Team Chabuk-Political Desk: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં જ રાજ્યના મુખ્યમંત્રી (chief minister) પદેથી વિજય રૂપાણીએ (vijay rupani) રાજીનામું (resign) આપી દીધું છે. આજે વિજય રૂપાણીએ ત્રણ વાગ્યાની આસપાસ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આમ અચાનક મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ અનેક અટકળો તેજ થઈ ગઈ છે. જો કે નવા મુખ્યમંત્રીની પસંદગી ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રી પદનો કાર્યભાર વિજય રૂપાણી સંભાળશે.
રાજીનામુ આપ્યા બાદ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં વિજય રૂપાણીએ પાર્ટીનો આભાર માનતા કહ્યું હતું કે, પાર્ટી તરફથી જે જવાબદારી મળશે તેને હું નિભાવીશ. મેં સંગઠનમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. મને જે જવાબદારી સોંપવામાં આવશે તેને નિભાવીશ. મને સમગ્ર ગુજરાતની જનતાનો સારો સહયોગ મળ્યો છે. આગામી સમયમાં જે જવાબદારી મળશે તેનો સ્વીકાર કરીશ. નવા નવા નેતૃત્વ ભાજપ જ આપી શકે છે. આ રીલે રેસ છે, બધા દોડતા જાય છે અને આગળ વધે છે. મેં મારી રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને તેમના ચહેરા પર જ ગુજરાતની ચૂંટણી લડવામાં આવશે. સંગઠન અમારા માટે સર્વોપરી છે અને સંગઠન સાથે કોઈ મનભેદ નથી. પાંચ વર્ષમાં પેટાચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષને મોટી સફળતા મળી છે. મને તક આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર.
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતાં જ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આવતીકાલે રવિવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળવા જઈ રહી છે. ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા આદેશ આપી દેવાયા છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પણ જણાવ્યું છે કે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે કે નવા મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરશે. પાર્ટીનો નિર્ણય માન્ય રહેશે.
મુખ્યમંત્રીની રેસમાં આ નામ ચર્ચામાં
વિજય રૂપાણી બાદ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ તે અંગે અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે. મુખ્યમંત્રીની રેસમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ચાલી રહ્યું છે. સાથે જ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાના નામની પણ ચર્ચા ચાલી રહી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં છે. આ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત