Homeવિશેષસરદાર જયંતી વિશેષ: સરદાર પટેલે કોઈને સમજાવ્યા તો કોઈને નમાાવ્યા તો હૈદરાબાદ...

સરદાર જયંતી વિશેષ: સરદાર પટેલે કોઈને સમજાવ્યા તો કોઈને નમાાવ્યા તો હૈદરાબાદ નિઝામ જેવાને હરાવ્યા

Team Chabuk-Special Desk: લોહપુરુષ સરદાર પટેલે પાર પાડેલા દેશી રાજ્યોના ભારતમાં વિલીનીકરણના ભગીરથ કાર્યનું દ્યોતક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને એકતા દિવસની ઉજવણી છે. વિશ્વ ઇતિહાસની તવારીખના પાનાઓમાં સતા સંઘર્ષ અંગે અનેક લોહિયાળ ક્રાંતિઓ નોંધાઇ છે. પણ ભારતની આઝાદી પછી ૫૬૨ જેટલા દેશી રાજ્યોના ભારતમાં વિલીનીકરણની સરદાર વલ્લભભાઈ પટેલની અહિંસક રાજક્રાંતિની યશોજ્જ્વલ સિદ્ધિ વિશ્વસ્તરે ઐતિહાસિક ઘટના તરીકે સ્થાન પામી છે.

રાજનીતિમાં અશક્ય એવી આ ઘટના, ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત આ હકીકત વલ્લભભાઈના જીવનની શ્રેષ્ઠતમ સિદ્ધિ છે. માટે એમ કહી શકાય કે વલ્લભભાઈનો જન્મ આ મહાન કાર્ય માટે જ ભારતભૂમિમાં થયો હતો. માત્ર ગુજરાત જ નહીં ભારતભૂમિ એને માટે ગૌરવાન્વિત છે. બ્રિટિશ શાસનની સમાપ્તિ પછી દેશી રાજ્યો અંગે અંગ્રેજોએ કોઈ સ્પષ્ટ નિર્દેશ આપ્યો ન હતો. ચર્ચિલે તો એવી નુકતાચીની કરી હતી કે અંગ્રેજ શાસનની વિદાય પછી હિન્દુસ્તાન પાકિસ્તાન અને ત્રીજું નરેશસ્તાન (પ્રિન્સેસ્તાન ) રચાશે, પણ સરદાર પટેલે દેશી રાજ્યોના વિલીનીકરણનું આ ભગીરથ કાર્ય એકલે હાથે સફળતાપૂર્વક સાંગોપાંગ પાર પાડી વિશ્વ ઇતિહાસની તવારીખમાં મહામાનવ તરીકે નામાંકિત થયા.

આઝાદી આંદોલન દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ પરદેશી અંગ્રેજ સરકાર સામે જ ઝઝૂમતા હતા સાથે સાથે દેશી રાજ્યોના રાજાઓ સામે પણ પ્રજા મંડળો દ્વારા લડતો ચલાવેલી.
દેશ આઝાદ થયો ત્યારે દેશી રજવાડાના પ્રશ્ન અંગે કેન્દ્ર સરકારમાં નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈની દેખરેખ હેઠળ અલગ વિભાગની રચના કરવામાં આવી. પ્રારંભમાં ભાવનગર અને રાજસ્થાનના રજવાડાઓ પણ ભારત સંઘમાં જોડાયા. છત્તીસગઢ અને ઓરિસ્સાના ૪૮ રાજવીઓએ ૨૪ કલાકમાં જ એમના રાજ્યોનો વહીવટ વલ્લભભાઈને સોપ્યો. એક પછી એક નાના મોટા રાજ્યોને ભારતનું અંગ બનાવી દીધા એ સરદાર વલ્લભભાઈ પટેલની એક અનુપમ સિદ્ધિ છે જે વિશ્વમાં કદાચ પ્રથમ છે.

સરદાર પટેલે કોઈને સમજાવ્યા તો કોઈને નમાવ્યા

વી.પી. મેનન જેવા બાહોશ અધિકારીની સહાયથી વલ્લભભાઈએ પહેલે તબક્કે જ બધા રજવાડાઓને સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટથી બાંધ્યા હતા. આઝાદ ભારતમાં માત્ર એક જ સાર્વભૌમ સરકાર- સત્તા હોઈ શકે, આ દ્રષ્ટિનું મૂળભૂત પરિવર્તન સરદાર પટેલે ખૂબ મૈત્રીભરી રીતે સાકાર કર્યું. તેમણે આ નાજુક કામગીરી અસાધારણ કળથી અને વિશાળ હૃદયથી સિદ્ધ કરી.
વિલિનીકરણના પ્રશ્ને બધા જ રાજાઓ સીધા ચાલ્યા હોય એવું ન હતું. કેટલાક રાજાઓ બીજાને ભરમાવી રાજ રમત રમતા હતા. જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામે પોતાની તાકાતના ભ્રમમાં રાજ્યની પ્રજા સાથે અને ભારત સરકાર સાથે અથડામણ વહોરી લીધી. પરંતુ સરદાર પટેલે કોઈને સમજાવ્યા તો કોઈને નમાાવ્યા તો હૈદરાબાદ નિઝામ જેવાને હરાવ્યા. આમ અનેક પદ્ધતિઓ અપનાવીને આઝાદ ભારતના તિરંગામાં એક પણ પીળું ધાબુ વલ્લભભાઈએ રહેવા ન દીધું.

રાજવીઓએ વલ્લભભાઈ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરી

૫૬૨ દેશી રાજ્યો માટે વલ્લભભાઈએ મંજૂર કરેલી સાલીયાણાની રકમને વધુ પડતી ગણાવી કેટલાક લોકોએ સરદાર પટેલની ટીકા કરી હતી. પણ સરદાર પટેલે બંધારણ સભામાં આંકડા સાથે પુરવાર કરી બતાવ્યું કે રાજાઓએ જે આપ્યું છે તેની સરખામણીમાં તો આ રકમ કઈ જ નથી. સરદાર પટેલે રાજાઓની મિલકત અને રાજ્યસત્તાનું દેશને સમર્પણ કરાવ્યું તેમાં રાજાઓની ઉદારતા દેશભક્તિ અને ત્યાગની ભાવનાનું પણ વિશેષ મહત્વ છે. જે રાજાઓ વર્ષો સુધી રાજ્ય શાસનમાં માનતા તેઓએ રાજપાટનો ત્યાગ કરી પ્રજાશાસનમાં માનતા થયા એ વલ્લભભાઈ પ્રેરિત લોકશાહીની ઉજવળ સિદ્ધિ છે. એક નોંધપાત્ર હકીકત એ પણ છે કે રાજવીઓએ વલ્લભભાઈ વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી નથી કે કડવાશ રાખી નથી. એટલું જ વલ્લભભાઈ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

sardar patel jayanti

વલ્લભભાઈ અમારા પિતા સમાન છેઃ વડોદરાના મહારાજા

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારથી માંડી મુસ્લિમ દેશી રાજ્ય અલવરના રાજ્યોએ વલ્લભભાઈના વડીલ વાત્સલ્યને બિરદાવ્યું છે. વડોદરાના મહારાજાના શબ્દોમાં કહીએ તો ‘વલ્લભભાઈ અમારા પિતા સમાન છે’. અલવર નરેશે કહ્યું હતું કે ‘વલ્લભભાઈ એ અમારામાં દેશભક્તિ જાગૃત કરી છે’. વડોદરા નરેશના શબ્દોમાં કહીએ તો, મા બાપ છોકરાને સંતોષે એમ સરદાર પટેલે અમને રાજી કર્યા છે.

વિલીનીકરણના મુદ્દાને આંકડાકીય દ્રષ્ટિએ મુલવીએ તો પણ સરદાર પટેલનું મહત્વ વિશ્વના મહાન નેતાઓમાં મોખરે છે. ૫૬૨ દેશી રાજ્યોમાં એકલા સૌરાષ્ટ્રના ૨૨૨ રાજ્યો હતા જેની સાલિયાણની રકમ કુલ રોકડ પૂરાંતના માત્ર ૬ થી ૭ ટકા થતી હતી. એની સામે સૌરાષ્ટ્રમાંથી ભારત સરકારને ૨૫ હજાર માઈલથી વધુ રેલ્વે લાઈન અને બે ડઝનથી વધુ વિકસિત કોમર્શિયલ બંદરો અને બે ડઝન બેન્કિંગ પેઢીઓ પ્રાપ્ત થઈ હતી. ૫૬૨ દેશી રાજ્યોની વસ્તી ૭ કરોડ ૮૯ લાખ ૮૬ હજાર હતી જે ભારતમાં ભળી ગઈ. બ્રિટિશ ભારતનું હિન્દુસ્તાન પાકિસ્તાનમાં વિભાજન થયું ત્યારે ભારતે ૩,૬૪,૭૩૭ ચોરસ માઈલ પ્રદેશ અને ૮ કરોડ ૧૫ લાખની વસ્તી ગુમાવ્યા હતા. એની સામે દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરીને વલ્લભભાઈએ પાંચ લાખ ચોરસ માઇલથી વધુ વિસ્તાર ભારતમાં સામેલ કરી દીધો.

આમ સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતતામાં જવલંત પ્રકરણ ઉમેરીને વિશ્વ ઇતિહાસમાં વિક્રમ સર્જ્યો હતો, જેની વિશ્વના ઇતિહાસકારોએ કદાચ ઓછી નોંધ લીધી છે. જો સરદાર પટેલ ન હોત તો ભારતનો ઇતિહાસ અધુરો અને ભૌગોલિક વિસ્તાર વિકૃત હોત.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments