Homeતાપણુંમમતા બેનર્જીની સુરક્ષામાં ચૂક થયા બાદ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે

મમતા બેનર્જીની સુરક્ષામાં ચૂક થયા બાદ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે

Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઈજાગ્રસ્ત થવાનાં કેસમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રિય ચૂંટણી પંચે સેક્રેટરીની રિપોર્ટ આવ્યા બાદ આઈપીએસ વિવેક સહાય અને ડાયરેક્ટર સિક્યોરિટીને તેમના પદ પરથી તત્કાલ હટાવી દીધા છે. ચૂંટણી આયોગે તેના પર ટીપ્પણી કરતાં કહ્યું કે, રાજ્યના ચીફ સેક્રેટરી ડીજીપીની સાથે વાતચીત કરે અને જલ્દી જ એક નવા ડાયરેક્ટર સિક્યોરિટીની નિમણુંક કરે.

કેન્દ્રિય આયોગે કહ્યું કે, તેમના પર જવાબદારી હતી કે તેઓ ઝેડ પ્લસ પ્રકારની સુરક્ષાનું ધ્યાન રાખે. પણ તેમાં ચૂક થઈ. જેથી તેમની વિરૂદ્ધ તપાસ કરવામાં આવશે. પૂર્વ મેદિનીપુરના જિલ્લા અધિકારીની જવાબદારી આઈએએસ સ્મિતા પાંડેને સોંપવામાં આવી છે. આ પહેલા વિભુ ગોએલની પાસે આ જવાબદારી હતી.

ડાયરેક્ટર સિક્યોરિટી સિવાય ચૂંટણી પંચે પૂર્વ મેદિનીપુરના એસપી પ્રવીણ પ્રકાશની પણ બદલી કરી નાખી છે. તેમની જગ્યા હવે સુનીલ કુમાર લેશે. પ્રવીણની વિરૂદ્ધ પણ હવે સુરક્ષામાં ચૂક થઈ હોવાનો આરોપ લાગ્યો છે. કેન્દ્રિય ચૂંટણી આયોગે આ અંગે ચીફ સેક્રેટરીને નિર્દેશ આપ્યા છે કે નંદીગ્રામમાં મમતા બેનર્જીની સાથે ઘટેલી ઘટનામાં જે એફઆઈઆર ફાઈલ કરવામાં આવી છે. તેની તપાસ આગામી 15 દિવસમાં પૂર્ણ કરીને કેન્દ્રિય ચૂંટણી આયોગને સબમિટ કરવાની રહેશે.

કેન્દ્રિય ચૂંટણી આયોગે આ સાથે જ સ્ટાર કેમ્પનરની સુરક્ષાને લઈને નિર્દેશ જાહેર કરતા કહ્યું છે કે, આ સંવેદનશીલ માહોલમાં તેમની સુરક્ષા માટે જરૂરી છે કે ચૂંટણી આયોગ દ્વાર જાહેર કરવામાં આવેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરનું સમગ્ર રીતે પાલન કરે. એ સિવાય જો તેમને ચૂંટણી સભા કે રેલી કરવાની અનુમતિ આપવામાં આવે છે. તો એ સમયે પણ તેમની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે. જરૂર પડવા પર તેમને બુલેટપ્રૂફ ગાડીઓ પણ આપવામાં આવશે.

એટલું જ નહીં ચૂંટણી આયોગે તેની સાથે જ પંજાબના પૂર્વ ડીજીપી ઈન્ટેલિજન્સ અનિલ કુમાર શર્માને સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. જે પહેલાથી જ નિયુક્ત સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર વિવેક દૂબેની સાથે મળીને કામ કરશે.

આ બધાની વચ્ચે કેન્દ્રિય ચૂંટણી પંચે એ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યા છે કે જ્યાં આગામી સમયમાં ચૂંટણી થવાની છે ત્યાં સ્ટાર કેમ્પેનર અને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવનારા નેતાઓની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ઉણપ ન રહેવી જોઈએ. તેમના માટે તમામ પ્રકારનાં પ્રોટોકોલ ફોલો કરવા પડશે જે તેમની સુરક્ષા માટે જાહેર કરવામાં આવ્યા છે.

કેન્દ્રિય ચૂંટણી આયોગે આ સાથે જ સ્ટાર કેમ્પેનરને પણ સલાહ આપી છે કે, એ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા, તેમની સુરક્ષા માટે જે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે તેનું યોગ્ય રીતે પાલન કરે.

મમતા બેનર્જી સાથે ઘટેલી ઘટના બાદ ભાજપે પણ ચૂંટણી આયોગને પત્ર લખીને સવાલ કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ઈલાજ દરમ્યાન શું તમામ પ્રકારના એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું ? આ પત્રમાં એવી પણ માગ કરવામાં આવી છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીની ઈજાને લગતી તમામ માહિતી પ્રગટ કરવામાં આવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments