ચૂંટણીઓમાં ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ નેતા એક મતે અથવા નજીવા અંતરે હારી જતાં હોય છે. આવી હાર જીવનભર માટે કાંટાની જેમ ખૂંચ્યા કરતી હોય છે. જો એક ચૂંટણીની જીત એકાદ મતથી હારી જવાથી આટલું દુઃખ કે અફસોસ થતો હોય તો વિચારો આખી કેન્દ્ર સરકાર માત્ર એક મતથી ધ્વસ્ત થઈ જાય, એક મતના કારણે આખા દેશની સત્તાનું સુકાન છીનવાય જાય, તો શું હાલત થાય. આવું ભાગ્યે જ બનતું હોય છે.
ભારતના રાજકારણમાં આ ઘટના બની હતી વર્ષ 1999માં. સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકાર પડી ગઈ. બહુમતી સાબિત ન કરી શકવાના કારણે અટલજીને રાજીનામું આપી દેવું પડ્યું. શક્તિ સિન્હાએ લખેલા પુસ્તક Vajpayee: The Years That Changed India પરથી જાણી શકાયું છે કે કેમ 1999માં અટલ બિહારી વાજપેયીની સરકાર માત્ર એક મતના કારણે પડી ગઈ હતી.
શક્તિ સિન્હાના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ નાની પાર્ટીઓ સાથે તાલમેલ ન મેળવી શકી. જેથી અટલજીની સરકાર માત્ર એક મતના કારણે પડી ગઈ. તમને જણાવી દઈએ કે પુસ્તકના લેખક શક્તિ સિન્હા ઘણા વર્ષો સુધી અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ રહ્યા. તેમણે પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ સેવા આપી હતી. તેથી તેઓ આ બધી હકીકતોને નજીકથી જાણતા હતા. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે, કેમ અન્નામુદ્રકના નેતા જયલલિતાએ અટલ સરકાર પાસેથી સમર્થન પરત લઈ લીધું.
અટલજીને બહુમતી સાબિત કરવાની હતી. મતદાનનો દિવસ આવ્યો. અટલ સરકાર 269/270 મતથી હારી ગઈ. એક મત ઓછો મળ્યો. જેના માટે તત્કાલિન કોંગ્રેસના સાંસદ અને તત્કાલિન ઓડિશાના મુખ્યમંત્રી ગિરધર ગમાંગને દોષી માનવામાં આવે છે. ગિરધર ગમાંગ તે વખતે કોંગ્રેસના સાંસદ હોવા ઉપરાંત ઓડિશાના મુખ્યમંત્રી તરીકે પણ કાર્યરત હતા. છતાં તેઓ સાંસદ તરીકે મતદાન કરવા પહોંચ્યા અને અટલ સરકારની વિરુદ્ધમાં મતદાન કર્યું અને સરકાર ઘરભેગી થઈ ગઈ.
અટલ બિહારી વાજપેયીની સરકારને પાડવામાં જેનો મુખ્ય હાથ માનવામાં આવે છે તેવા ગિરધર ગમાંગ જે-તે વખતે કોંગ્રેસમાં હતાં. પરંતુ રાજકારણમાં કોઈ સ્થાયી નથી હોતું. તેમ ગિરધર ગમાંગ આજે એ પાર્ટીમાં છે જેના પાયાના પથ્થર અટલ બિહારી વાજપેયી છે. ગિરધર ગમાંગ વર્ષ 2015માં ભાજપમાં જોડાઈ ગયા. હાલ પણ તેઓ ભાજપમાં જ છે. ગિરધર ગમાંગે જ્યારે સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલ્યું ત્યારે કહ્યું હતું કે અટલ સરકારને પાડવાને લઈને મારા પર જે આરોપો લાગતા રહ્યા છે તેમાં પાર્ટીએ મારો સાથ નથી આપ્યો તેથી હું રાજીનામું આપી રહ્યો છું.
ગિરધર ગમાંગ પર સરકાર પાડવાનો આરોપ કેમ ?
વિશ્વાસ મત ન જીતી શકનાર અટલ સરકારને સદનમાં 269 મત મળ્યા હતા જ્યારે વિપક્ષને 270. તો આ એક મત કોનો હતો તેના પર ઘણી ચર્ચાઓ થઈ અને આરોપ ગિરધર ગમાંગ પર લાગતાં રહ્યા. કેમ કે 1999માં જ્યારે ઓડિશામાં કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ થતી લાગી તો કોંગ્રેસ હાઈકમાન્ડે ગિરધર ગમાંગને તાત્કાલિક ઓડિશાના મુખ્યમંત્રીની કમાન સોંપી દીધી. ફેબ્રુઆરી 1999માં ગિરધર ગમાંગ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ કોંગ્રેસના સાંસદ પણ હતાં. બે મહિના બાદ એટલે કે એપ્રિલ 1999માં અટલ સરકારના વિશ્વાસ મત માટે સદનમાં મતદાન થયું. ગિરધર ગમાંગ સાંસદ તરીકે મત આપવા પહોંચ્યા અને અટલ સરકારના વિરોધમાં મત આપ્યો. જો કે મુખ્યમંત્રી બન્યાના હજુ બે મહિના જ થયા હોવાથી ગિરધર ગમાંગે સાંસદ પદેથી રાજીનામું ન હતું આપ્યું.

સેફુદ્દીન સોજ પણ કારણભૂત ?
ગિરધર ગમાંગ ઉપરાંત અટલ સરકાર પાડવામાં બીજો જેના પર આરોપ લાગે છે તે નામ છે સેફુદ્દીન સોજ. શક્તિ સિન્હાએ પુસ્તકમાં લખ્યું છે કે સેફુદ્દીન સોજ સાથે જો સારી રીતે વાતચીત કરવામાં આવી હોત તો પરિણામ સકારાત્મક આવ્યું હોત. સોજ તે વખતે નેશનલ કોન્ફરન્સના સભ્ય હતા અને તેમની પાર્ટીના બે જ સાંસદ હતા. એક સોજ અને બીજા ઉમર અબ્દુલ્લા. નેશનલ કોન્ફરન્સના તત્કાલિન પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પોતાના પુત્ર ઉમર અબ્દુલ્લાને પાર્ટીમાં આગળ કરીને સોજને સાઈડલાઈન કરી દીધા હતા. ફારૂક અબદુલ્લાએ અટલજીને સમર્થન આપવાની વાત કરી. જેથી તેઓના પુત્ર ઉમર અબ્દુલ્લાએ અટલજીને સમર્થનમાં મતદાન કર્યું પરંતુ સેફુદ્દીન સોજે પાર્ટીની વિરુદ્ધ જઈને અટલજીના વિરોધમાં મતદાન કર્યું. સરકાર પડવાનું આ પણ એક કારણ માનવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત