Homeતાપણુંદેશનું ‘મહારાજાધિરાજ’ બનવા માટે ગુજરાતનું ‘મહારાજ’ બનવું જરૂરી, કેજરીવાલ પછી મમતાનો ગુજરાતમાં...

દેશનું ‘મહારાજાધિરાજ’ બનવા માટે ગુજરાતનું ‘મહારાજ’ બનવું જરૂરી, કેજરીવાલ પછી મમતાનો ગુજરાતમાં મંથર ગતિએ પ્રવેશ

Team Chabuk-Gujarat Desk: રાજકારણના સમીકરણો ક્યારે બદલાય અને કયુ રાજ્ય સેન્ટરમાં આવી જાય કંઈ કહી શકાય નહીં. કદાવર રાજકારણીઓને ભાજપના એક બાદ એક એમ પ્રચંડ વિજય પછી લાગવા માંડ્યું છે કે ભાજપના પરાજયની કોઈ જગ્યાએથી શરૂઆત કરવી હોય તો તે ગુજરાત જ હોય શકે. એ રાજ્ય જ્યાં ભાજપ જો હારે તો તેને સૌથી મોટો આંચકો લાગે. એનો ઘા રૂઝાઈ નહીં!

છેલ્લા 25 પ્લસ વર્ષોથી અહીં કમળ અડીખમ છે. જનતા ભાજપના નામનો શ્વાસ અને વિશ્વાસ પોતાની અંદર ભરે છે. નરેન્દ્ર મોદીએ ત્રણ ટર્મ સુધી વિજય પ્રાપ્ત કર્યો, બાદમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં પણ ભાજપનું કરોડરજ્જુ સમાન રાજ્ય ગુજરાત તેની પાસે જ રહ્યું છે. 2012માં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી આયારામ અને ગયારામની જેમ બની ગઈ હતી, તેમ હવે આમ આદમી પાર્ટીનું પણ થશે તેવી ચર્ચાઓ અત્યારથી જોર પકડ્યું છે.

આવી ચર્ચાઓની વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને લોકપ્રિય વ્યક્તિઓને નેતા બનાવી પોતાના પક્ષમાં ભેળવી રહી છે. સુરતમાં પેટા ચૂંટણી દરમ્યાન મળેલા જ્વલંત વિજય અને બાદમાં પાર્ટીનું કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયામાં વારંવાર ચર્ચામાં રહેવું, એ તેનો વિજય થાય નહીં તોપણ, કેટલીક મહત્વની સીટો ખેંચી શકે છે તેનું અત્યારથી પ્રમાણ આપી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ હાસ્યામાં ધકેલાઈ ગયું છે. ખૂદ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ કરી જણાવી ચૂક્યા છે કે, કોંગ્રેસનું કામ ભાજપમાં ભરતી કરવાનું છે. તેમણે ત્રીજો વિકલ્પ આપ્યો હવે મમતા દીદી પણ આવવા તૈયાર છે પણ કંઈક અલગ રીતે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ નહીં, પણ કેન્દ્રમાંથી પશ્ચિમ બંગાળમાં ખટારા ભરીને આવેલી સુપરસ્ટાર પ્રચારકોની ટીમને પણ ઉંધે માથ પછાડી હતી. ભાજપે તૃણમૂલ કોંગ્રેસમાંથી નેતાઓ વીણી વીણીને લીધા પણ અંતે કોઈ કામમાં આવ્યું નહીં. સત્તા મમતાના હાથમાં હતી અને મમતાના હાથમાં જ રહી. મમતાની સાથે સાથે કદ વધ્યું રણનીતિકાર પ્રશાંત કિશોરનું, જેમણે દિલ્હીમાં કેજરીવાલને પણ જીત અપાવી હતી. જેમણે કહ્યું હતું કે, ‘બંગાળમાં મમતા હારે તો હું મારો ધંધો મૂકી દઉં.’

થોડા સમય પહેલા પ્રશાંત કિશોર અને મમતા બેનર્જીની મુલાકાત થઈ હતી. એવી હવા ઉડી હતી કે મમતા કેન્દ્રમાં આવવા માટે તૈયાર છે અને પ્રશાંત આ માટે એક પ્લેટફોર્મ ઘડી રહ્યા છે. બીજી બાજુ એવી વાતો પણ સામે આવી હતી કે, પ્રશાંત કોંગ્રેસમાં જઈ મરી ગયેલી પાર્ટીમાં પ્રાણ ફૂંકવાની કવાયત હાથ ધરશે. આ પહેલા એક અફવા એવી પણ ઉડી હતી કે, પ્રશાંત ગુજરાતમાં આવે છે. આજે કોઈ પણ વામન નેતાને કેન્દ્રમાં પોતાનું વિરાટ કદ કરવું હોય તો આવનારી 2022ની ચૂંટણીમાં ગુજરાત કોઈ પણ ભોગે જોતું છે. ગુજરાત ભાજપની ધોરી નસ સમાન છે, જેના પર અન્ય પાર્ટીઓ પ્રહાર કરવા માગે છે. ગુજરાત એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે વ્યક્તિ ગુજરાત વિજય કરે છે, એને પ્રધાનમંત્રી સામે 2024ની ચૂંટણીમાં બાહુબલી દાવેદાર ગણવો જ રહ્યો. કારણ કે મોદી નહીં તો કોણ? એ વોટ્સેપિયા ચર્ચાનો અંત આણવા પણ વિપક્ષી નેતાઓને ગુજરાત જોતું છે.

હવે વાત મમતાના મંથર ગતિથી ગુજરાત પ્રવેશની. અમદાવાદમાં આવેલ ગીતા મંદિર પાસેના એસડી ડેપોની અંદર મમતા બેનર્જીનું પોસ્ટર લાગ્યું છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે આજે 21 જુલાઈના રોજ મમતા બેનર્જી શહીદ દિવસ નિમિત્તે વર્ચ્યુઅલ સંબોધન કરશે. TMCના કાર્યકર્તાઓના મૃત્યુ થયા બાદ એમના સ્મરણમાં શહીદ દિવસ મનાવવામાં આવે છે.

ખાસ વાત એ છે કે આ પોસ્ટરમાં સૌથી નીચેની લાઈનમાં ગુજરાત પ્રદેશ ટીએમસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં TMCની વિચારધારામાં પૂર્ણરૂપે ઓતપ્રોત થઈ માનતો હોય તેવો વર્ગ ક્યાંય દેખાતો નથી. ને છતાં કલકત્તામાં જે શહીદ દિવસની ઉજવણી થતી હતી, તે હવે વર્ચ્યુઅલી ગુજરાતમાં થવાની છે. કોણ જોશે? મોદીને પશ્ચિમ બંગાળમાં માત આપ્યા બાદ મમતાનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે એ તો માનવું જ રહ્યું. ક્યાંક આ જ અતિ આત્મવિશ્વાસમાં તેઓ પગલું તો નથી ભરી રહ્યાં ને?

ગુજરાત સિવાય તમિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનો આમાં સમાવેશ થાય છે. જેમાંથી બે રાજ્ય એટલે ભાજપનો જમણો અને ડાબો હાથ છે. એકમાં ભાજપ મંદિરને લઈ આગળ આવ્યું અને બીજામાં વિકાસના નામે આગળ આવ્યું. આજે બપોરના બે વાગ્યે દીદી સંબોધન કરવાના છે. જોઈએ ગુજરાતને લઈ કંઈ કહે છે કે નહીં?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments