Team Chabuk : યોગી પાસે લઈ જવા માટે વિક્રમે વેતાલને ખભે ચડાવ્યો. વેતાલ તો હસતો જ હતો. દરેક વાર્તા બાદ તેનું હાસ્ય વધારે રહસ્યમયી અને ભયાનક થઈ જતું હતું. રાજા વેતાલને ખભા પર લાદીને લઈ જવા લાગ્યો. વેતાલે કહ્યું, ‘વિક્રમાદિત્ય. સૂર્યની પણ ઉગવા અને આથમવાની એક અવધિ હોય છે. ચંદ્રની પૂર્ણરૂપે ખીલવાની અવધિ હોય છે. પુષ્પના ખીલવાની અને કરમાવાની પણ અવધિ હોય છે. મનુષ્યના જીવન અને મરણની પણ એક અવધિ હોય છે, પણ એક તારા હઠની અવધિ નથી. કેટલી વખત તું મારો પીછો કરીશ ? તું પણ જ્ઞાની અને હું પણ જ્ઞાની. જ્ઞાનીઓને માર્ગમાં ચૂપ રહેવું શોભા નથી દેતું. ચાલ તને એક વાર્તા સંભળાવું.’
ગૌડ દેશનો રાજા ગુણશેખર ખૂબ જ પ્રતાપી હતો. તેની કીર્તિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. ગુણશેખરની ચાર દીકરીઓ હતી. એ ચારે એટલી નાજૂક અને કોમળ હતી કે કોઈ કોઈ વખત તો રાજા પણ ચિંતિત થઈ જતા હતા.
જે સૌથી મોટી હતી તેની સ્થિતિ એવી હતી કે ચાંદની રાતનો આંખોને ટાઢક આપતો પ્રકાશ તેના દેહમાં પડી જાય તો પણ તેને ફડફોલા થઈ જાય.
બીજી છોકરીને જો ગુલાબની પાંખડીથી પણ મારવામાં આવે તો તેને શરીરના અંગની એ જગ્યાએ લોહીની ટશર ફૂટી જાય.
ત્રીજી રાજકુમારી તો એટલી કોમળ હતી કે જો કોઈ તેની સામે જરા અમથું પણ બોલી લે તો તેના અવાજ માત્રથી તે બેભાન થઈ જાય. અને રહી વાત સૌથી નાની રાજકુમારીની. તેની સ્થિતિ તેની ત્રણે બહેનો જેવી જ હતી પણ તેનામાં એક ગુણ હતો. એ કોઈ ભીખારી કે ગરીબને જોઈ લેતી તો તેનાથી રહી ન શકાતું. એ કંઈક ને કંઈક દાન કરી દેતી હતી.
આ ચારે રાજકુમારીઓની કોમળતા વિશે જે પણ સાંભળતું એ આશ્ચર્યચકિત થઈ જતું. કન્યાઓ મોટી થતી ગઈ અને રાજાને તેના વિવાહની ચિંતા ઘેરી વળવા લાગી. ઘણા રાજકુમારો તેની સાથે વિવાહ કરવા ઈચ્છુંક હતા. મહારાજા મહેલમાં એકલા પડતા ત્યારે વિચારતા હતા કે જો આ કન્યાઓના વિવાહ કરી દેવામાં આવે તો પણ આ કઠોર સંસારમાં તેઓ જીવી શકશે?
પહેલી રાજકુમારીને હંમેશાં છાયામાં રાખવામાં આવતી હતી. બીજી રાજકુમારીને ખૂબ નરમ, હલ્કા વસ્ત્રો અને ઘરેણા આપવામાં આવતા હતા. છતાં તેને વજન મહેસૂસ થતો હતો. અને ત્રીજીની સામે બોલવું તો દૂર પગનો અવાજ પણ કરવામાં ન આવતો.
વેતાલ તો આટલી નાની અમથી કથા સંભળાવીને શાંત થઈ ગયો. થોડી ક્ષણો પછી તેણે પૂછ્યું, ‘મહારાજ બતાવો. આ ચારે રાજકુમારીમાં સૌથી વધારે કોમળ કોણ ?’
વિક્રમ ચૂપ રહ્યો.
વેતાલ ફરી બોલ્યો, ‘વિક્રમ જો તું પ્રશ્નનો ઉત્તર જાણતો હોવા છતાં મૌન રહ્યો, તો હું યોગબળ દ્વારા તારા માથાને ધડથી અલગ કરી નાખીશ. બોલ….’ વેતાલ પહેલી વખત હસવાની જગ્યાએ ખૂબ ક્રોધિત થઈ ગયો હતો.
વિક્રમને બોલવું નહોતું પણ તે મજબૂર હતો. એ બોલ્યો, ‘વેતાલ જો કોમળતાની જ વાત કરવામાં આવે તો શરીરની કોમળતાથી વધારે મનની કોમળતાનું મહત્વ રહેલું છે. એ ચારેમાં સૌથી નાની રાજકુમારી હતી જેની પાસે શારીરિકની સાથે સાથે મનની કોમળતા પણ હતી. ગરીબો અને ભીખારીઓને દાન કરતી હતી. તેમના દુ:ખમાં સહભાગી બનતી હતી.’
વેતાલને તો રાજા પાસે બોલાવવું જ હતું. રાજાએ આટલું કહ્યું અને વેતાલ તેના ખભા પરથી ઊડી ગયો. રાજા ફરી સિદ્ધવડ પર ગયો. વેતાલ ઉલટો લટકતો હતો. તેણે મહામહેનતે વેતાલને ઝાડ પરથી નીચે ઉતાર્યો અને ખભા પર નાખ્યો. ખભા પર બેસેલા વેતાલે વાળ હટાવ્યા અને સ્મિત કર્યું. સ્મશાનની પશ્ચિમ બાજુથી શિયાળના રડવાનો અવાજ આવવા લાગ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત