લેખક- દીપક મશાલ
મૂળ ભાષા – હિન્દી
અનુવાદ – Team Chabuk
જંગલનો કાયદો
ખૂન કરવાના ગુનામાં કેદી સસલુ કોર્ટમાં ઊભું હતું.
શિયાળ, ઝરખ, વરુ તેની વિરૂદ્ધ પોત પોતાની જુબાની આપી ચૂક્યા હતા.
પ્રતિવાદી વકીલે તેમની જુબાનીને પ્રતિકુળ રીતનો એવો પોતાનો તર્ક અદાલતની સામે રાખ્યો, ‘યોર ઓનર, મારો અસીલ ગુનેગાર નથી તેનું સૌથી મોટું પ્રમાણે છે કે એ માંસાહારી જ નથી. તેના દાંત મારી આ વાતનું પ્રમાણ છે.’
પણ સરકારી વકીલે તેની વાત કાપી નાખી.
‘સવાલ શાકાહારી કે માંસાહારી હોવાનો નથી મિ.લોર્ડ! હત્યાનો છે. મારા પરમ મિત્રએ તેના દાંતની બનાવટને તે દોષિત નથી તેનું પ્રમાણ માન્યું છે; પણ તમે તેના જીણા નખ જુઓ. ક્રૂરતાથી ભરેલી તેની આંખોના લાલ ડોળા જુઓ. પોલીસની આહટથી સાવધાન રહેનારા અભ્યાસપૂર્ણ અને દરેક દિશામાં ઘુમી શકતા તેના મોટા મોટા કાન જુઓ; અને ઘટનાને અંજામ આપીને ક્ષણવારમાં જ મોકા-એ-વારદાતથી ગાયબ થવા માટે સહાયક એવી તેની સ્ફૂર્તિને જુઓ.’
આટલું બોલીને સરકારી વકીલે આરોપીને કડકમાં કડક સજા સંભળાવવાની અદાલતમાં અપીલ કરી.
તેના દ્વારા રખાયેલા પ્રમાણો અને જંગલના જાનવરોનાં પ્રભાવશાળી નિવેદનો પર અદાલતે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો. જંગલમાં શાંતિ કાયમ રાખવા માટે તેણે સસલાને મોતની સજા સંભળાવી ત્યાં જ પોતાની પેનની ટાંક તોડી નાખી.
આંકડા ગેંગ
કપિલને હંમેશાં એવું પ્રતિત થતું હતું કે તેના માસ્તર અંગ્રેજી કવિતાઓનો જે ભાવાર્થ જણાવી રહ્યા છે એ એવો નથી જેવો હોવો જોઈએ. છતાં તેની કહેવાની હિંમત ન થતી. પણ જ્યારથી તે પોતાના શિક્ષક પાસે ટ્યૂશનમાં પણ ભણવા લાગ્યો હતો ત્યારથી સામો થઈ જતો હતો. એક દિવસ ટ્યૂશનમાં ટીચર અર્થ લખી રહ્યા હતા તો તેણે આલોચના કરતા તેમને ટોક્યા, ‘સર શું તમે શ્યોર છો કે કવિએ પણ એ જ વિચારીને કવિતા લખી હશે જે ભાવાર્થ તમે જણાવી રહ્યા છો?’
‘કેમ ? તું મોટો કવિ છો ? જ્યારે આ લખાઈ હતી ત્યારે ન’તો તું પેદા થયો હતો ન તો તારા પિતા. જે હું લખાવું છું એ જ બધા લખાવે છે.’
‘પણ સર, તેના બીજા અર્થ પણ નીકળી શકે ને.’
‘મૂંગે મોઢે આ જ નોટબૂકમાં લખી નાખ અને હા, પરીક્ષામાં આ જ લખજે નહિ તો નાપાસ થતા કોઈ નહીં બચાવી શકે.’
કપિલે મનમાં જ ગણતરી માંડી. નાપાસ થવાનો શબ્દ તેના મગજમાં ચોંટી ગયો હતો. તેનાથી બચવા તે કલ્પનાના ઘોડા પરથી ઉતર્યો અને રોબોટના બખ્તરમાં બંધ થઈ ગયો.
ઈજ્જત
તેનાથી સહન ન થયું… જ્યાં સુધી તેની સાથે આ બધુ થતું રહ્યું ત્યાં સુધી તે મૂંગે મોઢે આ બધું સહન કરતી રહી… પરિવાર અને નાના ભાઈ બહેન માટે થઈને ખૂદને એક લાશ બનાવી લીધી. પણ જ્યારે આ જ બધું તેની નાની બહેન સાથે કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો ઘરેથી ભાગીને તેણે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી દીધી… આખરે કેવી રીતે તેની પણ અસ્મત એ રાક્ષસના હાથે લૂંટી જવા દેત.
અજાણતા જ કેટલાક લોકોને થોડા દિવસો માટે તેણે આજીવિકા દઈ દીધી. ખબર નહિ કેવી રીતે કેટલાક પત્રકારો સૂંઘતા સૂંઘતા તેના સુધી પહોંચી ગયા…. તેના ધૂંધળા ચહેરાની સાથે તેની તસવીર ટીવી પર આવી ગઈ. પોલીસે મોટી દીકરીના નિવેદન અને તપાસના આધારે ઘરના વડીલ એટલે કે તેના બાપની તુરંત ધરપકડ કરી લીધી. નાની બહેનને એણે ન તો પોલીસની સામે આવવા દીધી ન તો ટીવી પર. સામે આવવા પણ કેમ દેત ? માનાં ગુજરી ગયા પછીથી એ જ તો મા હતી, પોતાનાથી નાની અને પોતાનાથી નાના ભાઈ માટે. તેને જ તો એ બધાને હેરાનગતિઓથી બચાવવાના હતા.
દારૂડિયા પિતાને પોલીસ પકડીને લઈ ગઈ… જ્યારે દારૂનો નશો ઉતર્યો ત્યારે દુનિયાને મોઢું દેખાડવાથી બચવા તે પોલીસ સ્ટેશનમાં જ ફાંસી પર લટકી ગયો.
પંચનામા પછી મૃતદેહનો અંતિમ સંસ્કાર પણ તેણે જ કરવાનો હતો… સંબંધીઓ તો ન આવ્યા પણ ખાનદાનનાં કેટલાક લોકો એકઠા થઈ ગયા. અત્યાર સુધીમાં બધાને ખબર પડી ચૂકી હતી.
બધા અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા અને અર્થીની તૈયારી કરી રહ્યા હતા… દરેકની આંખમાં નફરત દેખાતી હતી… હા નફરત!!! પણ મરનારા બળાત્કારી બાપ માટે નહિ… તેમની નજરમાં ઘરની ઈજ્જતને ધૂળ ભેગી કરનારી છોકરી માટે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર