન્ના સાથે કામ કરવાની ના પાડી દીધી, કારણ કે તેમને સુપરસ્ટાર સાથે કામ નહોતું કરવું. રાજેશ ખન્નાએ તેમને વિનવણી કરી તો ઋષિદાએ વાતને ગંભીરતાથી લીધી અને રાજેશની સામે ત્રણ શરતો મુકી. જેનું રાજેશે અક્ષરસ: પાલન કરવાનું હતું. રાજેશે એકરાર કર્યો. આ ત્રણ કડક શરતો નીચે મુજબ છે.

1)રાજેશ શૂટિંગ પર ટાઈમસર આવશે.

2)ઓછું બજેટ હોવાથી ફી 8 લાખ નહીં 1 લાખ મળશે

3)હું જે પણ તારીખો માગુ એ તમામ તારીખો પર હાજર રહેવું પડશે.

રાજેશ ખન્નાએ ત્રણે શરત માની લીધી અને ડાયરી ઋષિદાની સામે કરતાં કહ્યું, ‘તમારે જે ડેટ્સ જોતી હોય અને જેટલી પણ જોતી હોય કહી દો, હું તમારી શરતો માનવા તૈયાર છું.’

દ્રશ્ય પાંચમું. ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું. રાજેશ ખન્ના રોજ ફિલ્મના સેટ પર આવતા હતા અને બે કલાક શૂટિંગ કરતાં હતા. ઋષિદાને જે વચન આપ્યું હતું તેનું શબ્દેશ: પાલન કરી રહ્યાં હતા. એક દિવસ સેટ પર મોડુ થઈ ગયું. ઋષિદા ગુસ્સામાં હતા. રાજેશ ખન્ના સેટ પર આવ્યા અને દોડીને કપડાં બદલવા ગયા ત્યાં ઋષિદાએ જોરથી અવાજ કર્યો, ‘પેક અપ’ રાજેશ ખન્નાએ તુરંત ઋષિદાની માફી માગી લીધી અને હવે પછી આવું નહીં થાય તેવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી.

દ્રશ્ય છઠ્ઠું. ફિલ્મના ગીતકારનું નામ છે યોગેશ અને સલીલ ચૌધરીએ સંગીત આપ્યું છે. એ વખતે આ બંન્ને એક સાથે અન્નદાતા ફિલ્મમાં પણ કામ કરતાં હતા. યોગેશ વિચારતા હતા કે અન્નદાતાનું તો થઈ જશે પણ આનંદ ફિલ્મમાં જે સ્થિતિ છે તેવું ગીત ક્યાંથી કાઢવું. તેમણે અન્નદાતા ફિલ્મ માટે એક ગીત બનાવ્યું હતું. અચાનક ઋષિદા અન્નદાતા ફિલ્મના સેટ પર આવી ધમક્યા. તેમણે  ગીત સાંભળ્યું અને યોગેશને કહ્યું આ ગીત મને જોઈએ છે. યોગેશે વણમાંગી મુસીબતનો કાર્યભાર સલીલ માથે નાખી દીધો. સલીલે કહ્યું, ‘હું દિગ્દર્શક સાથે વાત કરું છું.’ અન્નદાતા ફિલ્મના ડાયરેક્ટર અસિત સેન હતા. ફિલ્મના કલાકાર જયા ભાદુરી અને અનિલ ધવન. અનિલ ધવન એ જ જેમનું અંધાધૂનમાં ખૂન થઈ જાય છે અને કશ્મકશ સર્જાય છે. અસિત સેન માનતા જ નહોતા. છેલ્લે એક શરત પર તૈયાર થયા કે ઋષિદા ફિલ્મની સ્થિતિ કહે, જો મને પણ દિગ્દર્શકના પોંઈન્ટ ઓફ વ્યૂથી તે બરાબર લાગી, તો હું તેને આ ગીત આપી દઈશ. ઋષિદાએ યોગેશ અને સલીલની વચ્ચે ઉભેલા અસિત સેનને આનંદ ફિલ્મની પરિસ્થિતિ કહી સંભળાવી. સેન ખુશ થઈ ગયા. તેમણે ખુશી ખુશી ગીત ઋષિદાને આપી દીધું. ગીતના બોલ છે, ‘‘કહી દૂર જબ યે દિન ઢલ જાએ….’’ જે મુકેશના કંઠે ગવાયું હતું. એ ફિલ્મમાં ગુલઝારે પણ બે ગીતો લખેલા. પણ ગુલઝાર યોગેશ સામે ફાવી ન શક્યા. સિવાય કે ત્રણ મિનિટ અને નવ સેકન્ડના ગીત મેને તેરે લિયે હી સાત રંગ કે સપને ચૂને. કહી દૂર સિવાય, ઝિંદગી કૈસી યે પહેલી પણ સુપરહિટ નીવડ્યું. ગુલઝારના ગીતો ફિલ્મ માટે સરસ બન્યા પણ યોગેશના લખેલા ગીતોને જે રીતે આજે પણ લોકો ગણગણે છે, તેવું ગુલઝાર સાથે ન બન્યું. 29 મે, 2020ના ગોઝારા વર્ષે કેટલાક કલાકારોનાં જીવ લીધા તેમાં યોગેશ પણ હતા. જેની કોઈ યુવાને ખબર નહોતી ! જીવન આવી જ એક પહેલી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments