Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ -17- શશિપ્રભા કોની પત્ની ?

વિક્રમ અને વેતાલ : પ્રકરણ -17- શશિપ્રભા કોની પત્ની ?

Team Chabuk : નેપાળ દેશમાં શિવપુરી નામનું એક નગર હતું. જેમાં યશકેતુ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને ચંદ્રપ્રભા નામની રાણી અને શશિપ્રભા નામની દીકરી હતી.

રાજકુમારી મોટી થઈ તો એક દિવસ વસંત ઉત્સવ જોવા માટે બગીચામાં ગઈ. ત્યાં એક બ્રાહ્મણ પુત્ર પણ આવેલો હતો. બંનેએ એકબીજાને જોયા અને તારામૈત્રક થઈ ગયો.

હજુયે બેઉં એકબીજાની સામે આંખ મટકાવ્યા વિના જોતા જ હતા ને ત્યાં પાગલ હાથી દોડતો આવ્યો. બ્રાહ્મણપુત્રએ વીરતા બતાવતા રાજકુમારી શશિપ્રભાને ઉઠાવી દૂર લઈ ગયો અને તેના પ્રાણોની રક્ષા કરી. રાજકુમારી તેની વીરતાથી પણ અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થઈ. સમય થયો અને વસંત ઉત્સવ છોડીને શશિપ્રભા મહેલમાં ચાલી ગઈ. રાતે ઉંઘ ન આવી. શરીરમાં બેચેની થતી હતી અને મગજમાં બ્રાહ્મણપુત્ર છવાયેલો હતો. એ કોઈ કાળે તેના મગજમાંથી ખસી નહોતો રહ્યો.

રાજકુમારી શશિપ્રભા જ નહીં પણ પ્રેમમાં, પાગલ હાથી જેવો તો બ્રાહ્મણપુત્ર પણ થઈ ગયો હતો. તેના મન-મસ્તિષ્ક પર શશિપ્રભાએ કાબુ લઈ લીધો હતો. તેનાથી વધારે રહેવાયું નહીં. એ એક સિદ્ધ-ગુરૂ પાસે પહોંચ્યો અને શશિપ્રભાને લઈ પોતાની ઈચ્છા તેમની સમક્ષ રાખી દીધી. ગુરૂએ એક યોગ-ગુટિકા પોતાના મુખમાં રાખી દીધી અને બ્રાહ્મણનું રૂપ ધારણ કરી લીધું અને બીજી ગુટિકા બ્રાહ્મણપુત્રના મુખમાં રાખી દીધી. જેની દિવ્યતાથી તે છોકરી બની ગયો.

રૂપ ધારણ કરી રાજા પાસે જઈ સિદ્ધગુરૂ બોલ્યા, ‘મારો એક જ પુત્ર છે. તેના માટે હું આ સુંદર છોકરીને લાવ્યો હતો. પણ ખબર નહીં મારો પુત્ર ક્યાં ચાલ્યો ગયો. આપ કૃપા કરીને આને અહીં રાખી લો, ત્યાં સુધીમાં હું મારા પુત્રને શોધી આવું છું. મારો પુત્ર મળી જશે એટલું હું આને પરત લઈ જઈશ.’

સિદ્ધગુરૂ તો પોતાના રસ્તે ચાલ્યા ગયા. છોકરીના વેશમાં છોકરો રાજકુમારીની પાસે રહેવા લાગ્યો. ધીમે ધીમે બંને વચ્ચે સ્નેહ થઈ ગયો.

એક દિવસ રાજકુમારી એ કહ્યું, ‘મારું હ્રદય ખૂબ જ દુ:ખી છે. એક બ્રાહ્મણપુત્રએ પાગલ હાથીથી મારા જીવની રક્ષા કરી છે. એ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને. મારું મન તેને યાદ કરી રહ્યું છે. મારું હ્રદય તેની યાદમાં રડી રહ્યું છે.’

રાજકુમારીના મોઢે આ સાંભળ્યા પછી બ્રાહ્મણપુત્રએ પોતાના મોઢામાં રહેલી ગુટિકા કાઢી નાખી. એ છોકરીમાંથી છોકરો બની ગયો. રાજકુમારી તો આ જાદુ જોઈ આશ્ચર્યચકિત્ત અને બ્રાહ્મણપુત્રને જોઈ આનંદિત થઈ ગઈ. ત્યારથી રોજ રાતે બ્રાહ્મણપુત્ર મોઢામાંથી ગુટિકા કાઢીને છોકરો બની જતો અને રાજકુમારી સાથે સમય વિતાવતો. ધીમે ધીમે પ્રેમ ગાઢ બનતો ગયો. મહારાજાને ખબર ન પડે એ રીતે આ પ્રેમને કંઈક નામ આપવા બંનેએ ચોરી છૂપે વિવાહ કરી લીધા.

રાજકુમારી અને બ્રાહ્મણપુત્રના વિવાહ થયાના થોડા સમય પછી. રાજાના સાળાની કન્યા મૃગાંકદત્તાના વિવાહ દિવાનના દીકરા સાથે કરવાનું નક્કી થયું. રાજકુમારી પોતાના કન્યારૂપ ધારી બ્રાહ્મણ મિત્રની સાથે ત્યાં પહોંચી. જે હવે તેનો પતિ થતો હતો. દિવાનનો પુત્ર એ બનાવટી કન્યા પર મોહિત થઈ ગયો. વિવાહ થયા પછી મૃગાંકદત્તાને ઘરે તો લાવ્યો પણ તેનું હ્રદય બ્રાહ્મણપુત્રના કન્યા રૂપ પર મોહિત થઈ ગયું હતું.

તેની આ દશા જોઈને દિવાન હેરાન રહેવા લાગ્યો. તેણે રાજાને સમાચાર મોકલ્યા. સમાચાર વાંચતા જ રાજા દંગ થઈ ગયો. ધરોહરના રૂપે મુકેલી કન્યાને સાળાના દીકરાને કેવી રીતે આપી દેવી ? એ તો બ્રાહ્મણ કન્યા છે. કાલ સવારે બ્રાહ્મણ આવી અને માગશે તો હું શું જવાબ આપીશ. બીજી બાજુ રાજાની મુશ્કેલી એ હતી કે કન્યા આપવામાં ન આવે તો દીવાનનો પુત્ર આત્મહત્યા કરી મોતને મીઠું કરી લે.

રાજાએ અથાગ વિચાર કર્યો. ખૂબ વિચાર કર્યા પછી રાજાએ કન્યા અને દિવાનના પુત્રના વિવાહ કરાવી દીધા. બનાવટી કન્યાએ રાજાની સામે શરત રાખી હતી. શરત કંઈક એવી હતી કે, તેનો આ પતિ છ મહિના સુધી તીર્થયાત્રા કરશે અને પછી જ તેની આ બીજી પત્ની તેની સાથે વાત કરશે, કારણ કે તેને તો કોઈ બીજા પુરુષ માટે લાવવામાં આવી હતી અને અભાગણને આ ભટકાઈ ગયો.

દિવાનના છોકરાએ તો ઉતાવળમાં શરત માની લીધી. તેનો તો બસ આ કન્યા જ જોતી હતી.

વિવાહ થયા એ પછી તે તેને પોતાની પ્રથમ પત્ની મૃગાંકદત્તાની પાસે છોડી તીર્થયાત્રા પર ચાલ્યો ગયો. પ્રથમ પત્ની મૃગાંકદત્તાની સામે બનાવટી કન્યાનો ભેદ ખુલી ગયો. મૃગાંકદત્તા તો આ ભેદ જાણીને ખુશ થઈ ગઈ કે આ તો છોકરો છે છોકરી નહીં. પતિના વિરહમાં તેને પુરુષની આવશ્યકતા હતી. જે બ્રાહ્મણપુત્રએ પૂર્ણ કરી. હવે દિવસે એ છોકરી બની અને રાતે એ છોકરો બનીને રહેતો હતો.

જ્યારે છ મહિના પૂર્ણ થવા આવ્યા ત્યારે તે મૃગાંકદત્તાને લઈ ભાગી ગયો. બીજી બાજુ સિદ્ધ-ગુરૂ એક છોકરાને લઈ રાજા યશકેતુના દરબારમાં આવ્યા અને બોલ્યા, ‘મહારાજ હવે મને કન્યા આપો, મારો પુત્ર મળી ગયો છે. આનું નામ દિનકર છે.’ રાજાના ભેજાની આજુબાજુ બત્રીસ દીવા ઝગમગવા લાગ્યા. એ તો ડરી ગયો કે સિદ્ધયોગીપુરૂષ નહીં ને શ્રાપ આપી દેશે તો લેવાના દેવા થઈ જશે.

તેણે યોગીને વિનંતી કરતા કહ્યું, ‘એ કન્યા તો ભાગી ગઈ છે. તમે એક કામ કરો. આપના પુત્રના વિવાહ મારી છોકરી સાથે કરી દો.’

એ તો રાજીના રેડ થઈ ગયો. રાજકુમારીના વિવાહ સિદ્ધપુરુષ સાથે આવેલા યુવક દિનકરની સાથે કરી દેવામાં આવ્યા. દિનકર ઘરે શશિપ્રભાને લઈ આવ્યો તો ત્યાં પેલો બ્રાહ્મણપુત્ર પણ હતો જે મૃગાંકદત્તાની સાથે ભાગેલો. શશિપ્રભાના ગળામાં વરમાળા જોઈ તે ક્રોધાવેશમાં બોલ્યો, ‘આ રાજકુમારી મારી પત્ની છે. મેં તેની સાથે ગંધર્વ રિતી રિવાજ મુજબ વિવાહ કર્યા છે.’

સામે દિનકર ક્યાં માનવાનો હતો. એ તો તાડુક્યો, ‘આ મારી પત્ની છે, કારણ કે મેં સૌની આંખોની સામે વિધિપૂર્વક આની સાથે વિવાહ કર્યા છે.’

એ બે લડી પડ્યા અને વેતાલે વિક્રમને પૂછ્યું, ‘તો વીર રાજા વિક્રમ બતાવ કે શશિપ્રભા કોની પત્ની થઈ કહેવાય ?’

રાજાએ કહ્યું, ‘મારા મત પ્રમાણે તો એ દિનકરની પત્ની છે, કારણ કે તેણે સૌની સામે વિધિપૂર્વક તેની સાથે લગ્ન કર્યા છે. બ્રાહ્મણ કુમારે તો ચોરીથી વિવાહ કર્યા હતા. ચોરીની વસ્તુ પર ચોરનો અધિકાર નથી હોતો. સાથે જ તેણે પોતાની ભોગવિલાસિતાના કારણે શશિપ્રભા અને મૃગાંકદત્તા બંનેને દગો આપ્યો છે.’

રાજા જવાબ આપી પોતાના ખભા પર હાથ મુકવા ગયો કે વેતાલને આ વખતે તો સિદ્ધવડ પર ન જ જવા દઉં. જોકે ખૂબ મોડું થઈ ગયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments