સુરેશ મિશ્રા: છોટાઉદેપુરથી બારીયા જવાના રસ્તે આવતા બરોજ ગામના ગોવિંદ સુરતાન રાઠવાના પરિવાર પાસે ૧૧૫ જેટલાં મહુડાના વૃક્ષોની મોંઘેરી મિલકત છે. મહુડો એ આદિવાસી સમાજ માટે દેવ વૃક્ષ છે, કલ્પ વૃક્ષ છે અને જેમની પાસે મહુડાના વૃક્ષો વધુ પ્રમાણમાં હોય એવા પરિવારનો સમાજમાં મોભો વધે છે.

અત્યારે ખેતીની મોસમ નથી પરંતુ ગોવિંદભાઈનો આખો પરિવાર વ્યસ્ત છે. કારણ કે તેમની માલિકીના મહુડા વૃક્ષો પરથી મીઠી સુગંધ અને ઊંચું પોષણ મૂલ્ય ધરાવતા ફૂલો ગરી રહ્યાં છે અને મધુ પુષ્પો અને મહુડાના ડોળી નામે ઓળખાતા ફળ ઘણાં આદિવાસી પરિવારો માટે મોસમી આવકનું સાધન બની રહે છે.

ગોવિંદભાઈ કહે છે તાસીર પ્રમાણે કેટલાક મહુડા પરથી વહેલી પરોઢના ચાર વાગે તો અન્ય મહુડાઓ પરથી સવારના ૯/૧૦ વાગ્યે ફૂલો ગરવાનું ચાલુ થાય છે. એટલે અમારા પરિવારના નાના મોટા બધાં સભ્યો આ ગરેલા ફૂલો ભેગા કરવાનું કામ કરે છે. પાનખરને લીધે બધાં પાન ખરી જાય તે પછી હોળીની આસપાસ ફૂલ બેસવા માંડે છે અને માર્ચ એપ્રિલમાં લગભગ એક મહિના સુધી ફૂલોની મોસમ રહે છે. ઝાડની તંદુરસ્તી પ્રમાણે દૈનિક ૩ થી ૨૦ કિલો ફૂલ એક મહુડો મોસમમાં આપે છે.

આ મહુડાના ફૂલો વેપારીઓ ખરીદે છે અને પરિવારો પોતાના ઉપયોગ માટે પણ રાખે છે. તેના વેચાણથી ખેતી સિવાયની મોસમમાં ટેકો થાય તેટલી આવક મળે છે. ગોવિંદ કહે છે કે ૧૦૦ મહુડા હોય એને મોસમમાં ફૂલોના વેચાણથી અંદાજે ૨ થી અઢી લાખની આવક મળે છે.
ફૂલો ખરી જાય તે પછી મહુડા પર ફળ લાગે છે જે ડોળી તરીકે ઓળખાય છે. આ ફળ તેલીબિયાંની ગરજ સારે છે. જૂન મહિનામાં વરસાદ આવે ત્યાં સુધી ડોળી ખરે છે. આ ડોળીમાંથી શુદ્ધ ખાદ્યતેલ મળે છે જેને કેટલાક લોકો ડોળીના ઘી તરીકે પણ ઓળખે છે. ડોળીને સૂકવીને, દળીને, બાફીને આદિવાસી પરિવારો રસાયણોના ઉપયોગ વગર તેલ કાઢે છે. ઘણાં હવે ઘાણીમાં પિલાવી ઘર વપરાશ માટે તેલ કાઢે છે. ડોળીનો ખોળ પશુ રોગોના ઉપચારમાં વપરાય છે અને સાબુના કારખાનેદારો પણ તેને ખરીદે છે.

આમ, એક મહુડો આદિવાસી કુટુંબને વિવિધ રીતે આર્થિક આધાર આપે છે, તેનું બજેટ સરભર રાખે છે. પ્રત્યેક કુટુંબને ઓછી વત્તી સંખ્યામાં મહુડાના ઝાડનો વારસો મળે છે. આદિવાસી દેવ પૂજન અને સામાજિક પરંપરામાં મહુડાના ફૂલ, ડોળીયું અને અન્ય પેદાશો ઉપયોગમાં લેવાય છે.આ દેવ વૃક્ષ હોવાથી એને કાપતાં નથી એટલે આજે આ વૃક્ષો સારા પ્રમાણમાં સચવાયા છે.

મહુડા પરથી ખરેલા ફૂલ ફક્ત માલિક પરિવાર જ ચુંટી શકે પરંતુ જ્યારે ડોળી ખરે ત્યારે એ ડોળી કોઈપણ વીણી શકે એવી વણ લિખિત પરંપરા હોવાનું ગોવિંદભાઈ જણાવે છે. ગામ પટેલનું કહેવું છે કે વનસ્પતિ અને વૃક્ષોને અમારા બાપ દાદા પૂજતા હતા, અત્યારે અમે પૂજીએ છે અને અમારી પેઢીઓ ને વારસામાં આ વૃક્ષ પૂજા મળશે. મહુડાનો રોપ અંદાજે દશેક વર્ષે પુખ્ત થઈને ઝાડ બને પછી ફૂલ અને ફળ મળવાના ચાલુ થાય છે અને પેઢીઓ સુધી પરિવારને તેનો લાભ મળે છે.ઘર,ખેતરના જેમ ભાગ પડે તેમ કુટુંબની માલિકીના મહુડાના ઝાડના ભાગ પડે છે. આ દેવ વૃક્ષ આદિવાસી સમાજની આસ્થા અને કેટલાક અંશે અર્થ વ્યવસ્થાનો આધાર.

મહુડાના રોપા નર્સરીમાં ઉછેરે છે
છોટાઉદેપુરમાં વન વિભાગના આરક્ષિત જંગલો આવેલાં છે. કેવડીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા જણાવે છે કે આરક્ષિત વન વિસ્તારમાં વાવેતર અને ઉછેર માટે અમારી વિવિધ રેંજોની નર્સરીઓમાં અન્ય પ્રજાતિઓની સાથે મહુડાના રોપા ઉછેરવામાં આવે છે. આ રોપા આદિવાસી ખેડૂતોને પણ મર્યાદિત પ્રમાણમાં આપવામાં આવે છે. આ વિસ્તારમાં લોક માલિકીના અને જંગલ વિભાગની માલિકીના મહુડાના વૃક્ષો છે. એમનો અંદાજ છે કે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે દશ હજાર કરતાં વધુ મહુડા હોવા જોઈએ. વન વિભાગની નર્સરીઓમાં દર વર્ષે ૩૦ હજાર થી વધુ રોપા ઉછેરવામાં આવે છે. મહુડાના ફૂલોનો વેપાર વન વિકાસ નિગમ દ્વારા નિયંત્રિત છે. નવા સુધારા પ્રમાણે આ ગૌણ વન પેદાશ હવે નિગમને આપવાની સાથે વેપારીઓને વેચી શકાય છે. નિરંજનભાઈના અંદાજ મુજબ મહુડાના ફૂલનો આ જિલ્લામાં મોસમી વાર્ષિક વેપાર ત્રણથી ચાર કરોડનો ગણી શકાય. આ વિસ્તારમાં મહુડાના ઝાડ ઘણાં છે એટલે ખરેલી ડોળીઓથી નવા વૃક્ષો કુદરતી રીતે પણ વિકસે છે.
(લેખન સુરેશ મિશ્રા અને તસવીરો હાર્દિક પરમાર. ગુજરાત સરકાર માહિતી વિભાગ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત