Team Chauk-Political Desk: વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશની દરેક વ્યક્તિને ચોંકાવીને રાખી દીધી હતી. ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 312 પર જીત પ્રાપ્ત કરી હતી. એડીઆરની રિપોર્ટ જણાવે છે કે આ 312 સીટ પર જે ઉમેદવારો જીત્યા તેમાંથી 235 કરોડપતિ છે. જેમાંથી એક નામ રાણી પક્ષાલિકા સિંહનું છે. આગ્રાના ભદાવર રાજકુટુંબથી સબંધ રાખનારી રાણી પક્ષાલિકા ઉત્તર પ્રદેશની સૌથી અમીર ધારાસભ્ય છે. એ આ વખતે આગ્રાની બાહ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહી છે.
સ્વતંત્રતા બાદથી રાજકારણમાં
પક્ષાલિકા આગ્રાના ભદાવર રાજકુટુંબની રાણી છે. ભદાવર રાજકુટુંબ સ્વતંત્રતા બાદથી જ ભારતની રાજનીતિમાં સક્રિય થઈ ગયું હતું. રાજપરિવારના લોકો બાહ વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરે છે. રાજપરિવાર સાથે જોડાયેલા સભ્યો અગિયાર વખત આ સીટ પરથી જીતી ચૂક્યા છે. ભદાવર રાજપરિવારના રિપુદમનસિંહે 1952માં પ્રથમ વખત ચૂંટણી લડી હતી અને ધારાસભ્ય બન્યા હતા. એ વખતે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા હતા. પછીથી જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. 1980 સુધી જનતા પાર્ટીની ટિકિટ પર વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કર્યું. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેમણે ચૂંટણી ન લડી ત્યારે બાહ સીટ પર કોંગ્રેસના ઉમેદવારે વિજય મેળવ્યો.
જ્યાં સૂર્યાસ્ત દેખાય ત્યાં રાજા અને રાણી
1989માં રાજા મહેન્દ્ર રિપુદમન સિંહના પુત્ર રાજા અરિદમન સિંહે અપક્ષ ઉમેદવાર તરીકે એન્ટ્રી મારી અને જીત પ્રાપ્ત કરી. 1991ની ચૂંટણી જનતા દળની સીટ પરથી લડી. 1996 અને 2002માં ભાજપની ટિકિટ પર જીતીને વિધાનસભા પહોંચ્યા. 2007માં રાજા અરિદમનસિંહને બસપાના ઉમેદવારની સામે પરાજય વહોરવાનો વારો આવ્યો. એ પછી તેઓ સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા. 2012માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી અને જીત્યા. આગ્રાની નવ સીટમાંથી એક માત્ર બાહ સીટ હતી જ્યાંથી સમાજવાદી પાર્ટીને જીત પ્રાપ્ત થઈ હતી. એ જ કારણે અખિલેશ યાદવની સરકારમાં રાજા અરિદમનને મંત્રી બનાવવામાં આવ્યા. ત્રણ વર્ષ સુધી મંત્રી પદ ભોગવવા દીધા બાદ તેમની પાસેથી મંત્રીપદ લઈ લેવામાં આવ્યું અને રજીસ્ટ્રેશન વિભાગ આપવામાં આવ્યો. બાદમાં મંત્રીમંડળમાંથી પણ હકાલપટ્ટી થઈ ગઈ. 2017માં રાજા અરિદમનસિંહ પોતાની પત્ની રાણી પક્ષાલિકા સિંહની સાથે ભાજપમાં સામેલ થઈ ગયા. ભાજપે પક્ષાલિકાને ટિકિટ આપી અને તે જીતી ગઈ. એટલે કે જે પક્ષનો સૂર્યાસ્ત હોય છે ત્યાં રાજા અને રાણી હોય છે.
50 લાખના હથિયાર
રાણી પક્ષાલિકા સિંહે પોતાના ઉમેદવારીપત્રમાં જણાવ્યું છે કે તેમની અને તેમના પતિની પાસે કુલ 132 હથિયાર છે. તમામ હથિયાર એન્ટિક છે. રાણીની પાસે 22 બોરની એક એનપીબી રાઈફલ, પિસ્તોલ અને ડીબીબીએલ ગન છે. પતિ રાજા અરિદમન સિંહની પાસે 12 બોરની ડીબીબીએલ ગન, એક પિસ્તોલ, એક કાર્બાઈન, 34 તલવાર, 31 ખંજર, 53 છરીઓ અને આઠ ચાકુ છે. આ મુજબ તેમના ઘરમાં કુલ 132 હથિયાર છે. હથિયારની કિંમત 50 લાખ રૂપિયા છે.
કુલ 21 બેંક ખાતા
રાજા અને રાણી પાસે 50 હજાર રૂપિયા રોકડા છે. રાણી પક્ષાલિકા, તેમના પતિ અને પરિવારની પાસે કુલ 21 બેંક ખાતા છે. જેમાંથી એકલા નવ બેંક ખાતા ફક્ત રાણી પાસે છે. જ્યારે આઠ તેમના પતિ રાજા અરિદમન અને ચાર પારિવારિક બેંક ખાતા છે. રાણી પક્ષાલિકાના નવ બેંક ખાતામાં 1.39 કરોડ રૂપિયા જમા છે તો રાજા અરિદમનના આઠ ખાતાઓમાં 68.51 લાખ રૂપિયા છે. પારિવારિક ખાતાઓમાં આશરે 30 લાખ રૂપિયા છે.
ચલ અને અચલ સંપત્તિ કેટલી?
61 વર્ષીય રાણી પક્ષાલિકાએ કૃષિ અને રોકાણના નફામાંથી મળતા પૈસાને આવકનો મુખ્ય સ્ત્રોત બતાવ્યો છે. પક્ષાલિકાએ 2021માં 4.71 લાખ રૂપિયા ટેક્સ જમા કરાવ્યો હતો. જ્યારે તેના પતિએ તો 26.30 લાખ રૂપિયા ટેક્સ ભર્યો હતો. રાજા અને રાણીની પાસે આશરે 90 લાખ રૂપિયાના ઘરેણા છે. રાણી પક્ષાલિકાની કુલ ચલ સંપત્તિ 2.23 કરોડ છે જ્યારે પતિની પાસે 1.30 કરોડની ચલ સંપત્તિ છે. રાણી પાસે પાંચ કરોડની અચલ તો પતિ પાસે 31.17 કરોડની અચલ સંપત્તિ છે. 18.27 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ પારિવારિક છે. રાજા અને રાણીની પાસે કુલ 54.44 કરોડ રૂપિયાની જમીન છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત